Magazines

બદનના રંગ-રૂપને અનુરૂપ બ્રાઈડલ લહેંગાની પસંદગી

By GS Team
13 Jan 20205 mins read
This article was originally published on 13 Jan 2020
બદનના રંગ-રૂપને અનુરૂપ બ્રાઈડલ લહેંગાની પસંદગી

દીકરીનો જન્મ થતાં જ માતા-પિતાને તેના ભાવિ અને ખાસ કરીને લગ્ન કરાવી આપવાનો વિચાર પહેલાં આવે છે. ઘોડિયામાં સુતેલી વહાલી પુત્રીને ભણાવી ગણાવી ધામધૂમથી પરણાવી દેવાના સપનામાં માતા રાચવા લાગે છે. અને પિતા આ માટે જરૂરી બચતનું પ્રયોજન કરવાના પ્રયાસોમાં વ્યસ્ત થઈ જાય છે.

ઘણી માતા એટલી હોંશીલી હોય છે કે પોતાની પુત્રીને આણામાં આપવાની સાડીઓ પર સુંદર ભરતકામ કરીને તૈયાર કરવા અધીરી બની જાય છે. પણ થોભો, આટલા ઉતાવળા બનવાની જરૂર નથી. આજે દર થોડા દિવસે ફેશન બદલાતી જાય છે એટલે દીકરી ૨૧ વર્ષની થાય ત્યારે કંઈ ફેશન હશે કે તેને કેવા રંગો પસંદ આવશે તેનો અંદાજ અત્યારથી લગાડવો મુશ્કેલ બને છે. વળી હવે તો ડિઝાઈનર સાડી અને ડિઝાઈનર લહેંગાની ફેશન છે. જેને શારીરિક બાંધા અને વર્ણ અનુસાર પસંદ કરવામાં આવે છે.

નવોઢાએ કોમ્પ્લેક્શન અને કદાકાઠી (બોડીશેપ) અનુસાર લહેંગાની પસંદગી કરવી જોઈએ. જેમ કે ગોરી ત્વચા ધરાવતી યુવતી પર બધા જ રંગ સુંદર દેખાય છે. તેમ છતાં પીચ, પિંક, ફિરોઝી, સોફટ ગ્રીન જેવા સોફટ પેસ્ટલ શેડ્સ વધુ સારા દેખાય છે. ગૌરવર્ણી માનુનીએ ઘેરા રંગો ન પહેરવા જોઈએ.

ગુલાબી રંગ ધરાવતી નવવધૂએ રિસેપ્શનમાં સિલ્વર વર્ક સાથે ડીપ બ્લુ કે ફિરોઝી બ્લુ રંગ ધરાવતાં ડિઝાઈનર લહેંગાને પહેરવો જોઈએ. જો ગોલ્ડન વર્કવાળા લહેંગાને પહેરવાની ઇચ્છા હોય તો એમરલ્ડ ગ્રીન રંગને પસંદ કરવો. લગ્નના દિવસે મંડપ મુહુર્ત કે ગ્રહશાંતિ જેવી વિધિના સમયે ગોલ્ડ બેઝ વર્ક સાથે ક્રીમ ગોલ્ડ અથવા કોપરના શેડ્સને પસંદ કરવા જોઈએ.

જે નવોઢાનું કોમ્પ્લેકશન ગોરું હોય પણ ત્વચા થોડી ફિક્કી કે પીળાશ પડતી હોય તો સાંજના ફંકશન માટે મજન્ટા, બર્ગન્ડી તથા સવારની વિધિઓ માટે સિલ્વર વર્ક સાથે પર્લ રંગને પસંદ કરવો જોઈએ.

