Magazines

અંગત જિંદગીના તોફાનો ક્યારેય નીરુ ઢાંડા શૂટરની એકાગ્રતાને ડગાવી ન શક્યા

By GS Team
11 Oct 20266 mins read
અંગત જિંદગીના તોફાનો ક્યારેય નીરુ ઢાંડા શૂટરની એકાગ્રતાને ડગાવી ન શક્યા
  • Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
  • ગરીબી રેખાની નીચે જીવતા પરિવારની પુત્રી નીરુએ જાપાન એશિયન ગેમ્સમાં નિશાનેબાજીની સ્પર્ધામાં બેવડા સુવર્ણચંદ્રકો જીતવાની સાથે પોતાની ઓળખ ઉભી કરી

સ ફર મેં ધૂપ ભી હોગી, ચલ સકો તો ચલો, સભી હૈ ભીડ મેં તુમ ભી નિકલ સકો તો ચલો - કશુંક પામી લેવાના સ્વપ્ન સાકાર કરવા માટેનો ઈરાદો તો દ્રઢ હોય તો પછી સફરમાં આવતા પડકારોનો સામનો કરવાની તૈયારી રાખવી જ પડે. દરેકની રાહમાં પડકારો અલગ-અલગ સ્વરુપમાં પ્રગટ થતા હોય છે, પણ તેના વિના કોઈ પણ સફર પુરી થઈ શકતી નથી. નીદા ફાઝલીના શબ્દો સ્વપ્નની આલ્હાદ્ક સિદ્ધિ સુધી પહોંચવાના પડકારો તરફ નિર્દેશ કરે છે. દરેક પડકાર, સ્વપ્નને હાંસલ કરવાના ઈરાદાના દ્રઢતાની સાથે તેની કઠિનમાં કઠિન કસોટીનો સામનો કરવાની તૈયારીની ચકાસણી કરે છે.જ્યારે ખેલાડીમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ પ્રયાસો જારી રાખવાનું ઝનૂન જાગી જાય છે, ત્યારે તેને ચેમ્પિયન બનતા કોઈ અટકાવી શકતું નથી. આ સમયે આર્થિકથી લઈને સામાજિક વિઘ્નો પણ સાવ વામણા પૂૂરવાર થતાં હોય છે.
જાપાનના નાગોયા શહેર અને આઈચી પ્રિફેક્ચરમાં પુરી થયેલી ૨૦મી એેશિયન ગેમ્સમાં ભારતની ૨૬ વર્ષની મહિલા નિશાનેબાજ નીરુ ઢાંડાએ ટ્રેપ શૂટિંગની સ્પર્ધામાં અસાધારણ દેખાવ કરતાં વ્યક્તિગત અને મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતાં આખા દેશનું ધ્યાન આકર્ષિત કર્યું હતુ. ભારતીય ખેલાડીઓનો દેખાવ એશિયાડ તરીકે ઓળખાતી એશિયન ગેમ્સમાં ગત આવૃત્તિ કરતાં આ વખતે ઉતરતો રહ્યો. તેમાં સુવર્ણ ચંદ્રકોનો ઈતંજાર કરી રહેલા ભારતીય ચાહકો માટે નીરુનો દેખાવ સુવર્ણમયી આશ્ચર્ય સમાન સાબિત થયો. નીરુ એશિયન ગેમ્સ ૨૦૨૬માં વ્યક્તિગત સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતનારી ભારતની પ્રથમ ખેલાડી બની હતી. તેણે મહિલાઓની ટ્રેપ ઈવેન્ટમાં ધાર્યા નિશાન પાર પાડયા હતા.
ખરા સમયે જ જબરજસ્ત આત્મવિશ્વાસ સાથેનો દેખાવ કરનારી નીરુએ સુવર્ણચંદ્રક જીતવાની સાથે ટીમ સ્પર્ધામાં આશિમા અહ્લાવત અને મનીષા કીરની જોડે ટીમ ઈવેન્ટમાં પણ રજત સફળતા મેળવી બતાવી હતી. જ્યારે આ પછી યોજાયેલી મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં નીરુ અને કિનાન ચેનાઈની જોડીએ પણ સુવર્ણ ચંદ્રક જીતવામાં સફળતા મેળવી. નીરુના આ બંને સુવર્ણ ભારતને મહિલા અને મિક્સ ેટ્રેપ શૂટિંગના ઈતિહાસમાં મળેલા એશિયન ગેમ્સના સૌપ્રથમ સુવર્ણચંદ્રકો છે. નીરુ જ્યારે જાપાન એશિયન ગેમ્સ માટે રવાના થઈ ત્યારે રમત ચાહકોથી લઈને મીડિયામાં ચારેબાજુ ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકર સહિતના હાઈપ્રોફાઈલ ખેલાડીઓ જ છવાયેલા રહ્યા હતા, પણ આ મોટા નામ તેમના પર પસંદગીકારો અને ચાહકોના ભરોસા પર ખરાં ઉતરી ન શક્યા. જ્યારે નીરુએ ચુપકિદી સાથે સ્પોટલાઈટ હેઠળ સ્થાન મેળવીને સાબિત કર્યું કે, દરેક સ્પર્ધા નવા ચેમ્પિયન ખેલાડીને દુનિયાની સામે ઉદ્ધાટિત કરે છે.
