વેકેશન વેબથાળ : સિરીઝ, સાઈટ્સ, પ્રોફાઈલ્સ...

- અનાવૃત-જય વસાવડા
- આઠ ભાષાઓ જાણતો એક દુભાષિયો જુવાન છે. દુનિયા ફરે છે એના કામને લીધે. ગ્લોબલ રોમેન્ટિક શોમાં કામ મળે છે. પણ એને સમજાય છે કે પ્રેમમાં આ એકે ભાષા કામ નથી આવતી. એના માટે એક જુદી જ ભાષા જાણવી પડે છે.
શા ળાઓનું વેકેશન તો પૂરું થયું ને કોલેજોનું પૂરું થવા આવ્યું, પણ આ વાર્ષિક ખજાનો ગમે તેટલો ઉલેચો ઘટવાનો નથી. તો આ વર્ષનું લિસ્ટ આ રહ્યું.
(એ) વેબસિરીઝ
(૧) બ્લડ એન્ડ વોટર : મૂળ અપહરણના ઝેફની નર્સ કેસની સત્યઘટનાનો આધાર લઇ ગૂંથેલી આ સાઉથ આફ્રિકન ટીન ડ્રામા સ્ટોરી ગ્લોબલ ફોનોમિનન છે. બ્લેક એન્ડ વ્હાઈટ કાળા ગોરા એક્ટર્સ અને સ્કૂલમાં સસ્પેન્સ સાથે ટીન રિલેશનના ઇક્વેશનને લીધે.
(૨) મેઈડ ઇન ઇન્ડિયા : ટાઈટન સ્ટોરી : આમાં એ બધું જ છે જે એને ઈન્સ્ટન્ટ હિટ બનાવી દે. બિઝનેસની આઈડિયા ટુ સકસેસ મોટીવેશન સ્ટોરી, આત્મનિર્ભર દેશભક્તિનું સ્વમાન, જાણીતી બ્રાન્ડની અજાણી વાતોનો રોમાંચ અને જેઆરડી તાતા આબેહૂબ લાગતા નસીરુદ્દીન શાહ તથા પારસી કેરેક્ટર માટે હવે ફેમસ જીમ સરભનો અભિનય. ને પાંચ જ એપિસોડમાં પૂરી થતી માફકસરની લંબાઈ.
(૩) યંગ શેરલોક : શેરલોક હોમ્સ છે કે જે આટલા દાયકાઓથી મારવાનું નામ નથી લેતો. ઓલરેડી એના પર બે મસ્ત ફિલ્મો બનાવી ચુકેલા ધુરંધર ડાયરેક્ટર ગાય રિચીએ પહેલા બે એપિસોડ ડાયરેક્ટ કરીને બનાવેલી આ આઠ એપિસોડની સિરીઝ ટીનએજર શેરલોક ઇન મેકિંગ વિષે અને એના ફેમિલી બાબતે છે. પણ મસ્ત બની છે, એક જોયા પછી બીજો એપિસોડ તરત જોવાનું મન થાય એવી. એમાં પણ જલસો છે યુવા જેમ્સ મોરિયાટી તરીકેઆઈરિશ એકટર ડોનાલ ફિનને નિહાળવાનો. દિમાગમાં શેરલોક જેટલો તેજ મોરિયાટી આમાં એવો ખીલ્યો છે કે યુવા શેરલોક એનો વોટસન લાગે. સરસ ઈમેજીનેટીવ બેક સ્ટોરી.
(૪) મેન્ડેલોરીયન : હમણાં આ જ નામથી સ્ટાર વોર્સ સિરીઝની મનોરંજક જોવાલાયક ફિલ્મ આવી ગઈ. જેના મૂળિયાં પેડ્રો પાસ્કલની આ સિરીઝમાં છે. મૂળ ટ્રાયોલોજી પૂરી થયા પછીના યુંનીવાર્સમાં એકદમ શિસ્તબદ્ધ સમુરાઈ ટાઈપ યોદ્ધાના સાહસો છે, પણ એક્સ ફેક્ટર છે સિરીઝનું બેબી યોદા તરીકે મશહૂર થયેલુ ક્યુટ ક્યુટ ગ્રોગુ ! વ્હાલુડું બચુડું ગ્રોગુ. ધમાકેદાર સિરીઝ.
