Magazines

શેખર કપૂરે બેન્ડિટ ક્વિન મનમાં ગિલ્ટ રાખીને બનાવી હતી

By GS TEAM
23 Apr 20263 mins read
શેખર કપૂરે બેન્ડિટ ક્વિન મનમાં ગિલ્ટ રાખીને બનાવી હતી

- લોકો મને અવારનવાર પૂછે છે કે તમે 'બેન્ડિટ ક્વિન' જેવી બીજી ફિલ્મ  ક્યારે બનાવશો? હું આવી બીજી ફિલ્મ બનાવી જ ન શકું.  કૈસે બનાઉં? મર જાઉંગા મૈં.'

શેખર કપૂરે પોતાના ૩ દશક લાંબા કરિઅરમાં ફક્ત ૩ હિન્દી ફિલ્મો 'માસૂમ' (૧૯૮૩), 'મિ. ઇન્ડિયા' (૧૯૮૭) અને 'બેન્ડિટ ક્વિન' (૧૯૯૪) બનાવી હોવા છતાં તેઓ ડાકુરાણી ફુલનદેવીની બાયોપિક 'બેન્ડિટ ક્વિન'ને દુનિયાભરના સમીક્ષકો અને દર્શકોએ વખાણી છે.  

તાજેતરમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ દિલ્હીમાં શેખર કપૂરે 'બેન્ડિટ ક્વિન' વિશે કેટલીક માર્મિક અને હૃદયસ્પર્શી વાતો કરી. એમણે કહ્યું, 'એ વખતે હું નિઝામુદ્દીનમાં રહેતો હતો. અખબારમાં બીજા કે ત્રીજા પાને છપાતી ફુલનની સ્ટોરી હું રોજ વાંચતો. મુઝે પતા હી નહીં થા કિ ઐસા ભી કોઈ દુનિયા હૈ. મારી આસપાસની દુનિયામાં આ બધુ બન્યું હતું અને એ વિશે હું અજાણ હતો. લોકો મને અવારનવાર પૂછે છે કે તમે 'બેન્ડિટ ક્વિન' જેવી બીજી ફિલ્મ  ક્યારે બનાવશો? હું આવી બીજી ફિલ્મ બનાવી જ ન શકું. મારો એવો કોઈ પ્લાન પણ નથી. કૈસે બતાઉં? મર જાઉંગા મૈં.'

૮૦ વરસના ડિરેક્ટર વાણી ત્રિપાઠી સમક્ષ એક પ્રામાણિક કબુલાત કરતા કહે છે, 'દરેક ફિલ્મમેકરનો ફિલ્મ મેકિંગ વખતે એક ચોક્કસ દ્રષ્ટિકોણ હોય છે. 'બેન્ડિટ ક્વિ' બનાવતી વખતે મારામાં એવો અપરાધ ભાવ (ગિલ્ટ) ઘર કરી ગયો હતો કે ફુલન સાથે જે બન્યુ એ માટે હું જવાબદાર છું. આમેય ડિરેક્ટર તરીકે મારી એવી ટેન્ડન્સી રહી છે કે હું પોતે દરેક માત્ર બની જાઉં છું. હું પોતે પાત્રમાં પુરેપુરો ઢળી ન જાઉં ત્યાં સુધી એક્ટરને એનું કેરેક્ટર (પાત્ર) સમજાવી ન શકું.'

નવાઈની વાત એ છે કે પંજાબીમાં જુવાન છોકરીઓ માટે સામાન્ય રીતે થતા શબ્દપ્રયોગોમાંથી કપૂરના મગજમાં ફિલ્મ માટે એવું વિચાર બીજ રોપાયું હતું કે બળાત્કાર (રેપ) કોઈ જાતીય દુષ્કર્મ (સેકસ્યુઅલ એક્ટ) નથી. એ સ્ત્રીઓ પર પુરુષોનું પ્રભુત્વ બનાવવાની એક રીત છે. એને સેક્સ્યુઆલિટી સાથે કોઈ સંબંધ નથી. પંજાબીમાં યુવતિઓ માટે એમ કહેવાય છે કુડી બહોત શર્મિલી હૈ. એનો અર્થ એવો થાય કે એ આજ્ઞાાકારી છે, સહેલાઈથી તાબે થઈ જાય છે. યંગ છોકરીઓ માટે વપરાતું આ સૌથી બદતર વિશેષણ છે.' જિનીયસ ડિરેક્ટર પોતાની કેફિયત દરમિયાન બહુ ઓછી જાણીતી હકીકત ઉજાગર કરતા કહે છે, 'તમે દિલોજાનથી કોઈ મૂવી બનાવતા હો ત્યારે એક ફિલ્મ પોતે જ પોતાનો માર્ગ નક્કી કરી લે છે. બનાતે બનાતે ફિલ્મ કી એક મર્ઝી આ જાતી હૈ, પછી બધા સૂત્રો ફિલ્મ પોતે જ અખત્યાર કરી લે છે. પછી તમે ડિરેક્ટર નથી રહેતા, તમે માત્ર સ્ટોરીનું જ પગલે પગલું દબાવો છો.'

પ્રેક્ષકોમાંથી શેખરને પૂછાયું કે સર, તમને 'બેન્ડિટ ક્વિન'ના કયા સીનનું ફિલ્મીંગ સૌથી મુશ્કેલ લાગ્યું હતું? કપૂરને જવાબ માટે બહુ વિચારવું નથી પડતું, 'ફિલ્મમાં જે ચર્ચાસ્પદ ગેંગ રેપનો સીન છે એ કઈ રીતે શૂટ કરવો એ વિચારતા મને દિવસો લાગ્યા હતા. મારે બીજી ફિલ્મોની જેમ એ સીનને સેકસ્યુઅલ બનાવવો નહોતો. તમે કદાચ નહિ માનો પણ હું બે દિવસ એક રૂમમાં પુરાઈને વિચારતો રહ્યો કે સેક્સને સામેલ કર્યા વિના મારે રેપ સીન કઈ રીતે ફિલ્માવવો? જેના પર રેપ થાય એ સ્ત્રીને કેવી લાગણી થાય? કેવી માનસિક યાતનામાંથી પસાર થવાનું આવે? આ મનોમંથનમાંથી એક આઇડિયા સૂજ્યો અને મેં ગેંગ રેપનના સીનને સૂચક રાખ્યો. દરવાજા ખુલ રહા હૈ, બંદ હો રહા હૈ. એક પછી એક શખ્સ ફુલન પર રેપ કરવા ઓરડીમાં પ્રવેશ કરતો રહે છે. દર્શકને અંદર શું થાય છે એ મેં પડદા પર બતાવ્યું નથી. પરંતુ હું મનમાં જાણતો હતો કે અંદર શું થઈ રહ્યું છે. એટલે સીન ડિરેક્ટ કરતી વખતે મને એકધારી ઉલટી થતી હતી. હું શુટિંગ મોકુફ રાખવા વિચારતો પણ યુનિટના આગ્રહથી મેં શૂટ પુરું કર્યું. તમને જાણીને નવાઈ લાગશે કે 'બેન્ડિટ ક્વિન'ના શૂટ દરમિયાન હું મારી જાતને એકધારો ધિક્કારતો રહ્યો હતો. એટલે જ હું કહું છું કે આવી મૂવી હું ફરી બનાવી નહિ શકું.'