મોબાઇલમાં 'એવા એવા' ફોટા હતા કે

- રજનીગંધા-વિભાવરી વર્મા
- 'શીરીષ, મારી આટલી બધી પરવા હતી તો કમ સે કમ એકવાર તો મને ફોન કરીને કહેવું હતું કે સગાઇ શા માટે તોડી ?'
'ભા ણા, મેં તારી સગાઇ કરાવી હતી ને ? પણ મેં હમણાં જ તારી એ સગાઈ તોડાવી નાંખી છે. !'
શીરીષના મગજમાં આખી વાત હજી સરખી રીતે બેસતી જ નહોતી. એક તો પોતે સાવ ઓછાબોલો, ઉપરથી સ્વભાવનો સાવ સીધો. એના મોંમાંથી ફક્ત બે જ શબ્દો નીકળ્યા.
'પણ કેમ ?'
'કેમકે તારી એ નમ્રતા...' મામાનું મોં રીતસરનું કડવું થઇ ગયું.' એ સાવ બદચલન નીકળી ! એ છોકરી એક નહીં, બે નહીં, ત્રણ ત્રણ જુવાનિયાઓ સાથે ચાલુ છે ! આ તો સારું થયું કે મને ખબર પડી ગઈ -'
'શી રીતે ખબર પડી ?' શીરીષે ધીમેથી પૂછ્યું.
'શી રીતે ?' મામાની ભ્રમરો સંકોચાઇ ગઇ. 'અરે, મારા મોબાઇલમાં એવા એવા ફોટા આવ્યા છે કે - '
મામા બોલતાં અટકી ગયા. શીરીષની મમ્મી સામું જોઇને કહ્યું, 'બહેન, શું કહું ? મને ખુદને એ ફોટા જોઇને કમકમાં આવી ગયાં ! હવે તમને લોકોને શી રીતે બતાડું ? પણ શીરીષ, હવે એક સિમ્પલ વાત સમજી લે. એ નમ્રતા નામની છોકરી તારા કામની નથી. એને ભૂલી જજે...'
નમ્રતાને ભૂલી જવાની ? શી રીતે ભૂલી જવાની ? બિચારો શીરીષ એટલો મુંઝાઈ ગયો કે કંઇપણ બોલ્યા વિના ત્યાંથી ઊભો થઈને પોતાના રૂમમાં જતો રહ્યો.... પરંતુ એના મગજમાં વાવાઝોડું ઘુમરી લઇ રહ્યું હતું.
'નમ્રતા ચાલુ ? એટલી બધી ચાલુ ? એ પણ ત્રણ ત્રણ છોકરાઓ સાથે ? અને મારી આગળ જે ચાલ્યું... શું એ બધું જ નાટક હતું ?'
શીરીષ દેખાવે સાવ મામૂલી હતો. ભણવામાં પણ કંઇ ખાસ નહોતો. છતાં એક બેન્કમાં નોકરી મળી ગઈ હતી. પેલી બાજુ નમ્રતા પણ કંઇ આસમાનની પરી તો નહોતી જ, પરંતુ નમણી, નાજુક, ઠરેલ અને સંસ્કારી તો લાગતી જ હતી.
મામાએ જ સામે ચાલીને બન્નેની સગાઈ ગોઠવી આપી હતી. સગાઈ પછી નમ્રતાનું વર્તન કોઇપણ સારા ઘરની સંસ્કારી છોકરીથી કમ નહોતું. એ જ્યારે પણ અહીં આવે ત્યારે સૌથી પહેલાં શીરીષના મમ્મી પપ્પાને પગે લાગે. મારી સાથે તો ઝાઝી વાત પણ ના કરે !
ઉલ્ટું, મમ્મી સાથે તો એવી વાતોમાં પરોવાયેલી હોય કે જાણે એની સગી દિકરી જ હોય ! રસોડામાં જ ભરાયેલી હોય...
સગાઇના મહિના પછી બન્ને ફેમિલીએ સાથે મળીને અંબાજીનાં દર્શને જવાનું નક્કી કરેલું. તે વખતે...
તે વખતે નમ્રતાનું અલગ જ રૂપ દેખાયું ! બે ફેમિલીએ ભાડાની બે કાર લીધી હતી છતાં મામાને રિકવેસ્ટ કરીને નમ્રતા શીરીષવાળી કારમાં આવી ગઇ હતી ! એટલું જ નહીં, આખી મુસાફરી દરમ્યાન અડોઅડ બેઠી ! એ થોડી થોડી વારે સ્માઇલ આપ્યા કરતી હતી !
અને હા, શીરીષને હજી યાદ આવતું હતું કે, નમ્રતાએ જ્યારે તેનો હાથ પકડી રાખ્યો હતો ત્યારે નમ્રતાના હાથ ઉપર અંબા માતાનું 'ટેટુ' પણ ચીતરેલું હતું !
એ મંદિરમાં પણ કેટલી સરસ રીતે પગે લાગી હતી ? એને આખેઆખી વિશ્વંભરી આરતી મોઢે હતી. અને છેક મંદિરે પહોંચ્યા પછી ખબર પડી હતી કે તેણે અહીં સુધી 'સજોડે' આવવાની 'બાધા' રાખી હતી ! વળી બાધા પણ કેવી ? ચાર ચાર નકોરડા ઉપવાસ !
