Magazines

વિમાનમાં મહિલાઓ માટે બેઠક પસંદ કરવાનો વિકલ્પ : સગવડ કે માનસિક પછાતપણુ?

By GS TEAM
18 Aug 20254 mins read
વિમાનમાં મહિલાઓ માટે બેઠક પસંદ કરવાનો વિકલ્પ : સગવડ કે માનસિક પછાતપણુ?

- એક અગ્રણી એરલાઈને તાજેતરમાં નવી વિશિષ્ટતા ઉમેરી છે જેમાં મહિલા પ્રવાસીને  ઓનલાઈન બૂકીંગ વખતે અન્ય મહિલા પ્રવાસી પાસેની સીટ પસંદ કરવાનો વિકલ્પ મળશે. મહિલા પ્રવાસીને અન્ય મહિલા પાસેની સીટ પસંદ કરવાની આ પહેલનો હેતુ મહિલા માટે પ્રવાસ વધુ સુગમ કરવાનો છે. 

ભારતની એક અગ્રણી એરલાઈને તાજેતરમાં નવી વિશિષ્ટતા ઉમેરી છે જેમાં મહિલા પ્રવાસીને  ઓનલાઈન બૂકીંગ વખતે અન્ય મહિલા પ્રવાસી પાસેની સીટ પસંદ કરવાનો વિકલ્પ મળશે. મહિલા પ્રવાસીને અન્ય મહિલા પાસેની સીટ પસંદ કરવાની આ પહેલનો હેતુ મહિલા માટે પ્રવાસ વધુ સુગમ કરવાનો છે. રસપ્રદ બાબત એ છે કે આવો વિકલ્પ પુરુષ પ્રવાસીઓને ઉપલબ્ધ નથી કરાયો. એરલાઈન્સના મતે આ પહેલ મહિલાઓના પ્રવાસ અનુભવને વધુ સલામત અને ખુશાલ બનાવશે ત્યારે બીજી બાજુ આ પગલાએ  તેની અસર પર વિવિધ અભિગમોને પ્રકાશિત કરીને ચર્ચાને વેગ આપ્યો છે.

ઘણી મહિલાઓને અન્ય મહિલાની બાજુમાં બેસીને પ્રવાસ કરવામાં સલામતી અને સુગમતાનો અનુભવ થાય છે. ક્રૂના જણાવ્યા મુજબ અનેક મહિલા પ્રવાસીઓ પોતે જ એર હોસ્ટેસને વિનંતી કરીને પોતાની સીટ અન્ય મહિલા પાસે ટ્રાન્સફર કરવાની વિનંતી કરતી હોય છે. આવી મહિલાઓએ એરલાઈન્સના પગલાને બિરદાવ્યું છે અને તેમની વિનંતી માન્ય રાખવા બદલ એરલાઈન્સનો આભાર પણ માન્યો છે. કેટલાક પુરુષ પણ માને છે કે એકલા પ્રવાસ કરતી મહિલાઓ માટે આ વિકલ્પ સગવડદાયક સાબિત થશે.

જો કે એરલાઈનની આ નવી પહેલથી બધા જ ખુશ થયા છે એવું પણ નથી. વિવેચકોના મતે આ પગલુ માનસિક પછાતપણુ દર્શાવે છે અને પુરુષપ્રધાન સમાજની માનસિકતા છતી કરે છે. એક સ્કૂલ શિક્ષકે તો એરલાઈનના આ પગલાને રામાયણની લક્ષ્મણ રેખા સાથે સરખાવતા કહ્યું કે મહિલાઓની સલામતી માટે તેણે પોતાની સીમામાં રહેવું જોઈએ એવી માન્યતા આ પહેલ પાછળ નજર આવે છે. તેમના મતે જાતીય અલગતા જરૂરી નથી અને મહિલાઓને બાજુની સીટ પર કોઈપણ હોય, સલામતીની લાગણી કરાવવી એરલાઈન્સની ફરજ છે.

બીજી તરફ એલજીબીટીક્યુઆઈએ સમુદાયના સભ્યોએ પણ એરલાઈનની આ નવી નીતિ બાબતે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. સમાન અધિકાર કાર્યકરોએ આ પગલા પાછળના હેતુને બિરદાવ્યો હતો પણ સાથે તેમાં સમાવિષ્ટતાની જરૂર પર પણ ભાર મુક્યો હતો. તેમની દલીલ હતી કે ટ્રાન્સજેન્ડર લોકોએ પણ સતામણી અને ભેદભાવનો સામનો કરવો પડતો હોય છે. તેમણે એરલાઈનને તમામ પ્રવાસીઓ માટે આવી સગવડ સામેલ કરવાની માગણી કરી છે.

