Magazines

ભારતીય સ્તોત્ર સાહિત્યનું ઉત્તુંગ શિખર શ્રી ભક્તામર સ્તોત્ર : નવા રૂપે, નવા રંગે

By GS Team
7 Oct 20265 mins read
ભારતીય સ્તોત્ર સાહિત્યનું ઉત્તુંગ શિખર શ્રી ભક્તામર સ્તોત્ર : નવા રૂપે, નવા રંગે
  • આકાશની ઓળખ-કુમારપાળ દેસાઈ

ભક્તામર સ્તોત્ર એટલે ભક્તામર સ્તોત્ર. આ ઉક્તિ જ સમગ્ર સ્તોત્ર સાહિત્યમાં શ્રી ભક્તામર સ્તોત્રની અનન્યતા પ્રગટ કરે છે. સ્તોત્રના આરંભથી અંત સુધી આચાર્ય શ્રી માનતુંગસૂરીશ્વરજીએ ભક્તિરસની અવિરત ધારા અસ્ખલિત ગતિથી વહેવડાવી છે.
તેરસો કરતા પણ વધુ વર્ષોથી ભક્તિની પરમ, ચરમ અને ઊર્ધ્વ ભૂમિકાએ રચાયેલું આ સ્તોત્ર ભાવપૂર્વક ગાવામાં-આરાધવામાં આવે છે. આ સ્તોત્ર ચિત્તમાં રહેલ મિથ્યાત્વની મલિનતા ધોઈને પરમાત્મા પ્રત્યેની ભક્તિની ઉજ્જવળતા અર્પે છે. વસંતતિલકા છંદમાં રચાયેલ અત્યંત કર્ણમધુર અને ભાવભરપૂર આ સ્તોત્રનું હજારો ભાવિકો પ્રતિદિન પઠન, પાઠન અને પૂજન કરે છે. એના વિશે સાંપડતી કથાઓ એની પ્રભાવકતાનો પરિચય આપે છે, તો એના યંત્રો એની અનોખી આરાધનાવિધિ દર્શાવે છે.
એના પ્રત્યેક શ્લોકમાં ઋદ્ધિ, મંત્ર અને સાધનાવિધિ સાંપડે છે. આ રીતે એકબાજુ એની આંતરિક આરાધનાની વિધિ મળે છે, તો બીજી બાજુ એના ભાવોને સવિશેષ પ્રગટ કરતાં ટીકા, વિવરણ પદ્યાનુવાદ મળે છે. આમાં ભાવ અને ભાષા ઝરણાંની નૈસર્ગિક છટાથી વહે છે. આમાં પ્રશાંત ભક્તિરસનો પ્રગાઢ અનુભવ થાય છે. વળી આ ભક્તામર સ્તોત્રમાં સંસ્કૃત ભાષાનો અતિ સુંદર એવો વસંતતિલકા છંદ પ્રયોજ્યો છે. ચૌદ અક્ષરોના આ છંદમાં જાણે વર્ષાઋતુ સોળે કળાએ ખીલતી હોય તેવો અનુભવ થાય છે. ભક્ત-હૃદયની ઊર્મિઓને આ છંદ પ્રાસાદિકતાથી અને હૃદયસ્પર્શીતાથી પ્રગટ કરે છે. રચયિતાની સહજ નમ્રતા અને પરમાત્મા સમક્ષની લઘુતા આ સ્તોત્રમાં સતત અનુભવ કરાવતું સંગત આ સ્તોત્ર સાથે સંકળાયેલું છે. આથી ભક્તિ અને કાવ્યના શિખરે બિરાજે છે ભક્તામર સ્તોત્ર.
આ સ્તોત્રમાં શ્રી માનતુંગસૂરિએ ભાષાના લક્ષણા અને વ્યંજના શક્તિનો સુંદર ઉપયોગ કર્યો છે. નિર્વધ કાવ્યકલા, સુશોભિત અલંકારો, રચનાની ચારૂતા, સાહિત્યિક સુષમા અને સાહજિક ભાષાપ્રવાહને કારણે ભક્તિરસની અવિરત ધારા સમું આ સ્તોત્ર કંઠ કંઠનું સ્તોત્ર બન્યું છે.
