Magazines

સ્વપ્નોએ ઉકેલ્યાં ગુનાના રહસ્યો .

By GS TEAM
16 Jun 20266 mins read
સ્વપ્નોએ ઉકેલ્યાં ગુનાના રહસ્યો                          .

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- મેરીએ જે જગ્યા જણાવી હતી ત્યાં સઘન તપાસ કરી. ખરેખર તે જગ્યાએથી સ્મિથનું ખાલી વોલેટ અને શોટગનના ખાલી કારતૂસો જ્યાં છુપાવ્યા હતા ત્યાંથી મળી આવ્યાં. 

- ડ્રીમ ક્લેરવોયન્સ એટલે સ્વપ્નોમાં થતું દિવ્ય દર્શન કે અતીન્દ્રિય જ્ઞાન, જેમાં વ્યક્તિને નિદ્રા દરમિયાન ભવિષ્યની ઘટનાઓ, છુપાયેલી વાસ્તવિક્તાઓ કે દૂરની જગ્યાએ બનતી ઘટનાઓ દેખાય છે...

 ‘Dreams may reveal what the mind hides, but evidence reveals the truth.’

સ્વપ્નો મનમાં છુપાયેલી વાતો બતાવી શકે છે, પરંતુ સત્ય તો પુરાવાઓ જ બહાર લાવે છે.

 ‘A dream is not just imagination, sometimes it is a silent record of reality. 

સ્વપ્નો માત્ર કલ્પના નથી ક્યારેક તે વાસ્તવિક્તાનો મૌન રેકોર્ડ હોય છે.

‘The boundary between dream and truth blurs when the mind tries to solve hidden crimes. 

સ્વપ્ન અને સત્ય વચ્ચેની રેખા ધૂંધળી બની જાય છે જ્યારે મન છુપાયેલા અપરાધો ઉકેલવાનો પ્રયાસ કરે છે. 

 If science ever learns to read dreams, crimes may no longer remain unsolved mystries.

જો વિજ્ઞાન ક્યારેય સ્વપ્નો વાંચવાનું શીખી જાય તો અપરાધો અધૂરા રહસ્યો નહીં રહે.

પરામનો વિજ્ઞાનના ક્ષેત્રમાં ડ્રીમ ક્લેરવોયન્સની અનેક ઘટનાઓ બનતી હોવાનું ચર્ચાય છે. ડ્રીમ ક્લેરવોયન્સ એટલે સ્વપ્નોમાં થતું દિવ્ય દર્શન કે અતીન્દ્રિય જ્ઞાન, જેમાં વ્યક્તિને નિદ્રા દરમિયાન ભવિષ્યની ઘટનાઓ, છુપાયેલી વાસ્તવિક્તાઓ કે દૂરની જગ્યાએ બનતી ઘટનાઓ દેખાય છે.

ડ્રીમ ક્લેરવોયન્સની કેટલીક આશ્ચર્યજનક ઘટનાઓ જોઇએ. ૧૯૫૫ની વસંત ઋતુમાં જ્યોર્જિયા પાસે આવેલા સિલ્વેસ્ટરમાં મેરી કુપર નામની મહિલા ગુમ થઇ ગઈ. પોલીસને એવું લાગ્યું કે તે હિંસક હુમલાનો ભોગ બની હતી. પોલીસને એના ઘરના ફ્રન્ટ પોર્ચમાં, સાઇડ વોકના રસ્તા પર ઊગેલા ઘાસમાં અને એના પતિની કારમાં લોહીના ડાઘા જોવા મળ્યા. મજૂરીનું કામ કરતા તેના પતિની પોલીસે ભારે પૂછપરછ કરી પણ તેણે આ બાબતે કશું જ જાણતો ન હોવાનું રટણ કર્યે રાખ્યું. તેની કારમાં લોહીના ડાઘા કેવી રીતે પડયા તે અંગે પણ તેણે આશ્ચર્ય જ દર્શાવે રાખ્યું. જો કે પોલીસને તેના પર શક તો પડયો પણ મેરી જીવતી કે મરેલી મળી ના આવે અને તે અંગે પુરાવા ના મળે ત્યાં સુધી પોલીસ પણ કશું કરી શકે તેમ નહોતી. પોલીસે તેને શોધવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પણ તેમાં તે નિષ્ફળ જ નિવડી.

