Magazines

દીકરી પહેલાં, પુત્રવધૂ પછી... .

By GS TEAM
9 Jun 20265 mins read
દીકરી પહેલાં, પુત્રવધૂ પછી...                             .

- રજનીગંધા-વિભાવરી વર્મા

- 'તમે જ્ઞાતિમાં શોધખોળ કરીને કોઈ કન્યા લાવશો તો એ કેવી નીકળશે ને કેવી નહીં, એની કોઈ ગેરંટી ખરી ?

'પ છી તેં કંઈ નક્કી કર્યું ? મને હવે ચોવીસ કલાકમાં હા કે નાનો જવાબ જોઈએ સમજી ?'

તન્મય તો આ છેલ્લી વોર્નિંગ આપીને ઓફિસે જતો રહ્યો. આ તરફ એની પત્ની વિદીશાના મનમાં ઘમાસણ ઉમટયું...

'આ ઘર છોડીને જવાનું ? હંમેશ માટે ? આમ જ આ રીતે ?'

વિદીશા આ ઘરમાં આજથી છ વરસ પહેલાં આવી હતી. તે વખતે તે માંડ સાડા સોળ વરસની હતી. તેનાં મમ્મી પપ્પા જ તેને અહીં લઈને આવ્યાં હતાં.

'નવનીતભાઈ, તમે આપણી જ્ઞાતિના મોભી છો. અમે હવે તમારી જ છેલ્લી આશ લઈને આવ્યા છીએ.'

અહીં અમદાવાદ શહેરમાં ત્રણ બેડરૂમના સાધારણ ટેનામેન્ટમાં રહેતા નવનીતલાલને બે હાથ જોડીને વિદીશાના બાપુજીએ વિનંતી કરી હતી.

'આ મારી દીકરી વિદીશા છે. એ બારમા ધોરણમાં બહુ સારા માર્કે પાસ થઈ છે એને અહીંની શ્રેષ્ઠ કોલેજમાં મેરિટના હિસાબે એડમિશન પણ મળી ગયું છે. પણ...હવે તમને શું કહું ?'

વિદીશાના પપ્પાએ નતમસ્તકે થઈને પોતાની વ્યથા કીધી હતી.

'સાવ સાચી વાત કહું તો અમને એનો હોસ્ટેલનો ખર્ચો પરવડે તેમ નથી...બસ, એક જ આશા લઈને આવ્યા છીએ કે ત્રણ વરસ માટે મારી દીકરીને તમારા ઘરમાં રહેવા દો તો '

'કેવી વાત કરો છો રતિલાલ ? એમ જો હું આપણી જ્ઞાતિનું નામ લઈને આવનાર દરેક જણને મદદ કરવા રહું તો -'

'નવનીતભાઈ, આ એક જ ઉપકાર કરશો તો જિંદગીભર મારી દીકરી તમારી ઋણી રહેશે ! ભલેને તમે એને અહીં સરવન્ટ માટેના એકાદ ખૂણામાં -'

'એકાદ ખૂણામાં શા માટે ?' નવનીતલાલનાં પત્ની વિમળાબેન વચમાં જ બોલી ઊઠયાં હતાં : 'તમારી દીકરી અમારા આખા ઘરમાં રહેશે ! અને એ પણ અમારી દીકરી બનીને !'

નવનીતલાલ વિરોધ કરવા જતા હતા ત્યાં વિમળાબેને એમને અટકાવતાં કહ્યું હતું :

'આમેય આખા ઘરમાં આપણે બન્ને જણાં એકલાં ભૂત જેવાં થઈ ગયાં છીએ. આપણો મોટો દીકરો અહીં કદી આવવાનો નથી અને નાનો એન્જિનિયરીંગનું ભણવા માટે છેક બેંગ્લોર જઈને બેઠો છે. વેકેશન પડે ત્યારે માંડ પાંચ દિવસ માટે એનો પગ ઘરમાં ટકે છે પછી એ  નીકળી પડે છે.