મહિલા અધિકારો માટે લડતી કાર્યકરોએ એરલાઈનના પગલા બાબતે ટીકાત્મક અભિગમ અપનાવ્યો છે. તેમની દલીલ છે કે આ પગલાને સલામતી માટે લેવાયું હોવાની કહેવામાં આવે છે પણ તેમાં ઉપચારક પગલાનો અભાવ છે. એના સ્થાને તેમણે મહિલાઓને સતામણી કરનારા તત્વો સામે નો-ફ્લાય યાદીમાં નાખવા સહિત  ઝડપી અને અસરકારક પગલા લઈને દાખલો બેસાડવાની ભલામણ કરી છે. આ મહિલા કાર્યકરોએ એરલાઈન્સને સવાલ કર્યો છે કે તેમણે ક્યારે પણ મહિલા પ્રવાસીઓને ત્રાસ આપનારા તત્વો સામે કોઈ કાર્યવાહી કરી છે ખરી? તેમના મતે મહિલા સલામતીની બાબતમાં ખરી પ્રગતિ માટે રક્ષણાત્મક કાર્યવાહી કરતા વધુ પગલા લેવાની જરૂર છે.

એરલાઈનના પગલાથી મહિલાની સલામતી અને સમાનતા બાબતે મહત્વના મુદ્દા વિશે વિવાદ સર્જાયો છે. એક તરફ જાહેર સ્થળોએ મહિલાની સલામતી સામે સતત જોખમ વધી રહ્યા છે ત્યારે આવા પગલા એક રીતે ત્રાસદાયક તત્વો સામે કાર્યવાહી ન થતી હોવાનો સ્વીકાર છે. બીજી તરફ પુરુષ પ્રધાન ધોરણો સામે ચાલી રહેલા સંઘર્ષ અને સમાજમાં જાતીય આધારિત સતામણી અને હિંસાના મૂળ કારણો માટે વ્યવહારુ ઉકેલની જરૂર હોવા પર ભાર મુકે છે. એરલાઈનની પહેલ સામે આવી રહેલા મિશ્ર પ્રત્યાઘાતો પુરુષપ્રધાન સમાજમાં જાતીય સમાનતા હાંસલ કરવાની જટિલતા પ્રતિબિંબિત કરે છે. કેટલાક તેને મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા તરફના પગલા તરીકે જુએ છે તો કેટલાક તેને સતામણી કરનારા સામે પગલા લેવાના સ્થાને સલામતીની જવાબદારી મહિલાઓ પર જ નાખવાના પગલા તરીકે જુએ છે. આ વિવાદ જાતીય સમાનતા માટે રક્ષણાત્મક પગલા ઉપરાંત મહિલાઓની સતામણી કરનારા સામે સખત પગલા લેવા તેમજ પુરુષપ્રધાન ધોરણો વિખેરી નાખવા અને સમાજના વ્યાપક પડકારોનો સામનો કરવા જેવા બહુવિધ અભિગમની જરૂર પર ભાર મુકે છે.

મહિલા અધિકાર માટે લડતી સંસ્થાના સભ્યોના મતે એરલાઈનનું આ પગલુ સાબિત કરે છે કે આપણે હજી જાતીય સમાનતા અને ન્યાયી સમાજથી ઘણા દૂર છીએ. આ પગલાનો અર્થ એવો પણ થયો કે કોઈ મહિલાએ અન્ય મહિલા પાસેની સીટનો વિકલ્પ ન અપનાવ્યો હોય અને તેની બાજુમાં રહેલો પુરુષ પ્રવાસી તેની સતામણી કરે તો એરલાઈન્સ પોતાના હાથ ખંખેરી લેશે? શું એરલાઈન્સ આવા પુરુષ પ્રવાસી સામે કાર્યવાહી નહિ કરે? શું આ પગલાથી મહિલાઓની સલામતીની જવાબદારી મહિલાઓ પર જ ઢોળી દેવામાં આવી છે? આવા અનેક સવાલો નિરુત્તર રહ્યા છે. 

- ઉમેશ ઠક્કર