Magazines

તારામંડળનો ગુમ થયેલો નકશો .

By GS TEAM
23 Jan 20262 mins read
તારામંડળનો ગુમ થયેલો નકશો                            .

- પળવારમાં નકશો હવામાં તરવા લાગ્યો. તેમાં તારાઓની લાઇનો જોડાઈ અને એક પોર્ટલ ખૂલ્યું, જે સીધું ચંદ્રની પાછળ આવેલી 'સ્ટાર વેલી' તરફ લઈ જતું હતું. 

- હર્ષના રાજીમયંક મહેતા

૧૦ વર્ષનો મયંક દર રાત્રે છત પર બેસીને તારાઓ જોઈને કલ્પના કરતો. તેને લાગતું કે આકાશની પાછળ ચોક્કસ કંઈક તો છુપાયેલું છે. એક દિવસ તેણે પોતાના ટેબલ નીચે એક હળવો ચમકતો કાગળ પડેલો જોયો.

કાગળ પર અજાણી આકાશી લિપિ લખેલી હતી. અને વચ્ચે એક નાનું ચિહ્ન હતું- 

'ઓનલી ફોર ધ ચોઝન વન' એટલે કે ફક્ત ખાસ વ્યક્તિ માટે જ!

 મયંક ચોંકી ગયો,

'મારા માટે? પણ આ ક્યાંથી આવ્યું?'

એ જ સમયે, તેની સામે નાનો પ્રકાશનો ગોળો ઊભો થયો. ધીમા અવાજમાં બોલ્યો-

'હું નોવા છું તારામંડળનો સંદેશવાર. આ નકશો અમારી ગલેક્સીનું રહસ્ય છે. પણ કોઈ ડાર્ક શેડો તેને ચોરી ગયો હતો. તું તેને ફરી સક્રિય કરી શકે છે.'

મયંક ડરી ગયો,

'શુ કરવાનું છે મારે?'

નોવા બોલ્યો, 'માત્ર થોડી હિંમત અને ધ્યાન. તારું મન શાંત રાખ અને નકશા પર હાથ મુકી 'લુમિના' બોલ.'

મયંકે હાથ મુકી 'લુમિના' શબ્દ બોલ્યો. પળવારમાં નકશો હવામાં તરવા લાગ્યો. તેમાં તારાઓની લાઇનો જોડાઈ અને એક પોર્ટલ ખૂલ્યું, જે સીધું ચંદ્રની પાછળ આવેલી 'સ્ટાર વેલી' તરફ લઈ જતું હતું. 

મયંક અંદર પ્રવેશ્યો. 

આકાશ અહીં વધુ નીલું, તારાઓ વધુ નજીક, અને બધે અદભૂત શાંતિ હતી.

પણ અચાનક એક મોટો પડછાયો દેખાયો...

ડાર્ક શેડો, જે તારાઓનો પ્રકાશ ચોરી લેતો હતો!

તે ગર્જ્યો, 'નકશો મને પાછો આપ! તારાઓનો પ્રકાશ હવે મારો છે.'

મયંક થોડી ક્ષણ ડર્યો, પણ પછી તેણે વિચાર્યું-

'જો હું ડરી જાઉં, તો તારાઓનો પ્રકાશ ક્યારેય પાછો નહીં આવે.'

નોવાએ કાનમાં કહ્યું, 'નકશા પાસે પ્રકાશનું રક્ષણ છે. તારે માત્ર તેની પર વિશ્વાસ રાખવાનો છે...'

મયંકે નકશો ઉપર ઊંચો કર્યો. 

નકશામાંથી તેજસ્વી પ્રકાશ નીકળ્યો અને ડાર્ક શેડો પાછળ ધકેલાઈ ગયો.

'નહીં....' શેડોએ ચીસ પાડી. તે તૂટીને ધુમાડામાં ઓગળી ગયો.

પળવારમાં આખી સ્ટાર વેલી ઝગમગી ઉઠી.

નોવાએ આનંદથી કહ્યું, 'મયંક! તું સફળ થયો. તારામંડળ આજે ફરી સુરક્ષિત છે.'

આકાશમાં મોટા તારાઓ તેની તરફ ઢળીને ચમક્યા. જાણે એનું અભિવાદન ન કરતા હોય!

પોર્ટલ ફરી ખૂલ્યું અને મયંક પાછો પૃથ્વી પર આવી ગયો.

નકશો હવે સામાન્ય લાગતો હતો, પણ તેના ખૂણે એક નાનું લખાણ ઉમેરાઈ ગયું હતું-

'વ્હેનેવર ધ સ્ટાર્સ નીડ યુ, ધ મેપ વિલ ગ્લો અગેન.' (જ્યારે પણ તારાઓને તારી જરૂર પડશે, આ નક્શો પાછો ઝબકી ઉઠશે.)

થોડાક દિવસો બાદ મયંકને ફરી તે ચમકતો કાગળ હાથે લાગ્યો. તે તરત જ બાલ્કનીમાંથી આકાશ તરફ જોવા લાગ્યો, જ્યાં એક તારો ખૂબ જ ઝગમગ-ઝગમગ થઈ રહ્યો હતો, જાણે કહેતો ન હોય કે-

'આ સફર હજી પૂરી થઈ નથી...'

બોધ-

ભરપૂર અંધકારની વચ્ચે પણ એક થોડીક હિંમત આખું આકાશ બદલી શકે છે....