Magazines

કોઈ જોનારું નથી એ ધારણા સાચી નથી નીરખે છે આભથી : એની નજર કાચી નથી

By GS TEAM
26 May 20269 mins read
કોઈ જોનારું નથી એ ધારણા સાચી નથી નીરખે છે આભથી : એની નજર કાચી નથી

- યહી હે જિંદગી-મહેશ યાજ્ઞિાક

- ફાઇલ અને પાઉચવાળી થેલી બાજુમાં ઊભેલી બાઇકની સીટ પર મૂકીને એણે સ્કૂટરની ડેકીમાંથી હેલ્મેટ બહાર કાઢી એ જ વખતે મોબાઇલ રણક્યો

સ વારે સાત વાગ્યે પણ અમદાવાદની હવામાં ઉકળાટ હતો. અઠ્ઠાવન વર્ષનો રસિક ડાઇનિંગ ટેબલ પર બેસીને ચા પીતો હતો. એની પત્ની લીલી રસોડામાં હતી. એ વખતે ડ્રોઈંગરૂમની ટિપોઈ પર લેન્ડલાઇન ફોન રણક્યો. એકવીસ વર્ષની અવનીએ અખબાર બાજુ પર મૂકીને ફોન ઉપાડયો. ખિલખિલાટ હસીને બે મિનિટ વાત કરીને એણે રસિક સામે જોયું. ''પપ્પા, જામનગરથી જયાફૈબાનો ફોન છે.'' પછી એણે હસીને ઉમેર્યું. ''ફૈબા જ્યારે ફોન કરે ત્યારે આપણી વાત સાંભળવાને બદલે શુદ્ધ કાઠિયાવાડીમાં ધડાધડ બોલ્યા કરે એ સાંભળવાની મજા આવે છે.''

રસિકે ત્યાં આવીને રિસિવર ઉઠાવ્યું અને સોફા પર બેઠો. ''રસિકડા ! ફોન કરવામાં પૈસા લાગે છે ? મોટીબેનને ફોન કરવાનોય ટાઇમ નથી મળતો ?''

''એવું નથી, મોટી બેન ! છ મહિનાથી ડેપ્યુટેશન ઉપર મહેસાણા મૂક્યો છે, એટલે અપડાઉનમાં તૂટી મરાય છે. તમારી જોડે વાત નથી કરી, પણ મારા બનેવી સાહેબ જોડે તો કાયમ વાત થાય જ છે.''

''તારી હોંશિયારીને નહીં પહોંચાય, ભાઈ, પણ હવે મારી બે વાત કાન ખોલીને સાંભળી લે.'' જયાબહેને પ્રેમથી આદેશ આપ્યો. ''માગશર મહિનામાં તેં દીકરી અવનીના લગન લીધા છે, એમાં હું તારા ઘેર પંદર દાડા પહેલા આવીને ધામા નાખવાની છું. મારે બે દીકરા અને એમના ઘેર પણ દીકરાનો વસ્તાર છે. તારે એકની એક અવની છે. મને કન્યાદાનનો લ્હાવો ક્યારેય મળવાનો નથી, એટલે લખી રાખ કે અવનીનું કન્યાદાન હું જ કરવાની છું. એમાં તારી કે લીલાની કોઈ વાત હું માનવાની નથી. સમજ્યો ?''

''તમારો આદેશ આંખ-માથા ઉપર...'' રસિકે તરત 

સંમતિ આપી.

''હવે બીજી વાત ધ્યાનથી સાંભળ. તેં તારા બનેવીને વાત કરેલી, એટલે એમણે સલાયાના દોસ્તારોને સાધીને તારું કામ પતાવી દીધું છે. અવનીના દાગીના માટે પાક્કા ચોવીસ કેરેટની દસ-દસ ગ્રામનાં સાત લગડી બિલ કે જીએસટીની માથાકૂટ વગર મળી ગઈ છે. એમાંથી બે લગડી મેં રાખી છે. કન્યાદાન મારે કરવાનું છે એટલે એમાંથી અવની માટે ચેઇન અને લઠ્ઠાબેન્ડ જેવી બે બંગડી મારા તરફથી હું આપવાની છું. તારા બનેવીએ જ મને ફોન કરવાનું કીધું છે, એટલે સવારમાં જ ફોન કર્યો. એમણે તારી પાંચ લંગડીનું આંગડિયું કર્યું છે. મહેસાણા આંગડિયા પેઢીમાંથી તારા ઉપર ફોન આવે એટલે ત્યાં જઈને એ લઈ આવજે અને તરત તારા બનેવીને ફોન કરી લેજે. એના પૈસાનો હિસાબ તારા બનેવી જોડે સમજી લેજે. કોઈ ઉતાવળ નથી.''

