પત્ની પિયરમાં, યુવતી ઘરમાં .

- રજનીગંધા-વિભાવરી વર્મા
- વિનીત જ્યારે એ દીવા-સ્વપ્નમાંથી જાગ્યો ત્યારે પોતે બેડરૂમમાં એકલો હતો ! તેનાં કપડાં અસ્તવ્યસ્ત હતાં! અને પેલી યુવતી ગાયબ હતી !
ચપ ત્ની પિયર ગઈ હોય ત્યારે એકલા પતિની દશા બહુ વિચિત્ર હોય છે ! એમાંય જો પતિ જુવાન હોય અને સંતાનો ના થયાં હોય તો પતિનું મન અને તન બંને 'થોડી સી બેવફાઈ' કરવા માટે તલપાપડ હોય છે.
બિચારા વિનીતની પણ એ જ હાલત હતી. રવિવારની એક બળબળતી બપોરે ઘરમાં ફૂલ સ્પીડના પંખા અને એસીના ૨૪ ડિગ્રી ટેમ્પરેચર વચ્ચે પણ એના દિલો-દિમાગ વાંદરાની માફક ઠેકડા મારી રહ્યું હતું.
એવામાં ડોરબેલ વાગી. વિનીતે દરવાજો ખોલીને જોયું તો એક ગોરી સરખી યુવતી ઊભી હતી, એક ક્ષણ માટે તો વિનીતની નજર એ યુવતીના વળાંકો પરથી લપસી રહી હતી પણ બીજી ક્ષણે એણે જોયું કે યુવતીના હાથમાં કોઈ નવી જ વોશિંગ પાવડરના બ્રાન્ડનો મોટો ઝોલો હતો. હાથમાં પણ એ જ બ્રાન્ડનાં બે મોટાં મોટાં પેકેટો હતાં.
'સોરી હોં ! અમારે વોશિંગ પાવડર નથી લેવાનો.'
વિનીત દરવાજો બંધ કરવા જ જતો હતો ત્યાં એ બોલી ''ના ના, પાવડર વેચવા નથી આવી...જરા...એક ગ્લાસ ઠંડું પાણી મળશે ?
પરસેવે રેબઝેબ થઇ રહેલા ચહેરાને પોતાની સાડીના છેડા વડે લૂંછી રહેલી યુવતીને વિનીત જોતો જ રહી ગયો ! મનમાં કંઈ વિચાર ફરકે એ પહેલાં તે ખ્યાલને હટાવતાં તે બોલ્યો :
'પાણી ને ? હમણાં જ લાવું.'
વિનીત અંદર કીચનમાં ગયો. આ બાજુ પરસેવો લૂછતાં યુવતી રૂમમાં અંદર આવી તે મોટા અવાજે વિનીતને સંભળાય એ રીતે બોલી રહી હતી.
'જુઓને, કેવો તાપ છે ? એક તો આવી સિઝનમાં અડધા લોકો બહારગામ ગયા હોય છતાં અમારી કંપનીવાળા એવા નિષ્ઠુર છે કે ના, બસ, રોજનાં ત્રીસ ઘરનો ટાર્ગેટ પૂરો કરવાનો એટલે કરવાનો જ છે. હવે તમે જ કહો કે -
વિનીતને કીચનમાંથી પાછો આવેલો જોઈને યુવતી હસી પડી. તમે તો આખો બાટલો લઈ આવ્યા.
ગરમી જ એવી છે ને ! એક ગ્લાસથી તરસ ના પણ છીપાય...
યુવતી ખરેખર બે ગ્લાસ પાણી ગટગટાવી ગઈ. ઉપરથી બોલી :
કેવી ગરમી છે નહીં ? મારું તો માથું ભમી ગયું છે. ચા પીઉં તો કદાચ માથું ઉતરે...પણ આ આખા એરિયામાં એક સમ ખાવા પુરતી ચાની લારી દેખાતી નથી. બોલો, શું કરવું ?
વિનીતે હવે તરત જ ચાન્સ મારી લીધો. એમાં શું ? ચા તો મારા ઘરમાં પણ મળી જશે. તમે બેસોને, હું હમણાં જ બનાવી લાવું. જોકે મને એટલી સારી બનાવતાં આવડતી નથી. પણ :
'અરે, ચા તો હું જાતે બનાવી લઈશ.
યુવતી હસીને બોલી ઊઠી, તમે બસ, મને ચા-ખાંડ વગેરે ક્યાં છે અને હા જો આદુ-ફૂદીનો ફ્રીજમાં હોય તો તો હું એટલી મસ્ત ચા બનાવીશ કે -
યુવતી અચાનક અટકીને જરા મારકણી અદાથી વિનીત તરફ જોઈને પૂછ્યું 'તમે પણ પીશોને ?
વિનીતે હા પાડયા વિના છૂટકો જ ક્યાં હતો ? એ યુવતી મહા વાતોડીયણ નીકળી ! સાવ છેડા સાંધા વિનાની વાતો કરતી હતી. પણ વિનીતનું ધ્યાન વાતોમાં ક્યાં હતું ?
એ તો મોબાઈલમાં જોયેલી 'પેલી ટાઈપ'ની વિડીયો ક્લિપનાં સપનાં અહીં ભરબપોરે જોવા લાગ્યો હતો.