ભારતીય સૈન્યમાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતી નીરુની પ્રતિભાને એશિયન ગેમ્સની સફળતાએ આગવો ચમકારો અપાવતા દેશભરમાં ઓળખ અપાવી. ટ્રેપ શૂટિંગએ આસાન રમત નથી. તેમા ખેલાડીની એકાગ્રતાની સાથે સમયસૂૂચકતા અને ઘડીના છઠ્ઠા ભાગમાં નિર્ણય લઈને તે અનુસાર ટ્રીગર દબાવવાની કુશળતાની કસોટી કરે છે. ખુલ્લા મેદાનમાં યોજાતી આ ઈવેન્ટમાં ચોક્કસ ઉંચાઈથી હવામાં ફેંકવામાં આવેલા બે ટાર્ગેટને શૂટરે વિંધી નાંખવાના હોય છે. એક શૂટરને બેે વખત નિશાન લેવાની એટલે કુલ ચાર ટાર્ગેટને વિંધવાની તક મળે છેે અને આવા કુલ મળીને ૧૦ થી ૧૬ પ્રયાસોના અંતે વિજેતાનો ફેંસલો થતો હોય છે. આ કારણે ખેલાડીએ એકાગ્રતા જાળવી રાખવાની હોય છે અને તેનો વારો પુરો થયા બાદ ફરી તક મળે તેનો ઈંતજાર કરવાનો હોય છે, કારણ કે સ્પર્ધામાં એક ખેલાડીને ચાર ટાર્ગેટ વિંધવાની તક મળે છે અને ત્યાર બાદ બીજા હરિફનો વારો આવે છે. આ પછી રાઉન્ડ પુરો થાય ત્યારે ફરી બધાને વારાફરતી તક મળતી રહે છેે.
નીરુએ આ મુશ્કેલ નિશાનેબાજીમાં પોતાની એકાગ્રતા અને સમયસૂચકતા જાળવી રાખતાં એશિયન ગેમ્સમાં ભારતને બે સુવર્ણ અને એક રજત ચંદ્રક અપાવ્યો હતો. તેની પ્રતિભાનો ચમકારો છેલ્લા બે વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહ્યો છે, પણ એશિયન ગેમ્સ થકી જ તેને આગવી ઓળખ મળી શકે છે. ગત વર્ષે કઝાકિસ્તાન ખાતે યોજાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પણ નીરુએ મહિલાઓની વ્યક્તિગત અને ટીમ સ્પર્ધામાં બેવડા સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા. ચાલુ વર્ષે અલ્માટીમાં યોજાયેલા વર્લ્ડ કપમાં કાંસ્ય મેળવ્યા બાદ નીરુએ ઈટાલીમાં યોજાયેલા વર્લ્ડ કપમાં સુવર્ણ સફળતા મેળવી હતી અને તેણે આ ફોર્મ નાગાયોમાં પણ જારી રાખ્યું હતુ. જ્યારે નીરુએ જાપાનમાં ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક જીત્યો, ત્યારે તેની માતા સુદેશ દેવી ગરીબી રેખાની નીચેે જીવતા લોકોને મફતમાં અપાતા ઘંઉ લેવા માટ લાઈનમાં ઉભા હતા.
એશિયન ગેમ્સમાં સફળતા મેળવનારી નીરુ ઢાંડાનો જન્મ હરિયાણાના જિંદમાં આવેલા સંગતપુરા નામના ગામમાં થયો હતો. પિતા સુરેશ ઢાંડા ખેતી કરીને ગુજરાન ચલાવતા અને ગામના ખેતરમાં રમીને જ નીરુ મોટી થઈ. પરિવાર ખેતીની સાથે દુઘાળા ઢોર પર આધારિત હતો અને તેમાંથી કમાણી પણ કરતો. નીરુના પિતા સુરેશે ખેતરની રખેવાળી માટેે એક જૂના જમાનાની બેનાળી બંદૂક રાખી હતી અને તેનાથી નીરુ શરુઆતમાં બસ આનંદ મેળવવા માટે નિશાન સાધતી. તે સમયે નિશાનેબાજીની રમત અંગે તેમજ સ્પર્ધાઓ વિશે તેને ખબર નહતી. જોકે તેને નિશાન સાધવા ગમતા.
