ઇંગ્લેંડના ઉપનગરોમાં ઉંદરોનું આક્રમણ...! .

- ટોપ્સીટર્વી-અજિત પોપટ
- સુપર રેટ હન્ટાવાઇરસ, લેપ્ટોસ્પાઇરોસીસ અને સાલ્મોનેલા જેવા રોગચાળા ફેલાવી શકે છે
વિ શ્વના જુદા જુદા વિસ્તારોમાં વસતા માણસો એકબીજા સાથે યુદ્ધ કરી રહ્યા હોય ત્યારે જાનવરો શા માટે પાછળ રહી જાય ? (શ્લેષ અભિપ્રેત છે). રશિયા અને યુક્રેન, ઇઝરાયેલ અને ગાઝા, ઇરાન અને અમેરિકા આમ ત્રણ ત્રણ યુદ્ધો ચાલી રહ્યાં હોય ત્યારે પૃથ્વી પર વસતા અન્ય જીવોને એમ થાય કે અમે શા માટે પાછળ રહી જઇએ ? આ મજાક નથી, સહેલાઇથી માની ન શકાય એવી એક વાત છે. અત્યારે ઇંગ્લેંડનાં નાનાંમોટાં અખબારોમાં વડા પ્રધાન સ્ટાર્મરે રાજીનામું આપવાની દેખાડેલી તૈયારીના સમાચારની સાથોસાથ એક સમાચાર સતત મોખરે રહ્યા છે. એ સમાચાર છે ઉંદરોના આક્રમણના.
ગંદકી, તાપમાન અને અન્ય કારણોથી ભારતના વિવિધ શહેરોમાં ઉંદરો જ્યાં જે મળે એ ઓહિયાં કરી જાય છે એ સમાચાર આપણે માટે નવા નથી. આપણા ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાનાં ગોદામોમાં પડેલા લાખો ટન અનાજને ઉંદરો ખાઇ જાય છે એવા સમાચાર અવારનવાર અખબારોમાં પ્રગટ થતા રહે છે. દેશના આર્થિક પાટનગર સમા મુંબઇમાં તો ઉંદર મારનારને મુંબઇ મ્યુનિસિપાલિટી અમુક રકમ મહેનતાણા તરીકે ચૂકવે છે. બોલચાલની ભાષામાં ઘુસ કહેવાય એવા કદમાં મોટા અને ખાઉધરા ઉંદરોની મુંબઇગરાને નવાઇ નથી. આપણે ત્યાં હોસ્પિટલોના બિછાના પર સુતેલા દર્દીના હાથ-પગ ઉંદર કાતરી જાય એવા સમાચારો પણ હવે લગભગ નિયમિત પ્રગટ થવા લાગ્યા છે.
પરંતુ છેલ્લા થોડા સમયથી ઇંગ્લેંડના ઉપનગરોમાં અત્યંત મોટા કદના ઉંદરોએ દેખા દીધી છે. ઇંગ્લીશ અખબારોના અહેવાલો સાચા માનીએ તો વીસથી બાવીસ ઇંચ લાંબા એટલે કે દોઢથી બે ફૂટ લાંબા ઉંદરો લંડનની અને અન્ય ઉપનગરોની શેરીઓમાં દેખાતા થયા છે. એક કાચા અંદાજ મુજબ અત્યારે એકલા ઇંગ્લેંડમાં બે કરોડ જેટલા ઉંદરો વિવિધ વિસ્તારોમાં સતત દેખાતા થયા છે. નાગરિકોના ઘરમાં તેમજ જાહેર સ્થળોએ ઉંદર દેખાતા લોકો ચીસો પાડવા માંડે છે. નોર્ધર્ન આયર્લેન્ડ, યોર્કશાયર અને વાયવ્ય લંડનમાં ઘરોમાં તેમજ શૌચાલયોમાં હવે ઉંદર ફરતા દેખાય એની નવાઇ રહી નથી.
પેસ્ટ એક્સપર્ટસ્ કહે છે કે દિવસે દિવસે શહેરી વિસ્તારોમાં ગંદકી વધી રહી છે, સાફસફાઇ બરાબર થતી નથી, બીજી બાજુ રૂતુઓ બદલાઇ જતાં ગરમી વધતી ચાલી છે અને હવે ઉંદરો તેમને મારનારા ઝેર જેવાં રસાયણોથી ટેવાઇ ગયાં છે એટલે તેમની વસતિ વધી રહી છે. જે ત્રણ વિસ્તારોની વાત કરી ત્યાં ઉંદરોની વસતિમાં છવ્વીસ ટકા જેટલો વધારો નોંધાયો છે. લંડનના અખબારોમાં પ્રગટ થયેલા અહેવાલો મુજબ બર્કશાયર, સર્રે, કેન્ટ, વીલ્ટશાયર, હેમ્પશાયર અને સફૉકમાં આવા 'સુપર રેટ' મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.
