કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષે ગમી ગયેલા મુવીઝની કહાની શું કહે છે ?

- અનાવૃત-જય વસાવડા
- યુરોપિયન/ફ્રેન્ચ સિનેમા મોટે ભાગે સ્ત્રી કેન્દ્રી વાર્તાઓ કહેતું થઈ ગયું છે. જેમાં હીરો નહીં પણ હીરોઈન મુખ્ય પાત્ર હોય છે !
૨૦ ૨૬ના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ૬૦ કલાકમાં ૯ ફિલ્મો જોઈ. બે જાણીતી ફિલ્મો બિટર ક્રિસ્મસ અને કાવર્ડ થીમ સારી હોવા છતાં ભૂલી જવા જેવી લાગી. સૌથી બધું સરસ લાગી એનિમેશન ફિલ્મ 'લુસી લોસ્ટ'. સિસિલીના ટાપુ પર એક નાનકડી છોકરીને એના ભાઈ જોડે મા બાપ સ્કૂલે કેમ નથી મોકલતા ? એને દેખાતી તોફાની અમેરિકન છોકરી અને સૈનિક કોણ છે ? ભૂત કે કલ્પના ? એ ઓક્ટોબરમાં રિલીઝ થાય ત્યારે જોવા જેવી છે. વાત માંડીને કરવા જેવી છે. તો એ પછી. એ સિવાય જે જે યાદ રાખવા જેવી લાગી એ છ ફિલ્મોની વાતો સ્પોઇલર એલર્ટ સાથે વાંચો.
(૧) લા ટ્રિયાંગલ ડોર : આ ફ્રેન્ચ ફિલ્મ પણ સ્પેશ્યલ સ્ક્રીનિંગ માટે આવેલી. આ નામનો પોશ એરિયા પેરિસમાં છે. ફિલ્મમાં એનો એનો એક અર્થ 'સોનેરી પિંજરા' ની નજીકનો થાય. હેલન રોઝાલિટ લુઈઝની આ એકશન વિના પણ જકડી રાખતી વાર્તા કહેતી ફિલ્મમાં લૌરા નામની એક ફ્રેન્ચ યુવતીને જોબની જરૂર છે. એ ખાસ્સી યુવાન છે. પણ સ્મોકિંગ કે એવા દૂષણોથી દૂર છે. મજબૂત બાંધો ને કામઢો પ્રામાણિક સ્વભાવ છે. એને એક અતિ ધનાઢય આરબના પેરિસમાં રહેલા ભવ્ય હવેલીનુમા બંગલામાં હાઉસકીપર ની જોબ મળે છે. નાયિકાના માધ્યમથી આપણને એકદમ અમીર હોય એવી વ્યક્તિઓની વૈભવી જીવનશૈલીમાં ડોકિયું કરવાની તક મળે છે. પૈસાનો કોઈ હિસાબ ન હોય અને સ્ટ્રીટ ફૂડ ખાવાનું મન થાય તો મેનુની બધી જ ફ્લેવરના બર્ગર મંગાવવામાં આવે ! એમાંથી થોડું ચાખી બાકીના એમને એમ પેક થયેલા કચરાટોપલીમાં પધરાવવામાં આવે કારણ કે રૂપિયાનો હિસાબ નથી તો પછી ખાલી મૂડ મુજબ જ જીવવાનું હોય ! આ આલીશાન મકાનમાં એક આરબ શેખ ની ગર્લફ્રેન્ડ રહે છે. પહેલા તો લોરા એની શેઠાણીને યુવાન આરબની ખૂબસુરત પત્ની માની લે છે પણ પછી એનો દોસ્ત થઈ ગયેલો શેખનો ડ્રાઇવર કમ બોડીગાર્ડ એને કહે છે કે આ તો એની કેપ્ટ છે. એ ખૂબસૂરત જુવાન શેઠાણી પણ સતત પોતાની જાતને ફીટ અને આકર્ષક રાખવા પ્રયત્ન કરે છે જેથી એનો બધી સગવડો ઉપલબ્ધ કરાવતો પ્રેમી એને પડતી મૂકીને છટકી ન જાય. એમાં એના નખરા એ નવી આવેલી નોકરાણી ઉપર મૂડ સ્વિંગ્સ તરીકે ફેકે છે. પણ ઈમાનદાર લોરાને સ્વમાનના ભોગે નોકરી નથી કરવી, એમ માનીને સામો