લગીર અટકીને એમણે યાદ કરાવ્યું. ''તારી ઓફિસમાં પંદર તારીખથી દસ દાડાની રજા મૂકી દીધી ! ત્રણ-ચાર પ્રોગ્રામ છે, એટલે તમારે ત્રણેય જણાએ દસ દાડા જામનગર આવવાનું છે. એમાં ભૂલ કરીશ તો સારાવાટ નહીં રહે. ના મૂકી હોય તો આજે જ રજાની અરજી આપી દેજે.'' એમણે હસીને ઉમેર્યું. ''હવે તું છૂટો. ફોન 

લીલાને આપ.''

રસિકે ફોનનું રિસિવર લીલાને પકડાવ્યું અને બાથરૂમમાં ઘૂસ્યો. સાબરમતી રેલ્વે સ્ટેશન સુધીના રસ્તે ટ્રાફિક વધારે રહેતો હોવાથી ઝડપથી ભાગવાનું હતું.

ટિફિન, પાઉચ અને ઓફિસની ફાઈલની થેલી સ્કૂટર પર લટકાવીને એ રેલ્વે સ્ટેશને પહોંચી ગયો. પાર્કિંગમાં સ્કૂટર મૂકીને ઝડપથી પગ ઉપાડીને એ ટ્રેનમાં ગોઠવાઈ ગયો.

મહેસાણા ઓફિસમાં એણે કામ શરૂ કર્યું એ પછી થોડી વારમાં જ આંગડિયા પેઢીમાંથી ફોન આવ્યો. પાઉચ હાથમાં લઈને એ પેઢી પર પહોંચ્યો. મોબાઇલ નંબર ચેક કરીને પેઢીના મેનેજરે પેકેટ આપ્યું. રસિકે એ ખોલીને પાંચેય લગડી ચેક કરી લીધી. એના પાઉચમાં પાનકાર્ડ, આધારકાર્ડ, બેન્કની ચેકબૂક, ક્રેડિટકાર્ડ, રેલ્વેનો પાસ સહિત તમામ અગત્યના કાગળો સાથે એણે પાંચ લગડીનું પેકેટ મૂકી દીધું અને ઓફિસમાં પાછો આવી ગયો.

રસિકની સાથે બીજા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ત્રિવેદી પણ હતા. એમની સાથે ચા પીતી વખતે રસિકે રજાની વાત કરી. ત્રિવેદીએ સલાહ આપી કે વહેલી તકે અરજી ઈનવર્ડ કરાવીને રજા મંજૂર કરાવી લે, નહીં તો વસ્તી ગણતરીના કામમાં ફસાઈ જવાની શક્યતા છે. રસિકે તરત જ રજા માટેની અરજી ડુપ્લિકેટમાં ટાઇપ કરાવીને ઈનવર્ડમાં આપી. પોતાની કોપી ઉપર ઈનવર્ડનો સિક્કો મરાવી લીધો. એ પછી પોતાની કોપી કાયમ જોડે રાખતો હતો એ ઓફિસ ફાઈલમાં પંચ કરીને ભરાવી દીધી.

સાંજે ઓફિસમાંથી નીકળતી વખતે ઓફિસ ફાઇલ અને પાઉચ કાળજીથી થેલીમાં મૂક્યા. ટિફિન બોક્સ હાથમાં પકડીને એ ટ્રેનમાં બેસી ગયો. આજે ખૂબ કામ રહ્યું હતું એટલે એ રીતસર થાકી ગયો હતો.

સાબરમતી રેલ્વે સ્ટેશને ઊતરીને એ પાર્કિંગમાં સ્કૂટર પાસે ગયો. ફાઇલ અને પાઉચવાળી થેલી બાજુમાં ઊભેલી બાઇકની સીટ પર મૂકીને એણે સ્કૂટરની ડેકીમાંથી હેલ્મેટ બહાર કાઢી એ જ વખતે મોબાઇલ રણક્યો. સ્ક્રીન ઉપર ઘરનો લેન્ડલાઇન નંબર જોઈને એ ચમક્યો. તરત જ ફોન ઉઠાવ્યો.