ઘઉંવર્ણી યુવતી માટે એમરલ્ડ ગ્રીન, રુબી રેડ, ઓરેન્જ, રસ્ટ, નેવી બ્લુ, ફિરોઝી બ્લુ જેવા રંગો છે. ગોલ્ડન કોમ્પ્લેકશન પર એન્ટીક ગોલ્ડ વર્કની સાથે મસ્ટર્ડ અથવા કોપર વર્કના કેસરિયા ઓરેન્જ અથવા ડીપ કે રોયલ બ્લુ પર સિલ્વર વર્કના લહેંગા-ચોલી ખૂબ જ સરસ દેખાય છે. થોડી ઘેરી ઘઉંવર્ણી ત્વચા હોય તો ગોલ્ડ બેઝ વર્કની સાથે મરુન, મેટ ગોલ્ડ વર્ક સાથે એમરલ્ડ ગ્રીન કે કોપરના શેડ્સ આકર્ષક દેખાય છે.

ઘઉંવર્ણી યુવતીઓએ પેસ્ટલ શેડ્સ પસંદ ન કરવા. તેમના પર આવા શેડ્સ શોભતાં નથી. ઉપરાંત જો પેસ્ટલ શેડસની યોગ્ય પસંદગી ન કરવામાં આવી હોય તો દુલ્હન શ્યામવર્ણી દેખાશે.

શ્યામવર્ણી યુવતીઓએ આકર્ષક દેખાવ માટે બ્રાઈટ રંગોને પસંદ કરવા જોઈએ. સનશાઈન યલો, ઓરેન્જ, લાલ, મજન્ટા, અને બ્લુ રંગ આવી માનુની પર શોભે છે. તે જ પ્રમાણે આ કોમ્પ્લેકશન માટે બેઝ અને સફેદ રંગનું સિલેકશન પણ કરી શકાય.

આજકાલ લહેંગા પણ અલગ-અલગ સ્ટાઈલના મળે છે. જોકે ચોક્કસ સ્ટાઈલના લહેંગા પસંદ કરતી વખતે નવવધૂએ પોતાના ફિગરને ધ્યાનમાં રાખવું જોઈએ. પરફેક્ટ શેપની યુવતી પર બધી જ સ્ટાઈલના લહેંગા સુંદર દેખાય છે. એટલે તેમને પસંદગી કરવાનો બહોળો અવકાશ સાંપડે છે. તેઓ લેટેસ્ટ ફેશન અને સ્ટાઈલના લ્હેંગાનો પ્રયોગ કરી શકે છે. તેમ છતાં સ્લિમ ફિટ લહેંગા આવી યુવતીઓ પર વધુ સુંદર દેખાય છે.

આકર્ષક દેહયષ્ટિ ધરાવતી નવવધૂ રોસિલ્ક, બ્રોકેડ, જેકાર્ડ સ્લિક વગેરે ફેબ્રિકમાંથી બનેલો લહેંગો પહેરી શકે છે. તે જ પ્રમાણે સ્ટ્રેપી, વન શોલ્ડર, ઓફ શોલ્ડર, ડીપ-બેક જેવી સ્ટાઈલીશ ચોલીનો પ્રયોગ પણ તેના પર સફળ નીવડે છે. જો આધુનિક કટ ધરાવતી ચોલી ન પહેરવી હોય તો ફુલ  કે હાફ સ્લીવ પણ પહેરી શકાય છે.

પરફેક્ટ ફિગર ધરાવતી યુવતી પર કોઈપણ પ્રકારની એમ્બ્રોઈડરી સુંદર લાગે છે. તેમ છતાં બને તો નાની ડિઝાઈન ધરાવતાં લહેંગા-ચોલી પસંદ કરવા. વળી જો ફિગર સરસ હોય અને ઉંચાઈ થોડી ઓછી લાગતી હોય તો ઊભી ડિઝાઈનની એમ્બ્રોઈડરી ધરાવતાં લહેંગા-ચોલી લેવા.