(૫) કેપ ફીઅર : શાહરૂખખાનને એ ગ્રેડ સ્ટાર બનાવતી ફિલ્મ ડર 'કેપ ફીઅર' માર્ટીન સ્કોર્સેઝીની રોબર્ટ ડી નીરો, નિક નોલ્ટેની ફિલ્મ પર આધારિત હતી. જે પોતે વળી જોન મેકડોનાલ્ડની બૂક એકઝીક્યુશનર પર આધારિત હતી. એનું વધુ એક હિન્દી ફિલ્મ વર્ઝન એટલે સુરેશ ઓબેરોયની કાનૂન ક્યા કરેગા. આ નવી સિરીઝમાં મહિલા વકીલ તરીકે એમી એડમ્સ અને એની પાછળ પડી જનાર મુજરિમ તરીકે ધરખમ સ્પેનિશ અભિનેતા હાવીયર બાર્ડેમ છે, એ કાસ્ટિંગ જ કાફી છે એ જોવા માટે.
(૬) યુફોરિયા : સિડની સ્વીની જોડે ઉભી હોય તો એક ફ્રેમમાં આજે દેખાય પણ નહિ એવી ઝેન્ડયાને ચમકાવતી આ સિરીઝની નવી સિઝન સિડની ફીવરની રોકડી કરવા માટે જ બની છે અને અને સિડની આ વખતે એમાં ઓન્લીફેન સ્ટાર તરીકે છે. સારું ફિગર હોય તો પોતના આકર્ષક દેહનું કન્ટેન્ટ વેંચીને ચિકાર કમાણી કરતી ભણેલી યુવતીઓના અડ્ડા જેવી સાઈટ ઓન્લીફેન જેના એક ફાઉન્ડરનું નાની વયે હમણાં અવસાન થયું. સિડની હવે બોલ્ડ સીન કરશે કે કેમ એ બાબતે ડાયરેક્ટર ખચકાયા ત્યારે સિડનીએ બેધડક એમને બિન્દાસ શૂટ કરવા કહેલું. એટલું પુરતું છે આ જોવા માટે !
(૭) ગર્લફ્રેન્ડ એક્સપિરિયન્સ : હાઈ ફાઈ એસ્કોર્ટની રિયલ દુનિયામાં ડોકિયું કરાવતી આ સિરીઝ એન્થોલોજી ટાઈપ છે. મતલબ એમાં દર એપિસોડમાં કોઈ નવી કહાની આવે. નામ પરથી ઈરોટિક લાગે, પણ છે આર્ટિસ્ટિક એન્ડ સાયકોલોજીકલ. હમણાં ન્યુઝ હતા કે એઆઈ બૂમ પછી અમેરિકાની સિલિકોન વેલીમાં મગજથી કામ કરીને થાકી ગયેલા જુવાન આઈટી એક્સ્પર્ટસનો થાક ઉતારવા એમની જોડે ઈન્ટેલીજન્ટ વાતોની કંપની આપે એવી સ્વરૂપવાન અને બુદ્ધિમાન કન્યાઓ કલાકના દસ હાજર સોલર ચાર્જ કરે છે ! મૂળે માત્ર સેક્સ નથી ખરીદવો પુરુષોને. એમની કેર લે એમની જોડે ડાયલોગ કરે એવો સંગિનીનો અનુભવ ઝંખે છે બધા એઆઈ પાસેથી પણ. થાઈલેન્ડ જેવા દેશોમાં તો બાકાયદા આનું કોચિંગ છે !
(૮) વિટનેસ : ત્રણ વર્ષના બાળકની નજર સામે ખૂન થઇ જાય છે એની વ્હાલસોયી મમ્મીનું. એનો એ એક જ 'ચશ્મદીદ ગવાહ' છે ! પણ એ કેવી રીતે જુબાની આપી શકે ? બસ, આટલી વાતમાં રસ પડયો હોય તો જાણી લો કે બ્રિટનમાં ખરેખર આવું બનેલું. એ સત્યઘટના પરથી જ આધારિત છે આ લિમિટેડ સિરીઝ.
(૯) તસ્કરી : સાઈકલથી મોબાઈલ સુધી પહોંચી ગયા પણ આપણા દેશમાં સોનાની દાણચોરી બંધ નથી થતી. ઇમરાન હાશ્મી, શરદ કેલકરને લઈને આવી ઇન્વેસ્ટીગેશન સ્ટોરી જેમની હોમ પીચ છે એવા નીરજ પાંડે એ બનાવેલી જકડી રાખતી સિરીઝ.
