Magazines

બેવફાઈ .

By GS TEAM
2 Jun 20265 mins read
બેવફાઈ                            .

- વહેતું જીવન-ડૉ. હર્ષદ કામદાર

- આખા ઘરમાં માલબ્રો સિગારેટની તીવ્ર વાસ આવતી હતી. તેણે  આખા ઘરમાં પરફ્યુમ સ્પ્રે અને અગરબત્તી કરી તે વાસ મિટાવી દીધી

''વિ જય, આજે કેમ ઓફિસથી વહેલો આવ્યો ?'' અચાનક પાંચ વાગ્યામાં વિજયને ઘેર આવેલો જોઈ વનિતાએ ગભરાઈને પૂછ્યું. ''મને જરા તાવ જેવું લાગતું હતું એટલે ઓફિસથી રજા લઈ વહેલો ઘેર આવેલ છું.'' વિજયે જવાબ આપ્યો.

''એમ, વાત છે ? આ મારી સાથે કોલેજમાં હતો, તે મિથુન છે. તારી ઓળખાણ કરાવું.'' કહેતા વનિતા અચકાઈ ગઈ. વનિતા અને વિજયના એરેન્જ મેરેજ હજુ એક વરસ પહેલાં જ થયા હતા. બન્નેની જ્ઞાતિ એક જ હતી, અને માબાપ દ્વારા ગોઠવણપૂર્વક થયા હતા. વિજય મલ્ટીનેશનલ કંપનીમાં સારા હોદ્દા પર હતો, પગાર પણ સારો હતો. બન્નેના માબાપ ગામડે રહેતા હતા.

વિજય સીધો સાદો યુવાન હતો. તેને કોલેજમાં પણ કોઈ લફરું નહીં, બસ અભ્યાસમાં જ ધ્યાન હતું. વનિતા સ્વરૂપવાન, રૂપાળી, આકર્ષક યુવતી હતી. કોલેજમાં તેના ગુ્રપના બધા યુવાનો તેનો પ્રેમ પામવા વલખાં મારતા. મિથુન પૈસાદાર બાપની બગડેલી ઓલાદ હતો. આખો દિવસ બાપના પૈસે રખડી ખાવું, અને છોકરીઓ પટાવવી, તેનો મુખ્ય ધંધો હતો.

કોલેજમાં તે વનિતાને પામવા મથામણ કર્યાં કરતો હતો. જુદી જુદી કિમતી ભેટો, ફાઈવસ્ટાર હોટેલમાં ભોજનથી વનિતા તેનાથી આકર્ષાતી ગઈ. વેલેન્ટાઈન ડે પર મિથુને કિમતી આઈફોન આપીને વનીતાનું દિલ જીતી લીધું.

વનિતા હવે મિથુન સાથે લગ્ન કરવાના સપના જોવા લાગી. જ્ઞાતિભેદ અને આર્થિકભેદ બન્નેના માબાપને નડી ગયા. વનિતા વૈષ્ણવ વણિક જ્ઞાતિની હતી, તો મિથુન પાટીદાર જ્ઞાતિનો. વનિતા મધ્યમવર્ગના કુટુંબમાંથી આવતી હતી, ત્યારે મિથુનના પપ્પા કરોડપતિ બિલ્ડર હતા, તેમને ત્યાં પૈસાની કોઈ કમી જ નહીં.

વનિતાના મમ્મી પપ્પાએ બહુ જ સમજાવી.. ''બેટા, એ કરોડપતિ કુટુંબમાં તું વહુ બનીને જઈશ, તો તારી કોઈ ઈજ્જત નહીં રહે. વળી આપણી જ્ઞાતિ પણ અલગ છે, તેને ભૂલી જા.''

''પણ અમે બન્ને બે વરસથી પ્રેમમાં છીએ, અને લગ્ન કરવાનું વચન આપેલ છે.''

