Magazines

સુબેદાર: અમુક બાબતે અસરદાર .

By GS TEAM
12 Mar 20265 mins read
સુબેદાર: અમુક બાબતે અસરદાર                             .

- OTT ઓનલાઈન ઝિંદાબાદ- સંજય વિ. શાહ 

- ફિલ્મમાં હળવાશનો અભાવ છે. એવાં દ્રશ્યો છે જેની વાસ્તવમાં કશી જરૂર નહોતી. એ કપાયાં હોત તો લંબાઈ સહ્ય થઈ જાત. 

- કથા કોની કરવી છે એ વિશે ફિલ્મ અસમંજસમાં છે. લશ્કરી અધિકારી અને સ્થાનિક માફિયાની? કોલેજકન્યા અને એના પર ડોળો રાખનાર ટપોરીની? બાપ-દીકરીના સંબંધની? કોની?

તો,૨૦૦૩માં તિગ્માંશુ ધુલિયા દિગ્દશત પહેલી ફિલ્મ 'હાસિલ' આવી હતી. દેહાતી, રુક્ષ ગુંડાગીરીનું બોલિવુડમાં એ દમદાર પિક્ચરાઇઝેશન હતું. પછી ગુંડાગીરીનો આ પ્રકાર બોલિવુડમાં સામાન્ય બની ગયો. ઓટીટી પર 'મિર્ઝાપુર' એની પાવરફુલ વ્યાખ્યા લખી. અનિલ કપૂર સહનિમત-અભિનિત 'સુબેદાર' એવાં સર્જનોમાં ઉમેરાયેલું નવું પૃ છે. ખૂબ પ્રમોટ કરવામાં આવેલી પ્રાઇમ વીડિયોની આ ફિલ્મ સીધી ઘરપડદે (ટેલિવિઝન) અને હાથપડદે (મોબાઇલ) પર આવી છે. 'તુમ્હારી સુલુ' ફમ સુરેશ ત્રિવેણી એના સહલેખક અને દિગ્દર્શક છે. 'સુબેદાર' કેવીક છે?

આર્મીમાં અઢી દાયકા સેવા આપ્યા બાદ સુબેદાર અર્જુન મોર્ય (અનિલ કપૂર) પોતાના નગર કોખ પાછો આવે છે. પત્ની સુધા (ખુશ્બુ  સંદર)ના અવસાન પછી કોલેજિયન દીકરી શ્યામા (રાધિકા મદાન) એકલી છે. અથાણાં વેચીને એકઠી કરેલી મૂડીથી, પત્ની સુધાની ઇચ્છાનુસાર અર્જુન જિપ્સી ખરીદે છે. નગરમાં ચોમેર અરાજકતા છે. જેલબંધ બબલી દીદી (મોના સિંઘ)નું માફિયારાજ એનો સાવકો, યુવાન ભાઈ શશિકાંત ઉર્ફે પ્રિન્સ (આદિત્ય રાવલ) ચલાવે છે. નદીના પટમાંથી રેતીનું ઉત્ખનન કરીને માફિયાવ રોજ કરોડો બનાવે છે. પ્રિન્સને ઉઘાડે છોગે હત્યાઓ કરીને પાશવી આનંદ પણ મળે છે. એની સાથે એના પડછાયાની જેમ રહે છે સોફ્ટી ભૈયા (ફૈઝલ મલિક).

બીજી તરફ શીલ કોલેજમાં ભણતી શ્યામા રણવીર (વિક્રમ પ્રતાપ)ના રગિંગનો ભોગ બની રહી છે. દીકરી પર શી વીતી રહી છે એની બાપને જાણ નથી. સાથે શ્યામા રાજન (મોહિત તિવારી)ના પ્રેમમાં છે. તો, કોખ પાછા આવેલા સુબેદારને એનો મિત્ર પ્રભાકર (સૌરભ શુક્લા) અપાવે છે પ્રિન્સને ત્યાં ગાર્ડની નોકરી. પહેલા જ દિવસે અપમાન સહન નહીં થવાથી સુબેદાર નોકરી પડતી મૂકે છે. એનાથી ગિન્નાયેલો પ્રિન્સ એની પાછળ હાથ ધોઈને પડી જાય છે. ફિલ્મની ૪૫ મિનિટ પછી પહેલું ઘર્ષણ આવે છે. ત્યાં સુધી ચાલે છે પાત્રોની તાકાત, તેમનો સ્વભાવ અને એના કોમ્બિનેશનના શક્યત: પ્રત્યાઘાતો શું હશે, એની માંડણી.

