વાર્તા : નવી શરૂઆત .

- સુમન પોતાના પિતાને પૂછવા માગતી હતી કે તે કોના વિશ્વાસે તેના પતિને છોડી દે? સુહેલના જીવનમાં તેમણે જ તેને પરાણે મોકલી હતી. આજે જ્યારે તે અપંગ થઈ ગયો છે ત્યારે તેને છોડી દેવાની સલાહ આપે છે. શું હું તેમના હાથની કઠપૂતળી છું? મારું કોઈ અસ્તિત્વ જ નથી? મારી પર ક્યાં સુધી માત્ર મારા પિતાનું જ ચાલતું રહેશે?
મેઈન રોડ ક્રોસ કરતા સુમનની હાલત ખરાબ થઈ જાય છે. બીજા લોકો તો જલદી ક્રોસ કરી લે છે, પણ તે તો બધી જ ગાડીઓ પસાર થઈ જાય અને દૂર સુધી કોઈ જ ગાડી આવતી ન દેખાય ત્યારે અડધો રોડ ક્રોસ કરે છે અને પછી બીજો અડધો રોડ પણ તે જ રીતે ક્રોસ કરે છે.
પહેલાં તે એકલી જ રોડ ક્રોસ કરતી હતી પણ હવે તેના બંને હાથ વ્હીલચેર પકડેલા હોય છે, જેના પર તેના પતિ સુહેલ બેઠેલા હોય છે.
''તું રોડ ક્રોસ કરવામાં ખૂબ ડરે છે.'' રસ્તો ક્રોસ કર્યા પછી સુહેલે પાછળ ફરીને કહ્યું.
''સાચે ખૂબ જ બીક લાગે છે એવું લાગે છે જાણે ગાડી મારી પર જ ચડી જશે અને મોટી ગાડીઓ જોઈને તો મને વધારે બીક લાગે છે. પણ તમે સાથે છો તો ધરપત રહે છે કે ક્રોસ કરી લઈશ.''
બંને વાતો કરતાંકરતાં સ્કૂલના દરવાજા પાસે આવી ગયા. ત્યાં જ સુમનના પર્સમાં મૂકેલો મોબાઈલ રણક્યો. ખભે લટકતા પર્સમાંથી તેણે મોબાઈલ કાઢયો. તેણે જોયું તો સ્ક્રીન પર નામ જોતા ફોન કાપતા બોલી, ''પપ્પાનો ફોન છે. તમને ક્લાસમાં મૂકીને પછી તેમની સાથે વાત કરીશ.''
''તારા પપ્પા તને તેમની પાસે બોલાવી રહ્યા
છે ને?'' સુહેલનો ચહેરો ઊતરી ગયો.
''ના કેમ.'' સુમન ખોટું બોલી, ''તમને કોણે કહ્યું? તે તો એમ જ હાલચાલ જાણવા માટે ફોન કરે છે. તમે ક્લાસમાં ચાલો.''
સુમન વ્હીલચેર પકડીને સુહેલને ૯મા ધોરણમાં લઈ ગઈ અને તે ભણવા માટે સ્કૂલની બાજુની જ કોલેજમાં જતી રહી. તે બી.એ. ફર્સ્ટમાં હતી.
એક પીરિયડ પૂરો થયા પછી તે આવી અને સુહેલને ૧૦મા ધોરણના ક્લાસમાં લઈ ગઈ. પછી તે પાછી પોતાના ક્લાસમાં આવી. ત્યાં ૪૫ મિનિટ પૂરી થયા પછી પણ મેડમ ઇતિહાસ ભણાવતા રહ્યા ત્યારે ઊભી થઈને બોલી, ''એક્સક્યુઝ મી મેડમ, સુહેલને ૮મા ધોરણમાં મૂકવા જવું છે અને તેમની દવાનો પણ સમય થઈ ગયો છે. હું જાઉં.''
''હા, જા.''
૫-૭ મિનિટ પછી તે પાછી આવી તો મેડમ તેની જ રાહ જોતાં ત્યાં જ ક્લાસમાં હતા. તેને નોટ્સ આપીને તેમણે કહ્યું, ''સુમન, તું ખૂબ જ સંઘર્ષ કરી રહી છે. મને તારા પર ગર્વ છે.''