''બેટા, કોલેજમાં પ્રેમ કરવો અલગ બાબત છે, અને વાસ્તવિક જિંદગીમાં લગ્ન કરીને પતિ પત્ની તરીકે જીવનભર સાથે રહેવું અલગ બાબત છે.'' તેના પપ્પાએ સાથે બેસાડીને અડધી કલાક તેને સમજાવી, સાથે તેની મમ્મી પણ સમજાવતી રહી. અંતે વનિતાએ ભાગી જઈ લગ્ન કરવાનો પ્લાન મિથુનને સમજાવ્યો. મિથુને નન્નો ભણતા કહ્યું ''જો હું ભાગીને લગ્ન કરીશ તો પપ્પા મને તેની મિલ્કતમાંથી બેદખલ કરી દેશે.'' વનિતાને વાસ્તવિકતાનો ખ્યાલ આવી ગયો. અંતે તેણે એરેન્જ મેરેજ માટે હા પાડી. તેમની જ જ્ઞાતિના સારી નોકરી કરતા વિજય જોડે તેના લગ્ન સંપન્ન થયા.

બન્નેનું લગ્નજીવન વરસથી સારું ચાલતું હતું. પરંતુ વિજયને વારંવાર કંપની કામે બહારગામ જવાનું થતું હોવાથી વનિતા એકલતા અનુભવતી. તેને તેના જુના પ્રેમી મિથુનની યાદ આવ્યા કરતી.

અચાનક એક દિવસ મિથુનનો મોબાઈલ આવતાં વનિતા ચમકી ગઈ. ''હાય વનિતા, કેમ છે ?''

''મજામાં, તું કેમ છે લગ્ન કર્યા ?'' વનિતાએ પૂછ્યું.

''નાં, તારી યાદમાં હજુ લગ્ન સુઝતા જ નથી. તને મળવા આવું ?'' મિથુને પ્રેમથી કહ્યું. ''મારા લગ્ન તો થઈ ગયા છે. વિજયને આ બધું નહીં ગમે.'' વનિતાએ ડરતાં ડરતાં કહ્યું. ''જુના કોલેજના મિત્રને મળવામાં શું વાંધો છે ?'' મિથુને કહ્યું. ''વિજય આવે તે પહેલા તો હું જતો રહીશ.'' વિજય ઓફિસથી વહેલો ઘરે  આવતા મિથુનની હાજરીથી તે ઓઝપાઈ ગયો.

''હાય કેમ છો ?'' તેણે મિથુન સાથે વાત તો ચાલુ કરી પણ તેને ગમ્યું નહીં.

વનિતાએ કોલેજ લાઈફના અડપલા કરતાં વાતવાતમાં મિથુનનો હાથ પકડી લીધો. વિજયના ધ્યાનમાં આ સેક્સી અડપલાં આવતાં ગુસ્સે થયેલ ચહેરે બોલ્યો.

''હું વોશરૂમમાં ફ્રેશ થઈને આવું છું.''

બન્નેના ધ્યાનમાં તેનો આક્રોશ આવી ગયો. મિથુને સોફામાં બેઠા બેઠા તેની ટોપ બ્રાન્ડની માલબ્રો સિગારેટ ચાલુ કરી. વિજય વોશરૂમ જતાં વિચારતો હતો, કેવો ગંદો લાગે છે, મેંદી કરેલા કેસરીવાળ અને રખડેલ કોલેજીયન જેવો દેખાવ! આખા ઘરમાં માલબ્રો સિગારેટની વાસથી વિજય ઉબાઈ ગયો. તેનો અક્રોશવાળો ચહેરો જોઈ મિથુન સમજી ગયો, વનિતાના પતિને મારું આવવું ગમ્યું નથી.

''જુઓ વિજયભાઈ, તમારે બે દિવસ કંપનીના કામે વડોદરા જવાનું છે.'' કંપનીના જનરલ મેનેજરે વિજયને કેબીનમાં બોલાવી ઓર્ડર કર્યો.

