Magazines

અજાણ્યો મદદગાર .

By GS TEAM
26 May 20264 mins read
અજાણ્યો મદદગાર                                                         .

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- આ કરોડપતિ વેપારી પાસેથી દર મહીને ચાલીશ હજાર ભરણપોષણ તો લેવું જ છે.

એ સ. જી. હાઈવે પર આવેલી ગોલ્ડ ડાયમંડ ક્લબમાં રવિવારની સાંજ હોવાથી લોકોની ચહલપહલ વધારે હતી. કેન્ટીનના ખુણામાં વિપુલ નિરાશ વદને વિચારતો બેઠો હતો. ત્યાં એક અજાણ્યા  દેખાવડા યુવકે આવી પુછયું, 'હું અહીં બેસી શકું છું?'

'હા, હા કેમ નહીં ?' વિપુલે કહ્યું.

'બાય ધ વે, મારૂ નામ મયંક મહાદેવીયા. હું શેર બ્રોકર છું. તમે?'  મયંકે પોતાનો પરિચય આપતા કહ્યું. 

'હું વિપુલ વડોદરિયા. મારે સોના ચાંદીનો મોટો બીઝનેસ છે.' વિપુલે જવાબ આપ્યો.

'કંઇક મંગાવીએ,' કહીં મયંકે બે કોફી અને સેન્ડવીચ મંગાવ્યા. ખાતાં ખાતાં વિપુલના ચહેરાની નિરાશા જોતાં મયંકે પુછયું. 'કાંઈ તકલીફમાં લાગો છો? શું હું આપને મદદ કરી શકું ?' 'ના, ના , એવું કઈ નથી' વિપુલે કહ્યું. અજાણ્યા આગંતુકને પોતાની અંગત તકલીફ કહેવી કે નહીં, તે વિચારમાં પડયો.

'જો હવે તમે મને મિત્ર માનતા હો તો અંગત તકલીફ પણ જણાવી શકો છો.' મયંકે હમદર્દી દર્શાવી. તેણે કોફી, નાસ્તો અને વાતચીતથી વિપુલનું દિલ જીતી લીધું.

'આ તો રોજનો પ્રોબ્લેમ છે. મારી પત્ની વલ્લરી સાથે રોજના વાદવિવાદ અને ઝગડાથી હું કંટાળી ગયો છું. હું તો છુટા થવા વિચારું છું, પણ હું છૂટાછેડા માંગુ તો મારે જીવનભર એને ભરણપોષણ આપવું પડે. શું કરવું એ સમજ પડતી નથી.' વિપુલે દુખી થતાં કહ્યું. 

'હા, પ્રોબ્લેમ મોટો છે. પણ તમારે રિલેક્ષ થવું હોય તો, આપણી પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે.'મયંકે દાણા નાખ્યા. તેને આ યુવકની તકલીફનો ખ્યાલ આવી રહ્યો હતો.

'શું છે?' શરીરસુખથી ત્રણ મહિનાથી વંચિત વિપુલને મયંકમાં રસ પડી ગયો.

'અહીંથી સીધા સિંધુભવન રોડ પર 'બ્લુહેવન' હોટલમાં મેનેજર ગુપ્તાજી મારા મિત્ર છે, તેને વાત કરી સરસ વ્યવસ્થા કરાવું છું.' મયંકે તેને મદદ કરતા કહ્યું.

બીજે દિવસે બન્ને ત્યાં જ ભેગા થયા, ત્યારે મયંકે ખુશ થતા કહ્યું, 'ખુશખબર, મેં તારા માટે સરસ વ્યવસ્થા ગોઠવી છે. મેનેજર સાથે વાત થઇ ગયેલ છે.' વિપુલ ખુશ થઇ ગયો.

'ક્યારે જાઉં હોટલમાં?' તેણે પુછયું.

'કાલે સાંજે સાત વાગે પહોચી જજે. બહુ મજા કરાવશે.' એમ કહી મયંક કેન્ટીનમાંથી બહાર નીકળી પોતાની ગાડીમાં બેસી ગયો. વિપુલ તેની લાલ રંગની સ્વીફ્ટ ગાડી જોતો રહી ગયો.

મયંક ગાડીમાં પંદર દિવસ પહેલાના રવિવારના વિચારે ચડી ગયો. તે અને તેની કોલેજ ફ્રેન્ડ વલ્લરી આજ કલબની કેન્ટીનમાં મળ્યાં હતા.

'વલ્લરી, હવે તું તારા બબુચક, ઝગડાળું પતિ વિપુલથી ક્યારે છૂટી થાય છે. મેં તારી રાહ જોઇને હજુ સુધી લગ્ન નથી કર્યા. પણ હવે તારા વગર રહેવાય તેમ નથી.' મયંકે તેનો હાથ પકડી લીધો.

'મયંક, આપણે તો કોલેજ લાઈફથી જ લગ્ન કરવાનું નક્કી હતું, પણ મારા માબાપે આ કરોડપતિ સોનાચાંદીના વેપારી જોડે પરાણે મારું લગ્ન કરાવી દીધું.' વલ્લરીએ જવાબ આપ્યો. 

'હવે એમાંથી છૂટવાનું વિચારને !' મયંકે કહ્યું.