આ સ્તોત્ર વિશે વીસ વીસ વર્ષનું સંશોધન કર્યા બાદ પરમ પ્રભાવક આચાર્યશ્રી રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબે ત્રણ ભાષામાં અર્થાત્ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં મહાગ્રંથ પ્રગટ કર્યો હતો. આ વિષય પર એક એનિમેશન ફિલ્મનું પણ સર્જન કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા વર્ષોથી આ અનુપમ ગ્રંથ અપ્રાપ્ય હતો. એ દરમિયાનમાં ગચ્છાધિપતિ આચાર્ય રાજયશસૂરીશ્વરજી કાળધર્મ પામ્યા. એ પછી એ જવાબદારી ૨૬ જેટલાં પુસ્તકોનું લેખન-સંપાદનનું કાર્ય કરનાર શ્રી યશેશયશવિજયજી મહારાજ સાહેબ પાસે આવ્યું. સાહિત્યના ઊંડા અભ્યાસી અને સવિશેષ તો પરમ ગુરુભક્તિથી પ્રેરાઈને એમણે આ ભક્તામર સ્તોત્રનો ભાવાર્થ ત્રણ ભાષામાં ક્યૂ આર કોડ સાથે મૂક્યો. આ ક્યૂ આર કોડ સ્કેન કરવાથી આ મહાન મંત્રની પ્રત્યેક ગાથાનો એનિમેશન ફિલ્મ સાથે તમામ સવિસ્તર માહિતી પ્રાપ્ત થશે.
વળી એની સાથોસાથ વિશ્વભરમાં અહિંસા પ્રસાર માટે અદમ્ય પ્રયત્નો કરનાર ૩૧ પ્રાચીન તીર્થોનાં જીર્ણોદ્ધારક અને ૧૪૫ જૈન દેરાસરની પ્રતિષ્ઠા કરાવનાર ગચ્છાધિપતિ આચાર્ય રાજ્યશસૂરીશ્વરજી મહારાજની અન્ય ધાર્મિક વિષયો પરની આઠ ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ આમાંથી જોઈ શકાશે. આ રીતે ક્યૂ આર કોડની અદ્યતન ટેકનોલોજીથી આ સમર્થ સ્તોત્ર વર્તમાન સમયમાં સહુ કોઈને અને વિશેષ કરીને યુવાનોને ઉપલબ્ધ બની ગયું. અને એ રીતે યશેશયશવિજયજી મહારાજ સાહેબે ગુરુ તર્પણ રૂપે અધ્યાત્મ ક્ષેત્રના એક ઉત્તમ ગ્રંથનું પ્રકાશન કર્યું.
આમાં સ્તોત્રની ઉત્પત્તિગાથા મૂળ પાઠ, ગાથાના મંત્રો, યંત્રો, આરાધનાવિધિ, જપ-ધ્યાન વિધિ વગેરે માહિતી ઉપરાંત ૧૮૪ જેટલાં ચિત્રો છે, તેમજ પ્રશ્નોત્તરી દ્વારા આ સ્તોત્રનું આંતર અધ્યાત્મ પણ સહુ કોઈને પ્રાપ્ત થાય છે. પરિણામે ભક્તમાર સ્તોત્રનો એન્સાયકલોપીડિયા આ ગ્રંથમાં મળે છે. અહીં ભક્તામર સ્તોત્રની એ વિશેષતા પ્રગટ થશે કે એમાં ભક્તહૃદય પ્રવાહિત થયું છે અને ભક્તિની ભાવનાની સાથોસાથ આ સ્તોત્રની રચના થઈ છે. આ સ્તોત્રમાં તીર્થકર પરમાત્માની ભક્તિ છે, પરંતુ વિશેષતા એ છે કે પરમાત્મા પાસે કોઈ યાચના કે માંગણી કરવામાં આવી નથી, માત્ર ભક્તિના ઉછળતા પ્રવાહનો હૃદયને સ્પર્શ કરાવે તેવો અનુભવ થતો રહે છે. આ સ્તોત્રના રચયિતા મુનિરાજ શ્રી માનતુંગસૂરિ આવેલા ઉપસર્ગો અને કષ્ટોનો સામનો કરી રહ્યા હતા, ત્યારે આ અદ્ભુત સ્તોત્રની રચના કરવામાં આવી છે.
ભાવ અને ભાષા કોઈ પર્વત પરથી રૂમઝૂમ વહેતા ઝરણાંની નૈસર્ગિક છટાથી વહે છે. આમાં પ્રશાંત ભક્તિરસના પ્રગાઢ અનુભવની સાથોસાથ આચાર્યશ્રીની વંદનીય લઘુતા આપણને ભાવવિભોર કરી દે છે. મૂળ વાત એવી છે કે ધાર્મિક સંસ્કારો ધરાવતા કુટુંબમાં વિક્રમની સાતમી શતાબ્દીમાં જન્મેલા માનતુંગસૂરિએ દીક્ષા ગ્રહણ કર્યા બાદ આગમશાસ્ત્રનો ગહન અભ્યાસ કર્યો અને ગુરુએ એમની જ્ઞાાન-ધ્યાનની યોગ્યતા જોઈને એમને આચાર્યપદે સ્થાપ્યા.