''નાં, સાહેબ હું રાત્રે જ ઘેર પરત આવી જઈશ, વડોદરા રાત નહીં રોકાઉં'' વિજયે વિનંતી કરી.

મેનેજર સાહેબ જોઈ રહ્યા એમને વિજયના મનમાં શું ચાલી રહ્યું છે, તે ક્યાં ખબર હતી ? વનિતાને ખબર પડતા એકલા રહેવાનો કંટાળો ટાળવા મિથુનને ફોન કર્યો.

''હાય મિથુન, કાલે વિજય આખો દિવસ બહાર જવાનો છે, કંપની આપવા આવીશ કે નહીં ?'' ''હા, હા, કેમ નહીં,''મિથુન ખુશ થતા ંબોલ્યો. બપોરે ચાર વાગે મિથુને આવતાવેત વનિતાને સુંદર પર્સ ગીફ્ટ કરી હાથ પકડી લીધો. ચા-નાસ્તો કરી બન્ને વાતોએ ચડયા. મિથુને ધીમે ધીમે વનિતાને વશમાં કરી લીધી. વનિતા ના ના કરતી રહી પણ શરીરના આવેગને રોકી ન શકી. અંતે ન બનવાનું બની ગયું. બન્ને એકાંતમાં લક્ષમણરેખા પાર કરી ગયા. વનિતાને પછી પસ્તાવો થયો, આખા ઘરમાં માલબ્રો સિગારેટની તીવ્ર વાસ આવતી હતી. તેણે  આખા ઘરમાં પરફ્યુમ સ્પ્રે અને અગરબત્તી કરી તે વાસ મિટાવી દીધી.

રાતનાં અગ્યાર વાગે વિજય ઘરે આવી પહોંચ્યો વનિતાનો ચહેરો અને વિખરાયેલા વાળ જોઈ તેને કાંઈ અજુગતું બની ગયાનો અહેસાસ થયો. તે ઘરમાં ફરી વળ્યો, પણ બધે પરફ્યુમની સુગંધથી તેને નવાઈ લાગી.  વોશરૂમમાં જતાંવેત તેના નાકમાં માલબ્રો સિગારેટની તીવ્ર ધુમાડાની વાસ છવાઈ ગઈ. તેને ખ્યાલ આવી ગયો, મિથુન આજે અહીં આવેલ છે. ગુસ્સામા ંતેણે  વનિતાને પુછ્યું ''આજે કોણ ઘરે આવ્યું હતું ?''

''કોઈ નહીં'' વનિતાએ લુલો બચાવ કર્યો. વિજયે જમવાનો ઈનકાર કરી દીધો, અને ઊંધું મોં કરીને સુઈ ગયો. ''શું થયું છે એ તો કહો ?'' વનિતાએ ગભરાતાં પુછ્યું.

''બપોરે પ્રેમીને બોલાવી તેની સાથે સુઈ જતા શરમ નાં આવી ?''

''એવું કાંઈ નથી, તમે ખોટા વ્હેમ કરો છો !'' વનિતાને ખ્યાલ આવી ગયો કે વિજયને ચોક્કસ ખબર ક્યાંથી પડી ?

''તે બધે પરફ્યુમ સ્પ્રે કર્યું, પણ પલંગની ચાદર પરથી મહેંદી કરેલા આ બે પુરુષના વાળ કાઢતાં ભૂલી ગઈ.'' વિજય ગુસ્સાથી લાલચોળ બની ગયો. અંતે વનીતા રડી પડી ''મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ.''

પણ વિજયનું દિલ સાવ તુટી ગયું, અંતે બન્ને છુટા પડી ગયા.

લાસ્ટ સ્ટ્રોક : 

બે જુના પ્રેમીઓએ જો લગ્ન ન થઈ શક્યા હોય તો, ક્યારેય એકાંતમાં મળવું નહીં, અન્યથા ભુલ થતાં જીવનભર રડવું અને પસ્તાવું પડશે.