Magazines

વનમાં વાગે રે ઢોલ ઢમઢમ ઢમઢમ

By GS TEAM
31 Oct 20257 mins read
વનમાં વાગે રે ઢોલ ઢમઢમ ઢમઢમ

- કોઈનામાં કોઈ ફેર નહિ. એ વાઘ હોય કે સિંહ, ચિત્તો હોય કે દીપડો, જિરાફ હોય કે ઝીબ્રા, રીંછ હોય કે હાથી! બધાનો એક જ રંગ જોઈ લો. સફેદ. બધાં જ ધવલ. 

- ગેંડાના નાક પર વળી શિંગડું શાને?

- આ ચમત્કારની ચમક કોણે અજમાવી?

હરીશ નાયક

એક બિચારું નાનું ભૂંડ

તેની સદાય નીચી રહે મુંડ

ઊંચુ જુએ તો ચમકે

સામું જુએ તો ઝમકે.

ન આડું જુએ, ન અવળું જુએ

ન બાડું જુએ, ન સવળું જુએ

એની પાસે બે દંત શૂળ ખરા.

પણ દાંતમાં ન મળે શૂળ કે ન મળે શૂર.

તે બીધેલું ને બીધેલું જ રહે.

તે ગાભરું અને ગભરાયેલું જ રહે.

તે ભૂંડોમાં નાનામાં નાનું ભૂંડ હતું.

જંગલના જીવોમાંથી નાનામાં નાનું.

પેલા મોટા ભૂંડો તેને પજવે, હેરાન કરે,

દોડાવે, ભગાડે, તગેડે, હડેહડે કરે. પછી હસે.

મઝા લે.

મોટા નાનાને સતાવે, તે કંઈ સારી વાત કહેવાય.

તે નાનું હતું તેમાં તેનો શો વાંક?

દુનિયામાં બધાં મોટાઓ, એક વખત તો નાનાં જ હોય છે ને?

જંગલનાં બધાં જીવોને જાતજાતના રંગ.

અટપટા ય ખરા, લિસોટાય ખરા, ચિતરામણો ય ખરા.

પટ્ટા-દુપટ્ટા ય ખરા ને વળી કેટલાકને શિંગડાં ય ખરાં.

કોઈને વળી લાંબી સૂંઢ, ગરીવીલી ગરદન, રંગદાર પીછાં અને સપાટેબાજ પૂંછડી જંગલની નદીકિનારે વસતા વનપશુઓ અને પંખીઓ જુઓ તો તમે ખુશ થઈ જાવ. એવા અજબના અને ગજબના અને આકાર-પ્રકારના કે જોઈ જ રહો. સમજ જ નહિ પડે. ગેંડાના નાક પર વળી શિંગડું શાને? કોઈ કોઈ ગેંડાના નાક પર તો બે-બે શિંગડાં.

જિરાફની ગરદન તો એટલી લાંબી લાંબી કે ઝાડની ઉપરનાં પાંદડાં જ તે ખાય. પાછો દેહ પર ટપકાં છપકાં ને ભપકાં.

મોરની તો વાત જ ન કરો. તેના પીંછામાં તો બદાં જ રંગ મેઘધનુષે નવરંગ લઈ લીધા. તો ય મોર એટલે મોર. પાછી માથે રાજાશાહી કલગી એ જ્યારે ટેં-હૂં-ક ટેં-હૂં-ક લલકારે ત્યારે તો વાદળાંય આભથી હેઠાં ઉતરી આવે.

ચિત્તા દીપડાની આંખો જોશો કે મૂછ, ઝાપટિયો દેહ જોશો કે પલાણિયા પગ અને પગનાં નખ જોશો કે દાંતની ખીલીઓ!

હાથીભાઈનુ ગીત તો ગામડે ગામડે પહોંચી ગયેલું.

હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા. આગળ ઝૂલે મોટી સૂંઢ, પાછળ ઝૂલે દોરડી પૂંછ.

ઝીબ્રાના દેહથી માંડીને મોઢા સુધી ઘટદાર પટ્ટા અને પટાદાર ઘટા. પગ જુઓ કે પીઠ જુઓ તમે તરત બોલી ઊઠો -  એ ઝીબ્રા! હે ઝીબ્રા!!

દર વરસે જંગલમાં પરેડ યોજાય. જબરી પરેડ લાંબી પરેડ, મોટી પરેડ.

