Magazines

ભારતની પ્રથમ અને એકમાત્ર મહિલા મરીન પાયલોટ રેશમા નીલોફર

By GS TEAM
31 Mar 20265 mins read
ભારતની પ્રથમ અને એકમાત્ર મહિલા મરીન પાયલોટ રેશમા નીલોફર

- વામાવિશ્વ-અનુરાધા દેરાસરી

- જેને જીવનમાં આગળ વધવું છે અને મહેનત કરવી છે તેને માટે ખુલ્લુ આકાશ છે જેમાં છોકરા કે છોકરીનો કોઈ ભેદ નથી.

આ જે વાત કરવી છે, મરીન પાયલોટ એટલે, દરિયાઈ પાયલોટની. સામાન્ય રીતે પાયલોટ શબ્દ આવે એટલે, આપણા માનસપટ પર વિમાન ચલાવતી વ્યક્તિનું ચિત્ર ઉપસી આવે, પણ ના આ દરિયાઈ-મરીન પાયલોટ એટલે મોટા મોટા શીપો (વહાણો) જ્યારે દરિયા કે મોટી નદીના બંદરો પર લાંગરે અને પછી પાછા મુસાફરી શરૂ કરે ત્યારે શીપના કેપ્ટનને જે મદદ કરે. તેને મરીન દરિયાઈ પાયલોટ કહેવામાં આવે છે.

આખા વિશ્વના દેશોમાં થઈને મહિલા મરીન પાયલોટ લગભગ ૧.૫% થી ૨% સુધી જ છે. ભારતમાં ફક્ત એક જ મરીન-દરિયાઈ પાયલોટ છે. રેશ્મા નીલોફર. હાલમાં રેશ્મા નીલોફર, ભારતના સૌથી અઘરા બંદર હુગલી નદી પર મહિલા મરીન પાયલોટ તરીકે કામગીરી બજાવી રહી છે.

રેશ્મા નીલોફરને મહિલા મરીન પાયલોટની ફરજ બજાવવા માટે 'નારી રત્ન' ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક (સીવીલીયન) એવોર્ડ મળી ચૂક્યો છે. રેશ્માના બાળપણના ઉછેર પરથી મરીન પાયલોટ સુધીની તેની જીવનકહાની પર ફોકસ કરીએ.

ચેન્નાઈના મધ્યમવર્ગીય પરિવારમાં બે બહેનોનો જન્મ અને ઉછેર. માતા પિતા, તેમાં ખાસ કરીને માતાએ રેશ્મા સમજણી થઈ ત્યારથી સમજાવેલું કે, 'જો જીવનમાં કંઈ આગવું કરવું હોય તો હિમ્મત અને દ્રઢમનોબળની પાંખો વડે જીવન આકાશમાં ઉડવું પડે. ખાસ એ વાત પર ભાર મૂકેલો કે કોઈપણ જીવનની બાબતમાં છોકરા/છોકરીનો જાતીયભેદ હોતો નથી. આ કાર્ય છોકરીઓ નહીં કરી શકે ને છોકરાઓ કરી શકશે એ માનસીકતા, સમાજે ઊભી કરેલી છે. ઇશ્વર જન્મ સાથે એવો કોઈ ભેદભાવ આપતો નથી.'

શાળાનું જીવન પુરું થયું. હવે આગળની કારકિર્દી આવી, રેશ્માએ ચીલાચાલુ ડૉક્ટર, એન્જીનીયર, સીએ, એમબીએ વગેરે કારકિર્દીમાં રસ ન હતો, તેને કંઈક આગવું કરવું હતું. બધાથી જુદી જ કારકિર્દી બનાવવી હતી. એ દરમ્યાન પેપરમાં મરીન-પાયલોટના ચાર વર્ષના કોર્સની જાહેરાત આવી, અને તેણે મરીન કોલેજમાં અરજી કરી અને એન્ટ્રન્સ એક્ઝામ આપી તે પસંદગી પામી. શરૂ થયું મરીન કોલેજનું રેશ્મા નીલોફરનું ભણતર.

રેશ્મા નીલોફર જણાવે છે કે, 'અમારી મરીન કોલેજમાં અમારી બેચમાં ૨૫૦ વિદ્યાર્થીઓમાં અમે પાંચ જ છોકરીઓ વિદ્યાર્થીનીઓ હતી. અને આખી કોલેજમાં ૫૦૦૦ વિદ્યાર્થીઓમાં અમે ૫ વિદ્યાર્થિની. તો શું થઈ ગયું ?'

અમારા પ્રોફેસરો અમને પ્રશ્ન કરતા કે તમે આ લાઈનમાં આવ્યા તો છો પરંતુ કેટલા વર્ષો ટકી શકશો ? મોટા મોટા શીપની લાંબી મુસાફરીઓ કરી શકશો ? ને એટલી શારીરિક ને માનસિક તાકાત જોઈએ જે છોકરાઓમાં જ હોય, છોકરીઓમાં હોતી નથી. એટલે થોડું કામ કરી તમે છોડી દેશો અથવા પરણીને માતા બનશો પછી આ મરીન પાયલોટશીપની કારકિર્દી પર પૂર્ણવિરામ.' આ નકારાત્મકતાની અસર તેના પર થઈ નહિ. રેશ્મા નીલોફર હારી નહિ, તેને તો માતા તરફથી જીવનમાં સખત મહેનત કરવાના અને હિમ્મતથી કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવાના જાતીયભેદને અવગણીને, મહેનત કરવાના સંસ્કારો હતા. આથી તે જરાય પાછી પડી નહિ, અને તેણે ચાર વર્ષનો મરીન પાયલોટનો કોર્સ પૂરો કર્યો. અને તેની ટ્રેનીંગ લેવાનું શરૂ કર્યું.