પેસ્ટ એક્સપર્ટસના કહેવા મુજબ આવા સુપર રેટ હન્ટાવાઇરસ, લેપ્ટોસ્પાઇરોસીસ અને સાલ્મોનેલા જેવા રોગચાળા ફેલાવી શકે છે. ઉંદર વિશે એમ કહેવાય છે કે એ ફૂંકી ફૂંકીને કાતરે છે. એટલે શરૂઆતમાં ઉંદર જેને કાતરે એને ખ્યાલ પણ ન આવે કે એને ઉંદર કાતરી રહ્યો છે. એ પ્રક્રિયા દ્વારા ઉંદર પોતાના શિકારના શરીરમાં જે તે રોગના જીવાણુ દાખલ કરી દે છે. ગુજરાતીમાં એક લોકવાયકા છે- ઊંટ મેલે આકડો ને બકરી મેલે કાંકરો. ઉંદર વિશે આવું કંઇ કહેવાયું નથી. પણ ઉંદર પોતાના માર્ગમાં જે કંઇ આવે એને કાતરી નાખે છે. ઇલેક્ટ્રિકના કેબલ્સ અને વોશિંગ મશીનમાં રહેલા વાયરને પણ એ કાતરી નાખે છે. માણસ વોશિંગ મશીન ચાલુ કરવા જાય ત્યારે ખબર પડે કે વાયર કપાઇ ગયા છે. મશીન ચાલતું નથી.
જો કે બ્રિટિશ આરોગ્યવિજ્ઞાનીઓ કહે છે કે લોકોમાં સ્વચ્છતાની પહેલા જેવી ભાવના રહી નથી. ભોજન કર્યા પછી વધેલી ચીજો ગમે ત્યાં ફેંકી દે છે. આવા ખોરાકી વેસ્ટને પગલે ઉંદરો આકર્ષાય છે. સડકો પર અર્ધી ખાધેલી સેંડવિચ કે પીઝા પડેલા હોય તો ઉંદર
એ ખાવા દોડી આવે. એજ રીતે ગમે ત્યાં મેડિકલ વેસ્ટ પડેલો હોય તો એ પણ આવા જીવો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે.
હવામાનમાં થતા અણધાર્યા ફેરફારો પણ ઉંદર જેવા જીવો માટે પોષણનું નિમિત્ત બને છે. ઇંગ્લેંડમાં પહેલાં કરતાં ગરમી હવે વધી છે અને સાથોસાથ ભેજવાળી હવા હોવાથી ઉંદરોની વસતિ ધાર્યા કરતાં વધુ ઝડપથી વધે છે. દાયકાઓ પહેલાં મચ્છર માટે ડીડીટી જેવાં ઔષધો વપરાતાં. જતે દિવસે મચ્છરો આ દવાથી ટેવાઇ ગયા એમ ઇંગ્લેંડમાં ઉંદર મારવા માટે જે ઝેર વપરાતું એ હવે ઉંદરોને માફક આવી ગયું છે એટલે ઉંદર મારવાની દવાથી ઉંદરો મરતાં નથી. એ આ દવાને પચાવી જાય છે.
ઇંગ્લેંડના રેન્ટોકીલ નામના શહેરને ઉંદરની રાજધાની તરીકે વર્ણવવામાં આવ્યું છે. અહીં ઘરોમાં અને સડકો પર દિવસે કે રાત્રે ગમે ત્યારે ઉંદરો બેધડક ફરતાં દેખાય છે. એમાંય દોઢથી બે ફૂટ લાંબા ઉંદર હોય તો એ તો પોમેરેનિયન કે પગ જેવા નાના કદના કૂતરા કરતાં પણ મોટાં દેખાય. સ્વાભાવિક છે કે સ્થાનિક લોકોમાં આવા સુપર રેટ જોઇને એક પ્રકારનો ગભરાટ ફેલાયો છે. નાનામોટા દરેક જણે પોતાની સિક્યોરિટી માટે બહાર જતી વખતે એકાદી સોટી કે લાકડી સાથે રાખવી પડે. કેટલાક પરિવારો તો પોતાનાં બાળકોને ઘરની બહાર રમવા જવા દેતાં પણ ડરે છે. બને ત્યાં સુધી પોતાના સંતાનને ઘરની ચાર દિવાલો વચ્ચે કેરમ કે બાવન પાનાંની રમતો રમાડે છે અથવા ટીવી સામે બેસાડી દે છે. બાય ધ વે, આવું માત્ર ઇંગ્લેંડમાં છે એમ નહીં માનતા. ઇરાનને નમાવવા ડોનાલ્ડ ટ્રમ્પ લમણાફોડ કરી રહ્યા છે પરંતુ ખુદ અમેરિકાના લોસ એંજલ્સમાં અત્યારે ઉંદરોનો ભયાનક ત્રાસ છે. અગાઉ શિકાગો અને ન્યૂયોર્કને ઉંદરિયા શહેર કહેવામાં આવતા. હવે લોસ એંજલ્સનો વારો આવ્યો છે. લોસ એંજલ્સને હવે ઉંદરિયું શહેર કહે છે. ઇંગ્લેંડમાં ઉંદરોને દૂર રાખવા જાતજાતના ટુચકા અજમાવાઇ રહ્યા છે. અત્યારે તો ઉંદરોની વસતિ કાબુમાં રાખવામાં સફળતા મળી નથી. ઊલટું દિવસે દિવસે પરિસ્થિતિ બગડતી ચાલી છે.









