Magazines

તમે જેને ચા સમજીને પીઓ છો તે ખરેખર ચા છે કે નહીં?!

By GS TEAM
19 May 20264 mins read
તમે જેને ચા સમજીને પીઓ છો તે ખરેખર ચા છે કે નહીં?!

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- ચાની એક નિશ્ચિત વ્યાખ્યા અનુસાર 'કૈમેલિયા સાઇનેસિસ' ના છોડમાંથી પત્તીથી નહીં બની હોય તેને ચા નહીં ગણવામાં આવે

- 21 મે 

- આંતરરાષ્ટ્રીય ચા દિવસ

ચા ય પીને કા શૌક, કિસકો હૈ સાહબ. યે તો જરિયા હૈ, અપનોં કે સાથ દો પલ, ફુર્સત મેં બિતાને કા, યે તો જરિયા હૈ, અપનોં કી પીડા કો, અહસાસ કર, સમજને કા, અપનોં કી આંખ સે બહતે આંસૂઓ કો થામને કા, અપનોં કી ખુશિયોં મેં શામિલ હો, ખુશિયોં કો બઢાને કા. જીવન કી આપાધાપી સે, ચલો કુછ ક્ષણ નિકાલતે હૈં. ગુડ્ કી ટપકી કે સાથ, ચાય કી ચુસ્કી કે સાથ. આઓ મહફિલ ગુલઝાર કરતે હૈં. ફુર્સત કે ક્ષણ હૈં. ચાય કી ચુસ્કી કે સાથ, ચાય પે ચર્ચા કરતે હૈં....

***

'ચા તૈયાર છે...' કુંભકર્ણ ચાનો શોખીન હોત તો તેને જગાડવા માટે  આ શબ્દ જ પૂરતા હતા. ચાનો શોખીન શિયાળા કે ચોમાસાનો મોહતાજ નથી તેના માટે તો ચાનો કપ મળી જાય એટલે 'અઠ્ઠે દ્વારકા'. ચાની ચાહ માટે જ લખાયું છે કે, વો જલાતી રહી 'હોંઠો' કો ઔર હમ ઉસે 'ચૂમતે' રહે...!! કમબખ્ત યે કૈસા 'ઇશ્ક' હમ 'ચાય' સે કર બૈઠે...!!!  મોટાભાગના ઘરમાં સવાર, ઓફિસ મીટિંગમાં બ્રેઇનસ્ટ્રોમિંગ, મિત્રો સાથે ગૂફ્તગૂ ચાના સંગાથ વિના અધૂરી જ થઇ જાય છે. મોટાભાગના લોકોને પણ ચાની કિટલીમાં 'પિયર' જેવી જ ફીલિંગ આવતી હોય છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. ચાની કિટલી અનેકના સુખ-દુ:ખ, મોટી બિઝનેસ ડિલ, પ્રેમ માટે પ્રપોઝ- બ્રેકઅપ..જેવી અનેક ઘટનાઓની સાક્ષી બનતી હોય છે. સવારે અને સાંજે  એમ કમસેકમ બે વખત ચા પીધા વિના ઘણા લોકોના મગજને 'કિક' પણ લાગતી નથી.