દરિયાઈ પાયલોટ માટે, ટ્રેઈનીને મુસાફરી શીપમાં અને કાર્ગો શીપમાં મુસાફરી કરવાની હોય છે. રેશ્માએ તે પણ પૂરી કરી અને શરૂ થઈ રેશ્માની પ્રથમ મહિલા દરિયાઈ પાયલોટ તરીકેની કામગીરી.

વિશેષમાં રેશ્મા નીલોફર, મરીન પાયલોટની કામગીરી સમજાવતા કહે છે કે, 'શીપના મુખ્યકર્તાહર્તા તો, વહાણના કેપ્ટન જ હોય છે પરંતુ જ્યારે શીપ બંદરની નજીક બોર્ડ થવા આવે એ પહેલા, થોડે દૂર સલામત અને સફળ બોર્ડીંગ માટે, બંદરના જાણકાર વ્યક્તિ તેમજ, શીપને સફળ રીતે બંદર પર લાવી શકે તે માટે એક વ્યક્તિની જરૂર પડે છે. તેવી જ રીતે જ્યારે, શીપ બંદર પરથી દરિયા તરફ જાયત્યારે, સફળ રીતે બંદર છોડી, દરિયામાં પ્રવેશે તે માટે પણ તે જ વ્યક્તિની જરૂર હોય છે. આ વ્યક્તિ એટલે શીપના કેપ્ટનની મદદગાર મરીન-દરિયાઈ પાયલોટ. જેને બંદરના દરેક વિસ્તારની જાણકારી હોય છે. ક્યાં વધારે છીછરો વિસ્તાર છે, ક્યાં ઊંડો વિસ્તાર છે, જમીન કેવી છે વગેરે વગેરે. એ બંદરના હવામાનની જાણકારી પણ મહિલા મરીન-પાયલોટને હોય છે. આ બધી કામગીરી કરવાની હોય છે. શીપ આવવાની માહિતી આવે એટલે હું, મારી બોટ લઈએ શીપ પાસે જઉં છું. દરિયામાં જ્યાં ઊભું હોય ત્યાં, મારી બોટ ઊભી રાખી, દોરડાની સીડી વડે શીપ પર ચડું છું અને પછી શીપને, સલામત રીતે બંદર પર જઈ બોર્ડ (લંગર) કરું છું.

આ જ રીતે શીપ જ્યારે બંદર પરથી પાછું દરિયામાં જાય ત્યારે, શીપ પર જઈ, દરિયામાં તેના રસ્તે નેવીગેટ કરી, દોરડાની સીડી વડે ઉતરી બોટમાં પાછી ફરું છું. આ કામગીરી ઘણી અસલામત પણ હોય છે. અને જબરજસ્ત શારીરિક તાકાત માગી લે છે. પરિસ્થિતિ આબોહવાની, દરિયાના મોજાની ગમ ેત્યારે બદલાય આથી, માનસીક રીતે પણ મજબૂત રહેવું પડે છે.'

હાલમાં રેશ્મા નીલોફર કલકત્તાના હુગલી બંદરે પર કામ કરી રહી છે. એ પહેલા ઘણા બંદરો પર કામ કર્યું છે. હસતા હસતા રેશમા નીલોફર કહે છે, 'મહિલા મરીન પાયલોટ તરીકે હવામાન ને શારીરિક મુશ્કેલીઓને તો પહોંચી વળાય છે. અરે, દરિયાના તોફાની મોજાને એક સમય પહોંચી વળાય, પરંતુ મહિલાઓ માટે ઓછી કાર્ય કરવાની કીમત આંકતા અને જાતીયભેદની માનસિકતા ધરાવતા પુરુષ કેપ્ટનોની માનસિકતાને પહોંચી વળવું મુશ્કેલ હોય છે. તેઓ મહિલા મરીન પાયલોટ તરીકે હોઈ શકે તે કલ્પી જ શકતા નથી.

આથી જ્યારે કોઈપણ શીપ આવવાનું હોય ત્યારે ત્રણ પ્રકારના પુરુષ કેપ્ટનોનો અનુભવ થાય છે. પહેલો પ્રકાર, એક મહિલાને મરીન પાયલોટ તરીકે સ્વીકારવા જ તૈયાર નથી હોતા, આથી મને જોઈને પહેલા તો ના જ પાડે છે. પણ કોઈ અપવાદ ન મળતાં મદદ સ્વીકારે છે.

બીજા પ્રકારના પુરુષ કેપ્ટનો મોઢું મચકોડે છે. ખોટી દલીલો કરે છે, મારા કામમાં ખોડ કાઢવા પ્રયત્ન કરે છે અને છેલ્લે એટલું જ કહે છે, બધાને પતિની જેમ ગુલામ સમજતી હશે.' ન છૂટકે મદદ સ્વીકારે છે.

ત્રીજા પ્રકારના પુરુષ કેપ્ટનો મારા કાર્યને, મહિલા મરીન પાયલોટ તરીકે મને સ્વીકારે છે અને મારી હિમ્મત, મારી શારીરિક તાકાત અને હોસલાને બીરદાવે છે. પરંતુ આ ટકાવારી ખૂબ જૂજ છે.'

તેના માતાના નાનપણના કહેલા શબ્દો તે હંમેશા આવા સમયે વાગોળે છે, 'બેટા જેને જીવનમાં આગળ વધવું છે અને મહેનત કરવી છે તેને માટે ખુલ્લુ કાર્યનું આકાશ છે. જે આકાશમાં છોકરા કે છોકરીનો કોઈ ભેદ નથી. તેનું કાર્ય જ તેનો આગળનો પથ છે.' અને મરીન પાયલોટ રેશ્મા નીલોફર તેના કાર્યપથ પર આગળ વધે છે.