'બ્રેક-અપ'નાં ચાર વરસ પછી... .

- રજનીગંધા-વિભાવરી વર્મા
- આઈ ડોન્ટ થિંક અવર રીલેશનશીપ ઇઝ વકીંગ. શું હું જીંદગીભર તારા ફેમિલીનો જ બોજ ઉઠાવતી રહીશ?
'હ લો શેખર... હું મેરેજ કરી રહી છું...' શાલ્મલિએ છેક અમેરિકાથી વોટ્સએપ કોલ લગાડયો હતો સામે છેડેથી ત્રણ સેકન્ડ સુધી કોઈ અવાજ ન આવ્યો. શાલ્મલિ માટે આ ત્રણ સેકન્ડ ત્રણ કલાક જેવી હતી. શું કહેશે શેખર ? ગુસ્સે થશે ? રડી પડશે ? કે ફોન જ કટ કરી નાંખશે ?
પણ ચોથી સેકન્ડે શેખરનો શાંત, સ્વસ્થ અવાજ આવ્યો : 'ગુડ...ગુડ ફોર યુ શાલ્મલિ'
'એ લકી બોય કોણ છે એવું નહીં પૂછે ?'
'શું ફેર પડે છે ?' શેખરે કહ્યું 'એક સમયે હું પણ મારી જાતને લકી જ માનતો હતો ને !'
શાલ્મલિ પાસે આનો જવાબ નહોતો. તેણે વાત બદલી. 'સાંભળ, મારાં મેરેજ તો મુંબઇમાં છે પણ એ પહેલાં હું તને છેલ્લીવાર મળવા માટે હૈદરાબાદ આવી રહી છું.'
'ધેટ્સ...' શેખરને નવાઈ લાગી રહી હતી. 'ધેટ્સ ગુડ ! મને તારી ફ્લાઇટની ડિટેલ્સ મોકલ હું તને લેવા માટે કાર મોકલીશ.'
'શ્યોર'
ફોન કટ થઇ ગયો. શાલ્મલિને થયું, બસ, આટલું જ ? 'તને લેવા માટે હું જાતે આવીશ...' 'રાતની ફ્લાઇટ હશે તો હું મોડે સુધી જાગીને તારી રાહ જોઇશ...' એવું તો ઠીક, કમ સે કમ 'મોસ્ટ વેલકમ' તો કહેવું જોઇએ કે નહીં?
પણ શેખર એવો જ હતો અને એટલે જ તો શાલ્મલિ એના પ્રેમમાં પડી હતી. અમેરિકાની કોલેજમાં બન્ને એક જ ક્લાસમાં હતા. શેખર સાઉથ ઇન્ડિયન હતો. દેખાવે પણ કંઇ 'કમલ હાસન' કે 'થલાપતિ વિજય' નહોતો. સ્વભાવે પણ શાંત. એક વાક્ય બોલવાનું હોય તો માંડ એક શબ્દ બોલે.
એટલે જ શાલ્મલિને એ ગમતો હતો. શેખરે કદી શાલ્મલિને રીઝવવાની કે 'પટાવવાની' કોશિશ કરી નહોતી. ઉલ્ટું શાલ્મલિ જ તેની પાછળ પડી હતી.
કોલેજનાં ત્રણ વરસોમાં એમની દોસ્તી ફાસ્ટ ફ્રેન્ડશીપમાંથી પ્રેમમાં પરિવર્તિત થઇ ગઇ હતી. સાથે ફરવાનું. સાથે મુવીઝ જોવાની, સાથે ભાડૂતી બાઈકો લઇને ટ્રેકિંગમાં જવાનું, સાથે જ ઇન્ડિયન ક્લાસિક મ્યુઝિકની મોંઘી ટિકીટો લઇને કોન્સર્ટ અટેન્ડ કરવાની... આ બધું જ કરતી વખતે પૈસા હંમેશા 'ફીફ્ટી-ફીફ્ટી' થતા હતા !
શેખર કહેતો 'ઇફ વી વોન્ટ ટુ બિકમ લાઇફ પાર્ટનર્સ વી મસ્ટ શેર એવરીથિંગ ઇન ઇક્વલ !'
કોલેજ પુરી થતાં બન્નેને અમેરિકાની જ બેસ્ટ કંપનીઓમાં જોબ મળી ગઈ. એ સાથે જ બન્નેએ એક નાનકડો એપાર્ટમેન્ટ ભાડે રાખીને સાથે રહેવાનું શરૂ કર્યું હતું. પરંતુ પ્રોબ્લેમો ત્યાંથી જ શરૂ થયા...
હજી છ મહિના નહોતા થયા ત્યાં શેખરે શાલ્મલિને કહેવાનું શરૂ કર્યું હતું : 'આ મહિનાનું ભાડું તું ભરી દેજે ને ?' 'મારી કારનો હપ્તો પ્લીઝ તું ભરી દઈશ ?' 'યાર, આ વખતની ગ્રોસરીનું બિલ તારા એકાઉન્ટમાંથી કરી દે ને ?...' દર વખતે તે કહેતો : 'આઈ વીલ પે યુ લેટર. હું તને તારા પૈસા આપી જ દઈશ, વિથ ઇન્ટરેસ્ટ! વ્યાજ સાથે!'
