Magazines

બેંકના સફાઈ કામદારમાંથી બેંક મેનેજર !

By GS TEAM
9 Jun 20265 mins read
બેંકના સફાઈ કામદારમાંથી બેંક મેનેજર !

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- પોતાનો સૌથી ઉચ્ચ એવોર્ડ મેડમ પ્રતીક્ષા ટોડવાલકરે તેના સાતમા ધોરણની શિક્ષિકાને અર્પણ કર્યો છે

પૂ નાની સામાન્ય શાળાની ૭મા ધોરણની વિદ્યાર્થીની ભણવામાં અત્યંત તેજસ્વી અને બીજી ઈત્તર પ્રવૃત્તિઓમાં પણ આગળ છે. અચાનક તેના પિતા આવી તેનું સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ માગી ઉઠાડવા માગે છે. વર્ગ શિક્ષિકા આમ ન કરવા, ને વિદ્યાર્થીનીને શાળા ન છોડાવવા અને તેની જિંદગી ના બગાડવા વિનંતી કરે છે. વર્ગ શિક્ષિકા બ્રાહ્મણ છે, પરંતુ તે પછાત જાતિની વિદ્યાર્થીનીને દત્તક લઈ ભણાવી ડોક્ટર બનાવવાની તૈયારી બતાવે છે પરંતુ તે વિદ્યાર્થીનીના પિતા તેમના સામાજીક બંધનોની બેડી તોડવા તૈયાર નથી. સગીર ઉંમરની થતા, પરણાવી દેવી તે તેમના સમાજનો રિવાજ છે, આથી તે પોતાની દીકરીને અંતે ઉઠાડી મૂકે છે.

પરંતુ કહેવાય છે ને કે સપનાના બીજને પ્રેરણાનું ખાતર અને હિમ્મતનો સૂર્યપ્રકાશ જીવનમાં ગમે ત્યારે મળી રહેતા તે બીજ સપનાનું વટવૃક્ષ બને છે.

બસ આ વિદ્યાર્થીનીમાં તે શાળાની શિક્ષિકાએ રોપેલું ભણતરનું બીજ ઊગી નીકળે છે, તે છોકરી સામાન્ય બેંક વાળવા વાળીમાંથી તે જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની આસીસ્ટન્ટ જનરલ મેનેજર બને છે અને આખા ભારતની મહિલાઓને પ્રેરણા આપી જાય છે.

આ વાળનાર યુવતીમાંથી ૩૦ વર્ષના ભણતરના સંઘર્ષ પછી સ્ટેટ બેંકની આસીસ્ટન્ટ જનરલ મેનેજર બનનારનું નામ છે પ્રતીક્ષા ટોડવાલકર. ભણવાની પ્રબળ ઈચ્છા, લોખંડી મનોબળ અને મુશ્કેલીઓ સામે ઝઝૂમવાની શક્તિએ પ્રતીક્ષા આ સફળતાના મુકામ સુધી પહોંચી શકી.

વધારે ઊંડાણમાં ઉતરીએ પ્રતીક્ષા મેમની નીજી સંઘર્ષભરી જિંદગીની કહાનીમાં.

શાળામાંથી ઉઠાડી લીધા પછી બીજે જ વર્ષે પ્રતીક્ષાના લગ્ન કરી નાખવામાં આવ્યા. તે સમયે તેની ઉંમર ૧૭ વર્ષની હતી. બીજા વર્ષે એક દીકરાને જન્મ આપ્યો. તે દીકરાના જન્મ પછી, પતિ-પત્નીને તેમનો દીકરો મહારાષ્ટ્રના તેમના ગામે કુળદેવીના દર્શન કરવા ગયા. આ રહેવાના દિવસો દરમ્યાન તેમના પતિનું અકસ્માતમાં અવસાન થયું. પ્રતીક્ષાના જીવન પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડયો.

પાસે કોઈ ભણતર નહીં, પૈસા નહીં, દુનિયાદારીનો કોઈ અનુભવ નહીં, ઉપરથી એક દીકરાની જવાબદારી તે પણ ૧ વર્ષનો. પ્રતીક્ષાએ પૂના પાછા જઈ સાસરાના દ્વાર ખખડાવ્યા. સાસરા વાળાએ કહ્યું, 'અમારા દીકરા માટે તને લાવ્યાતા, તે જ દુનિયામાં નથી, પછી તને તે તારા છોકરાને કેમ રાખીએ ને પાળીએ ?'

