Magazines

પપેટ ક્રિએટર મીના નાયક .

By GS TEAM
19 May 20265 mins read
પપેટ ક્રિએટર મીના નાયક                              .

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- પપેટસ સાત પ્રકારની હોય છે મીના નાયક પપેટસ દ્વારા સામાજીક, પર્યાવરણ, વિજ્ઞાાન, ગણિત, પંચતંત્ર, રામાયણ વગેરેનો સંદેશ આપે છે

'ક ઠપૂતળી' 'પપેટ શો' એ ભારતની સંસ્કૃતિની બહુ જૂની કલાઓમાંની એક છે. જેની શરૂઆત આશરે ૨૦૦૦ થી ૩૦૦૦ વર્ષ પહેલા થઇ હતી. પરંતુ આજના ઇન્ટરનેટ અને એઆઈના યુગમાં એનિમેશન, કાર્ટુન્સ વગેરે આધુનિક મનોરંજનની પ્રસ્તુતિને કારણે આ કલાની રજૂઆત નહિવત જણાય છે. પરંતુ એવી પણ કેટલીક મહિલાઓ છે જે આજે પણ 'પપેટસ' 'કઠપૂતળી'ની કલાને સમર્પિત છે અને આ કલાને પોતાની કુનેહ અને રચનાત્મકતા વડે જીવંત રાખી તેના વિવિધ શો બાળકો તેમજ વિદ્યાર્થીઓમાં કરી રહ્યા છે. જેમાંના એક ખૂબજ જાણીતા 'પપેટસ' ક્રિએટર 'મીના નાયક'.

મીના નાયક ભારતમાં વિવિધ વિષયોને 'પપેટસ' દ્વારા રજૂ કરી, મનોરંજન સાથે વિષયની સમજ આપવા માટે ખૂબ જાણીતા છે. મીના નાયક છેલ્લા ૪૦ વર્ષથી આ 'પપેટસ ક્રિએટીવ' ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. તેમણે સામાન્ય પપેટસ બનાવવાની શરૂઆતથી મુંબઈ યુનિવર્સિટીમાં પપેટસ મેકીંગ અને ક્રિએટીંગનો કોર્સ પણ શીખવાડવાનો ચાલુ કર્યો છે. તેમણે 'પપેટસ ક્રિએશનનો' રચનાત્મક ઉપયોગ શૈક્ષણિક માધ્યમમાં, સામાજિક પરિવર્તનમાં અને થેરાપેટીક યુઝ તરીકે કર્યો છે.

મીના નાયકને ખાસ આ પપેટસમાં નાનપણથી રસ હતો. પુખ્તવયે તેમણે પોતાની કોઠાસૂઝ અને રચનાત્મક દ્રષ્ટિકોણ દ્વારા પ્લાસ્ટિકની બોટલો, સિગરેટ કેસ અને ચીંથરાઓમાંથી પપેટસ બનાવવાની શરૂઆત કરી. શરૂઆતમાં પોતાના નીજી વર્તુળમાંજ આ 'પપેટસ શો' જેવું કરતા.

થોડા સમય પછી એક મરાઠી ચેનલમાં તેઓ સાંજના બાળકોના કાર્યક્રમ 'કીલબીલ'નું એન્કરીંગ કરી રહ્યા હતા. આ કરતા કરતા તેમને વિચાર આવ્યો કે, આ શોમાં જો 'પપેટસ' દ્વારા બાળકોને જ્ઞાાન આપવામાં આવે તો, બાળકોને ગમ્મત સાથે જ્ઞાાન મળે. જે લાઈવ હોય. આથી બાળકોના માનસ પર જલ્દી અસર થાય.

મીના નાયકે આ માટે યુરોપિયન પપેટ શોમાંથી પ્રેરણા લીધી. તેમણે પોતાની સાથે સામે એક છોકરાનું પપેટ બનાવ્યું અને તેની સાથે સંવાદ કરવાનું રાખ્યું.