જવાબ આપે ત્યારે ઢીલી પડી જાય છે. ધીરે ધીરે લોરા જુએ છે કે એના પર હુકમ ચલાવતી એની માલિકણ પણ એક રીતે ભારે ઇન્સિકયોર્ડ છે. એ મોડલિંગ કરતા કરતા શેખની મહોબ્બત બની ગઈ છે. પણ શેખ એના પરિવારના દબાણમાં એની પત્નીને છોડવા તૈયાર નથી. એ માત્ર અમીરજાદાનો ટાઇમપાસ ભોગવોટો છે. એમાં પણ એ ખુશ છે કારણ કે ચિક્કાર દોલત વચ્ચે રહેવાનું મળે છે. પણ એની પુરુષ પર કબજો કરવાની સ્ત્રીસહજ માનસિકતા વધતી જાય છે અને એમાં પેલા આરબ ની કમાન છટકે છે. લોરા ધીરે ધીરે એના બીજા મિત્રોને જેનું બહુ આકર્ષણ છે એવા લક્ઝરી વિલાને સોનાના પિંજરા તરીકે ઓળખતા શીખી ગઈ છે. ભલે સોનાનું, ચમકતું, મોંઘું પણ આખરે તો પિંજરું જ. એમાં કેદ થયેલી બુલબુલ જેવી એની બોસને એ મદદ કરવા પ્રયત્ન પણ કરે છે. એની સખી જેવી થઈ જાય છે પણ પેલા શેખના મોકલેલા ગુંડાઓથી એ એને બચાવી શકતી નથી. માંડ પોતાની જાતને બચાવીને એ નીકળે ત્યારે માલિકણને મદદ કરવા પોલીસ ફરિયાદ પણ કરે છે પણ એને અહેસાસ થાય છે કે એની સાથે શું થયું એ હવે ક્યારેય ખબર નહીં પડે અને આવા કોઈ મામલામાં બીજું કોઈ રસ પણ નહીં લે ! પૈસાથી બધી જ જબાનો બંધ થઈ જતી હોય છે. યુવાનીમાં અનુભવી બનેલી ઠરેલ લૌરાને એટલો હાશકારો થાય છે કે ભલે આપણે સાવ મિડલ ક્લાસ જીવન જીવ્યા, પણ આપણી પાસે પ્રેમ કરતુ ફેમિલી છે અને અંતે નોકરીની આવક અને સગવડોના નામે મોહિત થઈને એણે જે સોનાનું પીંજરું સ્વીકારેલું છે, એમાંથી એનો પણ છુટકારો થાય છે.
(૨) રોમા ઇલાસ્ટિકા : ઇન્સેપ્શન સહિત અનેક હોલિવૂડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી રૂપાળી ફિન્ચ એક્ટ્રેસ મેરિયન કોટિલાર્ડ અને એવી જ રૂડી નોએમી મેરલાંટની જુગલબંધી ચમકાવતી મેવરિક યાને તોફાની આર્ટિસ્ટિક ફિલ્મમેકર બર્ટ્રાન્ડ મેન્ડિકોની આ ફિલ્મ હુસેનની મીનાક્ષી કે અનુરાગની ના સ્મોકિંગ ટાઈપ એબ્સર્ડ આર્ટ જેવી બ્લેક ટ્રેજીકૉમેડી છે. યાને હસાવે ને રડાવે એવી. ડિફરન્ટ. મોડર્ન આર્ટ મ્યુઝિયમ જેવું તો એમાં ડેકોરેશન છે બધે. મૂળ વાત છે એજિંગ યાને વધતી ઉંમરની. ફિલ્મમાં જ એક પાત્ર ઘડપણને કાળમુખો શેતાન કહે છે. એક અભિનેત્રી છે જે એક સમયે શરીર જુવાન હતું ત્યારે પડદા અને દિલો પર રાજ કરી ચૂકી છે. પણ હવે એની ઉંમર ઢળવા લાગી છે શરીર પર એની અસર પણ દેખાવા લાગી છે. એની વારંવાર ઝઘડા થાય છતાં ભેગા હોય એવી જૂની દેખાવડી સેક્રેટરી કમ સખી પણ છે, જે એની કાળજી લે છે. હિરોઈન સ્વભાવે એકદમ મૂડી થઈ ગઈ છે. ઉંમર વધતા જ એનો ઠાઠ ઘટતો જવાનો