એક દિવસ એને શોધવાની બાબતમાં સફળતા મળે તે અંગે આશાનું એક કિરણ ઊગ્યું. ત્યાંના શેરિફ ડી. એસ. હડસન પાસે એલા મે વેસ્ટન (Ella Mae Weston) નામની એક અજાણી યુવતી આવી. તેણે શેરિફને પોતાને એક જ રાતમાં બે વાર આવેલા એક ખોફનાક સ્વપ્નની વાત કરી. તેણે કહ્યું હતું - 'મેં સ્વપ્નમાં જોયું કે હું એક ખંડિયર જેવા મકાનમાં ઊભી છું. એમાં કોઈ રહેતું નથી પણ સૂકા ઘાસના પૂળા ભરી રાખવામાં આવે છે. એમાં ઘાસના પૂળા નીચે એક યુવાન સ્ત્રીનું લોહીલુહાણ થઇ ગયેલું મૃત શરીર પડેલું હતું.' શેરિફને થયું કે તેણે આ દિશામાં પણ પ્રયત્ન કરવો જોઇએ.

હડસને એવા ખંડિયર જેવા મકાનોની તપાસ કરવાનું શરૂ કર્યું જેમાં ઘાસના પુળા ભરી રાખવામાં આવતા હોય. આવા બે મકાનો તપાસ્યા પણ એમાંથી કશું મળી આવ્યું નહીં. આખી કાઉન્ટીમાં આવા ઘણા મકાનો હતા.પણ શેરિફના સદભાગ્યે આ પ્રકારના ત્રીજા મકાનમાંથી એ બધું મળી આવ્યું. એ મકાનની વિન્ડો સિલ પર તેને લોહીના ડાઘા મળી આવ્યા અને તેમાં રાખેલા સૂકા ઘાસના પૂળાના ઢગલા નીચેથી મેરી કૂપરનું લોહીલુહાણ હાલતવાળું એ મડદું જેનું લોહી અત્યારે સૂકાઈ ગયેલું હતું તે મળી આવ્યું. એ સાથે એની હત્યા જે હથિયારથી કરવામાં આવી હતી તે પણ ત્યાંથી મળી આવ્યું. એના પર એના પતિના હાથની છાપો (ફિન્ગર પ્રિન્ટ) પણ મળી આવી. એનાથી સાબિત થયું કે તેણે જ તેની પત્ની મેરીની હત્યા કરી ત્યાં તેની લાશ છુપાવી દીધી હતી. પોલીસે તેની ધરપકડ કરી, તેના પર કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને તેને આજીવન કારાવાસની સજા થઇ હતી. આ બધું એક અજાણી વ્યક્તિના સ્વપ્નને આધારે શક્ય બન્યું. એલા મે હડસનને મેરી સાથે કોઈ સંબંધ નહોતો, કોઈ ઓળખાણ નહોતી છતાં તેના સ્વપ્નમાં મેરીનો મૃતદેહ ક્યાં છે તેનું દર્શન થઇ ગયું હતું. આના ઉપરથી સાબિત થાય છે કે કેટલાક સ્વપ્નો એકદમ સાચા અને પૂરી માહિતીથી ભરેલા હોય છે.

ડબલ્યુ સી. સ્મિથની હત્યાનો કિસ્સો પણ સ્વપ્ન થકી ઉકેલાયો હતો. ૯ જાન્યુઆરી ૧૯૪૨ના રોજ જ્યોર્જિયાના વેડલે (Wadley) ખાતે આ ઘટના બની હતી. તે એના કામ પરથી પાછો ના આવ્યો, એટલે ઘરના સભ્યોએ પોલીસને જાણ કરી. બીજે દિવસે એટલે કે ૧૦ જાન્યુઆરીએ બે હબસી શિકારીઓ પ્રિમિટિવ બેપ્ટિસ્ટ ચર્ચની પાછળ આવેલી ઝાડીઓમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યાં તેમણે કોઇનો મૃતદેહ જોયો. તેમણે પોલીસને જાણ કરી તો તપાસ કરતાં ખબર પડી કે તે સ્મિથનો મૃતદેહ જ છે. સ્મિથને કોઇએ ખૂબ નજીકતી શોટગનથી મારી નાંખ્યો હતો અને એના વોલેટમાંથી ૧૫૦ ડોલર ચોરાઈ ગયા હતા. ૨ અઠવાડિયા સુધી પોલીસે તેના હત્યારાને પકડવા ભારે મહેનત કરી પણ તેની કોઈ જ કડી મળી નહીં. હત્યારાઓએ તેમની પાછળ કોઈ સગડ છોડયા નહોતા.