વિષયવસ્તુ દરરોજની બાળચોખ્ખાઈની લીધી. તેમાં આ છોકરો બહુ હોશિયાર, સ્માર્ટ હોય છે પણ તેને ન્હાવું, બ્રશ કરવું, કપડાં બદલવાનું ગમતું નથી. તેને ફકત રમવું જ છે. આથી તે બહાર મેદાનમાં છોકરાઓ જોડે રમવા જાય છે. પણ કોઈ તેની સાથે રમતું નથી બધા કહે છે તું ગંદો છે. પછી બિલાડી, કૂતરા પ્રાણીઓ પણ તેના શરીરની દુર્ગંધથી દૂર ભાગે છે. પછી તેની સાથે ડુક્કર રમવા આવે છે. ડુક્કરના શરીરની દુર્ગંધથી તેને ચીતરી ચડે છે અને પોતાની શરીરની ગંદકીનો ખ્યાલ આવે છે. દોડતો તે ઘેર જઈ બ્રશ કરી, ન્હાઈ ચોખ્ખા કપડા પહેરી રમવા આવે છે અને બધા છોકરાઓ તેની સાથે રમે છે. આ છોકરા પપેટનું નામ તેમણે 'ધીતુકેલીયા' એટલે હોશિયાર છોકરો આપ્યું અને તેના સંવાદ એક ખુબ નાનો ચતુર છોકરો તેમની સાથે બોલ્યો. બાળકોને આ શેડો પપેટ શોમાં ખૂબ રસ પડયો. જે પછી તેમણે જુદા જુદા વિષયવસ્તુ સાથે બાળકોના કાર્યક્રમ 'કલબલી'માં બતાવ્યા.

આ પપેટ શોની સફળતાથી મીના નાયકને પ્રેરણા મળી અને તેમણે જુદા જુદા ક્ષેત્રોમાં, ખાસ કરીને નાના બાળકોના શોષણ અંગે, બાળકોના ટ્રાફિક અંગે તેમજ પ્રાથમિક ને માધ્યમિક શાળાઓમાં ભાષાઓના લેસન (પાઠ) માટે પપેટસ બનાવ્યા અને તેના શો શરૂ કર્યા. પ્રથમ તેમણે કોલંબોમાં બાળશોષણ માટે અને બાળ ટ્રાફિકીંગ માટેની કોન્ફરન્સમાં જવાનું હતું. આ માટે તેમણે પપેટસની થીમ લીધી. જેમાં શેડો પપેટસ શોની પધ્ધતિ અપનાવી. સફેદ કપડા પાછળ, જે નકારાત્મક વ્યકિત શોષણ કરે કે ઉપાડી જાય તેને કાળા પપેટસ બનાવ્યા અને બાળકોને સફેદ પપેટસ પછી આખા શોની સ્ક્રીપ્ટ બનાવી. અને એ પ્રમાણે કાળો માનવી જે પપેટ દ્વારા દર્શાવાયો તે બાળકનું શોષણ કરે, ઉપાડી જાય એ બતાવ્યું. તેનાથી બચવા શું કરવું અને આવા માણસોની કેવી રીતે ફરિયાદ કરવી તે બતાવ્યું. બાળકોથી માંડીને મોટાઓ સુધી સૌને ખૂબ ગમ્યું. જે જોયા પછી જે બાળકો પોતાની સાથે આવા બનાવો બનેલા તે ગભરાતા હતા તે ખુલીને વાત કરવા માંડયા. આ રીતે બાળકોના હક્ક માટે તેમણે પપેટસ-કઠપૂતળીઓનો ઉપયોગ કર્યો.

