Magazines

અડગ અર્જુન .

By GS TEAM
28 Nov 20253 mins read
અડગ અર્જુન                                                  .

- અર્જુને પોતાનો હાથ ઊંચો કર્યો. એને પોતાની મૃત્યુ પામેલી મા યાદ આવી. એ કહેતી કે બેટા, તું બધું જ કરી શકીશ. અર્જુન જાણે માને કહેતો હોય એમ બોલ્યો, 'જુઓ મા, હું પહાડ ચડી ગયો..! તું કહેતી હતી એ મેં કરી દેખાડયું...'

- વાસુદેવ સોઢા

એક દિવસ એક ગામની સ્કૂલમાં નવા શિક્ષક આવ્યા. એનું નામ રવિસર.પહેલા જ દિવસે એમણે જોયું કે અર્જુન નામનો વિદ્યાર્થી બીજાઓથી કંઈક અલગ છે. આ અલગ હોવાનું કારણ એની કમજોરી નહીં, પણ સાહસવૃત્તિ છે. 

રવિસરે અર્જુનને પૂછયું,'અર્જુન તને શું

પસંદ છે?'

અર્જુન બોલ્યો,'સર, મારે એક દિવસ પહાડ પર ચડવું છે.પણ લોકો મારો પગ જોઈને હાંસી ઉડાવે છે...'

રવિસર પ્રેમાળ હસી પડયો, 'બેટા, પહાડ તાકાતથી નહીં, હિંમતથી ચડી શકાય છે.'

થોડા દિવસો બાદ સ્કૂલમાં જાહેર કરવામાં આવ્યું કે  ગામથી દૂર એક જંગલ છે. ત્યાં બે દિવસની નાનકડી શિબિર રાખવામાં આવશે. ત્યાં પહાડ છે તે પર ચડવાની એક્ટિવિટી પણ કરાવવામાં આવશે.

સ્કૂલનાં બધાં બાળક ઉત્સાહમાં આવી ગયાં. બસ, એક અર્જુન મૂંઝાયેલો લાગતો હતો.આ જોઈને રવિસરે કહ્યું, 'અર્જુન તારે આ શિબિર અટેન્ડ કરવાની છે.હું છું તારી સાથે.. . બરાબર?'

અર્જુનને લાગ્યું કે પહેલી વાર કોઈ તેને શિબિરમાં લઈ જાય છે અને એનું સપનું છે એ સાકાર કરાવવામાં મદદ કરશે. એ છે રવિસર સર!

શિબિરનો દિવસ આવી ગયો. બાળકો શિબિર સ્થળે પહોંચી ગયાં.અર્જુન પોતાની લાકડીના સહારે ધીમે ધીમે ચાલતો હતો. 

આગળ જતાં પહાડ તરફ જતો રસ્તો આવ્યો. રસ્તા પર પથ્થરો અને કાંટા હતા. ઢાળ પણ હતો. અર્જુન ધીમે ધીમે રસ્તો ચડવા લાગ્યો. બીજા બધા બાળકો આગળ નીકળી ગયાં. અર્જુન હિંમત રાખીને આગળ વધતો હતો.

પહાડ અડધો ચડવાનો હજુ બાકી રહ્યો ત્યાં ચિન્ટુ નામનો છોકરો લપસીને થોડો નીચે સરકી ગયો. બધાં ડરી ગયાં, પણ અર્જુન આગળ વધ્યો. એ ચિન્ટુ પાસે ગયો ને બોલ્યો, 'ચિન્ટુ, ઊભો થા.મારો હાથ પકડી લે.'

અર્જુનનો એક પગ નબળો હતો, લાકડીનો ટેકો લેવો પડતો હતો, પણ તેની હિંમત અપાર હતી. બીજા હાથે તેણે ચિન્ટુને હાથ પકડયો.ચિન્ટુને ઊભો કર્યો. લાકડીને બરાબર ટેકવી. પછી ધીરે ધીરે ચિન્ટુને લઈને ઉપર ચડવા લાગ્યો.

રવિસર ઉપરથી આ સઘળું જોઈ રહ્યા હતા. એમણે મોટેથી કહ્યું, 'શાબાશ, અર્જુન શાબાશ... સાચું સાહસ આ જ છે..!'

બધાં બાળકોએ તાળીઓ પાડીને એને વધાવી લીધો. પહાડનું શિખર હજુ દૂર હતું. અર્જુન હિંમતપૂર્વક આગળ વધતો ગયો.પહાડ ચડવો અઘરો હતો, પણ અર્જુને હાર ન માની.

બધાં ધીરે ધીરે કરતાં આગળ વધ્યા. છેક ટોચ પર પહોંચી ગયા. સૌથી પહેલો તો અર્જુન જ પહોંચ્યો! 

ઠંડી હવા વહી રહી હતી. સૂરજ ચમકી રહ્યો હતો.પંખીઓ ઊડતાં હતાં.દૂર ક્યાંક કોઈ ભૂલું પડેલું વાદળું દેખાતું હતું.

અર્જુને પોતાનો હાથ ઊંચો કર્યો. એને પોતાની મૃત્યુ પામેલી મા યાદ આવી. એ કહેતી કે બેટા, તું બધું જ કરી શકીશ. અર્જુન જાણે માને કહેતો હોય એમ બોલ્યો, 'જુઓ મા, હું પહાડ ચડી ગયો..! તું કહેતી હતી એ મેં કરી દેખાડયું...'

બાકીનાં બાળકો, રવિસર અને બીજા શિક્ષકો પણ ઉપર પહોંચી ગયા. 

રવિ સર બોલ્યા, 'પગ કમજોર હોય તો શું થયું?હૃદય મજબૂત હોવું જોઈએ.અર્જુનનું હૃદય અને એની હિંમત તો પહાડથી પણ મજબૂત છે. એટલે જ એ પહાડ ચડી શક્યો...'

સૌએ ફરીથી તાળીઓ વગાડીને અર્જુનને વધાવી લીધો.