''મેમ, એવું કંઈ નથી.'' તે હળવું હસી.
''વિપરીત સ્થિતિમાં હસીને જીવતા તો કોઈ તારી પાસેથી શીખે.''
મેડમ તેની પીઠ થાબડીને જતા રહ્યા અને તેમની પાછળ બધા છોકરાછોકરીઓ પણ જતા રહ્યા.
હવે ક્લાસમાં તે એક જ હતી. તે નોટ્સ વાંચવાની જ હતી કે ત્યાં જ તેનો મોબાઈલ રણક્યો.
''હા, પપ્પા, બોલો...''
''બેટા, તું ઠીક તો છે ને? અત્યારે તો તું
કોલેજમાં જ હોઈશ અને સુહેલને આ ક્લાસમાંથી પેલા ક્લાસમાં લઈ જતી હોઈશ?''
''હા...''
''બેટા, કેમ આટલી મહેનત કરી રહી છે? અમારી પાસે આવી જા. તને આટલો સંઘર્ષ કરતા જોઈ મારો આત્મા કકળે છે, આવું ક્યાં સુધી ચાલશે? બધું પડતું મૂકીને અમારી પાસે આવી જા બેટા. અમે તારા બીજા લગ્ન કરાવી દઈશું. ભરતને તું પ્રેમ કરે છે, તે તારી સાથે લગ્ન કરવા તૈયાર છે.''
સુમને જવાબ આપ્યા વગર ફોન કાપી નાખ્યો. પણ તેનું મન ખૂબ જ ભરાઈ આવ્યું હતું. ત્યાં જ ચોથા પીરિયડનો ઘંટ વાગ્યો. આંખના ખૂણે આવેલ આંસુ લૂછીને સુહેલને ૭મા ધોરણમાં મૂકવા ગઈ.
તેનો ચહેરો જોઈ સુહેલને ખ્યાલ આવી ગયો કે શું વાત હતી, તે બોલ્યા, ''સુમન, તું રડી રહી હતી ને? તારા પપ્પાની વાત માની લે, જતી રહે તેમની પાસે.''
સુમન સુહેલની આંખમાં જોતી જ રહી ગઈ. તેને લાગ્યું કે તેમણે મારી ચોરી પકડી લીધી. પણ તે કંઈ ન બોલી, ચુપચાપ તેમને ક્લાસમાં મૂકી આવી.
તેની કોલેજમાં તેની બધી જ બહેનપણીઓ કોલેજના ગાર્ડનની લોનમાં કૂણા તડકામાં બેઠીબેઠી ગપ્પાં મારી રહી હતી. તેમણે તેને બૂમ પાડીને બોલાવી પણ તે ફિક્કા હાસ્ય સાથે હાથ હલાવીને ક્લાસમાં જતી રહી.
તેનું મન કરી રહ્યું હતું કે તે ધ્રુસકેધ્રુસકે રડે પણ સુહેલને તેણે રડતા જોઈ લીધી તો તેમને કેટલું દુ:ખ થશે, એટલું વિચારીને તે ચુપ રહી ગઈ. ક્લાસમાં તે એકલી બારી પાસે બેઠી હતી. તેણે દીવાલે માથું ટેકવ્યું અને ઘણો કંટ્રોલ કર્યા છતાં તેની આંખમાંથી આંસુ સરી પડયા. તેના આંસુ પડી રહ્યા હતા અને તેના ભૂતકાળના પાના નજર સમક્ષ ફરી રહ્યા હતા.
અભ્યાસમાં કમજોર સુમન માત્ર પોતાના પિતાની જિદના કારણે ઇન્ટર પછી આગળ ભણવા કોલેજ જતી હતી પણ તેના સપનામાં તો બી.કોમ.માં ભણતો હેન્ડસમ ભરત જ વસી ગયો હતો. આંખ બંધ કરીને તે તેની સાથે સપનાના મહેલ સજાવતી રહેતી. ભરત પણ તેની સુંદરતા પર ફિદા હતો.
