Magazines

નિષ્ફળ દીર્ઘાયુષ કરતાં સાર્થક ટુંકુ જીવન શ્રેષ્ઠ .

By GS TEAM
14 Oct 20254 mins read
નિષ્ફળ દીર્ઘાયુષ કરતાં સાર્થક ટુંકુ જીવન શ્રેષ્ઠ                      .

- શબ્દ સૂરને મેળે-રાજેશ વ્યાસ 'મિસ્કીન'

- બનાવટી લાંબુ આયુષ્ય કરતાં અલ્પજીવી સાચું જીવન જીવવું એ અનેકગણું ચડિયાતું છે

બનાવટી ફૂલોને 

તમારે રંગો છે,

અને આકારો છે,

કલાકારે દીધો તમ સમીપ આનંદકણ છે,

અને બાગોમાંના કુસુમ થકી લાંબુ જીવન છે.

ઘરોની શોભામાં,

કદી અંબોડામાં,

રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું,

પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું.

પરંતુ જાણ્યું છે,

કદી વા માણ્યું છે,

શશીનું, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું ?

વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું ?

ન જાણો નિંદુ છું,

પરંતુ પૂછું છું :

તમારાં હૈયાંના ગહન મહીંયે આવું વસતું :

'દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું !'

- પ્રહલાદ પારેખ.

પ્ર હલાદ પારેખ ગાંધીયુગના કવિ છે. ગાંધીયુગમાં ઉમાશંકર, સુન્દરમ, સ્નેહરશ્મિ, પ્રહ્લાદ પારેખ, કૃષ્ણલાલ શ્રીધરાણી, હરિશચન્દ્ર ભટ્ટ વગેરેનો સમાવેશ થાય છે. પણ પ્રહ્લાદ પારેખ ગાંધીયુગના કવિ હોવા છતાં તેમની કવિતાનાં ગાંધી વિચારનો પ્રભાવ લદાયેલો જોવા મળતો નથી. તેમની કવિતામાં પ્રકૃતિની સૌન્દર્ય યાત્રાનો અનુભવ થાય છે. તેમની કવિતામાં તણખલા અને ઘાસથી લઈને તારાના સૌન્દર્ય સુધીનો વિસ્તાર જોવા મળે. તેમણે શાંતિનિકેતન-વિશ્વભારતીમાં અભ્યાસ કર્યો હતો. કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું તેમને સાનિધ્ય મળ્યું હતું. શાંતિનિકેતનમાં શિક્ષિત અને રવીન્દ્રનાથ ટાગોરથી દિક્ષિતની કવિતાઓમાં ઉમાશંકર જોશી કહે છે તેમ પાણીદાર મોતી જોવા મળે છે. રવીન્દ્રનાથ ટાગોરની પરંપરાને તેમણે જાણે ગુજરાતીમાં પ્રગટાવી આપી છે.

બનાવટી ફૂલોમાં પણ રંગ હોય છે, આકાર હોય છે અને ઘણાં બનાવટી ફૂલો તો એટલા સુંદર બનાવવામાં આવ્યા હોય છે કે આપણી નજર છેતરાઈ જાય. મરીઝનો શેર યાદ આવે છે.

બનાવટ રૂપની પણ રૂપનો આધાર માગે છે,

સુઘડને સ્વચ્છ કાગળ જોઈએ નકલી ગુલાબોને.

ફૂલની નકલ કરવી હોય તો પણ એ નકલી ગુલાબ બનાવવા માટે કાગળ તો સુઘડ અને સ્વચ્છ જ જોઈએ.

નકલી ફૂલો બનાવનારે એવા આબેહૂબ બનાવ્યા હોય છે કે તેને જોતા પ્રસન્ન થઇ જવાય. વળી સાચા ફૂલો કરતાં આ બનાવટી ફૂલોનું આયુષ્ય પણ લાંબુ હોય છે. કદી ન કરમાય સદા તાજાને તાજા રહે, વર્ષો સુધી ટકે એવા આ બનાવટી ફૂલો ડ્રોઈંગરૂમમાં ફૂલદાનીની શોભા બન્યા હોય છે. ક્યારેક એમાનું નાનકડું ફૂલ કે કળી કોઈના અંબોડામાં કે વાળમાં ય શોભતું હોય છે. ભલે બનાવટી રહ્યા પણ આ ફૂલો પણ જ્યાં રહે છે ત્યાં સ્થાન શોભાવતા હોય છે. હૈયું હરખાતું પણ હોય છે અને ક્યારેક તો તેના વખાણ પણ ખરા હૃદયથી થઈ જાય છે.