છે એ વાસ્તવિકતા એને દેખાઈ ગઈ છે. એમાં સમાચાર મળે છે કે એને કેન્સર છે અને ત્યારે જ ઇટાલીના રોમમાં એક કચરા જેવી મસાલા ફિલ્મ કરવાની અને ઓફર મળે છે. પ્રોડયુસરો પણ નવા છે કહેવાતી સાયન્સ ફિક્શન ફિલ્મની વાર્તામાં કોઈ દમ લાગતો નથી. પણ નબળી તબિયતમાં ઇટાલીમાં વેકેશન કરવા મળશે ને જાતી જિંદગીએ મેઈન રોલ કરવાના પૈસા મળશે એવી લાલચે અંદરથી ગમતું ન હોવા છતાં એ હા પાડી દે છે. માણસ પ્રસિધ્ધિ પોતે હોય ત્યાં ન મળે તો જ્યાં મળે ત્યાં જવાના હવાતિયાં નાખે. પહોંચ્યા બાદ ટિપિકલ વેપારીઓનો એને અનુભવ થાય છે. રહેવા માટે અલાયદો ફ્લેટ મળશે એ વાયદાના નામે હજુ જ્યાં ફીટીંગના કામ બાકી છે એવા એક ફાલતુ ફ્લેટમાં એને રહેવા મળે છે. પાડોશમાં એ જ ફિલ્મ માટે કામ કરતા મસ્તીખોર જુવાનિયાઓનું ટોળું રહે છે. વર્ષો પહેલા જોબન હિલોળા લેતું હતું ત્યારે જેની સાથે લફરું હતું, એવો એક અભિનેતા પણ આ ફિલ્મમાં સાઈડ રોલમાં છે. ફિલ્મ લખવા વાળી એક ધૂની યુવા લેખિકા છે. જેને એવું છે કે પોતે કોઈ જગતની મહાન કલાકૃતિ સર્જી રહી છે અને હોલીવુડની હીરોઈનને અમે લોકલ પ્રોજેક્ટમાં લઈ આવ્યા ! અમેરિકાથી એને બોલાવવાનું ખરું કારણ એની ટેલેન્ટ નથી. બસ, મીડિયા હાઈપ મેળવવા માટે એને પ્રાઇવસીની ચિંતા કે તબિયતની ફિકર વિના પબ્લિસિટી મેળવવા બધે ધકેલી દેવાય છે. હીરોઈન અંદરના કેન્સર અને બહારના આ સામાજિક પ્રેશરથી કંટાળેલી છે. એની સખી સેક્રેટરી એની કાળજી લે છે. પણ એક તબક્કે જીવનમાં કોઈની સતત કેર પણ બંધન જેવી લાગે. એસ્કેપ રૂટ તરીકે પોતાનાથી નાની ઉંમરના જુવાનિયાઓ ભેગી પાર્ટી અને મસ્તી કરવામાં ખુદની માંદગી છુપાવીને પણ નશો કરે છે. એને એમાં મજા આવે છે. લાગે છે કે સતત બીજાઓના ઇશારે જીવવા કરતા આ પાર્ટીમાં બંધનમુક્ત થઈને મરતા પહેલા બીજાના સ્વાર્થ તથા સાચવણથી આઝાદ બનીને જીવી લીધું. બીજી સવારે ફિલ્મ ક્રિએટિવ ટર્ન લે છે. એને ઢળી પડેલી જોઈને પેલી સખી સેક્રેટરી દોડતી આવે છે ને ખોળામાં માથું લઈ એને હોશમાં લાવવા પ્રયાસ કરે છે. પછી રમુજી રીતે જાણે એ બચી ગઈ એમ આખી ફિલ્મનું શૂટિંગ બતાવવામાં આવે છે. પણ અંતે એવો સીન આવે છે કે એ ત્યાં જ બેહોશીમાં ઢળી પડેલી છે. એનું મસ્તક ગોદમાં લઈ રડતી પેલી સખી સેક્રેટરી એનો શ્વાસ ન ચાલતો જોઈને દર્દનાક રીતે ચિલ્લાય છે કે 'કોઈ કટ તો બોલો કોઈ કટ બોલો' મતલબ, તો આ લાઈફનો રિયલ સીન પૂરો થાય અને આ સ્ત્રી મોતનો અભિનય છોડીને ફરી હસ્તી રમતી ઉભી થાય ! શું થયું તમારે સમજી લેવાનું.
(૩) ધ એન્ડ ઓફ ઇટ : ડાયરેક્ટર માર્યા બેયોનાની આ પહેલી જ ફિલ્મનું પ્રીમિયર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં થયેલું. જાણીતી એક્ટ્રેસ રેબેકા હોલ એમાં છે અને નાવમી રૂપાસ પણ છે ફિલ્મ ઇન્ટરેસ્ટિંગ સાયન્સ ફિક્શન છે એક બર્થ ડે પાર્ટીથી એની શરૂઆત થાય છે જેમાં આપણને ખબર પડે છે કે પ્રૌઢ પણ પ્રગલ્લભ દેખાતી અને ઘરડી તો જરાય ન લાગતી નાયિકાની ઉંમર ૨૫૦ વર્ષ છે ! એવી જુવાની પણ ટકી ગઈ છે અને મોત આવતું નથી. જોકે એના શરીરના બધા હાડકા રિપ્લેસ થઈ ચૂક્યા છે. એનું લોહી પણ નવેસરથી શુદ્ધ થઈને અંદર આવે છે. એના અંગો પણ નવા ફીટ કરેલા છે. મૂળ તો ઘણા ઈલાજની જેમ ધનાઢય લોકોને જ પોસાય એવો એક સાયન્સ પ્રોગ્રામ ચાલે છે, જેમાં લોકો સદીઓ સુધી જીવી શકે ! એની દીકરી સહિત ઘણા દોસ્તોએ પણ આવી જ રીતે આયખું લંબાવ્યું છે. એઆઈથી પ્રોગ્રામ થતી માણસ જેવું દેખાતો રોબોટ પણ ૨૪ કલાક એની તહેનાતમાં હોય છે. પણ એ માણસ નથી એટલે ચીંધ્યું કામ કરે. બહુ પ્રેમ પણ ના વરસાવે અને ઝઘડે પણ નહીં. પતિને તો સેલિબ્રિટી તરીકે પત્ની જે બ્રાન્ડેડ જ્વેલરી ડિઝાઇન કરે છે એની પ્રીમિયમ માર્કેટમાં જ રસ છે. એક સમયે બહુ જુદા પ્રકારની આધુનિક આર્ટિસ્ટ હતી એવી આ નારી પણ પછી ઉંમર વધતી અટકાવવા અને જુવાની ટકાવવા માટે નો ખર્ચ કાઢવા બિઝનેસમાં પડી ગઈ. ફ્યુચરિસ્ટિક સમય એવો છે કે બાળક ઉછેરવા માટે પણ એઆઈ પ્રોગ્રામ કરેલા ટોયબેબી પહેલા આવે જેની સાથે તમારે બાળ ઉછેરની ટ્રેનિંગ લેવાની અને એમાં સર્ટિફિકેટ મળે. પછી જ તમને એક્ચ્યુઅલ પ્રેગ્નન્સીની છૂટ મળે. યાંત્રિકતાનો અતિરેક, સંબંધોની ઉષ્માનું બાષ્પીભવન અને ૨૫૦ વર્ષના આયુષ્યને લીધે સાવ બીબાંઢાળ થઈ ગયેલું જીવન. હવે એમાં કશી નવીનતા નથી. રોમાંચ નથી. ચેલેન્જ નથી. બસ સાચવી સાચવીને જીવ્યા કરવાનું છે. એમાં મળવા આવેલા બે યંગસ્ટર્સની સાથે વાતો કરતા નાયિકા નક્કી કરે છે કે હવે એને મરી જવું છે. પણ લોકો માટે મોતને પણ એક તમાશો બનાવીને જવું છે ! બધાને મસાલેદાર ડ્રામા જોઈએ છીએ તો ડેથનો પણ શો થવો જોઈએ. અને એની અભિવ્યક્તિ એની છેલ્લી કલાકૃતિ તરીકે આ દુનિયામાંથી એની વિદાય પછી પણ અમર રહેવી જોઈએ. 'હું ભલે ન જીવું પણ મારું સર્જન જીવી જાય'. અને એ જાહેરમાં નિર્વસ્ત્ર થઈ ટિકિટ ખર્ચી એકઠા થયેલા લોકોની વચ્ચે પાણી ભરેલી કાચની પેટીમાં ગુગળાઈને મરવાનો શાનદાર ખેલ કરે છે. ટેકનિકથી એ પેટી આખી પાણી થીજી ગયા પછી બરફનુમા કાચમાં ફ્રોઝન થયેલી એક આકૃતિ તરીકે મ્યુઝિયમ પીસ બની જાય છે. એની પડછાયા જેવી એઆઈ આસિસ્ટન્ટ એને જોવા આવે છે. પણ હવે એની ચિપ અપડેટ થઈ છે એટલે એ એને ઓળખતી જ નથી. ૨૫૦ વર્ષનું જીવન પણ થોડા દિવસોમાં દુનિયા વીસરી જાય છે. હા, જનતાને મરવું પણ એક કળા છે, એ યાદ કરાવીને ફિલ્મ વીરમે છે.