(૧૦) મટકા કિંગ : વરલી મટકા ને રતન ખત્રીનો જુગારની પેરેલલ ઈકોનોમીમાં સટ્ટાબાજીની સત્તામાં એક જમાનો હતો. તારક મહેતાની હાસ્યશ્રેણીમાં પણ મટકાકિંગ મોહનલાલનું કુર્તા પહેરી માભો છાંટતું પાત્ર આવતું. એ પીરીયડ જેન ઝીને સમજાય એ માટે વિજય વર્માને લઇ તૈયાર કરાયેલી ગ્રીપિંગ સિરીઝ.
(૧૧) ૧૯૨૩ : યેલોસ્ટોન સિરીઝની પ્રિકવલ તરીકે ડિઝાઈન થયેલા આ પિરીયડ ડ્રામામાં હેરીસન ફોર્ડ અને હેલન મિરેન જેવા બે પ્રચંડ પરફોર્મર્સ હોય પછી બીજું શું જોવાનું હોય. આમાં તો વળી સોહામણા બ્રાન્ડોન ને જુલિયા પણ છે જોડે.
(૧૨)કેન લવ બી ટ્રાન્સલેટેડ? : આ નવીનક્કોર કોરિયન સિરીઝનો કોન્સેપ્ટ જ કિલર છે. આઠ ભાષાઓ જાણતો એક દુભાષિયો જુવાન છે. દુનિયા ફરે છે એના કામને લીધે. ગ્લોબલ રોમેન્ટિક શોમાં કામ મળે છે. પણ એને સમજાય છે કે પ્રેમમાં આ એકે ભાષા કામ નથી આવતી. એના માટે એક જુદી જ ભાષા જાણવી પડે છે. હૈયા અને આંખોની. ના કહેવાયેલી વાતોની. અંતરમાં ઊંડા ઉતરેલા ભેદની. સ્પર્શ અને સંકેતોની.
(બી) સાઈટ્સ એન્ડ પ્રોફાઈલ્સ :
(૧) starfall.com : ખુદ ભણવામાં ધીમા એવા ડિસ્લેક્સિયાથી પીડાતા ડા, સ્ટીફન શુલ્ત્ઝે ૨૦૦૨થી આ જે ધૂણી ધખાવી છે એ નાના ભૂલકાંઓ માટે ઇન્ટરએક્ટીવ ગેમનો જલસો છે.
(૨) visionlearning.com : હજુ આપણે ત્યાં સાયન્સના ફંડામેન્ટલ્સ બાબતે ઢગલા ઢ જેવી હાલત સાયન્સ ભણાવનારની પણ હોય છે. ત્યારે આ મફત વેબસાઈટ તો રીતસર ખજાનો જ છે વિવિધ વિષયોની સમાજ વિસ્તારતા લેખો અને વિડિયોનો !
(૩) rachnakar.com : નેતાઓ તો ભારતભ્રમણનો ઉપદેશ આપી વિદેશ જતા રહે, પણ પેટ્રોલ બચાવવા માટે ઘેર બેઠા આખા ભારતનો અનોખો પ્રવાસ વાનગીઓથી વિશેષતાઓ સુધીનો કરવો હોય તો આ સાઈટ આખું ભારત અલગ અલગ રીતે ઉઘાડી આપશે. કાયસ્થ કોમ્યુનિટીના ભોજનથી લઇ ઓરિસ્સાના પટ્ટચિત્રો સુધી, કુલૂના જમાલા ગામથી લઈને સાલના ઝાડ સુધીનું ભારત જડી જશે અહીં !
(૪) hindisamay.com : આ પણ જાણે ઘેર બેઠા હિન્દી સાહિત્યની આખી ફ્રી લાયબ્રેરી છે ! સંસ્મરણો, નાટક, નવલકથા, વ્યંગલેખ, કવિતા, સમીક્ષા, નાટક બધું જ. જેમ ધુબાકા મારતા જાવ એમ નવું નવું જડતું જાય !
(૫) bored.com : આ વેબસાઈટ ખુદ એક જંકશન છે ફન વેબસાઈટ્સનું. કંટાળો આવે છે ? તો આ આ ખોલી સેંકડો એમાં જે લિંક દેખાય એમાં ધુબાકા મારીને જલસા કરો.
(૬) lensculture.com : વિશ્વના ટોચના અને નવા ફોટોગ્રાફરોની તસ્વીરોનું તગડું કલેક્શન અહીં જોવા મળશે. શીખવું હશે તો આઈડિયા મળશે નહિ તો આનંદ મળશે કોઈની છબીકલા નીરખવાનો.