ભારે ઉરોજ ધરાવતી યુવતીઓએ હેવી વર્કની ચોલી ક્યારેય ન પહેરવી જોઈએ. આનાથી ઉરોજનો ઉભાર વધારે લાગશે. તેજ પ્રમાણે ચોલી પર મોટી ડિઝાઈનને બદલે ફુલ કે પાંદડાની નાની-નાની ડિઝાઈન હોય તેવી એમ્બ્રોઈડરી કરાવવી. તેમણે જ્વેલ નેકલાઈન પણ ન કરાવવી કારણ કે આનાથી બસ્ટલાઈન વધુ પહોળી દેખાશે. બ્રેસ્ટને યોગ્ય આકાર આપવા અને ઢળી ન પડે તે માટે અંડરવાયર બ્રાનો ઉપયોગ કરવો. ઉપરાંત એ લાઈન લહેંગાને બદલે ફુલ લહેંગાને પસંદ કરવો.

જે યુવતીઓની કમરથી ઉપરનો ભાગ શેપમાં હોય પણ નીચેનો ભાગ ભારે હોય તેને પેર શેપનું ફિગર કહેવામાં આવે છે. ભારે નિતંબ ધરાવતી યુવતીઓ એ લાઈન લ્હેંગાને પસંદ કરી શકે છે, પણ તેનું વોલ્યુમ વધારે ન હોવું જોઈએ, નહિ તો નીચેનો ભાગ વધુ ભરાવદાર દેખાશે. પેર શેપનું ફિગર ધરાવતી દુલ્હને કડક નહિ પણ સોફટ ફેબ્રિકને પસંદ કરવું તથા ફિગરને બેલેન્સ લુક આપવા આખી બાંયની ચોલી પહેરવી તથા શોલ્ડરને પેડેડ કરાવવા.

પાતળી અને લાંબી નવોઢાના લહેંગા ઘેરદાર હોવા જોઈએ. આનાથી તેમની પર્સનાલિટીને ગ્રેસ મળશે તથા સુંદર દેખાશે. પાતળી-લાંબી યુવતીઓ પર કોઈ પણ ફેબ્રિક સુંદર દેખાય છે. એટલે તેમણે લ્હેંગાના કાપડની ચિંતા ન કરવી. પણ આવી દુલ્હને લાંબી ચોળી પસંદ ન કરવી. આનાથી તે વધુ દુબળી દેખાશે.

આવું ફિગર ધરાવતી નવવધૂના લહેંગામાં રો- સિલ્ક, જામવાર સિલ્ક, બનારસી ઓર્ગેન્ઝા કે ક્રેપ ટિશ્યુનો ઉપયોગ કરી એકદમ એલીગન્ટ ફલેરી (ઘેરવાળો) લહેંગો તૈયાર કરી શકાય છે. આની સાથે બ્રોકેડની ચોલી સુંદર દેખાય છે. જોકે તેમણે ઊંચાઈને બેલેન્સ કરવા માટે શેડેડ ટોનનો ઉપયોગ કરવો. હાઈ નેકલાઈન અને લાંબી બાંયને બદલે ડીપ નેકવાળી ચોલી સીવડાવવી જોઈએ.

પહોળા ખભા ધરાવતી યુવતીએ ક્રેપ કે જ્યોર્જટ ફેબ્રિકને જ પસંદ કરવંુ જોઈએ. સિંગલ પેનલ કટ ધરાવતાં લહેંગા તેમના વ્યક્તિત્વને નિખારે છે. સ્લિમર લુક માટે ડાર્ક શેડમાં ડીપ નેકવાળી ચોલીને પસંદ કરવી જોઈએ. પોણિયા બાંયતથા ડીપનેક તેમના પર સુંદર દેખાય છે. જોકે ડીપનેક પહોળું ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમના લહેંગાની બોર્ડર પાતળી અને એમ્બ્રોઈડરી ઊભી ડિઝાઈનની હોવી જોઈએ. આનાથી એકદમ સ્લિમ લુક દેખાશે.