એક રાત્રે સ્મિથની આઠ વર્ષની પુત્રી મેરીને નિદ્રા દરમિયાન સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેના પિતાએ તેને હત્યાની બધી વિગતો જણાવી. તેના ખિસ્સામાં રહેલા ૧૫૦ ડોલર ખાતર ત્રણ વ્યક્તિઓએ સ્મિથને મારી નાખ્યો હતો. તેણે તે ત્રણેયના નામ પણ આપ્યા હતા. તેનું ખાલી વોલેટ અને શોટગનાં ખાલી કારતૂસ ક્યાં સંતાડી દીધા હતા તે પણ જણાવ્યું. મેરીએ તેની માતાને જાગ્યા પછી સ્વપ્નની બધી વાત કરી. તેની માતાએ પોલીસ વડા ચાર્લી સ્પેલને મેરીના સ્વપ્નની વાત કરી. ચાર્લી સ્પેલે જ્યોર્જિયા બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના કેપ્ટન એસ. ડબલ્યુ રોપરને આ મામલો સોંપ્યો. તેમણે બે નિપુણ અધિકારીઓ જે.ઇ.એડી અને ટી.એમ.પ્રાઈસને બોલાવી આ કેસની બધી માહિતીથી વાકેફ કર્યા. તે પછી મેરીના સ્વપ્નમાં જાણવા મળેલી વિગતો પણ જણાવી. તેમણે તેના આધારે તપાસ તાબડતોબ ચાલુ કરી.

મેરીએ જે જગ્યા જણાવી હતી ત્યાં સઘન તપાસ કરી. ખરેખર તે જગ્યાએથી સ્મિથનું ખાલી વોલેટ અને શોટગનના ખાલી કારતૂસો જ્યાં છુપાવ્યા હતા ત્યાંથી મળી આવ્યાં. આનાથી પોલીસનો ઉત્સાહ વધી ગયો. એડી અને પ્રાઈસે હવે મેરીએ આપેલા હત્યારાઓના નામ અને તેમના વર્ડોમ પરથી તેમની ઉલટ તપાસ કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં તેમણે તપાસ કરી ૧૯ વર્ષની ઉંમરના હબસી છોકરા મોરિસ મિનસે (Morris Mincey)ની. પોલીસની કડક કાર્યવાહીથી તેણે ગુનાની કબુલાત કરી લીધી. તેણે જણાવ્યું કે સ્મિથ પાસેથી દારૂની બોટલ લેવા ચર્ચની પાછળના ભાગમાં આવેલા રસ્તા પર તેને આંતર્યો હતો. તેની સાથે બીજા બે ગોરા યુવાનો પણ તે લૂંટના કાર્યમાં જોડાયા હતા. એક હતો ૩૪ વર્ષનો ક્લિફ સોલ્ટર્સ અને બીજો હતો ૧૯ વર્ષનો અલ મેકેન્ઝી, સ્મિથે તેના ખિસ્સાના વોલેટમાં રહેલા ૧૫૦ ડોલર આપવાની ના પાડી એટલે તેમણે તેને શોટગનથી વીંધી નાંખ્યો હતો. પછી તેના વોલેટમાંથી ૧૫૦ ડોલર કાઢી લઇ તે વોલ્ટ અને ખાલી કારતૂસો સંતાડી દીધા હતા. એ ત્રણ વિશે કોઇને શંકા નહોતી. જો મેરીને સ્વપ્ન આવ્યું ન હોત અને તેના સ્વપ્ન નિર્દેશ અનુસાર પોલીસે તપાસ ન કરી હોત તો આ ગુનેગારો કદી પકડાયા ના હોત.

ચૈતસિક ગુનાશોદક એનેટ માર્ટિન (Annette Martin) જેમને ઇન્ટરનેશનલ પેરાનોર્મલ એકનોલેજમેન્ટ એવોર્ડ અપાયો હતો તે પણ ડ્રીમ ક્લેરવોયન્સની શક્તિથી અનેક ગુના ઉકેલી શક્તા હતા. ઘણીવાર ટ્રાન્સની સ્થિતિમાં પણ વિઝન પ્રાપ્ત કરી ગુનેગારને પકડાવી દેતા હતા. એ.બી.સી., બી.બી.સી., ધ નેન્સી ગ્રેટ શૉ, ફોર્ટી એઇટ અવર્સ, ધ ડિસ્કવરી ચેનલ, ધ હિસ્ટ્રી ચેનલ જેવા રેડિયો ટેલિવિઝન શૉમાં એનેટ માર્ટિનની મુલાકાતો પ્રસારિત થઇ છે.