Magazines

ખરીદનારનો અંતિમ ઉપયોગ વેચનારનો વિષય નથી .

By GS TEAM
26 Apr 20262 mins read
ખરીદનારનો અંતિમ ઉપયોગ વેચનારનો વિષય નથી                      .

- વેચાણવેરો-સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ સોલર પ્લાન્ટ માટેના પાર્ટસ માટે ૧૮ % GST ના બદલે ૫ % GST તરીકે રાહત આપેલી છે. જો આવા કિસ્સામાં સરકાર ૫ % ના બદલે ૧૮ % લાદવાની ડિમાન્ડ ફટકારે તો શું કરવાનું. અગાઉના વેટ કાયદા હેઠળ કપાસના તેલીબિયાંનો ખોળ માફી હતો અને GST કાયદા હેઠળ પણ કેટલ ફીડ તરીકે માફી જાહેર કરવામાં આવેલ છે. હવે વેપારીએ પોતાના બીલમાં તેમ લખીને માલ સપ્લાય કર્યો કે કપાસનો ખોળ માફી માલ તરીકે અને GST વિભાગ દ્વારા વિવાદ કરવામાં આવ્યો કે તે બળતણ તરીકે પણ વાપરી શકાય માટે GST  ભરવો પડે. આ તકરાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મે એન.એચ. એસોસીયેટસ વિ. સુપરીન્ટેન્ડન્ટ CGST  એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ, રેન્જ ૧, ડિવિઝન-૬, અમદાવાદ નોર્થ (R/SCA No. 4566 of 2025, તા. ૨૪.૦૩.૨૦૧૬) ઉપસ્થિત થઈ જેના વિષે આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.

કેસની હકીકત

અરજદાર દ્વારા કપાસનો ખોળ વેચવામાં આવ્યો હતો. સરકારને શુરાતન ચડયું અને તારીખ ૧૫.૧૨.૨૦૨૩ના રોજ O.I.O પસાર કરીને તારીખ ૧.૭.૨૦૧૭ થી ૨૧.૯.૨૦૧૭ સુધીના સમય માટે માફી સપ્લાય નકારીને GST માંગતો આદેશ કર્યો. આની સમક્ષ અરજદાર દ્વારા પ્રથમ અપીલ કરવામાં આવી જે અપીલ અધિકારી દ્વારા તારીખ ૫.૭.૨૦૨૪ ફગાવી નાખી અને તારીખ ૨૬.૧૨.૨૪ના રોજ DRC07 આપ્યું. આનાથી નારાજ થઈને અરજદાર ગુજરાત હાઈકોર્ટના શરણે ગયા.

અરજદારની દલીલ

અરજદાર દ્વારા અગાઉ પસાર કરેલ ગુજરાત હાઈકોર્ટના આદેશ  (R/SCA19190/2023) આધાર રાખીને દલીલ કરી કે કપાસનો ખોળ કેટલ ફીડ તરીકે જ મહત્તમ વપરાય છે અને નોટીફિકેશન નં. ૨/૨૦૧૭ - સેન્ટ્રલ ટેક્ષ (રેટ) તા. ૨૦.૬.૨૦૧૭ પ્રમાણે માફી ગણવાનું થાય.

ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખાસ નોંધ લીધી કે સરકાર પક્ષને અગાઉ પસાર કરેલ કો-ઓર્ડીનેટ બેન્ચનો ચૂકાદા સામે કોઈ વિરોધ નથી. આમ, તેની પર આધાર રાખી અપીલ મંજૂર રાખી.

કો-ઓર્ડિનેટ બેન્ચ તથા સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટની કો-ઓર્ડિનેટ બેન્ચ દ્વારા (R/SCA 19190/2023) તેમ પ્રસ્થાપિત કર્યું કે ખરીદનારનો આખર વપરાશના આધારે કઈ માફીનો દાવો નકારી ના શકાય અને વેરો નક્કી ના થાય. આ બાબતે ટેકો સુપ્રિમ કોર્ટના ચૂકાદો C.C.Ex વિ. GOPSONS Paper Ltd. (૨૦૧૪) 17SCC 176) પરથી પ્રાપ્ત થાય છે. આમ, સપ્લાયર કેવી રીતે માલનો સપ્લાય કરે છે તે ખૂબ અગત્યનું છે અને બીલમાં પણ વર્ણન માટે કાળજી લેવી.