માત્ર અગિયાર રાતની દુલ્હન .

- રજનીગંધા-વિભાવરી વર્મા
- 'ઘરેણાં શું કામનાં ? બે કલાક પહેરીને કબાટમાં પાછાં મુકી દેવાનાં. એના કરતાં મારા નામે કોઈ બંગલો, કોઈ એપાર્ટમેન્ટ...'
'કે મ અલી રૂપલી ? હજી રાહ કોની જુએ છે ? તારાં લગન થયાંને આજે સાત દિવસ થઈ ગયા... હજી હાથ કેમ નથી માર્યો ? કે પછી તું એના પ્રેમમાં પડી
ગઈ છે?'
રૂપલી યાને કે રૂપાંગીનો તો આ જ ધંધો હતો. તેનો દૂરનો કાકો નાથુલાલ અને બીજા ચાર-પાંચ સાગરિતો મળીને પહેલાં કોઈ લગ્ન માટે તડપી રહેલા વાંઢા અથવા 'કુંવારા' જુવાનિયાને શોધી કાઢતા.
પછી એમનાં ફેમિલીનો સંપર્ક સાધીને અથવા ડાયરેક્ટ 'મૂરતિયા'નું સોશિયલ મિડીયા એકાઉન્ટ શોધીને દાણો ચાંપી જોતા કે જો તમને જ્ઞાતિબાધ વગેરેની માથાકુટ ના હોય તો એક સરસ કન્યા છે...
આમાં મહિનામાં એકાદ 'બકરો' તો ફસાઈ જ જતો હતો. નાથુલાલ રૂપાંગીનો 'બાપ' બનતો. એક ભાડૂતી સ્ત્રી એની 'મા' બનતી, એકાદ બે રૂપાંગીના મામા, કઝિન કે સગા ભાઈ બની જતા.
એટલું જ નહીં, એમણે જુદા જુદા શહેરોમાં એવા વકીલોને પણ ફોડી રાખ્યા હતા જે ફટાફટ 'કોર્ટ મેરેજ' કરાવીને નકલી મેરેજ સર્ટિફીકેટ પણ આપી દેતા હતા.
આખો ખેલ પતી જાય, રૂપાંગી 'નઈ નવેલી દુલ્હન' બનીને એના નવા 'સાસરિયા'માં પહોંચી જાય એના ત્રણ કે ચાર દિવસમાં જાણી લેતી કે ઘરમાં ઘરેણાં, રોકડ અને બીજી કિંમતી ચીજો ક્યાં રાખેલી છે...
બસ, એક રાત્રે જ્યારે ઘરનાં તમામ સભ્યો આ 'નવી વહુ'એ જાતે રાંધેલી સ્વાદિષ્ટ રસોઈમાં ભેળવેલી ઘેનની દવાની અસરમાં ઘસઘસાટ ઊંઘતા હોય ત્યારે રૂપલી અડધી રાતે હાથ સાફ કરીને હાલી નીકળતી.
કોઈવાર આ ખેલમાં બે લાખ તો કોઈવાર દસેક લાખનો 'ધંધો' થઈ જતો હતો. પણ આ વખતનો 'બકરો' જ અલગ હતો...
અને નાથુલાલે ફોનમાં કીધેલી વાત પણ સાવ ખોટી તો નહોતી જ ! કેમકે ઓસ્ટ્રેલિયાથી અહીં ગુજરાતમાં પરણવા માટે આવેલો તન્મય નામનો છોકરો હતો જ એટલો 'ક્યુટ' કે વાત ના પૂછો !
એક તો ઉંમર માંડ બાવીસ વરસની, ઉપરથી ઓસ્ટ્રેલિયામાં ચાર ચાર મોટી મોટી આઈટી કંપનીઓમાં લાખો ડોલરનું રોકાણ... એ તો ઠીક, પણ દેખાવ જોયો હોય તો રીતસર કોઈ ગોરો ફોરેનર જ જોઈ લો!
