વાચકની કલમ

મા નવદુર્ગા સ્તુતિ
ઉગતા પ્હોરે સમરું તને
સંધ્યા ટાણે તારું નામ
નિત્ય પોકાર, ઓઠય પ્હોર
તને સમરું દિવસ રાત
ભોી ભવાની મા
મારી ભોળી ભવાની માં (૨)
બહુચર રૂપે બાહ્ય ધરજે
કાળી રૂપે કાળજડે વસજે
જગત જનની બિરદાઉં તને
મારી ચંડી ચામુંડ માત
ભોી ભવાની મા
મારી ભોળી ભવાની મા (૨)
મા મેલડી મનના મેલ ધોજે
ખોડલ બની ખમકારો કરજે
દશા સુધારજે દશા મા
આશા પૂરી કરજે આશા મા
ભોળી ભવાની મા
મારી ભોળી ભવાની મા (૨)
મોમાઈ દેવીને નમન કરું
દરિદ્ર ટાળે મહાલક્ષ્મી
અન્નપૂર્ણા સૌને વ્હાલી
તે તો ઠારે જગતનું પેટ
ભોળી ભવાની મા
મારી ભોળી ભવાની મા (૨)
માડી તારા રુપ હજાર
કેમ ભૂલાવું રાંદલ મા
મોગલ રૂપ મનમાં વસી
મારી પાર્વતી અંબે મા
ભોળી ભવાની મા
મારી ભોળી ભવાની મા (૨)
બારેય મહીને નોરતા ચાર
મારા પૂરા તીરથ ધામ
મા ડુંગરે ડુંગરે તારો વાસ
ભૂલ્યો હું તો ઘર ને ગામ
ભોળી ભવાની મા
મારી ભોળી ભવાની મા (૨)
તેર્રીસ કોટી દેવો નમે
ચૌદ ભુવનમાં દીવા બળે
શીશ નમાઉં શ્રધ્ધાથી
પૂજા કરુ ને ભક્તિ કરુ
ભોળી ભવાની મા
મારી ભોળી ભવાની મા (૨)
રામજી ગોવિંદ કુંઢડીયા
(બદલાપૂર ઈસ્ટ)
ઘંટારવ
ઘંટારવ થયો છે મંદિરમાં..
પુરુષોત્તમના નાદનો,
માનવજીવન છે દોડાદોડી ભરેલું,
લાગે જીવન શાંતિ વિના અધૂરું,
થોડીવાર તું તંભીજા,
પ્રભુમાં મગ્ન બની જા
પાપને મિટાવવા ખાતર
ધર્મમાર્ગે ચાલતો જા…
સમગ્ર વિશ્વ ભયના ઓથારે,
વેરઝેર, સત્તાના સહારે,
આંખ બંધ કરીને માનવ,
પ્રભુ મસ્તીમાં નાવ ડૂબાડતો જા…
જીવન ભર લક્ષ્મી પાછળ દોડયા
કીધા કંઇક કાળાને ધોળાં
તિજોરીમાં રૃંધાતી લક્ષ્મીને
બહાર કાઢીને આઝાદી આપતો જા…
પ્રભુભક્તિ માટે તક મળી,
ત્રણ વર્ષ પછી ક્ષણ મળી,
પુન્ય કમાવવાની ઘડી મળી,
માનવ અવતાર સુધારતો જા…
અન્નદાન, ધનદાન, વસ્ત્રદાન,
ખોબે ખોબે વરસાવ દાન,
પુન્યનું ભાથુ બાંધવા કાજે
પાપના પગથિયા ઉતરી,
પુન્યની સીડી ચઢતો જા…
મોક્ષના દ્વાર સુકર્મથી ખોલ,
પ્રભુ ચરણમાં સ્થાન કરતો જો….
ભારતી પી. શાહ (અમદાવાદ)
કોઇ તો જરૂર વાત કરો
કોઇને કોઇ તો જરૂર વાત હશે,
મૂડમાં પ્રેમમાંય ચાંદરાત હશે.
એકદમ મોજમાં અલગ જ લાગેને,
રંગ રૂપ નવીન હાવભાવ હશે.
જોઇ ના કોઇ દી જુદાં જ અંદાઝે,
આંખમાં શાનદાર તેજ રાઝ હશે.
કેટલી ખુશખુશાલ જોઇલો પ્યારે,
આમ પણ ખુશમિજાજ જોરદાર હશે.