એક દિવસે રસ્તામાં સુમનના પિતાની મુલાકાત તેમના મિત્રની પત્ની અને દીકરા સાથે થઈ ગઈ. તે તેમને ૫-૬ વર્ષ પછી મળી રહ્યા હતા. અભિવાદન કરીને મિત્રની પત્નીને સાદી સાડીમાં જોતા જ શિક્ષક મિત્રનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનો તેમને ખ્યાલ આવ્યો. તેમને ખૂબ દુ:ખ થયું પણ તે જાણીને આનંદ થયો કે તેના પિતાની જગ્યાએ તેમના એક માત્ર દીકરા સુહેલને નોકરી મળી ગઈ હતી. હવે તે એ જ શહેરમાં નોકરી કરી રહ્યો હતો.
સુહેલે ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા અને તેમને તેમાં પોતાના ભાવિ જમાઈ દેખાયો. તેથી તેમણે તે મા-પુત્રને પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું. સુમનની માતાને સુહેલ ગમ્યો અને સુહેલ તેમજ તેની માતાને સુમન પહેલી નજરમાં જ ગમી ગઈ. જ્યારે સુમનને સુહેલ બિલકુલ નહોતો ગમતો. ક્યાં તે સુંદર નાકનક્શાવાળી લાંબી પાતળી પરમાર અને સુહેલ થોડો નીચા કદનો શ્યામ છોકરો. વધારામાં તેના માથા વચ્ચેથી વાળ પણ ખરી ગયા હતા અને ટાલ પડી ગઈ હતી.
સુમન પર તો જાણે આભ તૂટી પડયું હતું. તેણે પોતાની માતાને સીધેસીધી લગ્નની ના પાડી દીધી. પણ તેના પિતા ન માન્યા, ''મેં તારી બહેનોને જે ખૂંટે બાંધી તે બંધાઈ ગઈ. હવે તું તારી પસંદના છોકરા સાથે લગ્ન કરીશ. તે મારા જીવતા જીવ તો નહીં જ બને, બાઇક પર ફેરવતા ભરત પાસે છે જ શું? બાપાના પૈસે લહેર કરે છે. કાલે તેના પિતા તેને ઘરમાંથી કાઢી મૂકશે તો તેને કટોરો લઈ ભીખ માગવાની નોબત આવશે. સુંદર ચહેરાનું શું અથાણું નાખવાનું છે? સુહેલ મારો જાણીતો સારો છોકરો છે. સરકારી નોકરી છે તેની પાસે ઘર છે. ઉપરથી એકનો એક. બીજું શું જોઈએ? આ ઘરનો જમાઈ સુહેલ જ બનશે, નહીં તો તું મારું મરેલું મોઢું જોઈશ.''
માતા અને બહેનોએ સુમનને ખૂબ સમજાવી અને તેના લગ્ન સુરૈલ સાથે થઈ ગયા.
સુહેલ સુમનને ખૂબ ચાહતો હતો, પણ તે મનોમન તેનાથી નારાજ રહેતી હતી. તેની સાથે રસ્તામાં ચાલતા તેને ખૂબ જ શરમ આવતી હતી. 'હૂરની સાથે લંગૂર' કહી કહીને બહેનપણીઓ તેની ખૂબ જ મજાક ઉડાવતી હતી. તે મનોમન સુહેલને 'ચંડૂલ' કહેતી.
સુહેલ પોતાનું નવું નામ જાણીને પણ તેને ખૂબ ચાહતો હતો. તે સુમનને આગળ ભણાવવા ઇચ્છતો હતો. જે સ્કૂલમાં તે ભણાવતો હતો તેમાં કોલેજ પણ હતી. તેણે તેનું બી.એ. માં એડમિશન કરાવી દીધું. તે ભણવામાં કમજોર હતી, એટલે તે તેને અભ્યાસમાં મદદ પણ કરતો.
સુમનની અનિચ્છાએ તે ગર્ભવતી થઈ ગઈ. સાસુએ ધામધૂમથી તેનો ખોળો ભર્યો પણ કુદરતથી તેનું આ સુખ ન જોવાયું. એક રાત્રે ૮-૯ વાગે સુહેલ ટયૂશન ભણાવીને બાઇક પર ઘરે આવી રહ્યો હતો કે અચાનક બાઇકની હેડલાઇટ ખરાબ થઈ ગઈ અને અંધારામાં તે વીજળીના થાંભલા સાથે અથડાઈને પડી ગયો. ત્યાં જ પૂરઝડપે ત્યાંથી જીપ પસાર થઈ અને તેના બંને પગ પર ચડી ગઈ. તેના બંને પગ નિર્જીવ થઈ ગયા અને જીપવાળો ભાગી ગયો.