મીના નાયક જણાવે છે કે, હું જુદા જુદા મટીરીયલમાંથી પપેટસ બનાવું છું. સામાન્ય રીતે પપેટસ કઠપૂતળીઓના ૭ પ્રકાર હોય છે પણ હું કાપડ, લેધર, પેપરમેશ વગેરેના બનાવું છું. મુખ બનાવવું હોય તો બોલ પર કાપડ વીંટાળી મુખ બનાવી, ખૂબ ધ્યાનથી આંખો, હોઠ વગેરે પેન્ટીંગ કરું છું. મારા પપેટસ ૪ ઇંચથી શરૂ કરી ૪ ફૂટના હોય છે. જે બનાવતા સામાન્ય રીતે 

૧ થી ૨ દિવસ લાગે છે. પછી જેવા પપેટસ. મારા પપેટ શોમાં શેડો પપેટસ ટેકનીક અથવા લાઈવ સ્પીકીંગ ટેકનીક હોય છે.

સામાન્ય રીતે અત્યાર સુધી મેં સામાજીક, પર્યાવરણ, ભાષાઓ, વિજ્ઞાાન, ટેકનોલોજી, ગણિત વગેરે અંગે પપેટસ બનાવી આ વિષયોના સંદેશ બાળકોથી માંડી વિદ્યાર્થીઓને આપ્યા છે.

મીના નાયકના પપેટસ તબીબી થેરપી માટે પણ કામ કરે છે. ખાસ કરીને એડસ વિષે આ પપેટસ થેરપી પપેટસ તરીકે કામ કરે છે. આ વિષયમાં એક પપેટ ઓડિયન્સ સાથે વાત કરે છે અને પ્રશ્નો પૂછે છે, પછી પ્રશ્નોના જવાબ આપે છે જેમાં એઇડ્સનાં રોગમાં શું તકેદારી લેવી જોઈએ. ક્યારે થાય વગેરે માહિતી આપે છે. મીના નાયક કહેવું છે કે આ એઇડ્સનાં પપેટ શોમાં ઘણી મહિલાઓ મુક્ત રીતે ચર્ચામાં પોતાના કિસ્સા રજૂ કરે છે.

થોડા સમય પહેલા મીનાબહેને પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં ભાષાઓ માટે પપેટસ બનાવ્યા હતા. જે પપેટસ જુદા જુદા ભાષાના પાઠ, કવિતાઓ વગેરે લાઇવ શિખવાડે. આ ટેકનીક મીના નાયકે શાળાના શિક્ષકોને શીખવાડી છે, જે બાળકો ખૂબ આનંદથી શીખે છે.

આ ઉપરાંત જ્યારે ગુજરાતમાં હુલ્લડ થયા ત્યારે હિન્દુ અને મુસલમાનોના બાળકો જેમણે આ કત્લેઆમ જોઇને ડરી ગયા હોય તે બાળકોનો ડર પણ પપેટ શો દ્વારા ભાંગ્યો છે.

મીના નાયકે આની ૨૫ મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી છે. હવે મીના નાયક પપેટ શોની જુદા જુદા વિષય પર ડોક્યુમેન્ટરી પણ બનાવે છે. આમ તેઓ થિયેટર, ડાયરેકટર ને મોટા ક્રિએટર બની ચૂકયા છે.

તેમનો કોલેજના વિદ્યાર્થીનો પપેટ મુન્નો કોલેજના વિદ્યાર્થીઓમાં જાણીતો છે. જે જુદા જુદા એક્ટરોના અવાજને લાઇવ કરી સંદેશાઓ આપે છે.

છેલ્લા પપેટ પ્રોડકશનમાં બે વાર્તાઓ છે. જેમાં સરકસમાં એક છોકરી જુદી જુદી કઠપૂતળીઓ દ્વારા પોતાની રચનાત્મક વાતો કહે છે. બીજો હાથી રૂપા જાણીતો બન્યો છે.

મીના નાયક પોતાના પ્રયત્નોથી પપેટ કલાને જીવંત રાખવા પ્રયત્ન કરે છે, અને શિક્ષિકા બની પોતાના વિદ્યાર્થીઓ તૈયાર કરે છે.