લીલી-ભૂરી એવી માંજરી આંખો, એકવડો પાતળો બાંધો, છોકરી જેવા ગુલાબી-ગુલાબી ગાલ, એવી જ ગુલાબની પાંખડી જેવા મીઠડા હોઠ ! ઉપરથી બોલવે ચાલવે એકદમ સુંવાળો !
રૂપલીને અત્યાર સુધી જે 'મૂરતિયા' મળ્યા હતા તે કાં તો ૩૫-૪૦ વરસના વાંઢા હતા અથવા કુંડળીમાં મંગળની દશા ખરાબ અને શુક્રનું સ્થાન નીચનું હોય એવા દમ-કસ વિનાના અથવા માત્ર વાસનાના ભૂખ્યા હોય એવા જ નમૂના ભિટકાયા હતા, જ્યારે આ તન્મય ? એની તો વાત જ નિરાળી હતી...
શી ખબર, રૂપાંગીને કઈ શુભ ઘડીમાં તન્મય સાથે સોશિયલ મિડીયામાં કોન્ટેક્ટ થયો, અને કઈ ચમત્કારી ક્ષણે તન્મયે પહેલી જ રૂબરૂ મુલાકાતમાં 'ચટ મંગની પટ શાદી' માટે હા પાડી દીધી હતી !
તે વખતે નાથુલાલની આખી ગેંગ જોશમાં આવી ગઈ હતી કે, 'આ બકરો તો આપણને માલામાલ કરી દેશે !'
કેમકે તન્મય પાસે અઢળક સંપત્તિ હતી. ઓસ્ટ્રેલિયામાં એની ચાર ચાર આઈટી કંપનીઓ તો ખરીજ, ઉપરથી ત્યાં બે મોટા વિલા, સિડનીમાં ચાર એપાર્ટમેન્ટ, ત્રણ અતિશય મોંઘી કારો અને એક પ્રાયવેટ હેલિકોપ્ટર તો ખરું જ !
તન્મયનાં મા-બાપ તો અહીં કોર્ટ મેરેજ કરાવીને તરત જ પાછા ઓસ્ટ્રેલિયા જતાં રહ્યાં હતાં કેમકે એમની ઈચ્છા તો ફિલ્મ સ્ટારોની જેમ તન્મય-રૂપાંગીના લગ્ન કોઈ વિદેશના ટાપુ ઉપર પુરી શાન-બાન સાથે જ થાય તેવી હતી.
આ બાજુ રૂપલીનો 'કાકો' નાથુલાલ ઉંચોનીચો થઈ રહ્યો હતો કે 'હવે ઝટ કર ને ? બંગલામાં જેટલાં ઘરેણાં-કેશ વગેરે પડયું હોય તે લઈને નીકળ ને ?'
આ બાજુ રૂપલી બે જાતના વિચારોમાં ફસાઈ ગઈ હતી, એક બાજુ થતું હતું કે 'યાર, આવો પતિ
ફરી ક્યારે મળવાનો ? તન્મયને પરણીને તો મારી લાઈફ સેટ થઈ ગઈ !'
બીજી બાજુ વિચાર ચાલતો હતો કે 'ક્યાંક જો તન્મયને ખબર પડી જાય કે અમારી ગેંગના આવા ધંધા છે, તો આખો ખેલ ચપટી વગાડતાં બે કોડીનો થઈ જાય ! ઉપરથી તન્મયના પૈસા અને વગને લીધે જેલમાં જવાનું થાય તે તો છોગામાં !'
પણ ત્રીજો વિચાર નાથુલાલે જ આપ્યો. તેણે કહ્યું 'એક કામ કર. કોઈ બહાનું ઊભું કરીને એની મિલકતમાંથી તારા નામે અમુક પ્રોપર્ટીઓ લખાવી લે !'
રૂપાંગીએ આ આઈડીયા તરત જ અમલમાં મુકી દીધો. એક રાત્રે તન્મયને પોતાના તનમાં પુરેપુરો રગદોળીને તરબોળ કરી દીધા પછી તેણે વાત રમતી મુકી :
'ડિયર, તે મને વેડિંગ ગિફટ તો આપી જ નહીં.'