આખરે એ યુવતીએ બનાવેલી ચાનો પહેલો ઘૂંટડો પીતાં જ વિનીતને લાગ્યું કે ચામાં જરૂર આ યુવતીની નશીલી આંખો અને લચીલી આંગળીઓનો નશો ભળેલો છે !
ચા પતવા આવી હતી. વાતો કરતાં કરતાં યુવતી સોફામાં તેની નજીક સરકતાં અડોઅડ આવી ગઈ. તેણે અચાનક વિનીતના હોઠ પર આંગળી મૂકતાં કહ્યું, 'જુઓને, તમારા હોઠ પર ચાની મલાઈ ચોંટી લાગે છે.....
બસ, એ આંગળી અને અધરોનો એકબીજા સાથે સ્પર્શ થતાં જ વિનીતના શરીરમાં જાણે વીજળી દોડી ગઈ ! પછીની થોડી ક્ષણો....થોડી મિનિટો અને લગભગ અડધા કલાકમાં તો વિનીત સ્વર્ગમાં પહોંચી ગયો હતો. બે શરીરોનું મિલન આ રીતે થશે તેની એક કલાક પહેલાં તેને કલ્પના પણ ક્યાં હતી ?
મિલનની એ સ્વપ્ન સમાન ટીકા પછી વિનીત જ્યારે એ દીવા-સ્વપ્નમાંથી જાગ્યો ત્યારે પોતે
બેડરૂમમાં એકલો હતો ! તેનાં કપડાં અસ્તવ્યસ્ત હતાં ! અને પેલી યુવતી ગાયબ હતી !
વિનીતે ઝડપથી આખા ઘરમાં તપાસ કરી નાંખી, કબાટ જેમનો તેમ હતો, ટિપોય પર ઘડિયાળ અને ગળામાં સોનાની ચેન પણ તેના ઠેકાણે જ હતી !
અને મોબાઈલ ? ચેક કરતાં જોયું તો ખ્યાલ આવ્યો કે તેના બેન્ક ખાતામાંથી ત્રણ અલગ અલગ ટ્રાન્ઝેકશનથી આશરે પંચોતેર હજાર રૂપિયા ઉપડી ગયાં હતાં !
* * *
પત્ની પિયરથી પાછા આવી ગઈ હતી, આમ તો તેને શંકા પણ ક્યાંથી પડે ? વળી જ્યાં બેન્ક ખાતામાં ચાર-પાંચ લાખ પડયા હોય ત્યાં પંચોતેર હજારથી ખાસ મોટો ફેર નહોતો પડતો. પરંતુ....
એક દિવસ એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો : 'હલો, વિનીત ? હું સીમા બોલું છું. યાદ છે ? તમારા ઘરે હું પાણી પીવા માટે આવી હતી ?
વિનીત બગડયો : તેનું હવે શું છે ? એક તો મારા મોબાઈલ વડે પંચોતર હજાર, ઉપાડી લીધા અને હવે -
'હવે એ પૈસા તમને પાછા આપવા છે ! યુવતીની વાત સાંભળીને વિનીતને નવાઈ લાગી.
'સાચું કહું ? એ વખતે મને પૈસાની સખત જરૂર હતી. એ પૈસા હવે હું પાછા આપવા માંગુ છું તમે મારા ઘરે આવી શકો ? મારી મમ્મી તમારો ખાસ આભાર માનવા માગે છે....
વિનીત પીગળી ગયો. એવી તે શું મજબૂરી હશે એ સીમાની કે ?........
જ્યારે તે સીમાને ઘરે પહોંચ્યો ત્યારે તેણે આખી વાત કરી : એકચ્યુલી તો હું એક ચીટર ગેંગની મેમ્બર છું ! આ રીતે કોઈના ઘરમાં ઘૂસીને હું એકલા પુરૂષને મીઠી જાળમાં ફસાવું છું પછી અણીના વખતે મારી ગેંગના સભ્યો નકલી પોલીસ બનીને ત્રાટકે છે. પણ આ વખતે એવું બન્યું કે -
યુવતીએ મમ્મી તરફ ઇશારો કરતાં વાત આગળ ચલાવી. મારી મમ્મીને અચાનક હાર્ટ એટેક આવી ગયો ! ઓપરેશન માટે તાત્કાલિક પૈસાની જરૂર હતી. પણ મારી ગેંગના બોસે મને પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી ! એટલે ના છૂટકે -
વિનીત સ્તબ્ધ હતો ! યુવતીની મમ્મીએ પુરા પંચોતેર હજારનું બંડલ તેના હાથમાં આપતાં કહ્યું : આ લો તમારા પૈસા....અને હા, ચા-નાસ્તો કર્યા વિના જવાનું નથી હોં ?
વિનીત ચા-નાસ્તા માટે રોકાઇ ગયો.
ચા પીતાં પીતાં સ્હેજ લાગ્યું કે તેને આમ અચાનક ઘેન કેમ ચડી રહ્યું છે ?
પણ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું ! વિનીતના પોપચાં ઢળી ચૂક્યાં હતાં....