(૭)instagram.com/awwwnchal : ગાલમાં ખંજન ધરાવતી આ મીઠડી છોકરી સ્ટેન્ડ અપ કોમેડીમાં શું જોવું જોઈએ આપણે એની મસ્તીભરી મિસાલ છે. આધુનિક ખરી પણ સંવેદનાનું દેવાળું ના ફૂંક્યું હોય એવી આ સ્કોલર છોકરી એના ગરીબ બાબતના મિડલ ક્લાસ ફાની વ્યુઝ માટે વિખ્યાત છે. આંચલ અગ્રવાલ જેવાને જુઓ તો બધા નવી પેઢીના કોમેડિયન વખોડવાલાયક નથી એટલું સમજાઈ જશે.
(૮)instagram.com/explicartes : અવનવા ચિત્રો પાછળની રસપ્રપ્ર બારીકીઓ કે એમાં છુપાઈ ગયેલા રહસ્યો સમજાવતો સરસ પ્રોફાઈલ.
(૯))instagram.com/avajonline : દિવસે દિવસે તકલીફ પડવાની છે કોણ રિયલ ને કોણ વર્ચ્યુઅઅલ છે ઓનલાઈન જગતમાં એ પારખવામાં ! એઆઇનું બૂંગણું વાગ્યું એ પહેલા આ યુવતીનો પ્રોફાઈલ અમેરિકામાંથી બનાવાયો છે. ૧૧ લાખ લોકો અત્યારે એને ફોલો કરે છે. ઈશ્વર જે રચના કરતા ભૂલી જાય એવી પરફેક્ટ શેપ ધરાવતી એકદમ હરીભરી હૃષ્ટપુષ્ટ કાલિદાસની અપ્સરા જેવી બ્યુટી ઘડવામાં આવી છે ! બધા જ વળાંકો લાજવાબ ! કોઈ મને છે કે રિયલ ગર્લ પરથી મોડેલિંગ છે , કોઈ મને છે ડિજીટલ છે. જે હોય તે પણ છે બહુ સુંદર. અને કૃત્રિમ ના લાગે, અતિશય પરફેક્ટ યાંત્રિક ના લાગે એવું નેચરલ કામણ છે જોબનનું .
(૧૦) instagram.com/ramalauw : આજકાલ જેનઝી, જેનઆલ્ફામાં કેવા કેવા નમુના કેવી રીતે વાઈરલ થઇ શકે એનું સેમ્પલ છે આ પ્રોફાઈલ. એમ કશું ખાસ નથી. પણ રોજીંદી જિંદગીના એવરેજ શોર્ટ વિડીયો બનાવીને છવાઈ કેમ જવું એ ખાસ છે આમાં પ્રેરણા મેળવવી જોય તો.
(૧૧) instagram.com/kookoo.s : નવા ગ્રાફિક્સ કેવા બને છે ને ભેજાબાજ લોકો ફોટો કેવી રીતે એડિટ કરી શકે છે એ જોવા માટે ઉપયોગી પ્રોફાઈલ.
(૧૨) instagram.com/mental.aspect : બ્લેક એન્ડ વ્હાઈટ ઈમેજીઝ ને સિમ્પલ પણ અંદર હિટ કરી જાય એવા લખાણ ધરાવતો ફાઈન પ્રોફાઈલ.
(૧૩) instagram.com/winningnmindset : ટિપિકલ મોટીવેશનલ ક્વોટસથી થોડી હટકે પોસ્ટ્સ રીયલ લાઈફ ન્યુઝ પરથી શેર થયેલી મોટે ભાગે પણ એવી જ અસર ઉભી કરતી.
(૧૪)instagram.com/entrepreneurshipquote :મની મેટર્સ. અને આ પ્રોફાઈલ પર સેંકડો ટિપ્સ મળશે, પ્રેક્ટિકલ, રસાળ અને ધંધામાં પ્રોફિટ કરાવે ને લાઈફમાં આગળ વધારે એવી.
