પ્લેઝર : મઝા .

- શબ્દસંહિતા-પરેશ વ્યાસ
- ઓસ્કાર વાઈલ્ડ કહેતા કે પ્લેઝર એક માત્ર ચીજ છે, જેને માટે વ્યક્તિએ જીવવું જોઈએ
इस पार प्रिय, मधुशाला है,
तुम हो, उपवन है, मे हूं,
उस पार न जाने क्या होगा ।
- हरिवंशराय बच्चन
પ્લે ઝર(Pleasure) એટલે મઝા, ઉપભોગ, આનંદ. એમાં કાંઈ ખોટું નથી. પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. આંખ, નાક, કાન, જીભ અને ત્વચા. હું એનો ઉપયોગ કરું અને... મઝા કરું. કાયદાની મર્યાદામાં રહીને, અફકોર્સ! મારું તનબદન જાણે કે જલસાગર! આજકાલ માનસિક તણાવ સામાન્ય છે. મનોચિકિત્સક એવી દવા પ્રિસ્ક્રાઇબ કરે છે જેનાથી મારી પીડા કે ઉદાસી ઘટે. નેગેટિવ અસરને ઘટાડવાની સારવાર છે આ. પરંતુ 'ધ વીક'ના તાજા સમાચાર અનુસાર હવે પહેલી વાર નવી ડીપ્રેશન થેરાપીની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે, જેમાં મુખ્ય ફોકસ પ્લેઝર છે. પ્લેઝર વધારો એટલે પેઈન આપોઆપ ઘટે. આ પોઝિટિવ ઈફેક્ટ થેરાપી છે. આ ઉપરાંત 'પ્લેઝર' શબ્દ એપલ ટીવીની ઓટીટી વેબ સીરીઝ 'મેક્સિમમ પ્લેઝર ગેરંટીડ'માં પણ આવ્યો છે. વેબ સીરીઝની હીરોઈનના હમણાં જ છૂટાછેડા થયા છે. માનસિક ઉદ્વેગ છે. પોતાના લેપટોપનાં માધ્યમથી વેબકેમ ઉપર એક યુવાન સાથે વર્ચ્યુઅલ સેક્સનાં સેસન્સ ચાલુ કરે છે. આવી સેક્સ સર્વિસ ઈન્ટરનેટ વેબસાઈટ મહત્તમ પ્લેઝરની ગેરંટી આપવાનો દાવો કરતી હોય છે. આ પ્લેઝર છે, હેપીનેસ નથી. સેશન પૂરું એટલે મઝા પણ પૂરી. પછી ફરી અને ફરી અને.... એવામાં એક વાર સેશન ચાલુ હોય છે ત્યારે જ વેબકેમ યુવાન પર હુમલો થાય છે, જે પોતાના ઘરમાં બેઠી બેઠી પ્લેઝર મેળવી રહેલી હીરોઈનને લાઈવ દેખાય છે. અને પછી બીજે દિવસે એ યુવાનનો ફોન આવે છે કે એનું અપહરણ થયું છે, ખંડણી ચૂકવો, નહીં તો અપહરણકારો મને મારી નાંખશે. પોલિસ માને છે કે આ ડિજિટલ એરેસ્ટ જેવું સ્કેમ છે. પૈસા પડાવવાનાં ધંધા છે. પછી તો આ થ્રીલર વેબસીરીઝમાં ઘણું બધું થાય છે પણ આપણે તો શબ્દની જ વાત કરવી જોઈએ.
મૂળ લેટિન ક્રિયાપદ 'પ્લેસિર' એટલે કોઈને રાજી કરવું, આનંદ આપવું, મંજૂર કરવું. બારમી સદીમાં આ શબ્દ ફ્રેન્ચ ભાષામાં દાખલ થયો અને ઇંગ્લિશ ભાષાએ પ્લેઝર ઉચ્ચાર સાથે ઈચ્છા, આનંદ કે મઝાનાં અર્થમાં આ શબ્દને અપનાવી લીધો. ઇંગ્લિશ ભાષાનાં શબ્દો 'પ્લીઝ'(ખુશ કરવું), 'પ્લેઝન્ટ'(સોહામણું), 'પ્લેસિડ'(સૌમ્ય) અને 'પ્લેસિબો' (કૂટ ભેષજ) પણ આ જ મૂળમાંથી આવ્યા છે. પ્લેસિબો એટલે એવી દવા જેમાં દવાનું કોઈ કેમિકલ ન હોય પણ પેશન્ટને મનોમન લાગે કે આ દવા છે અને એટલે સારો પણ થઇ જાય!
