રિચા ચઢ્ઢાની પારકી પંચાત .

- કોર્ટે કહ્યું, 'આક્ષેપો વિશે સચ્ચાઈ જાણ્યા વિના સમર્થન આપવું અને એને બઢાવીચઢાવીને મુકવા ઉપરાંત ઉશ્કેરણી કરે એવી 'મેક હિમ ફેમસ જેવી કમેન્ટ કરવી તે અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો ગેરલાભ લેવા જેવી વાત છે.'
બોલિવૂડની એક્ટર-પ્રોડયુસર રિચા ચઢ્ઢા સ્વભાવે અને કર્મથી સોશ્યલ એક્ટિવિસ્ટ છે. ખાસ કરીને સ્ત્રીઓની ગરિમાનો પ્રશ્ન આવે ત્યારે એ ખુલીને પ્રતિક્રિયા આપવામાં સંકોચ નથી કરતી. પરંતુ એક મામલામાં અઘટિત ઉતાવળ ચઢ્ઢાને ભારે પડી ગઈ. દિલ્હી હાઈકોર્ટ રિચા ચઢ્ઢા અને મિડીયા પ્લેટફોર્મ્સને ઈન્ડિગોની દિલ્હી-મુંબઈ ફ્લાઈટમાં એક સ્ત્રીએ એક પુરુષ મુસાફર પર કરેલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ (જાતીય સતામણી)ના આક્ષેપોની સચ્ચાઈ ચકાસ્યા વિના એને બઢાવી-ચડાવીને રજુ કરીને પુરુષને શરમમાં મુકવા બદલ ઉઘડો લીધો હતો.
૧૧મી માર્ચે બનેલા આ બનાવ વિશે વિગતવાર વાત કરીએ તો એક મહિલા પત્રકારે એની બાજુની સીટ પર બેસેલા એક પુરુષ પર ફ્લાઈટ દરમ્યાન અભદ્ર શારીરીક અડપલાનો આક્ષેપ કર્યો. ફ્લાઈટ ઉતરાણ કર્યા બાદ મહિલા પત્રકારે પોતાના એક્સ હેન્ડલ પર પુરુષના નામ સાથે એના પર આક્ષેપ કરતી પોસ્ટ મૂકી. એટલેથી ન અટકતા, એણે પુરુષનો ફોટો અને એની પ્રોફેશનલ વિગતો પણ શેયર કરી. ઉક્ત પોસ્ટ તુરત બધે ફેલાઈ ગઈ. રિચા ચઢ્ઢા શેની પાછળ રહી જાય. એણે પણ ફટાફટ પોસ્ટ રિપોસ્ટ કરી નીચે કમેન્ટમાં લખ્યું ' મેક હીમ ફેમસ' (આ માણસને જાણીતો કરી દો.)
એને પગલે પેલા પુરુષ પેસેન્જરે કોર્ટમાં માનહાનિનો દાવો કરી દીધો . બદનક્ષીના આ કેસની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે રિચાની પોસ્ટ સંબંધમાં એવી કમેન્ટ્સ કરી કે 'આક્ષેપો વિશે સચ્ચાઈ જાણ્યા વિના અમને સમર્થન આપવું અને એમને બઢાવી ચડાવીને મુકવા ઉપરાંત ઉશ્કેરણી કરે એવી મેક હીમ ફેમસ જેવી કમેન્ટ મૂકવી અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો ગેરલાભ લેવા જેવી વાત છે. એ ફરિયાદીને જાહેરમાં શરમમાં મુકવા જેવો ડિજીટલ વિજિલેન્ટીજમનો કિસ્સો છે. જાહેર જીવનમાં પડેલી વ્યક્તિની એ નૈતિક અને કાનૂની જવાબદારી છે કે એ પોતાના પ્લેટફોર્મ કોઈની સામેના ગંભીર આક્ષેપોને મોટું સ્વરૂપ આપવા માટે ઉપયોગ કર્યા પહેલા એની સત્યતા ચકાશે.'
ફરિયાદી પુરુષે પોતાની સામેનો આક્ષેપોને રદીયો આપી એવો દાવો કર્યો હતો કે વિમાન પ્રવાસ દરમિયાન હું મારી સીટ પર જ બેઠો હતો અને ફ્લાઈટ લેન્ડ થઈ એની થોડી વાર પહેલા મને જોકુ આવી ગયું હતું. એણે પછીથી દિલ્હી હાઈકોર્ટમાં મહિલા પત્રકાર, રિચા અને ઘણા ડિજીટલ પ્લેટફોર્મસ સામે બદનક્ષીનો કેસ કર્યો હતો.
રિચાએ સોશ્યલ મિડીયા પરથી પોતાની ઉક્ત પોસ્ટ, અફ કોર્સ, કાઢી નાખી છે.