બનાવટી ફૂલમાં અસલી ફૂલ કરતાં ઘણુંબધું ચડિયાતું અને વધુ આકર્ષક હોઈ શકે. માત્ર અસલી ફૂલોનું પેલું ફૂલપણું તેમનામાં નથી હોતું. એ લોકો જાતે કરમાઈ નથી શકતા અને આથી જ કવિ તેમને પૂછે છે તમે ચંદ્રનું, સૂર્યનું ક્ષિતિજ ઉપર જે ઉગવું છે એ કોઈ દિવસ માણ્યું છે ખરું ? તમે ક્ષિતિજ ઉપર ચંદ્રોદય, સૂર્યોદય થાય છે એ જાણો છો ખરા ? તમે હંમેશા તાજા હોવ છો પરંતુ તમે વસંતો જોઈ છે ખરી ? વસંતમાં પવન પણ કેવો  ઇર્સીહૌબ બનીને પ્રત્યેક ફૂલને સ્પર્શતો હોય છે એ સ્પર્શ તમે અનુભવ્યો છે ખરો ?

અને હવે કવિ એ બનાવટી ફૂલોને કહે છે કે તમે એમ ના માનતા કે હું તમારી નિંદા કરું છું. બસ સહજ પૂછી રહ્યો છું, અને પછી પૂછે છે,

તમારાં હૈયાના ગહન મહીંયે આવું વસતું...

'દિનાન્તે આજે તો સકલ નિજ આપી ઝરી જવું !'

તમારાં હૃદયમાં ઊંડે-ઊંડે કોઈ દિવસ એવું થાય છે ખરું કે આજે સાંજ પડે ત્યારે-ત્યાં સુધીમાં જીવનનું જે શ્રેષ્ઠ છે એ આપીને ખરી જવું. બનાવટી લાંબુ આયુષ્ય કરતાં અલ્પજીવી સાચું જીવન જીવવું એ અનેકગણું ચડિયાતું છે. કવિએ બનાવટી ફૂલોને પ્રશ્ન પૂછીને ત્યાં પૂર્ણવિરામ મૂકી દીધું છે. કવિતા પણ ત્યાં પૂરી થઈ જાય છે.

ફરી-ફરી, જેમ-જેમ એ પંક્તિઓ વાંચીએ છીએ. તેમ-તેમ અનેક અર્થો, અનેક ભાવવિશ્વ ઉઘડે છે. કદાચ એમ લાગે કે આ પંક્તિઓનું ચિંતન કરતાં-કરતાં સાવ સાચૂકલા ફૂલ બનીને, હમણાં સુગંધ પ્રગટાવીને સાચેસાચ ખરી જવાની મજા, સાર્થકતા, પ્રસન્નતા અનુભવવાનો સંકલ્પ કરે. આ બનાવટી ફૂલો એટલે આપણા સ્મિત, આપણું દંભી જીવન. આમ ઘણાં-ઘણાં અર્થો સૂઝી શકે. આપણું જીવન, આપણું સ્મિત સાચકલા બનીને, સર્વસ્થ અર્પીને કોઈનામાં સુગંધ ભરી જાય એ જ જીવનની સાર્થકતા છે.

આ કાવ્ય વાંચતાની સાથે મનમાં સુન્દરમનું પુષ્પ વિશેનું જ કાવ્ય યાદ આવી ચડયું. ખરેખર તો આ કાવ્યની દરેક પંક્તિમાં કવિ જવાબ જાણે છે છતાં કોણ ? કરીને એ પ્રશ્ન પૂછે છે. પરમચૈતન્યની ઝલક ફૂલોમાં રહેલી છે તે જણાવતું આ કાવ્ય માણીએ.

પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?

પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત- મુખરિત શ્વાસ ?

કોણ બદલતું સંધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમલ ચીર ?

કોણ ઉછળતી મોકલતું નિજ કુમળી ઉર્મિ સરવર તીર ?

અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળ મોતી માળ ?

તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ ?

કોના કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?

પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?

ઓ સારસની જોડ વિશે ઉડે છે કોની ઝંખનઝાળ ?

અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ ?

અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?

કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?