પ્લેઝર જેવો જ શબ્દ હેપીનેસ(Happiness) એટલે ખુશી, સુખ, પ્રસન્નતા. બધું આમ તો સરખું જ. પણ થોડો ફેર. 'પ્લેઝર' એટલે મનપસંદ આઈસ્ક્રીમ ઝાપટવો, નવો મોબાઈલ ફોન ખરીદવો, સોશિયલ મીડિયા ઉપર સ્ક્રોલ કરતા જવું, પ્રેમીપ્રેમિકાનું હોરિઝોન્ટલ જોગિંગ વગેરે. એક્ટિવિટી ખતમ એટલે પ્લેઝર પણ ખતમ. પછી કાંઈ નવું. 'હેપીનેસ'ની વાત જો કે થોડીક જુદી. રીટાયર થઇ ગયેલા મારા શિક્ષકને ઘરે જઈને ભૂતકાળનાં સ્મરણો વાગોળું કે રોજ શેરીની સફાઈ કરતા કામદારને ચા નાસ્તો કરાવું કે પછી રજાના દિવસે મારા કુટુંબીજનો સાથે ક્વોલિટી ટાઈમ વીતાવું, એમાં મને જે મળે એ હેપીનેસ. સુખ ક્ષણભંગુર નથી, એની લત પડતી નથી. ખુશી કાંઈક દેવામાં છે, વહેંચવામાં છે, જોડાઈ જવામાં છે. પણ એનો અર્થ એ પણ નથી કે પ્લેઝરનો પરહેઝ રાખવો. ઓસ્કાર વાઈલ્ડ કહેતા કે પ્લેઝર એક માત્ર ચીજ છે, જેને માટે વ્યક્તિએ જીવવું જોઈએ. પ્લેઝરનો અનુભવ ઇન્દ્રિયજન્ય અને ચેતનવંતો છે. એની સાપેક્ષ પરંપરાગત હેપીનેસ આપણામાં આત્મસંતોષની કંટાળાજનક લાગણી જન્માવે છે, જિંદગીને શુષ્ક અને નીરસ બનાવે છે. પ્લેઝરમાં પ્રબળ સુંદર પળોનો સતત પીછો કરવાનો હોય છે, જે માંહ્યલાને જીવંત રાખે છે. હેપી થવાની લ્હાયમાં બહુ વિચારીને કે સૂફિયાણી વાતો કરીને જીવનને કોમ્પ્લિકેટ કરવાની જરૂર નથી. જીવનના સિમ્પલ પ્લેઝર્સ જેમ કે સ્વાદિષ્ટ ખાણું, ઠંડીમાં મઝાનું તાપણું કે આપણી પડખે ફૂલો જેવું સુંદર કોઈ આપણું- મનને અંતરંગ શાંતિ અર્પે છે. પ્લેઝર એ કુદરતે આપણને આપેલું અનુમોદન છે.
આદિ શંકરાચાર્ય રચિત 'ભજ ગોવિંદમ'માં મોહમાયા મૂકવી, ધનની ઈચ્છા ત્યજવી, વૈરાગ્યની વાતો છે. એમાં તો મંદિરમાં કે વૃક્ષની નીચે ધરતીની પથારી ઉપર સૂવાનું ઇજન કરવામાં આવ્યું છે. પ્લેઝર એનાથી વિપરીત છે. ઇસાપૂર્વે છસો વર્ષ પહેલાં થઇ ગયેલા ચાર્વાકની વાત અહીં સુસંગત છે. 'ચારુ' એટલે પ્લેઝન્ટ અને 'વાક' એટલે વાણી. આ ભૌતિકવાદી, નાસ્તિક અને લોકાયત વિચારસરણી છે. 'લોકાયત' એટલે લોકોમાં પ્રચલિત હોય તે. અહીં પ્રત્યક્ષ હોય એ જ પ્રમાણ ગણાય. પાંચ ઇન્દ્રિયો વડે જે અનુભવ થાય એ સાચું બાકી બધુ ખોટું. ઈશ્વર નથી, જીવન મરણનાં કોઈ ફેરાં નથી. વેદગ્રંથ લોકોને ભ્રમિત કરીને પંડિતોની આજીવિકા ચલાવવાના સાધન માત્ર છે. શાસ્ત્રોમાં વર્ણવેલાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પૈકી માત્ર 'અર્થ' અને 'કામ' જ કામ લાગે છે. 'અર્થ' એટલે ધન કમાઓ અને 'કામ' એટલે માનસિક અને શારીરિક આનંદ ભોગવતા રહો. દેવું કરીને પણ ઘી પીઓ. એક વાર શરીર ભસ્મિભૂત થશે પણ ફરી પૃથ્વી પર આગમન નથી. ચાર્વાક દર્શનના સમર્થક અને કામસૂત્રના સર્જક વાત્સાયન થોડા સુધારા સાથે આ જ વાત રજૂ કરે છે. કામસૂત્રમાં અલબત્ત માત્ર સેક્સની વાત નથી. એમાં કહેલી વાત વ્યાવહારિક, લૌકિક અને માનવ કેન્દ્રિત છે. એમાં 'નાગરક' એટલે કે સભ્ય અને કલાત્મક જીવન જીવવાની શૈલીની વાત છે. જીવનનો આનંદ ખુલ્લમખુલ્લાં લેવો. હરણ ચરી જાય એવી બીકથી ખેતી કરવી છોડી થોડી દેવાય. ભિખારી આવી જાય એટલે ખાવાનું રાંધવાનું બંધ ન કરાય. ટૂંકમાં, વ્યથા હોય તો પણ જીવનમાં જલસો કરી લેવો, મર્યા બાદ... પુનર્જન્મ ન વિદ્યતે!
શબ્દશેષ
''મોટા ભાગના માણસો હાંફતા હાંફતા પ્લેઝરનો એવો તો ઉતાવળિયો પીછો કરે છે કે તેઓ લક્ષ્ય ચૂકીને આગળ નીકળી જાય છે.'' - ડેનિશ ફિલસૂફ સોરેન કિર્કગાર્ડ