ડોક્ટરે સુહેલના બંને પગ ગોઠણથી કાપી નાખ્યા. મા અને સુમન પર તો જાણે આભ તૂટી પડયું હતું. માતાને મોટો આઘાત એ લાગ્યો હતો કે હવે તેમનો દીકરો ક્યારેય પોતાના પગે નહીં ચાલી શકે. તે તો અપંગ થઈ ગયો હતો. હવે તે બીજા પર આધારિત હતો. તે આઘાતને કારણે તે પણ દુનિયા છોડી જતી રહી.
સુમન પર આ બીજું સંકટ આવી ગયું. માતા સમાન સાસુના જતા રહેવાથી તે રડીરડીને અડધી થઈ ગઈ હતી. પોતાની માતાનું આ રીતે જતું રહેવું સુહેલ માટે પણ અસહ્ય હતું. પથારીમાં પડયા પડયા તે આંસુ વહાવતો. એક તરફ તે ડિપ્રેશનમાં ડૂબતો જઈ રહ્યો હતો. લાચાર પતિને આવી રીતે તડપતો જોઈને સુમનને તેની પર ખૂબ દયા આવતી. હવે તેની આવી સ્થિતિ જોઈ તેનું હૃદય પીગળી રહ્યું હતું. તે જ સમયે તેના પિતાએ એક રજૂઆત કરી કે તે સુહેલને છોડી દે.
સુમન પોતાના પિતાને પૂછવા માગતી હતી કે તે કોના વિશ્વાસે તેના પતિને છોડી દે? સુહેલના જીવનમાં તેમણે જ તેને પરાણે મોકલી હતી. આજે જ્યારે તે અપંગ થઈ ગયો છે ત્યારે તેને છોડી દેવાની સલાહ આપે છે. શું હું તેમના હાથની કઠપૂતળી છું? મારું કોઈ અસ્તિત્વ જ નથી? મારી પર ક્યાં સુધી માત્ર મારા પિતાનું જ ચાલતું રહેશે? મારી પાસે શું હૃદય કે દિમાગ નથી? તે બધી વાતો માત્ર તેના મનમાં જ સંઘરાયેલી રહેતી.
સુહેલને લાગતું હતું કે સુમન એક ને એક દિવસ તેને છોડીને જતી રહેશે. એક તો તે તેને પસંદ પણ નહોતી કરતી અને એક અપંગ સાથે તે કેવી રીતે રહેશે? અને તે પોતે એક અપંગ હોઈ તેની સંભાળ પણ કેવી રીતે લઈ શકશે? હા, સુમનના પેટમાં તેનો અંશ ઊછરી રહ્યો છે. કદાચ તે હવે તેને જન્મ પણ ન આપે. પછી તો તે બંનેનો સંબંધ જ પૂરો થઈ જશે. બસ હવે તો માત્ર એક નોકરી બચી હતી પણ તે પણ કેવી રીતે થશે? આ બધા જ પ્રશ્નો સુહેલની નજર સમક્ષ ઊભા હતા, જેનો તે જવાબ શોધવામાં ગૂંચવાઈ ગયો હતો.
માત્ર એક વર્ષ જ થયું હતું તેમના લગ્નને. સુમન એક એવા સત્યનો સામનો કરી રહી હતી, જેની તેણે કલ્પના પણ નહોતી કરી. સુહેલને તૂટીને વિખરાતા જોઈ તે તેની શક્તિ બનીને તેની ઢાલ બની ગઈ હતી.