આનું કારણ શું હતું ? એટલું જ કે ત્યાં હૈદરાબાદમાં શેખરના પપ્પાની કરિયાણાની દુકાન રોડની કપાતમાં આવતાં ડિમોલિશ થઇ ગઇ હતી. એજ્યુકેશન લોનના હપ્તા હવે શેખરે એકલાએ ભરવાના હતા.
એ તો ઠીક, દોઢેક વરસ પછી શેખરના પપ્પાને પેરેલિસિસનો હુમલો થયો. હવે તો એની ટ્રિટમેન્ટમાં શેખરની સેલેરીના બધા જ પૈસા જઇ રહ્યા હતા.
આખરે એક દિવસ શાલ્મલિએ શેખરને બેસાડીને ચોખ્ખું કહી દીધું. 'શેખર, આઈ ડોન્ટ થિંક અવર રીલેશનશીપ ઇઝ વકીંગ. શું હું જીંદગીભર તારા ફેમિલીનો જ બોજ ઉઠાવતી રહીશ ? ઇટ્સ બેટર ધેટ વી બ્રેક અપ...નાવ.'
બીજા જ દિવસે શેખર તેનો સામાન સમેટીને બીજે ક્યાંક શીફ્ટ થઇ ગયો હતો. ત્યાર બાદ શાલ્મલિએ પણ તેનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી નહોતી.
એ વાતને આજે ચાર વરસ થઇ ગયાં હતાં. શેખરે એકાદ વરસ અમેરિકન કંપનીમાં જોબ કરી. એ પછી તે હૈદરાબાદ પાછો જતો રહ્યો હતો.
આ તરફ શાલ્મલિએ ઓનલાઈન મેરેજ બ્યુરોમાં જોઇને કેનેડાના જ એક ઇન્ડિયન ફેમિલીના છોકરા સાથે એરેન્જડ મેરેજ કરવાનું નક્કી કરી લીધું હતું.
વિમાન હવે હૈદરાબાદના
એરપોર્ટ પર ઉતરી રહ્યું હતું. ટચ ડાઉનનો હળવો આંચકો લાગતાં જ શાલ્મલિના મનમાં એક સવાલ, જેને તેણે જાતે જ દબાવી રાખ્યો હતો તે ફરી ઉથલો મારીને બેઠો થયો :
'હું શેખરને આમ છેલ્લી વાર શા માટે મળવા જઈ રહી છું ? છેલ્લું આલિંગન લેવા ? છેલ્લી કીસ માટે ? છેલ્લી એકાદ રાત માટે ? ના...ના...'
વિમાન લેન્ડ થયા પછી જ્યારે તેની ઘરઘરાટી બંધ થઈ ત્યારે શાલ્મલિના મનમાં જ તેનો જવાબ ઉગ્યો :
'મારે શેખરને મળીને પહેલાં તો જોવું છે કે એ મારા વિના શી રીતે જીવી રહ્યો છે ? અને બીજું, મારે એને એટલું જ કહેવું છે કે સોરી જીવનસાથીની ઇક્વાલીટી વિશેના તારા જે ખયાલો હતા એ કેટલા બનાવટી હતા ! હકીકતમાં તો તું સ્વાર્થી જ હતો !'
એરપોર્ટથી બહાર આવી ત્યારે તેને લેવા માટે કોઈ ભાડાની કેબ નહીં પણ એક મર્સિડીઝ કાર ઊભી હતી ! શોફરે તેને વિવેકપૂર્વક આવકાર્યા પછી પૂછ્યું : 'મેડમ, તમે પહેલાં હોટલે જશો કે પછી શેખરસરને મળવા માગો છો ?'
શાલ્મલિને નવાઈ લાગી રહી હતી. શેખરે આટલું બધું કમાઈ લીધું ? એ પણ ઇન્ડિયામાં ?
જ્યારે તે શેખરની ઓફિસ જ્યાં હતી તે બિલ્ડીંગ પાસે પહોંચી ત્યારે તો તે દંગ થઇ ગઈ ! હૈદરાબાદનો આ સૌથી મોંઘો કોમર્શિયલ એરિયા હતો ! અને શેખરની ઓફિસ આ બિલ્ડીંગના સાતમા માળે આખો ફ્લોર તેની માલિકીનો હતો !
લિફ્ટમાંથી બહાર આવતાં જ તે ચોંકી ગઇ ! કેમકે શેખરની કંપનીનું જે નામ હતું, 'ઇન્ફોટેક ઇન્ડિયા ઓવરસિઝ લિમિટેડ...' એની કેનેડાની એક બ્રાન્ચમાં જ શાલ્મલિના ભાવિ પતિની જોબ હતી !
શેખરને પૂછવા માટેના જે સવાલો તૈયાર રાખ્યા હતા તે હવે ભૂલાઈ ગયા હતા. હવે તેને બે જ સવાલો પૂછવા હતા.
એક, 'તેં મેરેજ કરી લીધાં ?'
અને બે, 'જો ના કર્યા હોય તો લાઇફ પાર્ટનર માટે ફીફ્ટી-ફીફ્ટીનો જે ખ્યાલ હતો તે હજી તારા મનમાં છે ખરો ?'
- જોયું ? છોકરીઓનાં મન કેટલાં ચંચળ હોય છે, નહીં ?