વળી ઇનામો ય ખરા. સુંદરતા માટેનાં, વિજેતા માટેનાં, વીરતા માટેનાં, ધાડ મારી હોય તેનાં કંઈ અવનવું કે નવનવું કર્યું હોય તેનાં ઇનામોનો પાર નહિ. ઇનામો જ ઇનામો. ઉપરથી શ્રેષ્ઠ ઇનામ અને સર્વશ્રેષ્ઠ ઇનામ.

આપણાં આ ભૂંડ ભડવીરો તેમાં ભાગ ન લે. કેમ કે તેમાં કાદવિયા કમાલની કોઈ રમત નહિ. કાદવિયા દોડ, કાદવિયા, કુસ્તી, કાદવિયા ગુલાંટ, કાદવિયા, કૂદકા.

ભલા જ્યાં કાદવ ન હોય, ત્યાં આપણાં આ ભૂંડનું શું કામ?

નાનકું ભૂંડ ભાગતું રહે, દોડતું રહે. ભલા આપણાં જ સાથીઓ આપણને સાથ ન આપે, ત્યારે સથવારો શો?

તે તો દોડતું દોડતું જાય નદી કિનારે -  ચાલો આપણે રમીશું બીજા પશુઓ સાથે.

જે રાખે તે રખેવાળ,

જે પાળે તે પાલણહાર.

જે વહાલ કરે તે વ્હાલમ્,

જે સાથે રમે તે મિત્ર.

પણ ઓહો! અરે-અરે!!

અહીં તો બધાં સુંદર દેખાવામાં પડેલાં હતાં. સુંદર દેખાવમાં અને સુંદર બનવામાં કોણ સુંદર? કેવુંક સુંદર? કેટલુંક સુંદર? સહુથી ચઢિયાતું સુંદર?

બધાંએ આ બચલાં ડચલાં ભૂંડ સામે જોયું. નાનકડાં ભિચ્છરિયા ભડકેલા ભૂંડ તરફ નજર નાખી.

'અરે! એનો ડાઘા તો જ નહિ?' હસી દીધું કે ભસી દીધું દમકાર દીપડાએ.

'એને વળી ધોળા-ધોળા કે કાળા-ધોળા પટ્ટાય ક્યાં છે?' ઝબરિયા ઝીબ્રાએ કહ્યું, 'અલ્યા એને શિંગડા ખરા? દેખાતા કેમ નથી? કે ઝીણીયા મીણીયા?' નાક પરના શિંગડાવાળા ગેંડાએ ગર્જના કરી.

'હી-હી-હી! સૂંઢ તો છે જ નહિ. કહેવાય ભૂંડ અને હોય નહિ સૂંઢ?' સૂંઢ હલાવી હાથીભાઈ હહડયા.

'અને ગરદન?' જિરાફે જોક કરી -  'લાંબી નહિ ને અડધીય નહિ. અડધી નહિ અને પડધીય નહિ. જેને હોય ના ગરદન અને કાદવમાં હોય નંદન.'

'ભૂંડો છે એટલે જ એનું નામ પડયું છે ભૂંડ...'

ભૂંડાઈ માટે પંકાયેલો કાગળ કકળી ઊઠયો.

બીજાં બધાં જંગલ-જીવો જંગલી જીભ ખરડતા જ રહ્યા -  'ગંદુ છે, ગોબરૃં છે, ધૂળિયું છે, કાદવિયું છે, નકામું છે, નઠારૃં છે, કદરૂપું છે, ખરડિયું છે, બરડિયું છે, ભરડિયું છે..'

બોલે અને હસે.

નામ પાડે અને હસે

વાણી વહાવે અને હસે .

ઘેરાયેલું બચ્ચું ક્યાંથી છટકે? ક્યાંથી ભાગે? ક્યાંથી છુટકારો પામે? ક્યાંથી બહાર નીકળે? ક્યાંથી..ક્યાંથી?

શોધે તેને મારગ મળે હોં!

ભાગ્યું ભોળિયું ભૂલકું. છટક્યું, ફટક્યું, ઝટક્યું! સુખ શોધવા જતાં અસુખ મળ્યું. સહારો શોધવા જતાં સૂસવાટા મળ્યા. સરવટ શોધવા જતાં કરવત મળી.

ભાગ રે ભૂંડિયા ભોમ ભણી.

ભાગ રે ઘોડિયા ઘર ભણી.

કેવું નસીબ! કોઈ રાખે નહિ અને સંઘરે નહિ. કોઈ આવકારે નહિ અને આશરો આપે નહિ. કોઈ પાળે નહિ અને પસવારે નહિ. કોઈ પૂછે નહિ અને પૂંછડી હલાવે નહિ.