''પપ્પા ! ક્યાં છો તમે ? જલ્દી ઘેર આવો. મમ્મી બાથરૂમમાં લપસી પડી છે...'' અવનીનો અવાજ ઉશ્કેરાટ-ચિંતાથી ધૂ્રજતો હતો. ''માથામાંથી ધડધડાટ લોહી વહે છે અને પગમાં ફ્રેકચર જેવું લાગે છે. એ તો પીડાથી રડે છે... તમે 

જલ્દી આવો...''

ઓહ ગોડ ! અવનીનો ચિંતાતુર અવાજ સાંભળીને રસિક ખુદ ગભરાઈ ગયો. ''ચિંતા ના કર તું એકસો આઠને ફોન કર. હું દસ મિનિટમાં જ આવું છું...'' અવનીને આટલું કહીને રસિકે તરત હેલ્મેટ પહેરી લીધી અને ધમધમાટ 

સ્કૂટર ભગાવ્યું.

એ ઘેર પહોંચ્યો ત્યારે ફલેટના પાડોશીઓ ઘરમાં હાજર જ હતાં. લીલાના માથામાંથી લોહી નીકળતું હતું અને જમણા પગનો ઢીંચણ ફૂલીને દડા જેવો થઈ ગયો હતો !

એમ્બ્યુલન્સ આવી ગઈ. મણિયારની હોસ્પિટલે લઈ જવાની સૂચના આપીને રસિક અને અવની એમ્બ્યુલન્સમાં બેઠા. ત્રણ પાડોશીઓ પણ એમની સાથે ગોઠવાઈ ગયાં. ''પૈસાની ચિંતા ના કરતા, રસિકભાઈ !'' રસિકના ખભે હાથ મૂકીને એક પાડોશીએ સહાનુભૂતિથી કહ્યું. ''મેં કેશ ચાલીસ હજાર જોડે લઈ લીધા છે.''

એણે આવું કહ્યું એની સાથે જ રસિક જોરદાર ઝાટકા સાથે ચોંકીને ઊભો થઈ ગયો ! બધા આશ્ચર્યથી એની સામે તાકી રહ્યાં. ''શું થયું ?'' પાડોશીએ આશ્ચર્યથી પૂછ્યું.

''અવનીના મેરેજ માટે પચાસ ગ્રામ સોનું મંગાવેલું. એ પાઉચ અને ફાઈલની થેલી રેલ્વે સ્ટેશને પાર્કિંગમાં જ રહી ગઈ !...'' પોતાની આ ભૂલ બદલ રસિકને ખુદના ગાલ ઉપર તમાચો મારવાની ઈચ્છા થતી હતી. એ હાંફળોફાંફળો થઈ ગયો હતો. સમાચાર સાંભળીને અવની ડઘાઈ ગઈ હતી.

''એક કામ કરો...'' પાડોશીએ સમજાવ્યું. ''હોસ્પિટલમાં ડોક્ટરને મળીને એ શું કહે છે એ જાણીને તમે સ્ટેશને જઈને તપાસ કરજો. અમે લીલાભાભી અને અવનીની જોડે જ રહીશું...'' એમણે આશા બંધાવી. ''કોઈ સારા માણસને મળ્યું હશે તો પાછું મળી જશે... બાકી હરિઈચ્છા!''

ડો. મણિયાર કુશળ સર્જન હતાં. લીલાને તપાસીને એમણે કહ્યું કે માથાની ઈન્જરીમાં લોહી વહી ગયું એ સારું છે. જો અંદર જ કલોટિંગ થયું હોત તો મુશ્કેલી થાત. પગના ઢીંચણની ઢાંકણી તૂટી ગઈ છે, એ ઓપરેશન કરવું પડશે અને અઠવાડિયું હોસ્પિટલમાં જ 

રહેવું પડશે.

પાડોશીઓએ રસિકને ધરપત આપી કે અમે હોસ્પિટલમાં જ રહીશું. તમે જલ્દી સ્ટેશને ભાગો. સાડા સાત લાખ રૂપિયાનો મામલો છે. નસીબમાં હશે તો મળી જશે.

 રસિકનું મગજ ચકરાઈ ગયું હતું. આટલા વર્ષમાં પહેલીવાર આવી ભૂલ થઈ... રિક્ષામાં બેસીને એ સ્ટેશને પહોંચ્યો. પાર્કિંગવાળાને, બહાર ઊભેલા લારી-ગલ્લાવાળાઓને - બધાને પૂછ્યું પણ કોઈને કશી ખબર નહોતી!

