Magazines

સુપર ઓર્ગેનિઝમ : સૂક્ષ્મ જીવ-જગતની સામૂહિક બુદ્ધિમત્તાનું અદ્ભુત વિજ્ઞાન

By GS TEAM
9 Jun 20266 mins read
સુપર ઓર્ગેનિઝમ : સૂક્ષ્મ જીવ-જગતની સામૂહિક બુદ્ધિમત્તાનું અદ્ભુત વિજ્ઞાન

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- પુષ્પ પરાગરજની શોધક મધમાખી સેંકડો કિલોમીટર દૂર જઈને કોઈ ઉદ્યાન જોઈને આવે છે તેની સૂચના તે બીજી મધમાખીઓને કેવી રીતે આપે છે? 

 "A Colony of tiny organism can achieve what no individual organism can accomplish alone.'

'નાના જીવોની વસાહત મળીને એવું કરી શકે છે જે કોઈ એક જીવ એકલો કરી શકતો નથી.'

 "NO single microbe knows the whole plan, yet together they create remarkable order."

'એક પણ સૂક્ષ્મ જીવ આખી યોજના જાણતો નથી, છતાં તે બધા સાથે મળીને અદ્ભુત વ્યવસ્થા સર્જે છે.'

 "The intelligence of a microbial community emerges from the interactions of millions of individual cells.

'સૂક્ષ્મ જીવોના સમુદાયની બુદ્ધિમત્તા લાખો વ્યક્તિગત કોષોની પરસ્પર ક્રિયાઓમાંથી પ્રગટ થાય છે.'

 "In nature, intelligence can be distributed rather than centralized.

પ્રકૃતિમાં બુદ્ધિમત્તા કેન્દ્રીકૃત હોવાને બદલે વિતરિત પણ હોઈ શકે છે.

 "A superorganism is a society that functions as a single living entity."

'સુપર ઓર્ગેનિઝમ એક એવો સમુદાય છે જે એક જ જીવંત સત્તા તરીકે કાર્ય કરે છે.

પ્રકૃતિમાં આપણે સામાન્ય રીતે જીવને એક સ્વતંત્ર સજીવ તરીકે જોઈએ છીએ. મનુષ્ય, પ્રાણી, વૃક્ષ અથવા બેક્ટેરિયા - દરેકનું પોતાનું અલગ અસ્તિત્ત્વ હોય છે. પરંતુ પ્રકૃતિમાં કેટલાક એવા જીવસમૂહો પણ છે, જ્યાં હજારો કે લાખો સભ્યો મળીને એવી રીતે કાર્ય કરે છે કે આખો સમુદાય એક જ જીવંત સજીવ જેવો લાગે છે. આને સુપર ઓર્ગેનિઝમ (Super organism) કહેવામાં આવે છે.

સુપર ઓર્ગેનિઝમનો અર્થ છે - અનેક વ્યક્તિઓનો એવો સંગઠિત સમૂહ જે મળીને એક જ જીવની જેમ નિર્ણયો લે, કાર્યો કરે, પોતાનું રક્ષણ કરે, સંસાધનોનું સંચાલન કરે અને પોતાની પ્રજાતિને ટકાવી રાખે. સુપર ઓર્ગેનિઝમ એ પ્રકૃતિમાં જોવા મળતી સહકાર અને સંગઠનની અદ્ભુત વ્યવસ્થા છે. મધમાખીઓ, કીડીઓ અને ઊધઈ જેવી પ્રજાતિઓ દર્શાવે છે કે કેવી રીતે હજારો વ્યક્તિઓ એક જ જીવંત એકમની જેમ કામ કરે છે. સુપર ઓર્ગેનિઝમ શબ્દનો પ્રથમ ઉપયોગ ૧૯૧૧માં વિલિયમ મોર્ટન વ્હીલર દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે મધમાખીઓ, કીડીઓ અને અન્ય જીવજંતુઓના સમાજનો અભ્યાસ કરીને નોંધ્યું હતું કે તેમની વસાહતો એક જીવંત શરીરની જેમ કાર્ય કરે છે. સુપર ઓર્ગેનિઝમની મુખ્ય લાક્ષણિકતાઓમાં કાર્ય વિભાજન, સહકાર, સંચાર અને સામૂહિક નિર્ણય લેવાની ક્ષમતા સમાવિષ્ટ થાય છે. સરળ શબ્દોમાં એમ કહેવાય છે કે જ્યારે ઘણા જીવોનું સંગઠન એક શરીરના વિવિધ અંગોની જેમ કાર્ય કરે છે ત્યારે તેને સુપર ઓર્ગેનિઝમ કહેવાય.