'સુબેદાર' પ્રકારની ફિલ્મો નવી નથી. એમને નવી કરે છે ચીવટભરી માવજત. ભ્રષ્ટ વિરુદ્ધ ઇમાનદાર, થોડો સનકી માણસ... આ ટિપિકલ સેટઅપને જીવી જવો ક્યારેક અઘરો થાય છે. એક કરતાં વધુ ટ્રેક્સ (માફિયા, શ્યામાનું કોલેજમાં રગિંગ, સુબેદારનું અંગત પીડાનું વારંવારનું સ્મરણ) અહીં મામલો અઘરો કરે છે. પેટાકથાઓમાં ઓછી અગાધતાને કારણે ફિલ્મમાં સતત રસક્ષતિ થાય છે. દાખલા તરીકે, શ્યામાનો પ્લોટ આશાસ્પદ શરૂઆત પછી કશે પહોંચતો નથી. પ્રિન્સની ગુંડાગીરી ફટાફટ સુબેદાર-કેન્દ્રીય થઈ જાય છે, જેનો કશો અર્થ સરતો નથી.

ટેકનિકલી ફિલ્મ ઠીકઠીક હોવાથી મામલો થોડો સચવાઈ જાય છે. અયાન સક્સેનાની સિનેમેટોગ્રાફી અમુક દ્રશ્યોમાં ખીલે છે. રોહન વિનાયક સહિત છએક લોકોના સંગીતમાં બનેલાં ગીતો અને પાર્શ્વસંગીત ફિલ્મોચિત છે. એમાં ઉત્તર ભારતીય સ્પર્શ સાથે, 'પુષ્પા' ટાઇપ આલાપ છે. વિક્રમ દહિયાની એક્શનની રચના સિનિયર કપૂરને ધ્યાનમાં રાખીને થઈ હશે. તેથી, જ્યાં મોટા ધમાકા અપેક્ષિત હોય ત્યાં દ્રશ્ય કટ થઈ જાય અને આપણે સમજી લેવાનું કે ફિલ્મ કહના ક્યા ચાહતી હૈ. 'એનિમલ' સ્ટાઇલમાં, ગીત સાથે આવતી એક સિક્વન્સ એમાં અપવાદ છે. બીજો અપવાદ શ્યામા અને રણવીરની ટોળી વચ્ચે થતી ખેંચતાણ છે. ફિલ્મમાં હળવાશનો અભાવ છે. એવાં દ્રશ્યો છે જેની વાસ્તવમાં કશી જરૂર નહોતી. એ કપાયાં હોત તો લંબાઈ સહ્ય થઈ જાત. સુધાનો ટ્રેક, બેન્ક જેવી કંપનીમાં પડેલા સુધાના પૈસા કઢાવવા માટે સુબેદારનો સંઘર્ષ (એનું છેવટે શું કરવું એ વિશે સર્જક અસ્પષ્ટ રહે છે તેથી ટ્રેક ઠેરનો ઠેર રહી જાય છે), સુબેદારનાં સૈનિકી સંસ્મરણો, શ્યામાની રણવીર (વિક્રમ પ્રતાપ) સાથેની ખટપટ અને રાજન સાથેનો લવ ટ્રેક... ઘણુંબધું અધકચરું અને અસ્થાને છે. એની જગ્યાએ બાપ-દીકરી વચ્ચેના તણાવભર્યા સંબંધને અસરકારક બનાવી શકાયો હોત. પ્રિન્સના આતંકને ન્યાય આપી શકાયો હોત... કેટકેટલું થઈ શક્યું હોત.

