સવારનો મધુલોક .

- ક્ષણ-ક્ષણાર્ધ-પ્રવીણ દરજી
- જળની જેમ પવનનો સ્પર્શ પણ અવર્ણનીય છે. સવારના પવનનું જે સ્વાગત કરી શકતો નથી એને શું કહેવું ?
દ રરોજની સવાર અલગ અલગ હોય છે એની પ્રતીતિ નિરંતર કરતો આવ્યો છું. આજની સવાર સમસંવેદનાના પર્વ સમી બની છે. થયું કે આજે તો તમારી સાથે વાતો જ કરવી છે. વાતનો મુદ્દો હોય પણ ખરો, ન પણ હોય. એવી વાતમાં ક્રમ હોય અને ન પણ હોય. છતાં વાત એ વાત જ હોય. જલની છાલક જેવી, પંખીના ટહુકા સમી, વૃક્ષ કે વૃન્ત પરના કોઈ લીલા પર્ણ સમી, કોઈ મધુભાષિણીના શબ્દ જેવી કે પછી પ્રકાશ વેરી રહેલી ઘીની દીવેટ જેવી... જે વાતમાં દૂરતા ઓગળી રહે, જે વાતમાં તૃણાંકુરો ફૂટી રહે, જે વાતમાં ઝરણાંની નાદલીલા પ્રકટી રહે, જે વાતમાં રજનીગંધાનાં પુષ્પોનો પમરાટ અનુભવાય, જે વાતમાં ભાષા હોય પણ ખરી અને ન પણ હોય. વાત ખરી પણ અલ્પ ક્ષણોના મૌનોત્સવ જેવી. જે મૌન પછી તાજી કૂંપળ જેવા કક્કો-બારખડી બહારના હૃદયસિકત શબ્દો જળબુંદ બનીને ટપ્ ટપ્ થતા આવે. સૂર્યનું કિરણ પણ એવા શબ્દોને સૂકાવા તમારા-મારા અધર સુધી આવી રહે...
કહો એવી વાતમાં શું ભર્યું હશે ? સિધ્ધિ-અસિધ્ધિની કથાઓ ? 'હું', 'હું' કે 'મેં', 'મેં' ની બડાશ ? કે પછી જે નથી જ તેવી ઘટનાઓને કથા બનાવી લખાવેલી આત્મકથાનાં પૃષ્ઠો ? ના, ના અહીં એવું કશું નથી. અહીં તો વાત છે થોડા શ્વાસની, થોડાક સ્પંદ-સ્પંદનની, થોડીક હરિયાળી ક્ષણોની કે પછી આંખને ખૂણે અટકી ગયેલા કોઈક અશ્રુબિન્દુનો ઢંકાઈ રહેલો નાનેરો ઈતિહાસ... કેવું છે જીવન દોસ્ત ! આ. કશુંક કહેવા જઈએ તો કહી ન શકીએ અને વાત માંડીએ તો વાત અટકી જાય. ઈચ્છેલું કહી ન શકીએ અને ભીતરમાં પછી એ કોઈ દરિયાઈ છીપ-શંખ થઈને પડી રહે. કહોકે આ જ જીવનનો ચરખો, આ જ જીવનની નિયતિ. ઘણીવાર તેથી જ મને રસ્તે ચાલી જતી દરેક વ્યકિત એક થિમ, એક કથાગૂંચ કે કથા સમી લાગી છે. ક્યારેક કોઈક એ વ્યક્ત કરી રહે છે તો મોટે ભાગે તો એવી કથાઓ વણ કથાયેલી જ રહે છે. અહીં ભાગ્યે જ એક જણને બીજા જણની કથામાં રસ પડતો હોય છે, ભાગ્યે જ એકની કથા સાંભળ્યા પછી કદાપિ બીજાના હૃદય સુધી વિસ્તરતી હશે. કેટલી સંખ્યાતીત કથાઓ-વાર્તાઓ - વાતો આમ ભીતરસ્થ રહી ડૂસકાતી હશે ? અંદર જ એનો ઉલ્બણ ઉકળ્યા કરતો હશે ? એવી જ્વાળાઓ અંદર જ ધગધગ્યા કરતી હશે ? કથાઓનું-વાતોનું આવું છે. મોટા ભાગની આવૃત એટલે કે ઢંકાયેલી ને અનાવૃત્ત એટલે કે જે કદી ક્યારેય સાંભળવા મળવાની નથી તેવી....
પણ એક મજાની વાત એ છે કે ક્યારેક તમે વાત આરંભો છો ત્યારે સામેની વ્યક્તિ તમારી વાતમાં હોંકારો જરૂર પૂરશે પણ ત્યારે એવું ય બને, અને બને પણ છે કે એ તમારી વાતને ખુદની કથા સાથે જોડવા પ્રયત્ન કરશે, પોતાની કથાનાં નવાં સમીકરણો ઊભાં કરશે તેને ન્યાયી અથવા અન્યાયી ઠેરવવા મથશે ! એથી જ દરેક શ્રોતા તમને સાંભળે છે જ એવું ન પણ હોય પણ એક વાત બીજાની વાત સાથે જોડાય એય કંઈ ઓછું નથી.
