Magazines

સૈફ અલી ખાનને પણ સંતાનોના ભાવિની ચિંતા સતાવે છે

By GS TEAM
4 Jun 20262 mins read
સૈફ અલી ખાનને પણ સંતાનોના ભાવિની ચિંતા સતાવે છે

- 'એક પિતા તરીકે ખુશ છું કે તેઓ કામ કરવા માગે છે.હું એમને શક્ય એટલો સપોર્ટ આપું છું. બંનેને સખત મહેનત કરવા પ્રેરતો રહું છું. એમને પોતાનામાં સુધારો લાવવાની શિખામણ આપું છું

સૈફ અલી ખાન ઓટીટી પર સ્ટ્રીમ થતી પોતાની ફિલ્મ 'કર્તવ્ય'ને કારણે ન્યુસમાં છે. શાહરુખ ખાનના હોમ પ્રોડક્શનની ફિલ્મમાં સૈફે એક હરિયાણવી પોલીસ ઓફિસર (કોપ)નો રોલ કર્યો છે. ફિલ્મની એક પ્રમોશનલ ઈવેન્ટમાં એક્ટરે મીડિયા સાથે એક રોચક વાત શેર કરી. સૈફના કરિઅરની શરૂઆતની સફળ ફિલ્મોમાં 'મૈં ખિલાડી તુ અનાડી' (૧૯૯૪) પણ સામેલ હતી. ફિલ્મમાં સૈફે એક એક્ટરની ભૂમિકા ભજવી હતી. એક્ટર તરીકે એને પોતાના કોપના રોલ માટે રિયલ લાઈફ ડેરિંગ પોલીસ ઓફિસર અક્ષય કુમાર પાસે ટ્રેનિંગ લેતો દર્શાવાયો છે. એ વિશે વાત કરતા એક્ટર કહે છે, 'મૈં ખિલાડી તુ અનાડી'ના શુટિંગ દરમિયાન ડાયરેક્ટર અને મારા ફ્રેન્ડ સમીર મલકાને મને એવી સલાહ આપી હતી કે આ કોમેડી ફિલ્મ છે એટલે ચાલી જશે, પરંતુ તુ એક સીરિયસ સ્વભાવના કોપનો રોલ નહીં કરી શકે. એ વાતને ૨૦-૨૫ વરસ થઈ ગયા અને મને એ વાતની ખુશી અને ગર્વ છે કે હું હવે એક પોલીસ ઓફિસરના રોલને ન્યાય આપી શકું છું.'

સૈફે મીડિયાકર્મીઓ સાથે હળવા મૂડમાં પોતાની પ્રોફેશનલ ઉપરાંત પર્સનલ વાતો પણ શેર કરી. સૈફની પુત્રી સારા અને પુત્ર ઈબ્રાહિમ અલી ખાન એક્ટર બની ચુક્યા છે. તમારી ભાવિ પેઢીને તમારો અભિનયનો વરસો આગળ વધારતા જોઈ તમને કેવી લાગણી થાય છે એવા પ્રશ્નના જવાબમાં એક્ટર કહે છે, 'એક પિતા તરીકે ખુશ છું કે તેઓ કામ કરવા માગે છે. હું એમને શક્ય એટલો સપોર્ટ આપું છું. બંનેને સખત મહેનત કરવા પ્રેરતો રહું છું. એમને પોતાનામાં સુધારો લાવવાની શિખામણ આપું છું. મારું એવું માનવું છું કે દરેક વ્યક્તિ માટે સતત આગળ વધતા રહેવું, કોશિશ કરતા રહેવી અને પોતાના કામમાં સુધારો કરતા રહેવું જરૂરી છે. આપણે બધા એ જ રીતે પ્રગતિ કરીએ છીએ.'

પૂરક પૃચ્છારૂપે સૈફને એવું પણ પૂછાયું કે તમને તમારા સંતાનોના ભાવિ વિશે ચિંતા થાય છે ખરી? ૫૫ વરસનો વર્સેટાઈલ એક્ટર એનો પ્રેક્ટીકલ જવાબ આપે છે, 'હા, બિલકુલ થાય છે. દરેક મા-બાપને પોતાના બાળકોના ભવિષ્ય અને એમની સુખાકારી વિશે ફિકર રહેતી હોય છે. હું એમાં અપવાદ નથી.'