એક્સક્લુઝીવ આંખો દેખી : 2026નાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા જેવી છે જગતભરના પ્રેક્ષકોની ડિસીપ્લીન!

- અનાવૃત-જય વસાવડા
- આપણી મોટાભાગની હિન્દી સહિતની ભારતીય ફિલ્મો કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન આવા પ્રાઇવેટ સ્ક્રિનિંગમાં જ રજૂ થતી હોય છે. એટલે ટેકનિકલી એમ જરૂર કહેવાય કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ થઈ પણ એ ફેસ્ટિવલનો હિસ્સો હોતી નથી.
ઓહ !
પહેલા તો થયું કે સાલ (ફ્રેન્ચમાં સાલ એટલે હોલ) બાઝીન સ્ક્રીન પર થોડી મિનિટ પહેલ શરુ થયેલી સુખ્યાત દિગ્દર્શક પેડ્રો અલ્મ્ડોવારની નવી ફિલ્મ 'બિટર ક્રિસ્મસ'ની સાઉન્ડ ઈફેક્ટ છે. આમ પણ ફ્રાન્સની દક્ષિણે ફ્રેન્ચ રીવિએરાને કાંઠે આવેલા કાનમાં દરેક ફેસ્ટિવલ થિયેટરની સાઉન્ડ સીસ્ટમ એકદમ સોલિડ હોય છે. ઝીણી ઝીણી ઈફેક્ટ ઝીલી લે. અને પ્રેક્ષકો એટલા શાંત ને શિસ્તબદ્ધ કે એક વેફરનું પડીકું ખોલો તો પણ વિસ્ફોટ કર્યો હોય એવી ફીલ આવે ને એટલે કોઈ એવું કશું ખોલે પણ નહિ ચાલુ ફિલ્મે.
પણ તરત ખ્યાલ આવ્યો કે આગલી હરોળમાં બેઠેલા કોઈ દર્શકની એ ચીસ હતી. મોટી ઉંમરના એ કાકા કદાચ હાર્ટ એટેક જેવા કોઈ આંચકામાં મૂર્છિત થઇ ગયા હતા. આસપાસના લોકો ઉભા થઇ ગયા, પણ કોઈ ઘોંઘાટ નહિ, અવ્યવસ્થા પણ નહિ. કન્સર્ન ખાતર કે શું થયું છે. થોડા ચિંતાના ઉદ્ગારો ને નજીકની હરોળમાંથી સાહજિક ઉભા થઇ બધાએ કરેલા ડોકિયાં જેમાં એક ડોક આ લખવૈયાની પણ હતી. પણ કોઈ કેઓસ નહિ, અફરાતફરીનો માહોલ કે મોબાઈલમાં શૂટ કરી શેર કરવાની અધીરાઈ જમાવતી ટોળે વાળવાની વૃત્તિ નહિ. માત્ર ફ્રેન્ચમાં થોડી બૂમો પાડી સ્ક્રીનિંગ રોકાવ્યું.
તરત ફેસ્ટિવલમાં લાસ્ટ ઈયર પણ જોઇને યાદ રહી ગયેલા આયોજનની વ્યવસ્થા જાળવતા ચહેરાઓ દેખાયા, ઓરેન્જ સ્કર્ટમાં સજ્જ મહિલાઓ અને બ્લેક સુટ પહેરેલા પુરુષો. બે અનુભવીઓએ પ્રાથમિક સારવાર શરુ કરી. ત્રણ ચાર મીનીટમાં એક વોલન્ટીઅરે આવીને બધાને હોલ ખાલી કરવા રિક્વેસ્ટ કરી ત્યાં સુધીમાં ફિલ્મ પોઝ કરી દેવાઈ હતી. કોઈ ધમાલ કે માથાકૂટ વિના ફટાફટ બધા બહાર નીકળ્યા. એક્રેડીટેશનના ઓફિશ્યલ પ્રેસ બેજને લીધે ટિકિટ આપણે લેવી નહોતી પડી. પણ જેમણે લીધી હોય એનું શું. પણ બધા શાંતિથી ઉભા હતા, ધીમા સાદે અંદરોઅંદર વાતો કરતા. ધીરજથી કોઈ સત્તાવાર સુચના મળે એની રાહ જોતા.