(૪) અનનોન : આર્થર હરારીની પોપ્યુલર પ્લસ સાઇઝ એક્ટ્રેસ લિઆ સેડોક્સને ચમકાવતી આ ફિલ્મથી થીમ તો અગાઉ આવી ગયેલી જુની બોડી સ્વીચની છે. ચિત્ત આત્મા બીજા શરીરમાં પ્રવેશી જાય એ. પણ એની માવજત હોરર કે ફેન્ટેસીને બદલે સાયકોલોજિકલ છે. આપણા સુપર ટેલેન્ટેડ ગિરીશ કર્નાડ (જેમને કમનસીબે અભણ અધૂરિયાઓએ જ્ઞાન કે સર્જકતાની કદર વિના અર્બન નક્સલ તરીકે ચીતરી દીધેલા) ભારતના વારસાની કથાઓના રૂપકોના ઊંડા અભ્યાસુ હતા. (સંસ્કૃત નાટક પરથી એકે ટ્રોલિયાએ ફિલ્મ બનાવી છે ? એમણે ઉત્સવ બનાવેલી દાયકાઓ પહેલા!)
તો એમણે મૂળ ઘોડાનું માથું લગાડી સજીવન કરવાની પુરાણકથા પરથી લખેલું નાટક 'હયવદન' તરત યાદ આવી જાય. ડેવિડ નામનો ફ્રેન્ચ ફોટોગ્રાફર ખામોશ ઇન્સાન છે. પણ એક દોસ્ત પરાણે વાઇલ્ડ પાર્ટીમાં લઈ જાય છે. ત્યાં એને એક રહસ્યમય સ્ત્રી દેખાય છે, જે અગાઉ એક વેડિંગ ફોટોશૂટમાં વેઇટ્રેસ હતી ને એના પર ખીજાઈને ચાલી ગયેલી. એ ઈવા છે. મોહિનીની જેમ ડેવિડને આકર્ષીને ફટાફટ સેક્સ કરે છે. નશામાં રહેલો ડેવિડ ત્યાં સૂઈ જાય છે. ઊઠે ત્યારે ખબર પડે છે કે એ તો ડેવિડ છે. એની મેમરી ને સ્વભાવ ડેવિડનો છે. પણ હવે એ જેની સાથે સૂઈ ગયો એ સ્ત્રીના શરીરમાં છે ! એ પોતાનું શરીર પાછું મેળવવા પ્રયત્ન કરે છે તો એના શરીરમાં એક બીજી જ સંવેદનશીલ યુવતીનો આત્મા છે. કારણ કે સેક્સ, સહશયન દ્વારા એકમાંથી બીજામાં આત્મા ટ્રાન્સફર થાય એવી ઘટનાનો એ પણ શિખર થઈ ચૂકી છે. હવે પોતાનું મૂળ શરીર એણે પાછું મેળવવું છે. બેઉ ભેગા થઈ વધુ તલાશ કરે છે આ બોડી સ્વિચના ભેદી ચક્કરની. કોઈ પ્રેત છે કે વાઈરસ એ ખબર નથી પડતી. બેઉ એકમેકની નિકટ આવે છે ને ડેવિડના એની સ્ત્રીના આત્મા ધરાવતા પુરુષ શરીરથી ડેવિડનો હવે સ્ત્રીના દેહમાં રહેલ આત્મા પ્રેગ્નન્ટ થઈ જાય છે ! શરીર બદલવાથી સંબંધ ભૂલી નથી શકતા ને જગત ચહેરો ઓળખે છે, આત્મા કે લાગણી નહીં એવો મેસેજ ફિલ્મના ટ્રેજીક પણ થ્રિલિંગ ક્લાઈમેક્સમાં છે.
