Magazines

આજકાલ બહુચર્ચિત હોર્મુઝની સામુદ્રધૂની વિશે થોડું...

By GS TEAM
21 Apr 20263 mins read
આજકાલ બહુચર્ચિત હોર્મુઝની સામુદ્રધૂની વિશે થોડું...

- ટોપ્સીટર્વી-અજિત પોપટ

- હોર્મુઝ નામકરણ કેવી રીતે થયું એ વિશે ચારેક મતમતાંતરો પ્રવર્તે છે

દુ નિયા આખીનું ધ્યાન અત્યારે હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધૂની) પર છે. અમેરિકા અને ઇઝરાયેલે કોઇ દેખીતી ઉશ્કેરણી વિના ઇરાન પર હુમલો કર્યો. ઇરાનના ધાર્મિક વડા અને રાષ્ટ્રપ્રમુખ ખામેનેઇ તથા એમના સ્વજનોની હત્યા કરી ત્યારપછી પણ ઇરાને નમતું ન જોખ્યું. એટલે અમેરિકી પ્રમુખ વધુ ગિન્નાયા અને વધુ મોટા હુમલા કર્યા. અમેરિકાની આડોડાઇ જોઇને ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો. ઇરાનના આ પગલાથી દેખીતી રીતે જ સમગ્ર યૂરોપ અને એશિયાના દેશો ટેન્શનમાં આવી ગયા. કારણ, યૂરોપ અને એશિયાના દેશોને જરૂરી એવું ક્રૂડ તેલ અને ગેસ હોર્મુઝ સ્ટ્રેટના માર્ગે પહોંચતું હતું. સમગ્ર વિશ્વને જરૂરી તેલ અને ગેસનો વીસ ટકાથી હિસ્સો રોજે રોજ આ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. ઇરાને એ માર્ગ બંધ કરી દીધો એટલું જ નહીં, અહીંથી પસાર થતા દરેક જહાજ પાસેથી ટોલ ટેક્સ લેવાનું શરૂ કર્યું.

હવે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભુરાયા થઇ ગયા. એમણે આ સ્ટ્રેટ પર નાકાબંધી કરી અને એવી જાહેરાત કરી કે ઇરાનને ટોલ ટેક્સ આપશે એ જહાજને અમે ડૂબાડી દેશું. ટ્રમ્પ વધુ ઉશ્કેરાયા એનું એેક કારણ એ પણ ખરું કે યૂરોપના દેશોએ આ યુદ્ધમાં ઝંપલાવવાની અમેરિકાને ચોખ્ખી ના પાડી દીધી. દરેકને પોતાના તેલ અને ગેસના ક્વોટાની ચિંતા હતી. આ સંજોગોમાં સામાન્ય માણસને હોર્મુઝ સામુદ્રધુનીની ઊડતી ઝલક આપવાનો અહીં પ્રયાસ કર્યો છે.

હોર્મુઝ સ્ટ્રેટ પશયન ગલ્ફ અને ઓમાનની ખાડી વચ્ચે આવેલો એક જળમાર્ગ છે. એની ઉત્તરે ઇરાન છે અને દક્ષિણે ઓમાનનો મુસંદમ પ્રાંત આવેલો છે. આ પ્રાંતના નૈરૃ્ત્ય ખૂણે સંયુક્ત આરબ અમીરાતનો કબજો છે. કદની દ્રષ્ટિએ જુઓ તો આ સ્ટ્રેટ ૧૬૭ કિલોમીટર લાંબો (૧૦૪ દરિયાઇ માઇલ લાંબો ) અને ૯૭થી ૩૯ કિલોમીટર (૬૦ દરિયાઇ માઇલથી ૨૧ દરિયાઇ માઇલ) પહોળો છે. આ સ્ટ્રેટનો સૌથી સાંકડો હિસ્સો આશરે ૩૩ કિલોમીટર જેટલો છે. અહીં આવતાં જતાં જહાજોએ લશ્કરી શિસ્તથી એક લાઇનમાં તરવું પડે છે. બંને તરફના જહાજની લાઇન વચ્ચે બે કિલોમીટર જેટલું અંતર રહે છે. સ્ટ્રેટમાં આવતાં જહાજોની એક કતાર અને બહાર નીકળતા જહાજોની એક કતાર. આ વ્યવસ્થાનો ભંગ કોઇ દેશનું જહાજ કદી કરતું નથી. આ વ્યવસ્થા અનિવાર્ય છે.

થોડુંક આ સ્ટ્રેટના નામ વિશે. એક સમયે ઇરાનમાં પારસી પ્રજાની બહુમતી હતી. શાસન પણ પારસી રાજ પરિવારનું હતું. એક અભિપ્રાય મુજબ પારસી પ્રજાના આરાધ્યદેવ હોર્મોઝ (અહુરા મઝદા)ના નામ પરથી આ સ્ટ્રેટનું નામ હોર્મુઝ સ્ટ્રેટ પડયું છે. અન્ય એક અભિપ્રાય મુજબ ફારસી ભાષાના એક શબ્દ હુર-મોગ (એટલે કે ખજૂરનું સ્થાન) પરથી આ સ્ટ્રેટનું નામ પડયું છે. ઔર એક અભિપ્રાય મુજબ પર્શિયાના રાજા શાપુર બીજા ((ઇસવીસન ૩૦૯થી ૩૭૯)ની માતા ઇર્ફા હોર્મિઝદના નામ પરથી આ સ્ટ્રેટનું નામ પડયું છે. વધુ એક અભિપ્રાય મુજબ ગ્રીક શબ્દ હોર્મસ પરથી આ નામ પડયું. ગ્રીક ભાષામાં હોર્મસ શબ્દનો અર્થ ખાડી એવો થાય છે. જે હો તે, પણ આ સ્ટ્રેટના નામ વિશે અલગ અલગ વાતો થતી રહી છે. 

ઇરાનમાં પારસી રાજ ગયું અને મુસ્લિમ રાજ આવ્યું એ પછી પણ આ સ્ટ્રેટના નામને બદલવાનો પ્રયાસ થયો નથી એટલે મૂળ નામ આજે પણ આખી દુનિયામાં વપરાય છે. આ સામુદ્રધુની કુદરતે એવી રીતે સર્જી છે કે એનો વ્યૂહાત્મક ઉપયોગ આખી દુનિયા માટે જરૂરી બની જાય. 

આ સામુદ્રધુની બંધ થાય એટલે યૂરોપ અને એશિયાના દેશોને મળતા તેલ-ગેસનો પુરવઠો ખોરવાઇ જાય. એ દ્રષ્ટિએ આ સામુદ્રધુની દુનિયાના ઘણા દેશોના અર્થતંત્રને સદ્ધર રાખે છે. આ સામુદ્રધુની ખુલ્લી રહે એ સમગ્ર વિશ્વ માટે ઓક્સિજન જેવી છે. એટલે જ અમેરિકા અને ઇઝરાયેલને આ યુદ્ધમાં સહાય કરવા કોઇ દેશ તૈયાર નથી. દરેક દેશને પોતાના અર્થતંત્રની ચિંતા છે. લોકો માટે અનિવાર્ય એવો તેલ-ગેસનો પુરવઠો ખોરવાય તો ઘણા દેશોમાં આંતરવિગ્રહ ફાટી નીકળી શકે.  હાલના સંજોગોમાં હોર્મુઝ સામુદ્રધુની વિશે આટલું બસ.