પહેલીવાર તેણે સુહેલનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, ''જે થઈ ગયું તેને તો આપણે ન બદલી શકીએ. હવે આગળ જે જીવન બચ્યું છે તેને તો આપણે હસીને જીવી શકીએ છીએ. તમે બાળકોને હિંમતથી લડવાની વાત શીખવો છો અને તમે જ હિંમત હારી ગયા છો. તમે આવતીકાલથી સ્કૂલે ભણાવવા જજો અને હું કોલેજ અભ્યાસ કરવા જઈશ. આપણે આપણા આવનાર બાળકને એક સુંદર સમાજ અને એક સોનેરી ભવિષ્ય આપવું છે. આ રીતે હાથ પર હાથ મૂકીને બેસી રહેવાથી કંઈ જ નહીં થાય.''
સુહેલ ભીની આંખે સુમનને જોઈ રહ્યો કે તેને નાપસંદ કરનારી આજે તેને પોતાની માતાની જેમ સમજાવી રહી છે.
''જો હવે તમે મારી વાત નહીં માનો તો હું તમને ચંદ્નલ મહારાજ કહીને બોલાવીશ.''
સુમને હસીને કહ્યું જેથી સુહેલ પણ થોડું હસી લે. તે ખડખડાટ હસી પડયો. પછી બોલ્યો, ''હું વિચારી રહ્યો હતો કે આટલા દિવસથી કોઈ મને મારા વહાલા નામથી કેમ નહોતું બોલાવતું? હા, એ ઠીક છે. હું એક નોકર રાખી લઉં છું. તે મને સ્કૂલે લઈ જશે અને તું કોલેજ જજે અને હા, તું અભ્યાસની વ્યસ્તતામાં મારા આવનાર બાળકની સંભાળ લેવાનું ન ભૂલતી. હજી તો બાળકના જન્મને તો ઘણો સમય છે કેમ ખરું ને?''
''ઘણો સમય છે. હજી તો સાડા ૩ મહિના જ થયા છે. ૭ મો મહિનો આવતા જ હું કોલેજમાંથી રજા લઈ લઈશ.''
''દીદી... સર તમને બોલાવી રહ્યા છે.'' એક વિદ્યાર્થીએ આવીને સુમનને જાણે ઊંઘમાંથી જગાડી દીધી.
''તું જા હું આવું છું.'' કહી તે આંસુ લૂછીને મેદાનમાં આવી ગઈ.
સુહેલ વ્હીલચેર પર બેઠો તેની રાહ જોઈ રહ્યો હતો, પણ જ્યારે તે આવી તો કંઈ બોલ્યો નહીં. સુમન પણ મૌન રહી અને તેને ઘરે લઈ આવી. સુહેલે ફોન કરી પોતાના નોકરને જલદી જલદી આવવાનું કહ્યું. પત્નીની તબિયત ખરાબ થવાના કારણે તે ગામડે ગયો હતો. તેણે બીજા જ દિવસે આવવાનો વાયદો કર્યો.
સુમન આવતા જ રસોડામાં ઘૂસી ગઈ. જમવાનું બનાવી તેણે સુહેલને આપ્યું અને તે જમવા લાગ્યો. સુમનને પણ ભૂખ લાગી હતી. તે જમવા જ બેઠી હતી કે ફરી તેના પિતાનો ફોન આવી ગયો. તે બીજા રૂમમાં જઈને તેમની સાથે વાત કરવા લાગી.
આ વખતે ફોન પર તેની માતા પણ હતી. તે સુમનને બધું છોડીને પોતાની પાસે બોલાવી રહી હતી. પપ્પાએ એકદમ ખૂલીને વાત કરી, ''એક અપંગ સાથે તું આટલું લાંબું જીવન કેવી રીતે જીવીશ? તે તને કોઈ સુખ નહીં આપી શકે, તારી રક્ષા પણ નહી કરી શકે. તું ભરત સાથે લગ્ન કરી લે. મેં એક ડોક્ટર સાથે એબોર્શન કરાવવાની વાત પણ કરી લીધી છે. તે તૈયાર છે...''