(૫) 'દ ગોલ : રેઝિસ્ટન્સ-' : મજા પડી ગઈ ફ્રેન્ચ ડિપ્લોમેટ એન્ટોન બાઉડ્રીએ બે ભાગમાં બનાવેલી ફિલ્મનો આ પહેલો ભાગ જોઈને. આ સપ્તાહે ફ્રાન્સના થિયેટરમાં રજૂ થઈ ગઈ હશે. આઈમેક્સમાં ૧૬૦ મિનિટની ફિલ્મ જોઈને સમજાય કે બાયોપિક કેવી રીતે બનાવાય જેમાં ફ્રાન્સના ભાગ્યવિધાતા ફિલ્મ હોય તો પણ એના કેવળ ગુણગાન ના હોય. એની માનવીય સ્વભાવની સાહજિક લાક્ષણિક નબળાઈઓ પણ હોય. ફિલ્મ ૧૯૪૦ થી ૧૯૪૫ વચ્ચેના ગાળામાં પોતાની મક્કમતા અને લશ્કરી અનુભવથી આર્મી ઓફિસર ચાર્લ્સ દ ગોલ કેવી રીતે દેશદાઝથી પ્રેરાઇને હિટલરના સૈન્યન મુકાબલાનો વ્યૂહ ઘડે છે ને વિપ્લવી મિજાજની ફ્રેન્ચ યુવા પેઢી કેવી રીતે એનો સાથ જાનના જોખમે આપે છે એની વાત છે. એક ફ્રેશ યંગ લવ સ્ટોરીનો ટ્રેક બાંધી રાખે છે, જે કેવી રીતે વિશ્વયુદ્ધમાં દ ગોલ ને ફ્રાન્સનું ભાવિ પલટાવી નાખે છે, એ પણ બહુ રસપ્રદ છે. ગ્રાન્ડ વોર સીન્સ છે. બ્રિટીશ પીએમ ચર્ચિલનું પાત્ર પણ મજા કરાવે છે. જોરદાર ફિલ્મ છે જેનો બીજો ભાગ 'દ ગોલ : લિબર્ટી' જુલાઈમાં ફ્રાન્સમાં રજૂ થશે. મસ્ટ સી ક્લાસ મૂવી.
(૬) કોકુરોજો : કુરોસાવા કિયોશી એમના નામેરી અકિરા કુરોસાવા જેવી શૈલીમાં માનવમનના ઊંડાણમાં ઝાંકતી ફિલ્મો બનાવે છે. જાપાનની જાણીતી ઐતિહાસિક નવલકથા પરની આ ફિલ્મ સોળમી સદીના જાપાનના સમુરાઇન કિલ્લામાં લઈ જાય છે, યુદ્ધની વાત હોવા છતાં બેહદ ધીમી છે. પણ એમાં માહોલ માણવાની અદકેરી વાત છે. એક સ્વભાવે ઠરેલ સમુરાઇ છે, જે ઝટ કોઈ ગુનેગારને પણ મારતો નથી. માથાકૂટથી દૂર રહે છે. એની પ્રેમાળ ને બેહદ સુંદર પત્ની છે. સંતાન નથી. પત્ની પણ એક યુદ્ધની કત્લેઆમમાંથી એણે બચાવેલી છે. પણ એના અભેદ લાગતા કિલ્લામાં એક પછી એક રહસ્યમય હત્યાઓ થાય છે. એણે પકડી રાખેલો એક દુશ્મન કેદી ભવિષ્યવેત્તા છે એની જોડે સમુરાઇ દાર્શનિક ચર્ચાઓ કરવા બેસે છે. પણ એને જ્યારે અહેસાસ થાય છે હત્યાઓ પોતાનો કોઈ શત્રુ નહીં, પણ નજીકની વ્યક્તિ કરે છે ત્યારે એનો તાગ મેળવવા મથે છે. એ હત્યા એના ફાયદા માટે છે કે નુકસાન માટે ? કોણ છે એનો ગુનેગાર ? અને ફિલ્મ એક અઘરો સવાલ ઉઠાવી દે છે જવાબ આપવા માટે. 'મૃત્યુથી પણ વધુ ભયાનક શું છે ?' ઉત્તર મળે છે એમાં દર્દનો વિષાદ છે : મૃત્યુથી પણ વધુ ભયાનક છે એના પછી આપણું શું થશે એનો ડર !
બસ તો, રીડરબિરાદર સંસાર વાર્તાઓનો બગીચો છે. માધ્યમ કોઈ પણ હોય. સ્ટોરી બાંધી રાખે છે જીવનરસને.
ઝિંગ થિંગ
સ્ટોરીઝ કહેવાય છે ઑનલાઇન પણ રચાય છે ઓફલાઈન !
(ડબલિન, આયર્લેન્ડ ખાતે લિટરેચર ફેસ્ટિવલમાં વાંચેલું ક્વોટ )









