બે સૂર .

- વિકાસ રાજપોપટ
- સાગરને સ્ટેજ પર એને મળેલા એવોર્ડની ખુશી વ્યક્ત કરવાની હતી અને સ્ટેજ પર જઈને એ ઊભો રહી ગયો. એની અંદર લાંબો સંવાદ ચાલ્યો પણ વ્યક્ત ના થયો
સં ગીતના ક્ષેત્રમાં હોવાથી એનું જીવન મધુર નહોતું. ક્યાંકને ક્યાંક જીવનનો કોઇકને કોઇક તાર એના લયમાં વાગતો નહોતો એટલે અંતે એણે દિવસોના દિવસો સુધી પોતાને નજરકેદ રાખ્યા પછી ફોન ચાલુ કરીને અવનીને લગાડી જ દીધો.
ફોન ઉઠાવતાની સાથે જ અવનીએ ફરીયાદ કરી: 'તને આ થઇ શું જાય છે?' સવાલની સાથે જ સાગર ઊંડા પેટાળમાંથી ફેંકાઇને સપાટી પર આવ્યો. તેની ગ્લાની અદ્રશ્ય થઈ ગઈ. સાગર હવે ફરીથી તરોતાજા સાગર હતો. એ બોલ્યો, 'છોડને એ બધું. તને તો ખબર છે ને કે મને આવા દિલના દોરાની જેમ દિમાગના દોરા પડતા હોય છે. સાંજે સેફરન ચા પીએ?'
અવની માટે વહી ગયેલી હર પળ એક યુગ બની જતી હોય અને કંઈ ક્યારેય થયું જ ના હોય, ક્યારેય કોઈ વાત બગડી જ ના હોય કે બની જ ના હોય એમ સહજતા તેને ઘેરી વળતી. એણે તરત જ જવાબ આપ્યો 'અફ કોર્સ. ઘણા દિવસથી સેફરનની ચા મેં પણ પીધી નથી.'
***
આજે આટલા વર્ષો પછી તે વડોદરા આવ્યો છે. સેફરન પર જઈને એકલો બેઠો ત્યારે તેને એક દસકા પહેલા બનેલી બધી ઘટનાઓ પુરપાટ વેગે ફરી જીવંત થતી લાગી. હા તે સાંજે પોતે અવનીને મળવા ગયેલો. અવની ભૂલી ગયેલી કે સાગર ઘણા દિવસથી પોતાનો ફોન બંધ કરીને રૂમમાં પુરાઈને બેસી રહેલો. પણ એણે રાહ જોયેલી કે અવની એને પુછે કે એને શું થયેલું. અવનીએ કોઇક વાત નીકળતા એને ચીટયો ભરીને પુછેલું પણ ખરા: 'થયું તું શું?' અને સાગરની માત્ર ઇચ્છા હતી કે અવની પુછે. બસ એટલું જ. એને ક્યાં જવાબ આપવો હતો, એની પાસે ક્યાં જવાબ હતો? સાગર ફરી પાછો એના શહેર જૂનાગઢ ગયો. વડોદરાની એની બિઝનેસ ટ્રીપ કેટલી સફળ રહી એ એને ખબર નહોતી પણ જીવન ટ્રીપ સફળ રહી હતી કારણ કે એને પરત આવ્યાના માત્ર બે દિવસમાં જ એક નિર્ણય પર આવવું પડે એવી પરિસ્થિતિ હતી. એના મ્યુઝિક મેલોઝનો એક સાથી અને એનો ખાસ મિત્ર ધંધામાં ભાગીદાર થયા પછી સતત એની વિરૂધ્ધમાં લોકોની પાસે ઝેર ઓકવાનું કામ કરતો હતો. મિત્રતા સાગર માટે ટોક્સિક બની ચૂકી હતી.
સાગરે જે નિર્ણય લેવાનો હતો એ નિર્ણય એણે લીધો કે ગમા-અણગમાથી પર સબંધનું મહત્ત્વ છે. એકબીજાની સાથે એકબીજાના રાજી-ખુશીથી જોડાયા હતા એ વાતનું મહત્વ છે અને એટલે જ જોડાવા માટે જેમ બન્ને વ્યક્તિઓની રજા જોઈએ તેમ છુટા પડવા માટે પણ બે વ્યક્તિઓની રજા જોઈએ. સાગરે એ રજા ના આપી અને એટલે જ મ્યુઝિક મેલોઝનો એનો સાથી એટલે કે મિલન અને સાગર બન્ને એમણે બનાવેલી ધુનને શ્રેષ્ઠ સંગીતનો એવોર્ડ પ્રાપ્ત થયો તે લેવા મુંબઈ જઈ શક્યા.
સાગરને સ્ટેજ પર એને મળેલા એવોર્ડની ખુશી વ્યક્ત કરવાની હતી અને સ્ટેજ પર જઈને એ ઊભો રહી ગયો. એની અંદર લાંબો સંવાદ ચાલ્યો પણ વ્યક્ત ના થયો. ૨-૩ મિનિટના મૌન બાદ એ બોલ્યો: 'થેંક્યુ!' આ 'થેંક્યુ' એવોર્ડ આપનારને, એના આયોજકને કે એને વધાવતા પ્રેક્ષકોને નહોતું. એ થેંક્યુ એણે અવનીને કહેલું.
અવની સાગરને મળી એ પહેલાં મયંકની ક્લાસમેટ હતી. બન્ને વચ્ચે મિત્રતા થઈ અને મિત્રતા પ્રેમમાં પરિણમી. મંયક પોતાની કરિયર શરૂ કરવા માટે વડોદરાથી દિલ્હી ચાલ્યો ગયો અને અવની વડોદરામાં જ રહીને ઉચ્ચ અભ્યાસ કરવા લાગી જ્યાં તેને સાગર મળ્યો. સાગર અને અવનીની મિત્રતા થઈ અને સાગર માટે એ મિત્રતા પ્રેમમાં પરિણમી. અવની પોતાની બધી જ વાત સાગરને શેર કરતી જેમાં એણે એ પણ શેર કરેલું કે મયંકથી એને શું શું ફરિયાદો છે. સાગરને લાગતું કે આ ફરિયાદો હોય તો અવનીએ મયંકને છોડી દેવો જોઈએ. એક તરફ ફરિયાદ અને એક તરફ પ્રેમ એ બંને કેમ સાથે પાંગરી શકે એવું સાગરને લાગતું. સાગર આવું વિચાર્યા કરતો હોવા છતાં ક્યારેક અવનીને કહી ના શક્યો અને એ પણ ના કહી શક્યો કે તે અવનીને કેટલો પ્રેમ કરે છે.
સમય જતા એણે જોયું કે પોતે અવનીને ખુબ જ ચાહતો હોવા છતાં એને પણ અવનીથી ફરિયાદો છે. પહેલી ફરિયાદ એ હતી કે તે શા માટે મયંકને છોડી નથી દેતી. અને આ સમજતાની સાથે જ તેને સમજાયું કે બે સૂર અલગ-અલગ જ રહેવાના અને એ સૂર સાથે મળીને સંગીત પણ ઉત્પન્ન કરે છે. ભલે બંને રહ્યા ભિન્ન. આ સમજની સાથે જ સાગરે જીવનને આગળ ધપાવ્યું. મ્યુઝિક મેલોઝના એના સાથીને એની વિરૂદ્ધ હોવા છતાં છોડવાની પહેલ ના કરી અને એ સાથ જ અંતે સાર્થક સિદ્ધ થયો.