(૧૫)facebook.com/anirudha.sharma : શું કમાલ સેન્સ ઓફ હ્યુમર છે આ સાહેબની. મોટે ભાગે સિનેમા પર લખે છે. પણ ઊંડાણમાં કોઈ ગીત પર લખે તો તરબોળ બની જાવ ને ખિંચાઈ કરે તો એકલા એકલા સાચે આરઓએફએલ થઇ જઈ જાવ તને રોલિંગ ઓન ધ ફ્લોર લાફિંગ આઉટ લાઉડ. એમાં પણ એ જાણીતી બહુ જૂની ને બહુ નવી નહિ એવી લોકપ્રિય ફિલ્મોને એપીસોડની સિરીઝ બનાવી જે રોસ્ટ કરે છે. ક્યા બાત. લાજવાબ. હસી હસીને પેટમાં દુખી જાય સાચ્ચે જ !
(૧૬))facebook.com/rajeev.agrawal.3760 : આ વિદ્વાન પ્રોફેસરસાહેબ સાયન્સ ઉપર ખૂબ મહત્વની લાંબી પણ સમજવા જેવી પોસ્ટ્સ લખતા હોય છે ને સાવ અંગ્રેજીના આધારે એમ પણ નહિ, ભારત ને સંસ્કૃત ને એ બધું જ્ઞાન પણ એમાં ભેળવીને લખે છે. એ પણ બૌદ્ધિક સ્તરે તદ્દન નિષ્પક્ષ રહીને સત્યશોધનની રીતે.
(૧૭)facebook.com/TheNehruBlog : વળી પાછા નહેરુજી ચર્ચામાં આવી ગયા છે આપણે. એમનું જાણે વળગણ છે કે વર્તમાનની વાત કરવાને બદલે ભૂતકાળ એમનો જ ખોદકામ કરીએ છીએ આપણે. એ પણ મોટા ભાગે ફેક્ત્સમાં ખોટો. તો આ પ્રોફાઈલ પર કાઉન્ટર એન્ગલ પણ મળશે કે એમના ચાહકોએ ચડાવ્યા એવા હીરો નહોતા તો એમના આલોચકોએ વખોડયા એવા વિલન પણ નહોતા આપણા પહેલા ને નોન સ્ટોપ સોળ વર્ષ રહીને વિરોધીઓ જીતી શકે ભવિષ્યમાં એવી લોકશાહી આપતા ગયેલા પ્રથમ વડાપ્રધાન.
(૧૮)facebook.com/actressnabhanatesh : આ શુધ્ધ ભારતીય નમણાશ ધરાવતી આપણી અભિનેત્રી સ્કર્ટ પહેરે કે ચણિયાચોળી લયબધ્ધ નર્તન કરે છે. સૌંદર્ય હિલોળો લેતું હોય ચુંબકીય આવર્તનમાં જાણે!
(૧૯)facebook.com/hidayat.hevard : નિયમિત બધા અખબારોના અગત્યના વિચારપ્રેરક લેખો વાંચી ના શકતા હો ને સામાન્ય માણસના મેઈનસ્ટ્રીમ મીડિયામાં ખોવાઈ જતા દર્દના અવાજને સાંભળવા માંગતા હો તો આ પ્રોફાઈલ પર નિયમિત સામગ્રી શોધી તારવીને આપવામાં આવે છે અલગ અલગ સોર્સમાંથી.
(૨૦) x.com/rachelchitra : એક વર્ષ પહેલા અમદાવાદમાં એર ઇન્ડીયાના પ્લેનનો ગોઝારો અકસ્માત શી રીતે થયો ? એનું રહસ્ય હજુ કાટમાળમાં દટાયેલું છે.
પણ આ ઈન્ડીપેન્ડન્ટ જર્નાલિસ્ટે જાતે તપાસ કરીને જે મુદ્દા ઉઠાવ્યા છે એ ભવિષ્યની એક ભેદભરમવાળી સિરીઝ કે ડોક્યુમેન્ટ્રીનો પ્લોટ છે !
(૨૧)x.com/DidYouKnowFacts : જનરલ નોલેજની મસ્ત મજાની માહિતી આપતો એક્સ પ્રોફાઈલ. દરેક પોસ્ટમાં કશુંક નવું ને રોમાંચક જાણવા મળે ને ફેક્ટબેઝ્ડ. ગપ્પાબાજી નહિ !
ઝિંગ થિંગ
I want to meet the poets
of distant planets;
see what kind of fire
burns in their bones,
taste the cosmos
through alien words,
and get drenched
in the metaphors of outer space.
I want to meet the poets
of distant planets;
find out if they've ever
knitted poems comprised only
of loose strands of sadness,
or painted ballads of overflowing joy,
discover if their souls
have ever ached deeply for
another soul,
or if love is just a human illness?
(Ifeanyi Ogbo)