અલગ-અલગ દેશમાં અલગ પ્રકારે ચા પીવામાં આવે છે. જેમકે, ઇંગ્લેન્ડમાં ચાને ઉકાળતા નથી અને આપણે ત્યાં ઉકાળ્યા વિના ચા પીવાની કલ્પના પણ થઇ શકતી નથી. ચીનમાં ગ્રીન ટી વધારે પીવામાં આવે છે, ઇટાલીમાં લોકો લેમન જ્યુસ નાખીને ચા પીવાનું પસંદ કરે છે. એટલું જ નહીં, ચીનમાં કોઇ હોટેલમાં ભોજન માટે જવાનું થાય ત્યારે ત્યાં તમારું સ્વાગત ચાથી કરવામાં આવે છે. આ પાછળ ચીનાઓનો તર્ક એવો છે કે ચા પીવાથી પાચનશક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત ચીનમાં લોકો બિમાર પડે ત્યારે ચા પીવાનું પ્રમાણ વધારી દેતા હોય છે. જેની પાછળ તેમનું એમ માનવું છે કે ચામાં રોગપ્રતિકારક શક્તિના તત્વો છે. આપણે ત્યાં વારાણસીના અસ્સી ઘાટ પર હાજમોલા ચાનો મોટો ચાહક વર્ગ છે. જેમાં સૂંઠ, ફુદીનો, સંચળ, કાળા મરી, હાજમોલાની ગોળીઓ, લવિંગનો વાટીને મસાલો તૈયાર કરવામાં આવે છે. એ પછી ચાની પત્તી સાથે ઉકાળેલા પાણીમાં લીંબુ નાખીને આ ચા આપવામાં આવે છે. મુંબઇ અને હૈદરાબાદમાં ઈરાની ચા લોકપ્રિય છે. આ ઈરાની ચા બનાવાની શૈલી પણ રસપ્રદ છે. જેમાં પાણી અને ચા પત્તી એકસાથે ઉકાળવામાં આવે છે. આ  પછી તપેલી અને ઢાંકણને લોટથી વીંટાળી ધીમી આંચે ૨૦ મિનિટ જેટલું રાખવામાં આવે છે. આ પછી દૂધ ઉકાળીને ઈલાયચી નાખી એટલું ઉકાળવામાં આવે કે એ અડધું થઈ જાય.આ રીતે તૈયાર થાય છે ઈરાની ચા. 

એનીવે'ઝ ઉકળતા પાણીમાં  કોઇપણ પત્તી નાખી દેવી તેને ચા કહી શકાય નહીં. આ કોઇ ચા પ્રેમીની લાગણી નથી પણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું ફરમાન છે.  ચાની એક નિશ્ચિત વ્યાખ્યા અનુસાર 'કૈમેલિયા સાઇનેસિસ' ના છોડમાંથી પત્તીથી નહીં બની હોય તેને ચા નહીં ગણવામાં આવે.  કૈમેલિયા સાઇનેસિસ એવો પ્લાન્ટ છે જેમાંથી ચા બને છે. ભારતમાં આસામ સહિત અનેક રાજ્યમાં તેની ખેતી કરવામાં આવે છે. આ એક હંમેશાં લીલો રહેતો પ્લાન્ટ છે. ગ્રીન ટી, બ્લેક ટી, ઉલોંગ અને વ્હાઇટ ટી એમ આ પ્રકારની બધી સાચી ચા આ છોડમાંથી બને છે. ફક્ત પ્રોસેસિંગ અલગ હોય છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કહેવા પ્રમાણે કૈમેલિયા સાઇનેસિસથી બનેલી ચાને જ સત્તાવાર રીતે ચા કહેવાનો અધિકાર છે. અન્ય કોઇ પ્લાન્ટમાંથી બનેલા પીણાને ચા કહેવું ભ્રામક છે. એવો દાવો કરવો તે અન્ન સુરક્ષાના અધિનિયમ ૨૦૦૬ હેઠળ ખોટું બ્રાન્ડિંગ ગણાશે. કેમકે, 'કૈમેલિયા સાઇનેસિસ'સિવાય અન્ય પ્લાન્ટના ફૂલ, મૂળ, પત્તી , બીજમાંથી બનેલા પીણા ચા તરીકે નહીં ગણાય. તેનું ચા સિવાય અન્ય કોઇ પણ નામે વેચાણ કરી શકાશે. એનીવેઝ 'દીવાર' ફિલ્મનો અમર બની ચૂકેલો સીનનું  ચાના શોખીન દ્વારા રીમેક કરવામાં આવે તો કંઇક આવું જોવા મળે, 'આજ મેરે પાસ એનર્જી ડ્રિન્ક હૈ, કોલ્ડ ડ્રિન્ક હૈ... તુમ્હારે પાસ ક્યા હૈ...?', 'ભાઇ મેરે પાસ ચા હૈ...!'