કાન ફિલ્મ ફેસ્ટિવલ (કાન્સ ખોટું લખાય બોલાય છે. ફ્રેચ શબ્દ કાન છે )માં બધું એકદમ ઘડિયાળના કાંટે ટાઈમ ટુ ટાઈમ ચાલતું હોય. મોડું થાય ને અંદર ફિલ્મ શરુ થઇ હોય તો પહેલી પાંચ મિનીટ બાદ એન્ટ્રી ખાસ સંજોગો (જેમ કે અંદર વધુ સીટ્સ ખાલી હોય) એ સિવાય મળે નહીં. એક સ્ક્રીનિંગ પતે કે તરત ત્યાં બીજું હોય. એટલે ટાઈમમાં ગરબડ થાય. પણ છતાં કોઈ હોહા કે માથાકૂટ કે ઓળખાણપિછાણની વાત નહિ.
દસેક મિનીટ બાદ અનાદર ક્યારની પહોંચેલી ઈમરજન્સી મેડીકલ ટીમે ઉપચાર કરી ચિત્કાર સાથે બેહોશ દર્દીને ભાનમાં લાવીને વ્હીલચેર પર બેસાડી બહાર કાઢયા તો નજીક ઉભેલા લોકોએ તાળીઓ પાડી અને એ બીમાર કાકાએ પણ હાથ હલાવી સહુનો આભાર માન્યો. તરત એક સ્વયંસેવક યુવાને આવીને કહ્યું કે આપ બધા ફિલ્મ જોવી હોય તો ફરી ગોઠવાઈ શકો છો. જે ફરી એકડેએકથી બતાવવામાં આવશે. બીજી વાર કોઈ ટીકીટ ચેકિંગ ના થયું. પ્રેક્ષકોએ સંચાલકો પર ભરોસો રાખ્યો એમ સંચાલકોએ પ્રેક્ષકો પર રાખ્યો.
જો કે કાનમાં પગ મુકતાવેંત પહેલા જે જોવા માટે દોટ લગાવેલી પેરેલલ ટાઈમલાઈનમાં સ્ટોરી કહેતી બિટર કિસ્મસ જો કે ટેલેન્ટેડ પેદ્રોની નબળી કૃતિ નીકળી. બગાસાં આવે ને ઝોલા પણ ખાઈ લો એટલી હદે પકાઉ ને કંટાળાજનક. જરાય રસ ના પડયો. ફિલ્મ કરતા એમાં બની ગયેલી આ ઘટના વધુ રોમાંચક હતી. કાન ફિલ્મ ફેસ્ટિવલનું કલ્ચર બતાવતી.
***
ગયા વર્ષે પહેલી મુલાકાત બાદ ફરી સમગ્ર ગુજરાતી મીડિયામાંથી લાગલગાટ બીજીવાર માત્ર ગુજરાત સમાચારના પ્રતિનિધિ તરીકે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનું થયું, એમાં ફિલ્મોને લીધે ઉભી થયેલી એક 'કોમ્યુનિટી'નું કોમન ગ્રાઉન્ડ તરત અનુભવાય. ગુજરાતી ભાષા માટે તો આ ચીલો ચાતરવાની વાત છે જ કે કાનનું સત્તાવાર એક્રેડીટેશન બે વખત કોઈ ગુજરાતી ભાષાના અખબારી કટાર લેખકને મળે છે, પણ કાન એ આમ જુઓ તો યુરોપિયન સિનેમાનો વિશ્વમેળો છે. હા એમાં હોલીવુડ અને બીજા અલગ અલગ દેશોની ફિલ્મોને પણ આવકાર છે જ. આ વખતે જો કે કાનમાં ગભીર વિવેચકો મોટી અમેરિકન ફિલ્મોને કાયમ રિવ્યુમાં ઉતારી પાડે છે એમ માની મોટા હોલીવૂડ સ્ટુડિયોએ એનો વણલખ્યો બહિષ્કાર કરેલો. પણ 'લોર્ડ ઓફ ધ રિંગ્સ'વાળા પીટર જેક્સન, એવરગ્રીન જોન ટ્રાવોલ્ટા અને બાર્બરા સ્ટ્રેસાંડનું લાઈફટાઈમ એચીવમેન્ટ જેવું માનદ સન્માન હતું. પણ મૂળભૂત રીતે આમે એ ફ્રેન્ચ અસર ધરાવતો યુરોપિયન ફિલ્મ ફેસ્ટિવલ છે. યુરોપિયન સિનેમા રંગબેરંગી અને લાઉડ ભારતીય અને આપણે જેનાથી પરિચિત અને પ્રભાવિત છીએ એવા ગ્રાન્ડ એન્ડ ઈમોશનલ અમેરિકન સિનેમાથી અલગ છે. એમાં બહુ મોજા મોટા બજેટની ફિલ્મો ઓછી બને છે. મોટાભાગના કલાત્મક ફિલ્મમેકરો હિન્દીના સામ્યવાદી સાહિત્યકારો જેવા બોઝિલ ઉદાસીન સ્વભાવના છે. કાફકા, કિર્કેગાર્ડ અને કામુ અમસ્તા યુરોપિયન નહોતા. જીવનનો ઉલ્લાસ ઝીલવા કરતાં જીવનનો મર્મ સમજવાની મથામણ યુરોપિયન કળા કાયમ કરતી રહી છે, એટલે શંકરાચાર્યની અદામાં સંસાર એમના માટે એક પ્રકારનું દુ:ખ છે. અને એ દર્દ ને ઉપસાવવું એ કળા છે. આ 'નૈરાશ્ય' એટલે કે ધીમા ધીમા દુ:ખાવા જેવી એક કાયમી હતાશાની પીડા મોટાભાગની યુરોપિયન ફિલ્મોમાં જોવા મળે.
આપણે રાજકારણ સિવાય ભાગલાનું દર્દ ક્યારનું ભૂલી ગયા છીએ, પણ હજુ બીજા વિશ્વયુદ્ધની કાળાશ યુરોપની ફિલ્મો ભૂલી નથી. પણ એમાં સંઘર્ષ વચ્ચે સંબંધોની હૂંફ મેળવવાની ભૂખ પણ જોવા મળે. યુરોપિયન ફિલ્મોના પાત્રો મોટાભાગે વાસ્તવવાદી હોય. રીયલ લાઇફની સ્લાઈસ એના મેકરોને ગમે. મોટાભાગના યુરોપિયન સિનેમામાં ખામોશીનું બહુ મહત્વ હોય. બક્ગ્રાઉન્ડ મ્યુઝિક તમે નોંધ લો એમ ક્યારેક જ વાગે. બાકી દ્રશ્યો ચૂપચાપ બીજા કોઈ વધારાના ધ્વનિ વિના સરકતા રહે. પાત્રો વાતો કરતા હોય તો પણ ડાયલોગ જ સંભળાય. બીજું મ્યુઝિક ખપ પુરતું. ફિલ્મની ગતિ થોડી ધીમી હોય અને ઉકેલવામાં અઘરા પડે એવા લાંબા દ્રશ્યો હોય ને મોટે ભાગે અધૂરો લાગે એવો અંત હોય.
એમાં આ વખતે તો એવોર્ડ ને ફિલ્મ સિલેકશનમાં ક્વીઅર કહેવાતી એલજીબીટીકયુપ્લસ ફિલ્મોની જ અતિરેકની હદે બોલબાલા હતી. જે ઓવરડોઝ આમ પણ હદથી વધુ ઉદાર ને સમાજવાદી યુરોપમાં વધી ગયો છે. કે નેચરલ સેક્સ ને રોમાન્સની જગ્યાએ અન્યાયના પ્રાયશ્ચિતની જેમ ગે રિલેશનને જ પ્રાથમિકતા અપાય. આમાં જ કઢંગી મૂનલાઈટ બેનમૂન લા લા લેન્ડને બદલે ઓસ્કાર લઇ ગયેલી. આ ઈલોન મસ્કને જેમની એલર્જી છે એ વોક કલ્ચરનો વાઈરસ છે.