એના દોસ્તો સાથે વેકેશન માણવા માટે હા, હજી ભૈરવ અહીં એની બૈરી સાથે રહેતો હોત તો -

ભૈરવનું નામ પડતાં જ નવનીતલાલની દુ:ખથી નસ દબાઈ ગઈ હતી. ભૈરવ એમનો મોટો દીકરો હતો. એને ફિક્સ ડિપોઝિટો તોડી તોડીને લંડન ભણવા માટે મોકલ્યો હતો. પણ એ ત્યાં જ કોઈ ગોરી મે'મને પરણી ગયો હતો ! એટલું જ નહીં, એ પેલી ગોરીના ઘરમાં ઘરજમાઈ બનીને રહેતો હતો !

નવનીતલાલે આ બધું જાણ્યા પછી તેની સાથેનો સંબંધ હંમેશાં માટે કાપી નાંખ્યો હતો. આવા બધા લોહી ઉકાળાને લીધે એમના હાર્ટ ઉપર પણ ખરાબ અસર પડી ગઈ હતી. બે વાર તો એટેક પણ આવી ગયા હતા.

ખેર, વિમળાબેનની જીદ સામે નવનીતલાલ ઝૂકી ગયા હતા, અને એ જ દિવસથી વિદીશાએ આ ઘરમાં સાચા અર્થમાં પ્રવેશ કર્યો હતો.

જોતજોતામાં વિદીશા આ ઘરમાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ હતી. એમ કરતાં કરતાં દિવાળી વેકેશન આવ્યું અને....

***

'એ તન્મય ! વિદીશા કંઈ તારી નોકરાણી નથી. સમજ્યો ?' વેકેશનમાં ઘરે આવેલા તન્મયને રોજ વિમળાબેન ખખડાવતાં : 'આમ મહારાજાની જેમ ઓર્ડરો શેના ફાડે છે ? ચા બનાવી લાવ, ને નાસ્તો બનાવી આપ.. શર્ટનાં બટન ટાંકી આપ...ને ઓછી ખાંડવાળા લાડવા બનાવીને મારા માટે ડબ્બામાં ભરી આપ ? વિદીશા કંઈ તારી નોકરાણી નથી. હા ! એ મારી દીકરી છે, સમજ્યો ?'

જોકે વિદીશાને આ બધું ગમતું હતું. તન્મય જેટલા દિવસ ઘરે રહેતો એટલા દિવસ આખું ઘર ધમાલ મસ્તીથી ગાજતું રહેતું હતું. તન્મય સતત તેની ફીરકી લઈને તેને હસાવતો રહેતો હતો. પરંતુ વિદીશાને થોડી ખબર હતી કે -

***

મમ્મી, પપ્પા, મારી વાત ધ્યાનથી સાંભળો. મારું ભણવાનું પૂરું થઈ ગયું છે. મને અહીં અમદાવાદમાં સારી જોબ પણ મળી ગઈ છે. અને હવે હું લગ્ન કરવા માગું છું...વિદીશા સાથે !'

ઘરમાં જાણે બોમ્બ ફૂટયો હોય તેમ નવનીતલાલ ભડક્યા હતા : 'એક દીકરાએ લવ-મેરેજ કરીને મારું નાક ઓલરેડી કપાવ્યું છે ! હવે મને વધુ એક લવ-મેરેજ ના જોઈએ !'

પરંતુ વિમળાબેને ફરી એકવાર વિદીશાનું ઉપરાણું લીધું : 'તમે જ્ઞાતિમાં શોધખોળ કરીને કોઈ કન્યા લાવશો તો એ કેવી નીકળશે ને કેવી નહીં, એની કોઈ ગેરંટી ખરી ? જ્યારે આ વિદીશા આપણા ઘરમાં છેલ્લાં ત્રણ વરસથી રહે છે. એને તમે પગથી માથા સુધી બરાબર ઓળખો છો. હવે તમે જ કહો વિદીશામાં આ ઘરની વહુ થવા માટે કંઈ ખૂટે છે ખરું ? અરે, દીવો લઈને શોધવા જશો તોય આટલી સંસ્કારી અને ડાહી છોકરી તમને ક્યાંય નહીં મળે !'