પ્રતીક્ષાને પોતાનું પિયર યાદ આવ્યું. તેણીએ પિયરના દ્વાર ખખડાવ્યા પિયરમાંથી જવાબ મળ્યો, 'તારી શાદી કરાવી દીધી, અમારી જવાબદારી પૂરી થઈ, તું જાણે ને તારું નસીબ.'

જીવનમાં જે દ્રઢ સંકલ્પ કરે છે તેને ઈશ્વર પણ મદદ કરે છે. પ્રતીક્ષાના પતિ મુંબઈની સ્ટેટ બેંકની એક શાખામાં બુક બાઈન્ડરનું કામ કરતા હતા, તેમના રૃા. ૨૫૦નો ચેક લેવા બેંકે પ્રતીક્ષાને મુંબઈ બોલાવી.

કેડમાં ૧ વર્ષના છોકરાને લઈ પ્રતીક્ષા મુંબઈ આવી અને તેના જીવનનો નવો વળાંક શરૂ થયો.

પ્રતીક્ષા ટોડવાલકરે, દ્રઢ મનોબળથી નક્કી જ કર્યું હતું કે, મુશ્કેલીની લહેરો સામે ડર્યા વગર જીવન નૌકા આગળ વધારવી. પ્રતીક્ષા પ્રેકટીકલ એપ્રોચવાળી અને તેજસ્વી દિમાગવાળી હતી, આથી તેણે સ્ટેટ બેંકના બ્રાન્ચ મેનેજરને વિનંતી કરી કે, આટલા રૂપિયામાં તે જીવનમાં કંઈ નહીં કરી શકે, તેને બદલે મને કોઈપણ પ્રકારનું કામ આપો. મેનેજરે અરજી આપવા કહ્યું અને પ્રતીક્ષાએ અરજી આપી, આ માટે સમયની રાહ જોવાની હતી. તો હવે શું કરવું ? ગુજરાન કેવી રીતે ચલાવવું ?

પ્રતીક્ષાએ એક શૂ કંપનીમાં પાર્ટટાઈમ કામ લીધું, ઉપરાંત જે નાનામોટા કામ મળે તે કરવા માંડયા. એક ચાલી આગળ રહેવાનું શરૂ કર્યું. પ્રતીક્ષાની જીવન નૌકા ધીમે ધીમે જીવન મહાસાગરમાં ચાલવા લાગી. એમ કરતાં ૬ મહિના થયા અને સ્ટેટ બેંકમાં પ્રતીક્ષાની કામ માટેની અરજી મંજુર થઈ અને તેને બે કલાક હંગામી બેંક વાળવાનું કામ મળ્યું. આ પ્રતીક્ષાની સફળતાની સીડીનું પ્રથમ પગથિયું હતું.

પરંતુ આ કાર્ય અત્યંત મુશ્કેલ હતું, તેમના જ શબ્દોમાં જોઈએ.

પ્રતીક્ષા જણાવે છે કે, 'આ સ્ટેટ બેંકની શાખા ત્રણ માળની હતી, જેમાં આઠ બાથરૂમ હતા. આ ત્રણે માળના રૂમો, ટેબલો અને બાથરૂમ મારે બે કલાકમાં સાફ કરવાના રહેતા. આથી હું ઘેરથી ૫.૩૦ વાગે સવારે નીકળી ૬.૦૦ વાગે બેંક પર પહોંચી જતી અને બધું જ સાફ કરી 

૮.૩૦ વાગે સવારે સ્ટાફ આવે ત્યારે બધું તૈયાર કરી દેતી. સવારે ૪.૩૦ વાગે ઊઠી ઘરનું કામ કરતી, ક્યારેક દીકરાને લઈને આવતી, વરસાદ, તાપ, ઠંડી વધારે હોય તો ચાલીની બાજુની રૂમમાં એક બા રહેતા હતા તેને સોંપીને આવતી.'

જ્યારે હું બધા ટેબલને ખુરશીઓ સાફ કરતી ત્યારે વિચારતી કે, આ ખુરશી પર ક્યારે બેસી શકીશ ? આ માટે મારે માટે એક જ રસ્તો હતો, સાતમાં પછી અધૂરી રહેલી પઢાઈ પૂરી કરવાની. લાંબા વિચાર પછી મેં આગળ ભણવાનું નક્કી કર્યું. જાણતી હતી, મારા આર્થિક, સામાજીક, ને કૌટુંબિક, શારીરિક પ્રશ્નોના ઢગલા છે, પરંતુ મક્કમ મનોબળે પેલું શિક્ષિકા બહેને રોપેલું શિક્ષણનું બીજ અંકુરીત થયું.