હવે ફેસ્ટિવલના નામે મોટાભાગની ફિલ્મો સિરીયસ કે ઓફ બીટ જ હોય અને કોમેડી પણ મોટા ભાગની કટાક્ષ સિવાય ખુલ્લી ના હોય, તો આપણે ત્યાં ફિલ્મને બદલે એ જોવા ગયેલા પ્રેક્ષકોની લાઈવ કોમેન્ટ્રી સાંભળવા મળે. લોકો અકળાય. એકબીજા સાથે વાતો કરે. ફોન ઘુમાવે અને મોટાભાગે આવા ઠહેરાવની કળા માણવા માટે ઉતાવળી નવી પેઢી તો બેસે જ નહીં. કાન ફિલ્મ ફેસ્ટિવલ નો સૌથી વધુ આહલાદક અનુભવ ચોરે ને ચૌટે ચર્ચા થાય છે રેડ કાર્પેટ નથી, (એ તો મીડિયા બ્રાન્ડિંગનું ગિમિક યાને ગતકડું છે !) પણ અવનવી ફિલ્મો જોવા માટે એકદમ સમયસર બંધ રીતે બેસતું ક્લાપિપાસુ ઓડીયન્સ છે ! બધા શાંતિથી સમયથી વહેલા આવીને ક્યુમાં ઊભા રહે. ફિલ્મ શરૂ થઈ ગયા પછી મોબાઈલ પર વાત સંભળાય જ નહીં. ના ગમે તો હળવેકથી ચાલુ ફિલ્મે સરકી જાય પણ પણ બીજાને નડવાની કોઈ વાત જ નહીં. હવે આ ફિલ્મ ફેસ્ટિવલ એટલી હદે પોપ્યુલર છે કે દર વર્ષે નવા નવા લોકો એમાં આવતા રહે છે. ઘણા તો કૂતુહલથી આવે છે. ત્યાં સ્ક્રીનરાઈટર્સના હકો માટે ચર્ચા કરવા પહોંચેલા આપણા ઉમદા ફિલ્મમેકર ને એટલા ઉત્તમ ઇન્સાન અભિષેક જૈનને સત્તાવાર સ્ટેજ મળે એ જોઇને ગૌરવ થાય. પણ અભિષેકના મતે ચાલીસેક હજાર લોકો નાના ગામમાં યુધ્ધના ઓછાયા છતાં ઉમટી પડે એમાં ફેસ્ટીવલની ફીલ માર્કેટમાં પરિવર્તીત થઇ જાય.
વાત તો સાચી છે. નંબર વન હોવાને લીધે જેમ શાહરૂખ ખાન ખાસ અલગ કરતો બંધ થઇ ગયો, એવું કાનમાં પણ જોવા મળે કે માત્ર લોકોની નજરે ચડી ગયો હોવાને લીધે અહીં પ્રમોશનના ખેલ વધુ ચાલે છે, ને ફિલ્મો વિશેની જાહેર ચર્ચા ઓછી. પણ રિયલ કાન ફિલ્મ ફેસ્ટીવલ લાલ રંગની જાજમ પર નહિ પણ સિનેમાહોલના કાળા અંધકારમાં છે. અહીં આવતા પંચરંગી પ્રેક્ષકોને કંઈ મુવી વોચિંગની ડિસિપ્લિનના ક્લાસ નથી ભરાવવામાં આવતા. પણ ઓવરઓલ માહોલ જ એટલી હદે ડાહ્યો બનેલો હોય છે કે એમાં અલગ તરી આવવાની બીક લાગવાને કારણે આપોઆપ એ નવા ઉમેરાતા દર્શકો પણ અનુશાસનમાં રહેતા સિનેરસિકોમાં પલટાઈ જાય છે. જે ભળતાસળતા માર્કેટિંગના એજેન્ડાવાળા આમે અંદર થિયેટરમાં બેસતા નથી. એ બહાર જ એમનું લોબીઈંગ કરતા ફરે છે. ફિલ્મ ફેસ્ટીવલ માણવો હોય તો હજુ રિલીઝ નથી થઇ અને સેન્સરના કેન્સરવાળા ભારતમાં જોવા પણ નથી મળવાની એવી ફિલ્મો ધરાઈ ધરાઈને જુઓ. સિમ્પલ.