દીકરીના લગ્ન માટે મંગાવેલી એ પાંચ લગડી પાઉચમાં શા માટે મૂકી ? પેન્ટના ખિસ્સામાં જ રાખી હોત તો આવો લોચો ના થાત ! એક કલાક સુધી રઝળીને - બધાને પૂછી પૂછીને એણે હાર કબૂલી લીધી... સાડા સાત લાખ રૂપિયાનું નુકસાન નાનુંસૂનું નહોતું પરંતુ પોતાની આ મૂર્ખામીનો હવે કોઈ ઉપાય નહોતો. ઢીલા પગલે એ પાછો હોસ્પિટલમાં આવ્યો. અવનીએ આશાભરી નજરે એની સામે જોયું પણ એની સાથે આંખ મિલાવવાની હિંમત નહોતી બચી. બે હાથ વચ્ચે માથું પકડીને એ સોફા પર ફસડાઈ પડયો. એની હાલત જોઈને પાડોશીઓને પણ ખ્યાલ આવી ગયો. આશ્વાસન આપીને એમણે વિદાય લીધી. લીલા ઓપરેશન થિયેટરમાં હતી. ફલેટમાં ખબર પડી એટલે બીજા પાડોશીઓ હોસ્પિટલમાં આવી ગયા હતાં.

રસિક તનમનથી ભાંગી પડયો હતો. આઠ દિવસ પછી લીલા ઘેર આવી એટલે રસિક ઓફિસે ગયો. સાથી કર્મચારીઓને આખી રામકહાણી સંભળાવીને પૂછ્યું. ''કોઈ હરિનો લાલ અહીં કંઈ પાછું આપી ગયો છે ?''

''તમારા નામે એક પોસ્ટકાર્ડ આવ્યું છે...'' ત્રિવેદીએ પોતાના ટેબલ પરથી લાવીને ચોળાયેલું પોસ્ટકાર્ડ રસિકને આપ્યું. અક્ષર ગરબડિયા હતા. ''સાહેબ, જરૂરી કામ છે. સાંજે છ વાગ્યા પછી ખાસ મળવા આવજો. - મુસ્તાક શેખ, પંચરવાળા.'' આટલું લખીને જુહાપુરાનું સરનામું લખ્યું હતું. ''આજે જ મળી આવો.'' બધાએ રસિકને સલાહ આપી. ટ્રેનની રાહ જોવાને બદલે રસિકે જે મળી એ પહેલી બસ પકડી અને અમદાવાદ આવી ગયો.

જુહાપુરામાં સર્વિસ રોડ પર ભીડની વચ્ચે રસિક આગળ વધ્યો. રહેણાંક માટેની ઓરડીઓમાં આગળના ભાગમાં નાની દુકાનો બનાવી દેવામાં આવી હતી. બારણાંઓ ઉપર જૂની સાડીના પરદા ઝૂલતાં હતાં.

પંચર લખેલું બોર્ડ દેખાયું. પચાસેક વર્ષનો એક માણસ સ્કૂટરનું પૈડું ખોલીને પંચર બનાવી રહ્યો હતો. ચાર-પાંચ દિવસની વધેલી દાઢી અને તડકામાં શેકાઈને તામ્રવર્ણો ચહેરો. એની સામે જઈને રસિક ઊભો રહ્યો. ''મુસ્તાકભાઈ ?'' એમ પૂછીને ખિસ્સામાંથી પેલું પોસ્ટકાર્ડ બહાર કાઢ્યું.

પેલાનો ચહેરો ખીલી ઉઠયો. ''અરે માલિક ! તમારી જ રાહ જોતો હતો.'' પ્લાસ્ટિકના મૂંઢા પર બેસવાનો ઈશારો કરીને એ સીધો અંદર ઘૂસ્યો. બીજી જ મિનિટે હાથમાં થેલી લઈને બહાર આવ્યો. થેલી જોઈને રસિકના ચહેરા પર ચમક આવી.