એક વખત ભોજરાજાએ એમને ધારાનગરીમાં આવવાનું આદરપૂર્વક નિમંત્રણ આપ્યું. નગરદ્વાર પર અનેક વિદ્વાનો સૂરિજીના સ્વાગત માટે આવ્યા હતા. એમણે ઘીથી ભરેલી વાઢી બતાવી ત્યારે સૂરિજીએ એમાં એક સળી ખોસી દીધી. વિદ્વાનોએ એવો સંકેત આપ્યો કે ધારાનગરી તો વિદ્વાનોથી ખીચોખીચ ભરેલી છે, તેમાં આવીને વળી તમે શું કરશો ? ઘીમાં સળી ખોસીને સૂરિજીએ દર્શાવ્યું કે તેઓ પોતે ધારાનગરીના વિદ્વાનોની સભામાં પોતાનું આગવું સ્થાન ઊભું કરી શકે તેમ છે. વારાણસી નગરીમાં બાણ અને મયૂર નામના બે પંડિતો પરસ્પરની ઇર્ષા કરતા હતા. મયૂર નામના પંડિતે ચમત્કાર બતાવ્યો. આથી જૈન ધર્મના વિરોધીઓએ એવી વાત ફેલાવી કે જૈન ધર્મમાં કાવ્યરચના દ્વારા સર્જનાત્મક ચમત્કાર સર્જનારા પંડિતોનો સર્વથા અભાવ છે. શાસનની પ્રભાવકતા દર્શાવવા માટે શ્રી માનતુંગાચાર્યે આ પડકાર ઝીલી લીધો. તેમને એક ઓરડામાં પૂરવામાં આવ્યા. એમના શરીરે ચારે બાજુ લોખંડની સાંકળ બાંધવામાં આવી. સાંકળની આગળ ૪૪ તાળાં મારવામાં આવ્યાં. આવા અંધારિયા ઓરડામાં પુરાયેલા આચાર્ય માનતુંગસૂરિજી જિનેશ્વર પરમાત્માની સ્તુતિમાં લીન બનીને ભક્તિરસથી છલકાતા શ્લોક પર શ્લોક રચતા ગયા અને તેના ભાવપૂર્ણ ઉચ્ચારણની સાથે જ તાળાં અને લોખંડની સાંકળ તૂટવા લાગ્યાં. ભગવાન ઋષભદેવની અધિષ્ઠાત્રી દેવી ચક્રેશ્વરીએ આ કાર્ય સિદ્ધ કર્યું. આચાર્યશ્રી માનતુંગસૂરિ રાજસભામાં પધાર્યા અને મધુર શબ્દોથી વારાણસીના રાજા હર્ષદેવને 'ધર્મલાભ' કહ્યો. આ વિસ્મયજનક ઘટનાથી અત્યંત પ્રભાવિત બનેલા રાજા હર્ષદેવે આચાર્યશ્રી માનતુંગસૂરિજી પાસેથી જૈન ધર્મનો પવિત્ર ઉપદેશ મેળવ્યો. રાજાએ જૈન શાસનની ઉન્નતિ માટે અનેક સત્કાર્યો કર્યા અને સ્વયં જૈન ધર્મ અંગીકાર કર્યો. આચાર્યશ્રી માનતુંગસૂરિજીએ રચેલી ૪૪ ગાથાઓ આજે 'ભક્તામર સ્તોત્ર'ને નામે સર્વત્ર પ્રચલિત છે. (દિગંબર અને સ્થાનકવાસી પરંપરામાં ૪૮ ગાથાનો પાઠ મળે છે.)
'ભક્તામર' શબ્દથી શરૂ થતું હોવાથી 'ભક્તામર સ્તોત્ર'ને નામે ઓળખાતા આ સ્તોત્રમાં ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. આ સ્તોત્રમાં શબ્દનું માધુર્ય, અર્થની ગહનતા, ભાવની ઉત્કટતા અને અનુભવની માર્મિકતા એવી છે કે જિનેશ્વર માર્મિકતા એવી છે કે જિનેશ્વર ભગવાનના સ્તોત્રોમાં 'ભક્તામર સ્તોત્ર'નું સ્થાન અદ્વિતીય છે. પ્રશાંત ભક્તિરસની પ્રધાનતા, અલંકારોની સુંદર સૃષ્ટિ અને પરમાત્મા પ્રત્યે આત્માની ભક્તિ જગાડતું આ સ્તોત્ર આધિ, વ્યાધિ અને ઉપાધિથી બળેલા-ઝળેલા માનવહૃદયને પરમ શાંતિ અર્પે છે. આઠ પ્રકારના ભયથી ઘેરાયેલા માનવીના જીવનને અભયનું વરદાન આપે છે.