કાનમાં ફેસ્ટિવલ માટે જ એનો મુખ્ય પેલેસ નામે ઓળખાતું જે સ્ટ્રક્ચર બનાવ્યું છે એમાં જ નાના મોટા પાંચ થિયેટર છે જે અલગ અલગ ફિલ્મ મેકરોના નામે સમર્પિત છે. હજારો પ્રેક્ષકો સમાવી શકતું સૌથી મોટું અને ભવ્ય ગ્રાન્ડ થિયેટર જેમાં સાંજે સ્ત્રીઓને ગાઉન અને પુરુષોને બોટાઈ વાળા ટકસીડો સૂટ કે બ્લુ બ્લેઝર સિવાય પ્રવેશ નથી એ સિનેમાના ફ્રેન્ચ શોધક લુમિયર બંધુઓના નામ ઉપરથી છે. એ જ કોમ્પ્લેક્સમાં આવેલા બીજા થિયેટરોના નામો પણ ફ્રેંચ ફિલ્મમેકરો પરથી છે. એગ્નેસ વરદા, બ્યુનેલ, ડિબસી અને બાઝિન. ત્યાંથી બસ કે કારમાં જાવ તો વીસેક મિનિટના ડ્રાઇવિંગ ડિસ્ટન્સ પર પ્રોફેશનલી બનાવાયેલું મલ્ટિપ્લેક્સ છે, જેનું નામ સિનેયમ, એમાં આઈમેક્સ સ્ક્રીન પણ છે .મુખ્યત્વે કાન ફિલ્મ ફેસ્ટિવલની સત્તાવાર ફિલ્મો આ કુલ નવ સ્ક્રીન પર દેખાડાતી હોય છે. ફિલ્મ ફેસ્ટિવલની કમિટીએ પસંદ કરેલ કોમ્પિટિશનની ફિલ્મ અને કોમ્પિટિશનમાં સ્થાન ન મેળવી શકી હોય પણ નોંધપાત્ર ગણાય હોય એવી સન્માનિત ફિલ્મો જેને અનસર્ટેન રિગાર્ડ કહેવામાં આવે એ વારાફરતી એમાં રજૂ થતી હોય છે. એ સિવાય ઇમરસીવ એક્સપિરિયન્સની ફિલ્મો જુદી કાર્લટન હોટલના સિનેમા ખાતે. દરિયાકાંઠે જાહેર મેદાનમાં ઊભા કરેલ જાયન્ટ સ્ક્રીનમાં દેખાડવાથી ક્લાસિક ફિલ્મો પણ જુદી. બીજા એક બે માન્ય થિયેટરમાં બતાવવાથી રિસ્ટોર કરેલી ફિલ્મો જુદી. આ થયો મેઇન સ્ટ્રીમ ઓફિશ્યલ ફેસ્ટિવલ.
પણ એ સિવાય પણ હવે આ ફેસ્ટિવલ એટલો બધો બ્રાન્ડેડ છે કે કોઈ હોટલોમાં પણ નાનું થિયેટર હોય બે ત્રણ બીજા પ્રાઇવેટ થિયેટર હોય ત્યાં આ ફેસ્ટિવલ દરમિયાન પોતાની ફિલ્મો લઈને આવેલા લોકો સ્ક્રિનિંગ કરતા હોય છે આપણી મોટાભાગની હિન્દી સહિતની ભારતીય ફિલ્મો કાન ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન આવા પ્રાઇવેટ સ્ક્રિનિંગમાં જ રજૂ થતી હોય છે. એટલે ટેકનિકલી એમ જરૂર કહેવાય કે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રિલીઝ થઈ પણ એ ફેસ્ટિવલનો હિસ્સો હોતી નથી. ખુદ કાન ફિલ્મ ફેસ્ટીવલ પણ માર્ચ યાને માર્કેટ ઉભું કરે છે, જેમાં વિવિધ દેશો કે પ્રાઇવેટ પ્રોડક્શનવાળા સ્ટોલ ખરીદે. એમાં નાના નાના સ્ક્રીન પણ ભાડે લઇ શકાય પોતાની ફિલ્મો બતાવવા. કે ચર્ચા ગોઠવવા. પેલા ફર્નના પાંદડા નું સિમ્બોલ એવા પ્રોડયુસરો એ ફિલ્મમાં ઓફિશ્યલ સિલેક્શન તરીકે બતાવી શકતા નથી.
