Magazines

સાન્યા મલ્હોત્રાને મખ્ખીચૂસ પતિ બિલકુલ નહીં ચાલે

By GS TEAM
7 May 20262 mins read
સાન્યા મલ્હોત્રાને મખ્ખીચૂસ પતિ બિલકુલ નહીં ચાલે

-  'હું પોતે કંજુસ છું. બહુ વિચારીને પૈસા વાપરવાનો મારો પહેલેથી અભિગમ રહ્યો છે. કોઈ પણ વસ્તુ ખર્રીદતાં પહેલાં બહુ વિચારું છું. કરકસર મારા સ્વભાવમાં છે, પરંતુ કંજુસ પતિ તો મને બિલકુલ નહીં ચાલે!'

સાન્યા મલ્હોત્રા પોતાનાં પાત્રોમાં જાન રેડી દેવા માટે જાણીતી છે.  'દંગલ', 'બધાઈ હો' અને 'જવાન' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો એની સાક્ષી પૂરે છે. આજકાલ મિસ મલ્હોત્રા બે કારણોસર મીડિયામાં ચર્ચામાં છે. એક તો એને ઇમોશનલ ફિલ્મ 'મિસીસ'માં એના જાનદાર રોલ બદલ એવોર્ડ મળ્યો છે એટલે અને બીજું, રાજકુમાર રાવ સાથેની એની કોમેડી ફિલ્મ 'ટોસ્ટર' ઓટીટી પર રિલીઝ થઈ છે, તેથી.

'ટોસ્ટર'ની એક પ્રમોશનલ ઇવેન્ટમાં સાન્યાને મીડિયામાંથી એવો સવાલ કરાયો કે 'મેડમ, આ ફિલ્મમાં તમારા પતિને મહાકંજુસ વ્યક્તિ બતાવાયા છે. તો શું રિયલ લાઈફમાં તમને મખ્ખીચૂસ હસબન્ડ મળશે તો ચાલશે?' એનો પોતાના અસ્સલ મિજાજમાં જવાબ આપતા એક્ટ્રેસ કહે છે, 'ભગવાન ન કરે કે મને કંજુસ પતિ મળે. મને લંચ માટે ઇન્વાઇટ કરી લંગરમાં લઈ જાય એવો પતિ મને જરાય ન ખપે! અલબત્ત, હું પોતે કંજુસ છું. બહુ વિચારીને પૈસા વાપરવાનો મારો પહેલેથી અભિગમ રહ્યો છે. કોઈ પણ વસ્તુ ખર્રીદતાં પહેલાં બહુ વિચારું છું. કરકસર મારા સ્વભાવમાં છે, પરંતુ કંજુસ પતિ તો મને બિલકુલ નહિ ચાલે.'

'ટોસ્ટર' ફિલ્મના પ્રોડયુસરોની સૂચિમાં એક્ટર રાજકુમાર રાવ અને એની પત્ની પત્રલેખા પણ સામેલ છે. નાના બજેટની આ કોમેડી ફિલ્મ સ્વીકારવા પાછળનું કારણ પૂછાતા સાન્યા એનો તાકક ઉત્તર આપે છે, 'આ ફિલ્મમાં કામ કરવાનો મારો અનુભવ ખરેખર મજાનો રહ્યો. એટલા માટે કે એક્ટર તરીકે હું એવા પાત્રની તલાશમાં હતી જે મને 'ફીલ ગુડ'વાળી અનુભૂતિ કરાવે. આમેય સાચું પૂછો તો મેં બહુ કોમેડી કરી પણ નથી. મેં ડ્રામા જૉનરની મૂવીઝ વધુ કરી છે અને એમાંય અમુક રોલ્સ બહુ ઇમોશનલ હતા. એ સંજોગોમાં 'ટોસ્ટર' જેવી કોમેડી ફિલ્મ કરવી બ્રેક સમાન બની રહી.' વાત તો સાચી.