* * *

નવનીતલાલ માની ગયા હતા. લગ્ન પણ સાદાઈથી પતી ગયાં હતાં. એને પણ ત્રણ વરસ વીતી ગયાં હતાં. પરંતુ એ ત્રણ વરસમાં બીજું સંકટ આવી ગયું હતું. અને એની જ તન્મયને તકલીફ હતી.

વાત એમ હતી કે નવનીતલાલ ખાનગી કંપનીમાં કામ કરતા હતા તે ખાડે જતાં કંપનીને તાળાં લાગી ગયાં હતાં. નવનીતલાલનો છેલ્લા સાત મહિનાનો પગાર તો ખરો જ, ઉપરથી એમનાં પ્રોવિડન્ટ ફન્ડના રૂપિયા પણ ફસાઈ ગયા હતા.

આમાં ને આમાં ઘાંઘા થઈ ગયેલા નવનીતલાલની હાર્ટની બિમારીમાં નવો ઉમેરો થયો...એમની કીડની ફેલ થઈ ગઈ ! હવે દર અઠવાડીયે બબ્બે વાર ડાયાલિસીસ કરાવવામાં મહિને વીસ-પચ્ચીસ હજાર ઘૂસી જતા હતા.

આના કારણે જ તન્મયની ખોપડી હટી ગઈ હતી. તેણે વિદીશાને ચોખ્ખું કહી દીધું હતું કે 'મારો અડધો પગાર તો આ બગડેલા મશીન જેવા બાપને ચાલુ રાખવામાં જતો રહે છે ! અને હજી તો મારી માનો વારો આવશે ! આપણે ક્યાં લગી આવાં બગડેલાં મશીનોનાં મેન્ટેનન્સ કર્યા કરવાનાં છે ? હું તો પપ્પાને કહી દેવાનો છું કે મને તમારી મિલકતમાંથી મારો ભાગ આપીને મને છૂટો કરો ! પછી તમારે આ ખખડેલા ટેનામેન્ટમાં રહેવું હોય તો તેમ, નહીંતર કોઈ સેવાભાવી મફતિયા વૃદ્ધાશ્રમની તપાસ કરી લેજો...પણ મારે તમારી પાછળ મારી જુવાની અને મારી જુવાનીની કમાણી હોમી દેવાની જરાય ઈચ્છા નથી !

વિદીશાને આ વાત કહીને તન્મયે ૨૪ કલાકની મહેતલ આપી હતી. વિદીશાને સમજાતું નહોતું કે શું કરવું ? 

આખરે જ્યારે તન્મય સાંજે ઘરે આવ્યો ત્યારે ૨૪ કલાક પુરા થતા હતા. વિદીશાએ નિર્ણય કરી લીધો હતો :

'તન્મય, હું આ ઘરની વહુ બનીને આવું એ પહેલાં તો આ જ ઘરની દિકરી બનીને આવી હતી. મારા માટે મારા સસરા જ મારા પિતા હતા અને આજે પણ પિતા જ છે ! એટલે, હું આ ઘર છોડીને ક્યાંય જવાની નથી.

રહી વાત પપ્પાની સારવાર પાછળના ખરચાની, તો એના માટે હું હવે કોઈ નોકરી શોધી લઈશ. કેમકે નોકરી માટેનું જ ક્વોલિફીકેશન સમાન ભણતર હતું એ પણ મને આ જ ઘરની છત્રછાયામાં પ્રાપ્ત થયું છે. બસ, હવે વિચાર તો તારે કરવાનો છે....