હા લોકલ લેવલે જરૂર પબ્લિસિટી મળે કે આપણી ફિલ્મ તો કાનમાં હતી. ઝીણું ના કાંતે એવા લોકોને ઈમ્પ્રેસ કરવા પૈસા ખર્ચી પ્રાઇવેટ ફોટોગ્રાફર રાખીને રૂપિયા ચૂકવી રેડ કાર્પેટ પર ઉભી રહેતી સેલિબ્રિટીઓ પણ કાન ફિલ્મ ફેસ્ટિવલનું સન્માન ગણાય છે, ફેસ્ટિવલ નજીકના બિલ્ડીંગની
અગાસી કે સીડી પર ફોટોશૂટ કરનારા પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ આવેલા છે એવું કહી શકે છે. અને ભલેને અધિકૃત રીતે નિમંત્રિત સારી ને લોકપ્રિય અભિનેત્રી આલિયા ભટ્ટ અગાઉ એક હોલીવુડ ફિલ્મ કરી ચૂકી હોવા છતાં એ રેડ કાર્પેટ પર ચાલે ત્યારે કોઈ ઓળખે નહીં ! એમ તો ત્યાં ધમાલ મચાવતી ફ્રેચ હીરોઈનો આપણા ગિફ્ટ સિટીના ફિલ્મફેર એવોર્ડમાં હાથ હલાવતી ચાલે તો પણ અહીં કયા મીડિયા વાળા ઓળખવાના છે ! હા, છેલ્લે પહોંચેલી એશ્વર્યા એક એવી વ્યક્તિ છે કે જેનું કાન કનેક્શન પાવરફુલ છે. એક તો એણે પિંક પેન્થર જેવી ફ્રેન્ચ ફિલ્મમાં પણ કામ કરેલું છે. બીજું એ મિસ વર્લ્ડ થઈને પણ જાણીતી બનેલી છે. અને ત્રીજું કાનની એક સ્પોન્સર કંપની લોરીયલની એ બ્રાન્ડ એમ્બેસેડર છે એટલે એશ્વર્યાનો તો જ્યોર્જ લુકાસ, સ્ટીવન સ્પીલબર્ગ સ્કારલેટ જોન્સન કે સલમા હાયેક સાથે કાયમી પોસ્ટર પણ જોવા મળે. આ વખતે ગુજરાતી ફિલ્મોમાંથી 'લાલો'ની ટીમ અને સોલસૂત્ર પ્રોડક્શન તરફથી ટેલેન્ટેડ અભિનેત્રી માનસી પારેખ અને જાણીતા ગાયક પાર્થિવ ગોહિલનું પાવર કપલ પણ ત્યાં શરૂઆતમાં હતું. ગુજરાતી ફિલ્મોને ઇન્ટરનેશનલ સ્કેલ પર પહોંચાડવા માટે.
પણ હજુ ગુજરાતી ફિલ્મો ભાગ્યે જ કાન જેવા ફેસ્ટિવલ સર્કિટ માટે બને છે. એ જુદી ચર્ચા છે, પણ ત્યાં શું જોયું ? એ કેવું લાગ્યું ? પછી કરીએ એની વાત.
ઝિંગ થિંગ
'થિયેટરની અંદર ફિલ્મ જોવી એક અદભુત અનુભવ એટલા માટે છે કે, અલગ અલગ બેકગ્રાઉન્ડના ઉંમરના વિચારધારાના વિવિધ પ્રકારના માણસો એ થોડા સમય માટે એક બની જાય છે - જ્યારે એ કોઈ ફિલ્મ થિયેટરના અંધકારમાં જોડે બેસે છે. એ દરેકની પસંદ નાપસંદ જુદી હશે. ગમા અણગમા જુદા હશે. એ કોઈ એકબીજાને કદી મળતા નહિ હોય. પણ એ થોડા કલાક પૂરતા એ બધા સહપ્રવાસીઓ છે. અને આ જ સિનેમા ઘરમાં બેસીને ફિલ્મ જોવાની મજા છે!'
(સ્ટીવન સ્પીલબર્ગ)