ભ્રષ્ટાચાર, ગુંડાગીરી વર્સસ સિદ્ધાંત અને જીદનું માળખું ધરાવતી 'સુબેદાર'ને ઘણો રંધો મારવાની જરૂર હતી. ચારેકોર મારવાની જરૂર હતી, અને પછી સારી બાબતોનું કોતરકામ કરવાની જરૂર હતી. ખાસ એટલે કે ઉંમરના આ તબક્કે અનિલ જેવા લોકપ્રિય, ડિપેન્ડેબલ અને એજલેસ એક્ટરને કેન્દ્રમાં રાખતી ફિલ્મો જાદુગરીથી ઓછી હોવી ના જોઈએ.

'સુબેદાર' ૧૯૮૦-૯૦ના દાયકાની ફિલ્મોનો ટચ ફિલ્મ ધરાવે છે. છતાં, ૧૪૨ મિનિટ સુધી એ સહન કરી શકાય તો એનું કારણ અનિલ કપૂર છે. એને જોઈને થાય આ માણસ જીવનના (ઓલમોસ્ટ) સાત દાયકા આંબીને પરફોર્મન્સની કેવી નવી ઊંચાઈઓ આંબી રહ્યો છે. મુશ્કેલી જોકે ત્રિવેણી, પ્રજ્વલ ચંદ્રશેખરના લેખનની છે. પ્રવાહ કે અનિલના પાત્ર, બેઉમાં લેખન અપેક્ષિત ઊંડાણ સર્જવામાં કાચું પડે છે. સ્વરૂપ સંપટ અને પરેશ રાવલના દીકરા આદિત્યને સબળ પાત્ર મળ્યું છે. આદિત્ય એને ન્યાય આપે છે પણ એનો ગેટઅપ ઓકે છે. એના પાત્રમાં પરિમાણો ઓછાં છે. આખી ફિલ્મમાં બે-ત્રણ દ્રશ્યો એવાં હોત જે એના આતંકને એવરેસ્ટ બનાવી દેત તો વાત બદલાઈ જાત. ક્લાઇમેક્સમાં એ કરવાનો પ્રયત્ન થયો છે ખરો પણ... રાધિકા મદાનને પ્રમાણમાં સારું પાત્ર મળ્યું છે, ઉત્તરાર્ધ તરફ. દીદીના પાત્રમાં મોના સિંઘ ઓડનરી છે. એના પાત્રમાં ભયંકર પોકળતા છે. સૌરભ શુક્લા, ફૈઝલ મલિક વગેરે પૂરક કલાકારો બની રહે છે. ફિલ્માંતે નાના પાટેકર મહેમાન કલાકાર તરીકે હાજરી પૂરાવે છે. અમસ્તા જ, કદાચ અનિલ કપૂરની દોસ્તીમાં.

ઉત્તર ભારતનાં ગામડાં-નગરમાં ક્યારેક પ્રવર્તમાન અરાજકતા અને અંધેર નગરીને 'સુબેદાર' ૨૦૨૬માં તાદ્દશ કરે છે. એમાં એને ખાસ સફળતા એટલે મળતી નથી કેમ કે કથા કોની કરવી છે એ વિશે ફિલ્મ અસમંજસમાં છે. લશ્કરી અધિકારી અને સ્થાનિક માફિયાની? કોલેજકન્યા અને એના પર ડોળો રાખનાર ટપોરીની? બાપ-દીકરીના સંબંધની? કોની? આ સવાલનો જવાબ મેળવીને ફિલ્મ બની હોત તો એનું ફોકસ કરેક્ટ થઈ જાત, લંબાઈ ઓછી થઈ જાત અને છેલ્લે દર્શકો સુધી પહોંચતું પરિણામ બેહદ મનોરંજક થઈ જાત.