Magazines

ટૂચકો ખરેખર જામ્યો ! .

By GS TEAM
16 Jan 20262 mins read
ટૂચકો ખરેખર જામ્યો !                                .

નહેરુની જિંદગીનાં ઘણાં વર્ષો જેલમાં ગયાં હતાં.

એક વાર મ્યુરિલ લેસ્ટર નામની અંગ્રેજ મહિલાએ તેમની જેલમાં મુલાકાત લીધી.

વાત શરૂ થાય તે પહેલાં જ મહિલાએ ગણગણાટ સાંભળ્યો. બારી પર અસંખ્ય માખીઓ હતી.

મહિલાએ પૂછ્યું, 'મધમાખીઓ તમને હેરાન નથી કરતી શું?'

નહેરૂ કહે, 'શરૂશરૂમાં એ મધમાખીઓએ મને ખૂબ સતાવ્યો. હેરાન કરી મૂક્યો. એમના ગણગણાટથી ત્રાસી જઈ હું એમને ઝાપટતો. મારતો. પણ એ ઓછી થતી નહિ. ઉપરથી બીજી વધુ જમા થતી. આખરે કંટાળી મેં અહિંસાનું શરણ લીધું. હવે વધુ તો એક સમજૂતી ગઇ ગઇ છે. હું એમને છંછેડતો નથી. એ મને પજવતી નથી!'

પણ માણસોય મધમાખી જેવા નથી શું? જ્યારે ટોળે વળે છે ત્યારે કેવા જામે છે? અને તેમાંય તેઓ કોઈ મોટાં માનવીની પાછળ ઝૂંડ જમાવે છે ત્યારે કેવી દશા થાય છે?

વાત દિલ્હીની છે.

ખાદી તથા ગ્રામોદ્યોગ પ્રદર્શન યોજાયું હતું.

નહેરુ તે જોવા ગયા.

ઘણા ફૂલહારથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. નહેરુ જાણે કે સંતાઇ જ ગયા. ઉપરથી અત્તર છાંટવામાં આવ્યું. એક બે મધમાખીઓ પણ ગૂંજવા લાગી.

હસતાં ફૂલોની પાછળથી હસતા નહેરુ કહે, 'મને એક ટુચકો યાદ આવે છે. સાંભળો...!'

બધાએ ઉત્સુકતાથી કાન આગળ ધર્યા. નહેરુ ટુચકો કહે એટલે પૂછવું જ શું?

નહેરુએ હસતાં હસતાં કહેવા માંડયું, 'એક પ્રધાનશ્રી પ્રદર્શનમાં ગયા. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઘણા ફૂલહારથી તેમને લાદી દીધા. ફૂલો ઉપર અત્તર પણ છાંટવામાં આવ્યું. પ્રધાનશ્રીની ખુશીનો તો પાર નહિ. થોડી જ વારમાં ફૂલ તથા અત્તરની સુગંધ પામી મધમાખીઓ આવી. એક બે ત્રણ ચાર... પાંચ પચીસ પચાસ... અરે ઝુંડ મધમાખીઓ! તૂટી પડી બધી. પ્રધાનશ્રીને તો ભાગતાં પાર આવ્યો નહિ. ક્યાં ભાગે? ક્યાં જાય? કેવી રીતે બચે? કોણ બચાવે? અને... બચાવે પણ કેવી રીતે?'

નહેરુ ઉત્સાહમાં હતા. બધા આગળ સાંભળવા માટે ઉત્સુક હતા.

એક સાથે બધાંએ પૂછ્યું, 'પછી...? પછી શું થયું?'

ગાલ ફુલાવી પંડિતજી કહે, 'પહેલાં નેતાજીના ગાલ પ્રશંસાથી, ગર્વથી ફૂલી ગયા હતા. મધમાખીથી જ્યારે તેઓ બચી શક્યા ત્યારે તેમના ગાલ સાચેસાચ ફૂલી ગયા હતા. અરે મોઢું તો એવું બની ગયું હતું કે આંખ નાક તો અદ્રશ્ય જ થઇ ગયાં હતાં...'

નહેરૂ હજી આ મજાક કહી રહે, તે પહેલાં જ એક વ્યક્તિ પુષ્પહાર લઇને આવી. ફૂલોનાં હારની વચમાંથી જ તે બોલતા હતા. જેવા પેલા પ્રશંસકે વધુ એક હાર પહેરાવવા હાથ આગળ કર્યા ત્યારે બધા જ હસી પડયા.

નહેરૂ પણ હસી પડયા. છતાં ગાલ ફૂલાવી તેમણે માથું તો આગળ ધર્યું જ!