સુમનને લાગ્યું કે તેના કાનમાં તેના પિતાનો અવાજ નહીં પણ ગરમ સીસું રેડાયું હોય. એબોર્શનની વાતથી તેનું આખું અસ્તિત્વ હચમચી ગયું. તેની મમતા જાગી ઊઠી. પોતાના વણજન્મ્યાં બાળકના ગળા પર પોતાના પિતાના લોહિયાળ હાથની કલ્પના માત્રથી જ તે કાંપી ઊઠી. તેનો વાત્સલ્ય પ્રેમ ઊકળતા લોહી સાથે બૂમ પાડી ઊઠયો, ''વાહ પપ્પા વાહ. તમારા જેવા પિતા તો મેં ક્યાંય નથી જોયા. જ્યારે હું ભરતને ચાહતી હતી તો તમે જબરદસ્તીથી મારા લગ્ન સુઝૈલ સાથે કરાવી દીધા અને આજે તે અપંગ થઈ ગયો છે તો તેને છોડવા માટે રોજરોજ મારી પર દબાણ કરી રહ્યા છો. તમારા જેવા સ્વાર્થી અને અવસરસાધુ માણસ મેં પહેલીવાર જોયા છે. ભરત સાથે મારા લગ્ન થાય અને જો તેનો પણ એક્સિડન્ટ થઈ જાય અને તે મરી ગયો, તો તમે મારા ત્રીજા લગ્ન કરાવશો? જે બાળકના આવવાના આનંદમાં હું અને સુહેલ જીવી રહ્યા છીએ તમે તેને જ મારી નાખવાનું વિચારી રહ્યા છો. તમે મારા માસૂમ બાળકની હત્યા કરવાની વાત કેવી રીતે કહી દીધી?'' સુમન પોતાના વણજન્મ્યા બાળકને યાદ કરતા રડી પડી.
તેના પિતાએ તેના હીબકા સાંભળ્યા ત્યારે તેમના મોઢે તાળા લાગી ગયા.
તે આગળ બોલી, ''તમે જે આશા અને આધાર પર મારા લગ્ન સુહેલ સાથે કરાવ્યા છે, હું તે આશા પર ખરી ઊતરવા માંગું છું. જો મારા જીવનમાં સંઘર્ષ છે, તો મને આ સંઘર્ષ અને સુહેલ સાથે જીવન જીવવું પસંદ છે. હું તેમને ક્યારેય નહીં છોડું. મારા સિવાય તેમનું હવે છે પણ કોણ? હવેથી આ વિષય પર તમે મારી સાથે ક્યારેય વાત નહીં કરો.'' કહીને સુમને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો.
ત્યાં જ અચાનક ધડામનો અવાજ આવ્યો તે દોડતી રૂમ તરફ ગઈ. ત્યાં જોયું તો ટેબલ પર પાણીનો ગ્લાસ લેવાના પ્રયાસમાં સુહેલ પલંગ પરથી નીચે પડી ગયો.
''આ તમે શું કર્યું? મારી રાહ નહોતા જોઈ શકતા?'' સુમન સુહેલને મહા પ્રયત્ને ઉઠાવતી ગળગળી થતા બોલી.
''હવે તો માત્ર નોકરની જ રાહ જોવી પડશે.'' કહેતાંકહેતાં સુહેલની આંખમાં ઝળઝળિયા આવી ગયા.
''તમારી જાણકારી માટે જણાવી દઉં કે તમને છોડીને ક્યાંય નથી જવાની. હું હંમેશાં તમારો પડછાયો બની તમારી સાથે જ રહીશ. પપ્પાને જે બોલવું હોય તે બોલવા દો. આ મારું જીવન છે અને મારો નિર્ણય છે.'' સુમન સુહેલને પલંગ પર સરખી રીતે બેસાડતા બોલતી જઈ રહી હતી.
તેણે તેની ભીની પાંપણને લૂછી અને બોલી, ''પુરુષોને આંસુ શોભા નથી આપતા. હું તમારી ધર્મપત્ની છું, એટલે મારી ફરજ નિભાવીશ. આજથી હું તમારી માતાની જેમ તમને ખીજવીશ, સમજાવીશ, તો બહેનની જેમ વહાલ અને પત્નીની જેમ પ્રેમ કરીશ.'' પછી તે સુહેલને ભેટી પડી.
''આભાર સુમન, તારા સંગાથથી હું આબાદ થઈ ગયો.'' સુહેલે ગળગળા અવાજમાં કહ્યું. તેને લાગ્યું કે સુમને તેને આકરા તાપથી બચાવી પોતાનો શીતળ છાંયડો કરી દીધો.