દોસ્ત ! હું તો આ કેફભરી સવારથી એટલે ખુશ છું કે એણે મને આજે તારી સાથે જોડાઈ રહેવા પ્રેરિત કર્યો છે. ઘરેડમાંથી થોડોક છૂટકારો મળ્યો છે ને વાત વિનાની વાતો કરવા તે મને તકાજો કરે છે. આખી સવાર ઉપરણાની જેમ વીંટળાઈને હળુ હળુ કરી રહી છે. એ કહે છે, છોડ પળોજણ અને થઈ જા કોઈ ખેતરના ઢાળિયામાં ખળખળ વહેતા પાણી જેવો. થોડુંક વહી લે, થોડુંક નર્તી રહે, ઢાળિયાની માટીને ભીંજવી માટીગંધો બની રહે. એ એમ પણ કહે છે કે વૃક્ષ ના શોધ, ડાળ ન ખોળ, ડાળનાં અડાબીડ પર્ણો વચ્ચે સંતાયેલી કૉયલના ટહુકારને સાંભળી રહે. ટહુકો બની રહેવા જેવી ભાગ્યે જ કોઈ બીજી વિસ્મયકારી ક્ષણ હોય છે. એ સવાર ખેતર વચાળે વિના કારણે કળા કરી રહેલા મોર પાસે પણ લઈ જાય છે. ભીતર જ આખું કલા આલય છે તે મોર વિના બીજું કોણ કહી શકે ! કેવી સંપત્તિ લઈને આપણે સૌ જીવીએ છીએ, અને છતાં છેક સુધી એનાથી જ આપણે પાછા અજાણ ! મયૂરનૃત્ય રંગલીલાની સાથે નૃત્યલીલા તો ખરી જ પણ આયખાની ય તે લીલા છે. અને હા, આ સવાર પવનને પણ સાથે લઈ આવી છે. જળની જેમ પવનનો સ્પર્શ પણ અવર્ણનીય છે. સવારના પવનનું જે સ્વાગત કરી શકતો નથી એને શું કહેવું ? પવનના સ્પર્શ વિના જીવનના બધા મર્મને સમજી શકાય ખરા ? એ સ્વયં એક કથાવિધ છે, સ્વયં આનંદ છે, સ્વયં ઉત્સવ છે. તમને કોઈક ચાહી રહ્યું છે કે તમે કોઈકને ચાહી રહ્યા છો ત્યારે તે ઊર્જા કે બળ કેવાં હોય છે તેની વાત તમારી પાસે ફુરસદ હોય તો પવન એ અદ્ભુત કથા માંડીને કહેશે. એવો પવન આકાશ, પૃથ્વી, અંતરિક્ષ, બ્રહ્મ સુધી વેદ કહે છે તેમ દોરી જશે. સાવ ભાર વિના સઘળે તમે મુક્ત રહી અજાણતાં જ એકાકાર એ સર્વમાં થઈ રહો છો. મલ્હારમાં ગાઈ શકાય તેવી બધી આ સવાર સવારની વિરલ વાતો હોય છે. આવી પ્રાત:કાળની ક્ષણે તમે - હું દત્તહૃદયે - ચિત્તે 'રા' બોલીને 'ધા' બોલવા તૈયાર કરો તે પૂર્વે જરૂર તમારી સામે નટખટ કૃષ્ણ દોડીને આવી જશે. સવાર સ્વયં કૃષ્ણકાવ્ય બની જતી લાગે, રાધાગાન બની જતી અનુભવાય. કાફકા જેવો તો આવા પ્રાત:કાલીન સૌંદર્યને હૃદય સાથે, પ્રેમ સાથે, જોડીને તરત કહેવાનો કે જે આવી સંપત્તિથી તર-બ-તર છે તેને વળી યુવા સિવાય બીજી અવસ્થાજ કેવી રીતે હોઈ શકે ? જીવન તો જીવાય છે દરેકની પોતપોતાની રીત-રસમ પ્રમાણે પણ આ સવાર જે સમસંવેદના જગવી રહે છે તે તર્ક-વ્યાકરણ બહારની છે. તે થોડીક પળો જીવી લેવાનું, નોકી રીતે જીવી લેવાનું, વરદાન આપવા આવી હોય છે. રુમી જેવો કવિ અહીં જુદી રીતે યાદ આવવાનો - તમે - હું - આપણે બધા આ દુનિયામાં રહેતા નથી, પણ અહીંથી પસાર થઈ રહ્યા છીએ. આ પસાર થવું એટલે જ આવી પાર વિનાની, ભાર વિનાની, વાતોને ક્ષણ-બે-ક્ષણ જીવી લેવી લેવાની, બધી ઈન્દ્રિયોથી તેની ઉજાણી કરી રહેવાની. આવી ક્ષણો મધુ પ્રાપ્તિની ક્ષણો છે.. સવાર મધુલોક છે.