રાત્રી શાળામાં ગમે તેમ કરી ભણી હું દસમા ધોરણના બોર્ડ સુધી પહોંચી. હવે જ ખરી જીવનની અને મારા ભણતરની પરીક્ષા હતી. મારે એક્સટરનલ પરીક્ષાર્થી તરીકે બેસવાનું હતું. આથી લાઇનોમાં ઊભા રહી મેં આ પરીક્ષા માટે ફોર્મ લીધું અને થોડીક બિંદુ જેટલી પૈસાની બચત હતી તેટલામાં પરીક્ષાની ફી ભરી.

કોઈ શાળા નહિ, કોઈ ટયુશન નહિ, કોઈ વર્ગ શિક્ષક નહીં, બધું જ જાતે ભણવાનું, અંગ્રેજી, ગણિત જેવા વિષયો પણ કઈ આંતરિક શક્તિએ પ્રતીક્ષા ટોડવાલકરને આ વિષયો શીખવાડયા.

પ્રતીક્ષા જણાવે છે કે, 'સવારે ઘરનું ને દીકરાનું કામ, પછી બેંકનું કામ, પછી શુ કંપનીનું કામ ને રાત્રે ૮.૦૦ વાગે રસોઈ ને ઘરનું કામ કરીને હું ભણવા બેસતી. હું નક્કી કરી રાખતી કે, આ વિષયના આટલા પ્રકરણો આજે પતાવવાના જ છે, તે પછી જ હું સૂતી. લગભગ એક પ્રકરણ સમજવા માટે મારે પાંચથી છ વખત વાંચવું પડતું અને ગણિતના પ્રકરણો દસ દસ વખત.' અંગ્રેજીના વિષય માટે હું એવું કરતી કે દસ સ્પેલીંગના શબ્દોને વાક્યો ડાબા હાથ પર લખી જતી, બેંક અને શુ ની કંપનીમાં કામ કરતા તે ગોખ્યા કરતી અને રાત્રે આવી લખ્યા કરતી. આમ અંગ્રેજી વિષય મેં પાકો કર્યો.

વીજળી વધારે ના બળે આથી બહાર ફેંકેલી તેલની બાટલીઓ, દારૂની બાટલીઓ અડધેથી કાપી, દીવો બનાવીને અંજવાળામાં વાંચતી. આમ કમરતોડ મહેનત કરી મેં દસમું બોર્ડ ૬૦ ટકા સાથે પાસ કર્યું અને મને સ્ટેટ બેંકની એ બ્રાન્ચમાં કાયમી પટાવાળાની નોકરી મળી. વોટ એ એફર્ટ અને મક્કમ મનોબળ ! આ પછી પ્રતીક્ષાએ બારમાં ધોરણનું ભણવાનું રાત્રિશાળામાં ચાલું કર્યું.

પ્રતીક્ષાએ ૧૨મા ધોરણ બોર્ડની ફી તો ભરી, પણ ચોપડીઓ વગેરે બેંકના સ્ટાફ પાસેથી લીધી. રાત્રી શાળામાં સખત મહેનત કરી સારા માર્કે બારમાં ધોરણમાં પાસ થઈ. આ દરમ્યાન પ્રતીક્ષાને સ્ટાફની જ વ્યક્તિ સાથે ઓળખાણ થઈ અને તેની સમક્ષ ફરી લગ્નનો પ્રસ્તાવ આવ્યો.

પ્રતીક્ષા હવે પોતાના ૧૨મા ધોરણ સુધીના શિક્ષણથી સજ્જ હતી, તેને આ જ રસ્તે આગળ વધવું હતું, આથી તેણે શરત મૂકી કે, મારે જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી મને ભણવા દેવી. એની શરત મંજૂર થઈ, સાથે લગ્ન પણ થયા પરંતુ આ કૌટુંબિક નવી જવાબદારી સાથે, તે બેંકની પરીક્ષાઓ આપતી ગઈ. પહેલા કલાર્ક બની, પછી ઓફિસર અને પછી આસીસ્ટન્ટ જનરલ મેનેજર બની.

આમ સામાન્ય પ્રતીક્ષામાંથી તે પ્રતીક્ષા ટોડવાલકર મેડમ બન્યા.