'જો હું સામેથી છૂટાછેડા માંગીશ તો મને કાંઈ ભરણપોષણ નહીં મળે. આ કરોડપતિ વેપારી પાસેથી દર મહીને ચાલીશ હજાર ભરણપોષણ તો લેવું જ છે.'

'સારું હું કઈ વિચારું છું.' મયંકે કહ્યું. ત્યાંતો મયંકનું ઘર આવતાં તેની વિચારધારા તુટી.

બીજા દિવસે સાંજે મયંકને વિપુલનો ફોન આવ્યો. 'દોસ્ત અહીં બ્લુહેવન હોટલમાં પહોચી ગુપ્તાજીને મળી લીધું છે. તમારૃં નામ દીધું એટલે ૧૦૨ નંબરની રૂમની ચાવી આપી દીધી છે.' વિપુલે કહ્યું.

'વાહ ! વાહ ! દોસ્ત આખી રાત આનંદ કર.' મયંકે ગાડી ચાલવતા કહ્યું.

આગળ જતા મયંકે ગાડી ઉભી રાખી કાફે કોફીડેમાં જઈ કોફીનો ઓર્ડર કર્યો. ત્યાં વલ્લરી રાહ જોતી બેઠી હતી.

'વલ્લરી, વિપુલ અત્યારે સિંધુભવન રોડ પરની બ્લુહેવેન હોટલની રૂમ નં. ૧૦૨ માં મજા કરી રહયો છે. ત્યાં સાથે એક ફોટોગ્રાફર અને એક સાક્ષીને લઈને પહોચી જા.' તેણે કોફી પીતા ઓર્ડર કર્યો.

'તને આટલી તમામ માહિતી ક્યાંથી મળી ?' વલ્લરીને નવાઈ લાગી. 'તે એકવાર કામ સોપ્યું એટલે કરવું જ પડે.' મયંકે ખુશ થતા કહ્યું.

રાતનાં અગ્યાર વાગે રૂ. નં . ૧૦૨માં બેલ વાગતા વિપુલ ચિડાયો. 'અત્યારે કોણ છે ?' કહેતા ટુવાલ પહેરી બહાર આવ્યો. તેને એમ કે હોટેલનો સર્વન્ટ હશે. 

અચાનક વલ્લરી, તેના કાકા અને ફોટોગ્રાફરને જોઈ તે હેબતાઈ ગયો. 'અરે વલ્લરી! અત્યારે અહીં ક્યાંથી?' વલ્લરીએ તેના અને અંદર રહેલી અર્ધનગ્ન કોલગર્લના ફોટા અને વિડીયો પાડી લીધા. ગુપ્તાજી પાસેથી ભભ્ફની ફૂટેજ પણ મેળવી લીધી.

બીજા દિવસે ફેમીલી કોર્ટમાં વિપુલ અને વલ્લરીનો છૂટાછેડાનો કેસ દાખલ થઇ ગયો. વલ્લરીના વકીલે તેના બદચલન પતિ વિપુલ સાથે રહી શકાય તેમ જ નથી, તેમ કહી ફોટા, વિડીયો અને સાક્ષીના બયાન સાથે તમામ પુરાવા રજુ કરી દીધા.

જજ સાહેબે તમામ પુરાવા અને સાબિતીઓ ચકાસી છૂટાછેડા મંજુર કરી દીધા. બિચારી ચરિત્રવાન પત્નીના ભરણપોષણના દર મહીને ચાલીસ હજાર મંજુર કરી દીધા.

વિપુલના વકીલે ઇન્કાર કરતા કહયું, 'છૂટાછેડા અમે માંગતા જ નથી.'

પણ જજ સાહેબે કહયું, 'આવા બદચલન પતિ સાથે આખુ જીવન ગુજારવું અસંભવ છે. વિપુલ જેવા કરોડપતિની આવક જોતા મહીને ચાલીસ હજાર ભરણપોષણના યોગ્ય છે.'

વિપુલ વરસે પાંચ લાખ ભરણપોષણ અને પત્ની બન્ને ગુમાવ્યાના શોકમાં બહાર નીકળતાં વિચારતો હતો, વલ્લરીને આટલી બધી ગુપ્ત માહિતી મળી ક્યાંથી, કે તે સીધી હોટેલના રૂમમાં આવી પહોચી.

ત્યાંતો કોર્ટની બહાર દુરથી તેણે લાલ સ્વીફ્ટ ગાડી આવતા જોઈ. વલ્લરી ઝડપથી ચાલીને તેમાં બેસી ગઈ. મયંકની ગાડીમાં વલ્લરીને હાથમાં હાથ પરોવી જતાં જોઈ મયંક બેસી જતા બોલ્યો, 'જબરો ફસાઈ ગયો. અજાણ્યા માણસનો વિશ્વાસ કરાય જ નહીં.'

લાસ્ટ સ્ટ્રોક

ક્યારેય અજાણ્યાની ટ્રેપમાં ફસાઈ એકદમ પરાઈ સ્ત્રીનાં રવાડે ચડવું નહીં. અત્યારે મીડિયા, ચેનલ, વોટસેપ વિગેરેમાં અનેક ફસામણા લલચાવી રહયાં છે, સાવધાન રહેવું.