એ જ નમ્રતા 'ચાલુ' ? ત્રણ ત્રણ છોકરાઓ સાથે ? હદ થઈ ગઈ.... આટલી હદે બનાવટ ? આટલી હદે નાટક ?
ખેર, સગાઈ તૂટી ગયા પછી શીરીષને બીજી છોકરીઓ જોવામાં કોઈ રસ જ પડતો નહોતો. મામાને પણ થયું કે હમણઆં એને છંછેડવા જેવો નથી. હવે બે ચાર મહિના સુધી રાહ જોઈ લઈએ, પછી વાત.
***
'ચલ બકા, આબુ આવવું છે ? જયેશ, મિતુલ, તું અને હું... ત્રણ દિવસ જલસા કરીશું !'
એક દિવસ શીરીષના દોસ્ત મહેશે આ ઓફર આપી કે તરત શીરીષે હા પાડી દીધી. પણ એને શી ખબર હતી કે...
'જુઓ જુઓ ! કોઈ એક્સિડન્ટ થયો લાગે છે !
મિતુલ, કાર ઊભી રાખને ?'
આબુ જતાં રસ્તામાં જ એક કાર પલટી ખાઇને પડેલી દેખાઈ. શીરીષ અને એના દોસ્ત તરત જ દોડીને ત્યાં પહોંચી ગયા. પલટી ગયેલી કારમાં ચાર છોકરીઓ જ હતી.
વારાફરતી એ છોકરીઓને કાઢતાં જે છેલ્લી છોકરી હતી તેનો હાથ પકડતાં જ શીરીષ ચોંકી ગયો ! હાથ ઉપર અંબા માતાનું 'ટેટુ' હતું !
એ નમ્રતા હતી !!
બાકીને ત્રણે છોકરીઓને મામુલી ઇજાઓ થઇ હતી પણ નમ્રતાના માથામાં સખત ઇજા થઇ હતી. અને તેનો એક પગ તો રીતસર ફ્રેકચર થઇ ગયો હતો.
છોકરીઓએ રીકવેસ્ટ કરી. 'તમે લોકો પ્લીઝ નમ્રતાને તમારી કારમાં બેસાડીને નજીકની હોસ્પિટલે પહોંચાડી શકો ?'
સીન જોવા જેવો હતો... કારની પાછલી સીટમાં નમ્રતાનો પગ ખોળામાં લઈને શીરીષ જ બેઠેલો હતો...
નજીકના શહેરની હોસ્પિટલમાં નમ્રતાને એડમિટ કરાવ્યા પછી શીરીષે એના ફ્રેન્ડઝને કહ્યું : 'તમે લોકો નીકળો. હું અહીં રોકાઉં છું...'
કેમકે શીરીષને ખરેખર જાણવું હતું કે, 'નમ્રતા, તેં મારી સાથે આવું નાટક શા માટે કર્યું ? મેં તારું શું બગાડયું હતું ?'
જોકે આખી રાત તે નમ્રતાના પલંગ પાસે ચૂપચાપ જ બેસી રહ્યો. એ સવાલ પૂછી શક્યો નહીં. બીજા દિવસે ઓપેરશન થયું. નમ્રતાને તેના રૂમમાં લાવવામાં આવી.
એનેસ્થેશિયાની અસર ઓછી થયા પછી જ્યારે શીરીષે નમ્રતાને ચમચી વડે લીંબુપાણીની પહેલી ચમચી પીવડાવી ત્યારે નમ્રતાથી રહેવાયું નહીં. તે બોલી ઊઠી :
'શીરીષ, મારી આટલી બધી પરવા હતી તો કમ સે કમ એકવાર તો મને ફોન કરીને કહેવું હતું કે સગાઇ શા માટે તોડી ?'
શીરીષ કહેવા નહોતો ઇચ્છતો, છતાં તેનાથી બોલાઇ ગયું : 'નમ્રતા, મારા મામાને તારા બહુ જ ખરાબ ફોટા જોવા મળ્યા હતા.'
'કેવા ફોટા ?' નમ્રતાની આંખો પહોળી થઈ ગઈ. એણે તરત જ પૂછ્યું, 'તેં જોયા એ ફોટા ?'
'ના.'
બસ, આ એક જ અક્ષરનો જવાબ સાંભળીને નમ્રતાના ચહેરા ઉપર ગજબની શાંતિ છવાઇ ગઇ, તે બોલી :
'શીરીષ, ફક્ત એક જ વાર તું એ ફોટા જોઇ લે. પછી તું જે કહેશે તે મને મંજુર છે.'
***
ઘરે આવ્યા પછી મામાએ પોતાના મોબાઇલમાં જે ફોટા બતાડયા એ જોતાં જ શીરીષ બોલી ઉઠયો :
'મામા ! આ તો એઆઇ વડે જનરેટ થયેલા ફોટા છે !'
'અરે હોતું હશે ? નમ્રતાનો ફેસ જોને ? સ્હેજપણ ફરક લાગે છે ?'
'મામા, તમે ફેસ જોયો, બાકીનું આખું શરીર પણ જોયું... પરંતુ તમે એ ના જોયું કે નમ્રતાના હાથ ઉપર જે અંબા માતાનું ટેટુ ચીતરાવેલું છે, એ ક્યાંય કેમ દેખાતું નથી ?'