'અરે ભાગ નહિ, ભાગ્યશાળી ભૂંડ,કોઈકે મીઠો સાદ દીધો. 'શાને ભડકે છે અને થડકે છે બચુડા?' હલકમાં હેતુ હતું, હેતુ હતો. 'શાને પૂંછડી દબાવી સંતાવા ધાય છે વહાલીડાં ભૂલકાં?'

થોભી ગયું ભૂંડ.

જંગલનો બળદ હતો. જંગલી હતો. એટલે બધા એન જંગલી-બળદ કહે. કહેનારા એને 'વાઈલ્ડ બીસ્ટ' કહે. પણ હતો એ દયાળુ, માયાળુ, કૃપાળુ, મમતાળુ, ડરેલાને તે દરવાન હતો. બીધેલાઓનો તે બહાદુર હતો. ભાગતાઓનો તે ભડવીર હતો.

નાનું ભૂંડ કહે -  'હું નાલ્લુ છું ટચકિયું બચકિયુ. એટલે બધાં મને ચીઢવે છે, પદોડે છે, પછાડે છે, ફટકારે છે, ફિટકારે છે.'

બળદ કહે - 'થોભી જા... થોભી જા, આ ઢમઢમ જો.'

'જોયા', ભૂંડ કહે -  'શું થશે એનાથી?'

' એ વન-રક્ષક વનદેવ વનપાલક ગોમ્બોના બોમ્બો છે. જાદુઇ ઢોલ. ઢમકિયા ઢમ-ઢમ, ડમકિયા ડમ-ડમ, ભમકિયા ભમ-ભમ'

'શું થશે એનાથી?'

'વગાડ, ઢમઢમ ઢમઢમ..'

'તારી બધી ઇચ્છા પૂરી થશે. તારાથી બધાં ઉભી પૂંછડીએ ભાગશે, નાના મોટા કે ખારીલા ખૂંખાર.'

'ના', ભોળિયું ભૂંડ કહે, 'મારે શું કામ બધાંને ભગાડવા? મને તો મારી સલામતી મળે એટલે બસ. આપણે જંગલના જીવો, જંગલમાં જ મંગલ કરીએ કે ભયો ભયો.'

'અરે ભગાડ જે જગાડ, ગાંડા થયેલાંનો એ જ છે ઉપાય, તું જરા ઢમ ઢમ તો ઢમ કરી લે.'

ભૂલકા ભૂંડે તો બન્ને ઢેલકાં લીધા. તે થાપ દેવા ગયું કે બળદ કહે -  'ઉભો રહે, ઉભો રહે, થોભી જા.'

શું થયું?

શરત જાણી લે. તારી ઇચ્છા ફળશે ખરી, પણ હંમેશાં નહિ.

એટલું કહી એ ઘાસનો સ્વાદિયો ઘાસના જંગલ તરફ ફંટાઈ ગયો.

સાંજ પડી.

રાત પડી.

ભૂલકાં ભૂંડને થયું કે ઢોલકાં અજવાળામાં વગાડું કે અંધારામાં ઢમઢમાવું? રાત મધરાત થવા દઉં કે વહેલી સવારની રાહ જોઉ.

ઢમઢમ! તેણે તો ઢોલકાં ધમધમાવ્યા.

ઢમઢમ ઢમઢમ જરા વધુ ઢમઢમાવ્યા.

રાત સળવળી ઉઠી.

વન વલવલી ઉઠયું.

હવા હલબલી ઊઠી.

સૂનકાર સમસમી ઊઠયું.

એમ તે જાદુઇ ઢોલકાથી ભૂંડીયું જાતે જ ચમકી ઊઠતું હતું. પણ દે થાપ.

બળદે કહ્યું હતું ને કે -  ' આ જ ઉપાય છે. શાંતિથી જીવવાનો ભયથી બચવાનો ડરીને ડરાવવાનો દે ઢમઢમ!'

સવાર થઈ હશે થઈ જ હશે.

ભૂંડના બચ્ચાંને કંઈ સમજ પડી નહિ.

એટલે કે એની કોઈ ઇચ્છા પૂરી થતી ન હતી. ભલાં ઢોલકાં વગાડે કંઈ જાદું થતાં હશે?

બધું જેમ હતું તેમનું તેમ જ હતું. તેમ જ લાહતું હતું જેવું હતું તેવું જ. એ જ હવા એ જ પવન, એ જ વૃક્ષો, એ જ વેલીઓ, એ જ પાંદડાં, એ જ સૂનકાર, એ જ ઝંકાર, એ જ તમરાં, એ તમડી!