બાયોલોજિસ્ટ જ્યોર્જ જ્હોન રોમેન્સે (George John Romanes)  એવું નોંધ્યું હતું કે મધમાખીઓ જટિલ પરિસ્થિતિઓમાં પણ દિશા શોધી શકે છે, યોગ્ય માર્ગ પસંદ કરી શકે છે અને પર્યાવરણના સંકેતોના આધારે વર્તન બદલી શકે છે. મધમાખીના સામાજિક વર્તનના અભ્યાસમાં સૌથી જાણીતા પ્રયોગો કાર્લ વોન ફ્રિશ્ચે (Karl von Frisch) કર્યાં છે. એમના મનમાં એકવાર એ જાણવાની ઇચ્છા થઈ કે પુષ્પ પરાગરજની શોધક મધમાખી સેંકડો કિલોમીટર દૂર જઈને કોઈ ઉદ્યાન જોઈને આવે છે તેની સૂચના તે બીજી મધમાખીઓને કેવી રીતે આપે છે ? તેમણે કાચની ખુલ્લી કેપ બનાવીને મધમાખીઓના પુડામાં લગાવી દીધી અને કેટલીક મધમાખીઓને ખાસ પ્રકારના રંગોથી રંગી દીધી. આનાથી કઈ મધમાખી બીજી મધમાખીને કેવી રીતે શું સમજાવે છે તે જાણવું શક્ય બની શક્યું.

જીવવિજ્ઞાન ફ્રિશ્ચે જોયું કે એક મધમાખી ઊડીને કોઈ એક દિશામાં પુષ્પોનો ઉદ્યાન શોધવા નીકળી. રસ્તામાં તેને એવા છોડ મળ્યા જેમાં પુષ્કળ પુષ્પો અને પરાગરજ હતાં. તેણે થોડી પરાગરજ ભેગી કરી અને પોતાના મધપુડામાં પાછી ફરી. બીજી બધી મધમાખીઓ તેને ઘેરી વળી અને મૂકપણે પૂછવા લાગી કે તે એ પરાગરજ ક્યાંથી લાવી હતી ? એના જવાબ રૂપે તે મધમાખી નાચવા લાગી. તે એક ગોળાર્ધમાં નાચતી હતી. તેના વિશિષ્ટ પ્રકારના નૃત્યને વેગલ ડાન્સ (Waggle Dance) કહેવામાં આવે છે. તેમણે જોયું તો તે એક ગોળાર્ધમાં નાચતી હતી અને થોડી થોડી વારે નાચવાની દિશા બદલી કાઢતી હતી. તેના પરથી બીજી મધમાખીઓને ખબર પડી ગઈ કે પુષ્પ અને પરાગરજ ત્યાંથી કઈ દિશામાં કેટલે દૂર છે ? તેણે નૃત્ય કરવાનું બંધ કરીને પોતાની મૂછ બીજી મધમાખીઓની મૂછ સાથે અડકાડી કોઈ સંકેત આપ્યો અને પોતાના કામમાં લાગી ગઈ. બાકીની બકી મધમાખીઓ સહેજ પણ ભૂલ કર્યા વગર તે દિશામાં ઊડીને તે છોડ સુધી પહોંચી ગઈ અને પુષ્પરાજ એકત્ર કરવા લાગી જ્યાંથી પેલી મધમાખી પરાગરજ લાવી હતી. 

જીવવિજ્ઞાની કાર્લ ફ્રિશ્ચે મધમાખીના આવા સંકેતોનો શો અર્થ થાય છે તે જાણવા પ્રયાસ કર્યા. તેમણે શોધી કાઢ્યું કે જો મધમાખી ધીમા વેગથી નાચે તો એનો અર્થ એ થાય કે તેણે જે પરાગરજ શોધી છે તેનું પ્રમાણ ઓછું છે. તેથી તે એકત્રિત કરવા ઓછી સંખ્યાની મધમાખીઓ જ જાય છે. જો મધમાખી વધારે વેગથી નાચે તો એનો અર્થ એ થાય કે તેણે જે પરાગરજ શોધી છે તેનું પ્રમાણ વધારે છે એટલે તે એકત્રિત કરવા વધુ સંખ્યામાં મધમાખીઓ જાય છે. જો પુષ્પ ૧૦૦ ગજના અંતરે હોય તો ગોળાર્ધમાં નાચે છે. જો તે પાંચ-છ કિલોમીટરના અંતરે હોય તો તે અંગ્રેજી આઠ (૮)નો આંકડો લખાય છે એવા આકારમાં નૃત્ય કરે છે. તે એક મિનિટમાં કેટલા ચક્રાવા લે છે તેના પરથી પણ અંતરનું અનુમાન લગાવી શકાય છે. જો તે એક મિનિટમાં નૃત્ય કરતાં કરતાં ૨૨ ચક્રાવા લે તો પુષ્પ ૩૦૦ ગજ દૂર છે એવું તે સૂચન કરે છે. વાત ત્યાં જ પૂરી થતી નથી. તે ડાબી-જમણી તરફ ચક્રાવા લે છે તેના પરથી આગળ કઈ દિશામાંથી પછી કઈ દિશા તરફ વળવું તેનો ખ્યાલ આપે છે.

