માટીની ઉપચાર ક્ષમતા : (1)

- આરોગ્ય સંપદા-વિસ્મય ઠાકર
- એટમ બોમ્બ અને અણુભઠ્ઠીમાંથી નીકળતાં વિનાશક કિરણોને રોકવાની શક્તિ ધરાવે છે
સ મસ્ત વિશ્વ પંચભૂતાત્મક છે. એમાનું એક તત્ત્વ પૃથ્વી (EARTH ELEMENT) જેને આપણે મૃદ્ (માટી, SOIL કે CLAY) નામથી ઓળખીએ છીએ. જે મનુષ્યને આધાર આપે, એના મળ-મૂત્રને પોતાનામાં સમાવિષ્ટ કરે, એનું રૂપાંતર (TRANSFORMATION) કરી જીવનના આધારરૂપ અન્નને ઉત્પન્ન કરે એવી આ માટીની માયાનો શો મહિમા કરું ?
ઉપચાર દ્રષ્ટિએ તો આ ઉત્તમ ઉપચાર પદ્ધતિમાંની એક છે. માટી આપણી છે, હાથવગી છે, કિંમતે સાવ સોંઘી છે અને પાછી કેટકેટલાં રોગોને મટાડનારી છે.
પૃથ્વી એ ગંધની સંજ્ઞાાનું પ્રતિક છે. શરીરના બંધારણમાં જરૂરી એવાં હાડકા પર એનું પ્રભુત્વ છે. ભારેપણું, મંદતા, સ્થિરતા અને ચીકાશને દૂર કરવાવાળા ગુણ તેનામાં છે. જળને શુદ્ધ કરવાની શક્તિ એનામાં રહેલી છે. માટીમાં ઠંડી અને ગરમી રોકવાની ક્ષમતા છે. ખાસ કરીને એ એન્ટિએટોમિક રેડિએશન એટલે એટમ બોમ્બ અને અણુભઠ્ઠીમાંથી નીકળતાં વિનાશક કિરણોને રોકવાની શક્તિ ધરાવે છે. આવા વિવિધ ગુણોથી સભર માટી થકી થતાં ઉપચારો આ પ્રમાણે છે.
સૌ પ્રથમ આપણે માટીનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોઈએ. જે માટીનો ઉપયોગ કરવાનો હોય એને સાફ કરવી, ખાંડવી, આ ભૂકાને પહોળા મોઢાના પાત્રમાં ત્રણ ગણું પાણી મેળવી લાકડાના ડંડાથી હલાવતા રહેવું. પાણીની ઉપરની સપાટી પર ભેગો થતો કચરો દૂર કરતાં રહેવું અને નવુ પાણી ઉમેરતા રહેવું. આમ કરવાથી તે શુદ્ધ થઈ જશે. ત્યારબાદ પાણી નીતારી લઈ, તડકે સૂકવવી અને ખાંડવી એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી લેવું. જ્યારે ઉપયોગ કરવાનો હોય ત્યારે લેપ કરી શકાય તેટલી માત્રામાં પ્રવાહી ઉમેરવું. લેપ જાડો કરવો અને સૂકાય ત્યાં સુધી રહેવા દેવો. ત્યારબાદ સ્વચ્છ પાણીથી ધોઈ લેવો. લેપ લગાવ્યા પછી તડકો કે હવા ન લેવી. કુદરતી રીતે સૂકાવા દેવું.
માટીથી થતાં ઉપચારો:
(૧) સફેદ ખડી (ચોક: કાર્બોનેટ ઓફ કેલ્શિયમ) : ગરમીમાં લૂ લાગી હોય તો કેસૂડાના પાણીમાં મેળવી કપાળે, ગરમીને કારણે વારંવાર થતાં ઝાડામાં ગુલાબજળમાં મેળવીને પેટ પર લેપ કરવો. ત્વચાગત વિકાર, શિળસમાં છાણ (અડાયુ)ની રાખ અને ગૌમૂત્રમાં મેળવી તથા વધરાવળમાં સૂવાદાણાના ચૂર્ણ સાથે સમભાગે મેળવી લેપ કરવો. ગરમીના ગૂમડા અને અળઈ પર ગુલાબજળ સાથે, હાથપગના ચીરા અને વાઢિયા પર ઘી સાથે મેળવી, માથાનો ખોડો, જૂ કે લીખમાં લીંબુના રસમાં મેળવી, દાંતના પેઢા સડતા હોય તો તલના તેલ સાથે મેળવી લગાવવું. દાઝ્યા પછી દહીંના નીતરેલા પાણીમાં મેળવી લગાવવું.
(૨) કાળી માટી : કોઠે રતવા (વારંવાર ગર્ભપાત કે કસુવાવડ થવી)માં પેટ ઉપર લેપ કરવો. સર્પદંશ, વીંછી, ભમરી, મધમાખી કે ઝેરી જંતુના કરડવા પર કડવા લીમડાના પાનના રસમાં સરખા ભાગે નમક મેળવી લેપ કરવો. ભસ્મક નામના રોગ (વારંવાર ખાવા છતાં ભૂખ લાગ્યા કરે અને વજન ન વધે એવો રોગ)માં શુદ્ધ કરેલી કાળી માટી, જેઠીમધ અને અઘેડાના બીજનું ચૂર્ણ સમભાગે મેળવી આખી રાત પાણીમાં પલાળી રાખવું. આવું ગાળી અને નીતારેલું પાણી રોજ સવારે નરણા કોઠે પીવું. લાંબા સમયની માંદગીને કારણે
પથારીમાં સૂઈ રહેવાથી થતાં પાઠા (BED SORE) તથા માથાની ઊંદરી પર લીંબોળીના તેલ સાથે મેળવી લગાવવું. (કુંભારના ચાકડાની ચીકણી કાળી માટીનો ઔષધિય ઉપયોગ વધુ લાભદાયક છે.)
(૩) મુલતાની માટી (સિલિકેટ ઓફ એલ્યુમીના) : મધ્ય હિંદ અને પંજાબમાં મળી આવતી આ માટી આછા પીળા રંગની હોય છે. આ માટી મુલતાન-અફઘાનિસ્તાન તરફ વધુ મળતી હોઈ મુલતાન નામ આપેલ છે. ખાટી છાશ અથવા દહીંમાં મેળવી માથું ધોવાથી વાળ ખરતાં અટકે છે અને સુંવાળા થાય છે. ખીલ ઉપર કઠ અને ગુલાબજળ મેળવી લેપ કરવો. ગાલ પચોળિયા (MUMPS) પર હળદર અને નમક સમભાગે મેળવી ગાલ પર અને કાનની પાછળ જાડો લેપ કરવો. ગૂમડા પર ગુલાબજળ મેળવી લેપ કરવો.
વાચકમિત્રો, અન્ય ઘણાં પ્રકારની માટીથી થતાં ઉપચાર વિશેની માહિતી આવતા અંકમાં (ક્રમશ:)