તેણે અભ્યાસની સાથે સાથે ટાંચા સાધનોની સાથે જ નિશાનેબાજી કરવાનું જારી રાખ્યું. પિતા ઈચ્છતા હતા કે, પુત્રીની નિશાનેબાજીમાં આગળ વધવાની ઈચ્છા પૂરી થાય. જોકે બેનાળી બંદૂકમાં વપરાતી કારતૂસ પણ ખુબ જ મોંઘી હતી. વળી, આધુનિક શૂટિંગની રમતમાં આગળ વધવા માટે વિવિધ સાધનોની જરુર પડતી. જોકે તેમની પાસે એટલા નાણાં નહતા. નીરુની નિશાનેબાજીની કારકિર્દીને આગળ ધપાવવામાં તેના પિતરાઈ લક્ષ્ય શેઓરને ઘણી મદદ કરી. નીરુના મામાનો દીકરો લક્ષ્ય પણ નિશાનેબાજીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી ચૂક્યો હતો. તેણે ૨૦૧૮ની એશિયન ગેમ્સમાં પુરુષોની ટ્રેપ ઈવેન્ટમાં રજત ચંદ્રક હાંસલ કર્યા હતો. તેણે નીરુની પ્રતિભાને ઓળખી અને તેમને મધ્ય પ્રદેેશની શૂટિંગ એકેડમીમાં ટ્રાયલ્સ આપવા માટે પ્રોત્સાહિત કર્યો. નીરુ ધોરણ ૧૦ના અભ્યાસ બાદ એકેડમીની ટ્રાયલ્સમાં પસંદ થઈ ગઈ અને તેની સત્તાવાર તાલીમ શરુ થઈ અને થોડા જ વરસોમાં તેની પ્રતિભાનો ચમકારો રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં જોવા મળવા માંડયો.
તેની શૂટિંગની પ્રતિભા અને મહેનત રંગ લાવી અને તેને ભારતીય સૈન્યમાં પણ નોકરી મળી ગઈ અને ત્યાં આર્મીના યુનિટમાં તેની પ્રેક્ટિસ વધુ સઘન બની,
તેની સાથે સાથે તેની તાલીમના સાધનો માટેની તેની ચિંતા ટળી ગઈ. આતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાના અનુભવને કારણે તેનું વિશેષ ઘડતર થયું અને તેણે ગુુજરાતમાં યોજાયેલી ૨૦૨૨ની નેશનલ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની સફળતાએ તેને ઓળખ અપાવી. દરમિયાનમાં જાપાન એશિયન ગેમ્સ માટેની ભારતીય ટીમમાં પસંદગી પામેલી નીરુ તાવમાં પટકાઈ. બીમારીના કારણે તે એશિયાડ અગાઉના રાષ્ટ્રીય કેમ્પ દરમિયાન ખુબ જ બીમાર થઈ ગઈ અને તેને સ્વાઈન ફ્લૂ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી. તે પાંચ દિવસ ભોજન પણ કરી શકી નહતી.
એક તબક્કે લાગતું હતુ કે, તેને એશિયન ગેમ્સ ગુમાવવી પડશે. જોકે, ધીરે ધીરે તેની હાલતમાં સુધારો થવા માંડયો અને તેણે ફિટનેસ મેળવી લીધી. તે ભારતીય શૂટિંગ ટીમની સાથે જાપાન પહોંચી ન શકી અને બધા શૂટરો પહોંચી ગયા તેના બે દિવસ પછી નાગોયાના એરપોર્ટ પર ઉતરી હતી. જોકે શ્રેષ્ઠ દેખાવ કરવા માટે કટિબદ્ધિ નીરુએ તમામ વિઘ્નો છતાં એશિયન ગેમ્સમાં ધાર્યા નિશાન પાર પાડતા ભારતને સફળતા અપાવી હતી. હવે તેનું લક્ષ્ય આગામી ઓલિમ્પિક છે, જે ૨૦૨૮માં લોસ એંજલસ ખાતે યોજાવાના છે અને ત્યાં સુધીમાં તે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુને વધુ અનુભવ મેળવીને તેની પ્રતિભાનું ઘડતર કરવા તરફ નજર માંડી રહી છે.