વિલિયમ મોર્ટન વ્હીલર પછી એડવર્ડ ઓ. વિલ્સને કીડીઓના વર્તન, સંચાર અને સામાજિક સંગઠન પર વ્યાપક સંશોધન કર્યું. ફેરોમોન દ્વારા કીડીઓ કેવી રીતે માહિતીની આપ-લે કરે છે તે સમજાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. ફેરોમોન (Pheromone) એ એક પ્રકારનો રાસાયણિક સંકેત (Chemical Signal) છે જે કોઈ પ્રાણી અથવા કીટક પોતાની જ જાતિના અન્ય સભ્યોને માહિતી આપવા માટે બહાર છોડે છે. કીડીઓમાં ફેરોમોનનું ખૂબ મહત્ત્વ છે. જ્યારે કીડી ખોરાક શોધે છે ત્યારે તે પાછા ફરતી વખતે જમીન પર ફેરોમોનની લાઈન છોડી જાય છે. બીજી કોઈઓ આ ગંધને અનુસરીને ખોરાક સુધી પહોંચી જાય છે. એડવર્ડ વિલ્સનને આધુનિક કીડીઓ વિજ્ઞાન (Myrmecology) ના અગ્રણી વિજ્ઞાની માનવામાં આવે છે. બર્ટ હોલડોબલરે (Bert Holldobler) વિલ્સન સાથે મળીને કીડીઓ પર અનેક પ્રયોગો અને અભ્યાસ કર્યાં. તેમના પ્રસિદ્ધ પુસ્તક ધ એન્ટસ (The Ants)  માટે તેમને પુલિત્ઝર પ્રાઈઝ (Pulitzer Prize) મળ્યું હતું. ડેબેરાહ એમ. ગોર્ડને (Deborah M. Gordon) કીડીઓ કેન્દ્રિય નેતૃત્ત્વ વિના કેવી રીતે નિર્ણયો લે છે તેનો અભ્યાસ કર્યો. ખાસ કરીને 'હાર્વેસ્ટર એન્ટ' વસાહતો પર લાંબા ગાળાના પ્રયોગો કર્યાં. તેમના અભ્યાસથી સામૂહિક બુદ્ધિ (Collective Intelligence)  વિશે નવી સમજ મળી. તે રીતે નિગેલ ફ્રેન્સ  (Nigel Franks) દ્વારા પણ કીડીઓ પર મહત્ત્વપૂર્ણ સંશોધનો કરાયા. કીડીઓની માર્ગ શોધવાની ક્ષમતા, સમૂહ નિર્ણય પ્રક્રિયા અને જીવંત પુલ બનાવવાની વર્તણૂક પર તેમણે પ્રયોગો કર્યાં. તેમની શોધો સ્વાર્મ ઇન્ટેલિજન્સ  (Swarm Intelligence)  ક્ષેત્રમાં ખૂબ પ્રભાવશાળી રહી. મેજર હેગસ્ટને કરેલો એક પ્રયોગ આનો પુરાવો છે. તેમણે ઢીલા ગોળના એક નાના ઢેફાને પાતળી સળી જેવા લાંબા આકારનો બનાવી તેના ત્રણ જુદી જુદી સાઇઝના ટુકડા કર્યા. પહેલો ટુકડો અડધા ઇંચની લંબાઈનો હતો, બીજા ટુકડો પોણા ઇંચની લંબાઈનો હતો, જ્યારે ત્રીજો ટુકડો દોઢ ઇંચની લંબાઈનો હતો. એક કીડી આવી. તેણે તે ત્રણ ટુકડાને જુદી જુદી દિશામાં પડેલા જોયા. પછી તે અંદર જતી રહી. થોડીવાર પછી કીડીઓનો એક સમુદાય લશ્કરી કૂચ કરાતી હોય એવા અંદાઝમાં બહાર આવ્યો. આ ૧૬૧ કીડીઓનો સમુદાય હતો. દરમાંથી બહાર નીકળ્યા બાદ આ સમુદાયમાંથી ૨૯ કીડીઓ પૂર્વ દિશા તરફ ચાલવા લાગી, જ્યાં અડધા ઇંચની લંબાઈનો ગોળનો સૌથી નાનો ટુકડો પડયો હતો. ૪૪ કીડીઓ દક્ષિણ દિશા તરફ ગઈ જ્યાં પોણા ઇંચની લંબાઈ ધરાવતો ગોળનો ટુકડો પડયો હતો અને ૮૯ કીડીઓ  એ દિશા તરફ ગઈ જ્યાં દોઢ ઇંચની લંબાઈ ધરાવતો સૌથી મોટો ટુકડો પડયો હતો. જે ટુકડાને ઉપાડવા જેટલી કીડીઓની જરૂર પડે એટલી કીડીઓએ તેની પાસે આવી તે ઉપાડી લીધો અને તેને લઈને તેમના દરમાં જતી રહી. કીડીઓ ફેરોમોન-રાસાયણિક સંકેતથી એકબીજા સાથે વાતચીત કરે છે.