''તમે આવ્યા નહીં એટલે પોસ્ટકાર્ડ મળ્યું હશે કે નહીં એવી શંકા પડેલી. તમારી અમાનતનો ભાર લાગતો હતો. એ દિવસે હું ત્યાં મારા ભાઈને મૂકવા આવ્યો હતો. તમે ભમભમાટ ભાગ્યા અને થેલી રહી ગઈ એ મેં જોયું. થેલી લઈને તરત તમારી પાછળ સ્કૂટર દોડાવ્યું, પણ ટ્રાફિકમાં તમે સડસડાટ નીકળી ગયા અને હું તમને પકડી ના શક્યો. તમે જતા રહ્યા. ફાઈલમાં જરૂરી કાગળ છે એટલી સમજ પડે એટલે અલ્લામિંયા ઉપર ભરોસો રાખીને પોસ્ટકાર્ડ લખી નાખ્યું. આજે તમે આવ્યા એટલે ખુશી થઈ... બહુ ખુશી થઈ... માલિકે મારી ઈજ્જત રાખી...''

''અરે મુસ્તાકભાઈ, તમે ભૂલ કરી...'' રસિકે કહ્યું, ''અંદર પાઉચમાં મારું પાન-આધાર-લાયસન્સ અને બીજા બધા કાર્ડ છે. એમાં મારું અહીંનું સરનામું અને ફોન નંબર બધુંય છે. ફોન કર્યો હોત તો તરત આવી જાત...'' રસિકે આશ્ચર્યથી પૂછ્યું. ''એ કશુંય તમે ના જોયું ?''

''પાઉચ જોયેલું, પણ ખોલવાની હિંમત નહોતી કરી...'' એના અવાજમાં પારદર્શક નિખાલસતા છલકાતી હતી. ''ઈમાનથી કહું છું, સાહેબ ! હું હાડ-ચામનો માણસ છું. ઘરમાં મારી બીબી પણ છે. દાનત બદલાય નહીં એ વજહથી તમારું પાઉચ નહોતું ખોલ્યું. ડર હતો કે શાયદ અંદર મોટી રકમ હોય અને એ જોઈને મારી કે બીબીની નિયત બગડે તો ? એ બીક હતી...''

થેલી રસિકના હાથમાં આપીને એ કરગર્યો. ''બધું ચેક કરી લો, સાહેબ !''

આ ગરીબ માણસની ઊંચી સમજદારી જોઈને રસિક સ્તબ્ધ હતો. માત્ર એનું માન રાખવા માટે એણે પાઉચ ખોલીને જોયું. સોનાની પાંચ લગડી સહિત પોતે જે મૂકેલું એ બધું એ જ દશામાં અકબંધ હતું.

ખિસ્સામાંથી પાકિટ કાઢીને એમાં હતી એ દસ-બાર પાંચસોની નોટ ગણ્યા વગર જ એણે મુસ્તાકભાઈના હાથમાં પકડાવી. જાણે સળગતો અંગારો અડયો હોય એમ એમણે હાથ પાછા ખેંચી લીધા. ઠપકા ભરેલી નજરે એ રસિક સામે તાકી રહ્યો. ''ઈમાનદારીની કદર કરવા માટે વિવેક કરો છો, એ તમારી ખાનદાની છે, પણ હરામના પૈસા ના લેવાય એવો મારો ઉસુલ છે, સાહેબ !'' એણે હસીને ઉમેર્યું. ''મહેનત કરવાથી બે ટાઇમ ઇજ્જતની રોટી મળે છે એટલી માલિકની મહેરબાની છે. નિયતમાં બેઇમાની હોત તો પોસ્ટકાર્ડ શા માટે લખતો ? તમારી આ થેલી તો મારી પાસે જ હતીને ? બોલો, તમારો આ દલ્લો મારી પાસે છે એની કોઈનેય ખબર હતી ? કોઈએ મને જોયેલો ?''

એનો સવાલ સાંભળીને રસિકે નકારમાં માથું ધૂણાવ્યું. ''મેં બધાને પૂછેલું કોઈનેય ખબર નહોતી. કોઈએ તમને નહોતા જોયા.''

મુસ્તાકભાઈએ રસિકના ખભે હાથ મૂકીને એની ભૂલ સુધારી. ''બધી પબ્લીક આ જ ગલતી કરે છે. દુનિયામાં કોઈએ જોયું નહોતું, એ વાત સાચી, પણ ઉપરવાળાને તો બધું દેખાય ને ? એના ગુનેગાર બનીને કોઈ કામ ક્યારેય નહીં કરવાનું...''

ભીના અવાજે એ બોલતો હતો. મનોમન બે હાથ જોડીને રસિક આદરભાવથી એની સામે તાકી રહ્યો હતો.

(શીર્ષક પંક્તિ : લેખક)