'બોલને, શું જોઈએ ? ડાયમન્ડ નેકલેસ ? પ્લેટિનમ જવેલરીનો સેટ ?'
'ઘરેણાં શું કામનાં ? બે કલાક પહેરીને કબાટમાં પાછાં મુકી દેવાનાં. એના કરતાં મારા નામે કોઈ બંગલો, કોઈ એપાર્ટમેન્ટ...'
'લે ! તેં મારા મનની વાત કરી દીધી ! મુંબઈમાં જ્યાં મોટા મોટા ફિલ્મ સ્ટારો રહે છે, એ સ્કીમમાં એક એપાર્ટમેન્ટ મારા ધ્યાનમાં જ હતો. માત્ર ૩૩ કરોડનો છે. બોલ, ખરીદીને કરી દઉં તારા નામે ?'
'ઓ વાઉ ! આઈ લવયુ !' રૂપલી તન્મયને બાઝી પડી...
ચાર દિવસ પછી રૂપાંગી અને તન્મય મુંબઈની એક અતિશય મોંઘી હોટલના રૂમમાં હતા. તન્મયે પેલો ૩૩ કરોડનો એપાર્ટમેન્ટ ખરીદવાનાં પેપર્સ તૈયાર કરીને રાખ્યાં હતાં. કોઈ કાનૂની ઈન્કવાયરી ના થાય એટલા ખાતર તન્મય એ સોદો પોતાના નામે કરવાનો હતો.
પણ એક નાનકડી સમસ્યા ઊભી થઈ હતી. તન્મય ઓસ્ટ્રેલિયામાં જે ચાર કંપનીઓમાં ડાયરેક્ટર હતો એમાંથી એક કંપનીનો કોઈ હિસાબી ગોટાળો પકડાયો હતો ! આના કારણે તન્મયનાં તમામ બેન્ક ખાતાં ૪૮ કલાક માટે ફ્રીઝ થઈ ગયાં હતાં.
તન્મયે રૂપાંગીને કહ્યું 'ડિયર, આ સાવ નાનો પ્રોબ્લેમ છે. પરંતુ હાલમાં જો હું આ સોદા માટે ૩૦ લાખનું બાનું નહીં આપું તો એપાર્ટમેન્ટ હાથથી જતો રહેશે ! અને આ પ્રોપર્ટી એવી છે કે પાંચ વરસ પછી એના ૫૦ કરોડ થઈ ગયા હશે. પણ હવે કરવું શું ?'
રૂપાંગી તરત જ બોલી ઊઠી 'એમાં શું ? મારા કાકા એટલી વ્યવસ્થા તો જરૂર કરી આપશે.'
રૂપાંગીએ નાથુલાલને ફોન કર્યો. નાથુલાલે બે જ કલાકમાં ૩૦ લાખની વ્યવસ્થા કરીને તન્મયને ઓનલાઇન પેમેન્ટ કરાવી દીધું.
તન્મય તો રાજીરાજી થઈ ગયો ! તેણે રૂપાંગીને તસતસતું ચુંબન આપીને કહ્યું : 'હું હમણાં જ આ ડીલ સરકારી ઓફિસમાં રજીસ્ટર કરાવીને આવું છું ! પછી આપણે આખી રાત મુંબઈમાં રખડીને જલસે જલસા કરીશું !'
તન્મયના ગયા પછી રૂપાંગી ખરેખર અવઢવમાં હતી. એક બાજુ ૩૩ કરોડનો એપાર્ટમેન્ટ, એમાં પાંચ ભાગીદાર... અને બીજી બાજુ તન્મયની સાથે આખી જિંદગી...
શું કરવું ?
પણ રૂપાંગીને જવાબ મળતાં ખાસ્સી વાર લાગી. કેમકે તન્મય ત્યાંથી ગયો એ ગયો... એ પછી દેખાયો જ નહીં !! ઓનલાઇન પણ નહીં !








