Magazines

તેજસ્વિની કોલ્હાપુરે: સરખામણી બુરી બલા છે

By GS TEAM
23 Apr 20263 mins read
તેજસ્વિની કોલ્હાપુરે: સરખામણી બુરી બલા છે

- 'કાસ્ટિંગ ટીમના લોકો મને કહેતા કે અચ્છા, આપ પદ્મિની જૈસી એક્ટિંગ કરો. અરે ભાઈ, હું તેજસ્વિની છું, હું એના જેવો અભિનય કઈ રીતે કરી શકું?'

કોઈ એક્ટર ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતો હોય અને એનો મોટો ભાઈ કે મોટી બહેન સફળ એક્ટર હોય તો એને એક અલગ પ્રકારની કસોટીનો સામનો કરવો પડે છે. એણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા પુષ્કળ પડકારોમાંથી પસાર થવાનું આવે છે. સલમાન ખાનના નાના ભાઈ અરબાઝ પાસેથી મોટા બાઈ સલમાન જેવા સુપર કરિશ્મા અને સુપર પરફોર્મન્સની અપેક્ષા રખાય છે. પરિણામે એ બોલિવુડમાં પોતાનું સ્થાન નથી બનાવી શક્યો. આવો જ અન્યાય તેજસ્વિની કોલ્હાપુરે સાથે થયો છે. મોટી બહેન પદ્મિની કોલ્હાપુરે સાથેની એકધારી સરખામણીને લીધે તેજસ્વિની યાત્રા બહુ જ મુશ્કેલ બની રહી છે. એણે ૨૦૧૦માં મરાઠી ફિલ્મ 'લાઠી'થી એક્ટર તરીકે ડેબ્યુ કર્યું ત્યારથી પદ્મિની જેવી ટેલેન્ટેડ અને સફળ એકટ્રેસની બહેન હોવાને કારણે લોકોની બહુ  બધી અપેક્ષાઓ અને બારીક સમીક્ષાનો સામનો કરવો પડયો છે.

તેજસ્વિનીના જણાવવા મુજબ ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવતી હોવાથી એને માટે ઇન્ડસ્ટ્રીના દરવાજા તો સહેલાઈથી ખુલી ગયા પણ એની સાથોસાથ અતિશય પ્રેશર પણ આવ્યું. પદ્મિની સાથેની વરસોની તુલનાને લીધે એનો આત્મવિશ્વાસ ડગમગી ગયો અને એની અસર એના કરિઅર વિશેના નિર્ણયો ઉપર પણ થઈ.

ફિલ્મી પરિવારમાંથી આવતા કલાકાર વિશે દર્શકોમાં એક અલગ પ્રકારની ઉત્સુકતા હોય ચે. પરંતુ એની સાથે પેકેજમાં બધાની મસમોટી અપેક્ષાઓ અને ઝીણવટપૂર્વકની ચકાસણી પણ આવે છે એ ન ભૂલવું જોઈએ. 'ફિલ્મી ફેમિલીમાંથી આવતી વ્યક્તિ પડદા પર કેવો કરતબ દેખાડશે એ જાણવાની લોકોને તીવ્ર તાલાવેલી હોય ચે. મીડિયા પણ પોતાની રીતે અપેક્ષાઓ ઊભી કરે છે. એટલે મારા જેવા માટે દ્વાર તો ખુલી જાય છે પણ પછી સખત મહેનત કરવી પડે છે. પરિણામે, ઇન્ડસ્ટ્રીમાં આવતા આઉટ-સાઇડર કરતા ફિલ્મી પરિવારના એક્ટરે પોતાની ટેલેન્ટ પુરવાર કરવા લગભગ બમણો પ્રયાસ કરવો પડે છે, પરસેવો પાડવો પડે છે. એને કારણે ગાંડપણની હદના પ્રેશરમાંથી પસાર થવું પડે છે,' એની રાવ તેજસ્વિની ઉગ્ર ટોનમાં કરે છે.

પોતાની દાસ્તાન આગળ ચલાવતા કોલ્હાપુરે સિસ્ટર પોતાના ઓડિશન્સ દરમિયાનના અનુભવો વાગોળતા કહે છે, 'હું અમુક વાર ઓડિશન્સ આપવા જતી ત્યારે ખરેખર હતોત્સાહ કરી દેતા અનુભવો થતા. કાસ્ટિંગ ટીમના લોકો મને કહેતા કે અચ્છા, આપ પદ્મિની જૈસા એક્ટિંગ કરો. અરે ભાઈ, હું તેજસ્વિની છું, હું એના જેવો અભિનય કઈ રીતે કરી શકું? અમુક આવા ઓડિશન્સ થતા અને હું બહુ નાસીપાસ થઈ હતી. તમે શા માટે મારી સિસ્ટર સાથે મારી સરખામણી કરો છો? થેન્ક ગોડ, પદ્મિની મારા કરતા ઉંમરમાં (૧૪ વરસ) મોટી છે. જો બહેનો વચ્ચે ૨-૩ વરસનો જ ફરક હોય તો શું થતું હશે! આ એકદમ અનુચિત વલણ છે.'

સતીશ કૌશિકની ટીવી સીરિયલ 'મુઝે ચાંદ ચાહિયે'થી ટીવી ઇન્ડસ્ટ્રીમાં અને પછી 'ઉગલી', 'અન્જાને' અને 'રાવણ' જેવી ફિલ્મોથી બોલિવુડમાં પોતાની હાજરી નોંધાવનાર તેજસ્વિનીએ મીડિયા ઇન્ટરએક્શનમાં એક મોટો ધડાકો કરતા કહ્યું, 'સાચુ કહું તો મને ઘણી વાર એક્ટિંગ છોડી દેવાનું મન પણ થતું- આ જ કારણસર હું ક્યારેક પડદા પર દેખાઉં છું અને ક્યારેક લાંબો સમય નથી પણ દેખાતી. મારા કોચલામાં ભરાઈ જઈ એવી ગડમથલ અનુભવું છું કે મારે કામ ચાલુ રાખવું જોઈએ કે નહિ? તમે તો જાણો છો કે એક્ટર્સ કેટલા સેન્સિટીવ હોય છે. પરંતુ હવે વરસોના અનુભવો બાદ મને એવું આત્મજ્ઞાન લાધ્યું છે કે મારે સરખામણીઓ પર ધ્યાન ન આપવું જોઈએ. એનો કોઈ અર્થ નથી. આ સમજ મને કોઈએ અગાઉ આપી તો કેટલું સારું હતું?'