સવાર થઈ. એમ જ સવાર થઈ.

કંઈ થયું નથી. એમ ભૂંડિયું માનતું હતું. પણ થોડોક ખળભળાટ જરૂર હતો. જંગલ સળવળતું હતું. જીવો ખળભળતા હતા. તમામે તમામ પશુ-પંખીઓ ભડભડતાં અને બડબડતાં હતાં.

કારણ?

કારણકે બધાં પશુ-પંખીનાં રંગ ઊડી ગયા હતા. રંગ નહિ, ડાઘાં નહિ, ધાબાં નહિ, પટ્ટા નહિ, ચટ્ટા પટ્ટા નહિ. બધું જ અદૃશ્ય. બધું જ છૂં.

જેને જુઓ તે સફેદ. સાવ રંગવિહીન, ધોળા ધબ્બ, જાણે પશુઓ બગલાં બની ગયાં. જાણે તેમના પર કોઈએ દૂધ ઢોળી દીધું. જાણે બધા પૂનમની ચાંદનીના સપાટામાં આવી ગયા.

કોઈનામાં કોઈ ફેર નહિ. એ વાઘ હોય કે સિંહ, ચિત્તો હોય કે દીપડો, જિરાફ હોય કે ઝીબ્રા, રીંછ હોય કે હાથી! બધાનો એક જ રંગ જોઈ લો. સફેદ. બધાં જ ધવલ. બધા જ ધોળિયા.

બધાં એક બીજાની સામે જુએ - 'તારી પણ આ દશા, તેની પેલાની, ઓલાની, અરે જે જુઓ તેની.'

બધાંને નવાઈ લાગી. ચકિત થયા રઘવાયા થયા એ ધૂંધવાયા થયા.

આવું કેમ? કોણ કર્યું આવું? આ ચમત્કારની ચમક કોણે અજમાવી? આ જાદુની લાકડી કોણે જમાવી?

રંગ ગયા! પણ તે ગયાં ક્યાં?

એવામાં બીજો જાદુ થયો હતો.

એનાથી ઊલટો, એનાથી સાવ જુદો, એનાથી વિરુધ્ધનો, એનાથી ઊંધો.

આપણા ટેણિયા મેણિયા ભૂંડના તો રૂપ રંગ જ બદલાઈ ગયા હતા. જે રંગ વાઘ સિંહ ચિત્તા દીપડા અને બીજાઓએ ગુમાવ્યા હતા, એ બધાં જ ભૂંડને મળી ગયા હતા.

ભુંડિયું હવે વાઘ જેવું ય લાગે. એ સિંહ જેવું ય લાગે, ઘડીમાં કોઈ તેને ચિત્તો કહી શકે અને વળી કહેનાર એને દીપડિયું-ભુંડિયું ય કહી દે.

બધાં એને રંગરંગીન જુએ અને હે કહે. બધાં એનામાં પોતપોતાના રંગ શોધે  અને ચટ્ટાપટ્ટા શોધે.

બધાં એનામાં રૂપ શોધે અને સૌંદર્ય શોધે, શોભા શોધે અને રૂઆબ શોધે, ચમક શોધે અને છમક શોધે.

શોધે તે શોધે જ પાછા વિચાર કરે. વિચાર શું કરે, ચિંતા કરે, ચિંતા વળી શું દુખ પ્રગટ કરે. બધાં નિસાસા નાખે અને હાય હાય કરે. માથું ઝુકાવી રડે, પડે અને ગડગડે.

ભલા રંગ જાય પછી જીવવાનું શું રહે? રૂપ સિવાય જિંદગીમાં બીજું છે શું? અરે! પોતાનું પોતાપણું ન રહે. પોતાની ઓળખાણ ન રહે, પોતાની જાત ન રહે! આભા ગયા પછી તો શરીર ગાભા જેવા જ લાગે ને!

હવે આવા રૂપાવિહીન રંગવિહીન થઈને કંઈ પરેડમાં જવાય?

પરેડને પાંચ રેડ કહીએ, તો એક રેડમાં ય ન જવાય! ગયા કે ગયા જ સમજો. આવ-જો કહેવાનીય જરૂર નહિ.

તેમાં પાછું ભુંડિયું સૌંદર્ય-સ્પર્ધામાં સામેલ થઈ ગયું. પહેલાં ના ના કહેતું હતું, હવે તો જોર જોરથી હા-હા નો હાહાકાર વરતાવવા લાગ્યું.

પછી? આગળ શું થયું? 

વધુ આવતા શનિવારે...