કોઇ તો અવનવી અદા રહી 'સાવન',
એટલે તો વધુ હજી પ્રભાવ પ્યાર હશે.
હિતેશ આર. પટેલ 'સાવન' (બારડોલી)
જાણી શક્યો નહિ
કુદરત તારી લીલાને જાણી શક્યો નહિ
અવિરત તારી ગતિને જાણી શક્યો નહિ
ઘણા યુગો વહી ગયાં,
ન જાણી શક્યું કોઇ
અકળ કળા તારી, જાણી શક્યો નહિ
સવાર બપોર સાંજમાં, યુગો વહિ ગયા
રોજ નવી સવારને, હું જાણી શક્યો નહિ
પામર માનવી અમે ન જાણે કુદરતને
મળી અમૂલ્ય જિંદગીને,
જાણી શક્યો નહિ
હવા, પાણી અને સઘળું, છે બધું આપનું
કુદરત તણી ભેટને, જાણી શક્યો નહિ
અસંખ્ય જીવ,
આવીને ચાલ્યા ગયા સ્વધામમાં
આવાગમનની રીતને, જાણી શક્યો નહિ
ભગુભાઇ ભીમડા (હલદર-ભરૂચ)
સંગીન સાથીદાર છું
હું એટલો બધો વગદાર- દમદાર છું.
એના પ્રપેમનો સંપૂર્ણ પણે, હકદાર છું,
મારા ખામોશ પ્રેમને ભલે એ લાખ છુપાવે.
એના પ્રેમને પૂર્ણપણે હું વફાદાર છું,
ગાલે પડતાં ખંજનથી ભલે
મને એ લલચાવે. એના તન, મન,
જિગરનો હું પૂર્ણ દાવેદાર છું,
રસ્તે જતા આવતા કદી કોઇ એને ન કનડે.
એનો ચોવીસ કલાકનો હું પહરેદાર છું,
મારા દિલમાં કાયમવસી, ઘડી ભર દે હસી.
એના ભાગ્યનો હવે અડધો હું ભાગીદાર છું,
મેલી દે રિસામણાં કરી દે ઝટ મનામણાં.
એનો ભવોભવનો
હું સંગીન સાથીદાર છું.
દેવેન્દ્ર કે. ચૌધરી (કમાલપુરવાળા)
બેપરવાહ
ન દરદે ઇશ્ક ઉઠયું કોઇ સંગ દિલમાં
મહોબતની કોઇ માયા લાગી નથી
મીલાવી નજર તો એવું લાગ્યું કે
ઉરમાં એના ઇશ્કને પરવાનગી નથી
ઓસરી ગયા જાણે લાગણીના પૂર
જવા જિગરમાં કોઇ જજબાત જાગી નથી
નથી આવતો કોઇ ઉરમાં ઉમળકો
નયનોમાં એના કોઇ દિવાનગી નથી
મણીલાલ ડી. રૂધાણી (રાણાવાવ)
જાય છે….
સમય હાથમાંથી સતત સરી જાય છે,
ઇચ્છાઓ બધી મારી અંતે મરી જાય છે.
સમંદરની સાથે હું બાથ ભીડતો નથી,
શ્રદ્ધા પ્રભુમાં રાખુ તોય મન
શંકાઓ ધરી જાય છે.
હોય મારુ, અસ્તિત્વ
તોય લાગતું કે નથી,
પણ શ્વાસના વિશ્વાસથી
મન વાતો કરી જાય છે.
મારી જીંદગીના પત્તા
ગોઠવી રહ્યું છે ત્યાં,
તમારી યાદ આવતા બાજી રૂટી જાય છે.
ને ખીલતો, કળીની જેમ
મુશ્કરાવ છું સતત,
ને પળ- મળે ન મળે ત્યાં,
ફુલ થૈં ખરી જાવ છું…
હસમુખ સી. જાટકીયા (રાજકોટ)
માનવતાની મ્હેંક
હતું મન ચંગાતો થયા
પ્રગર 'મા' ગંગા ચર્મકુંડમાં
હતી ભક્તિભાવની અમીરી
અમ ગુરુ સંત શિરોમણી
છોડો અલગતા છીએ વંશજ
રૈઈદાસના જોડો એકતા
સમાજ સમરસ્તાના પંથે
ચાલી છોડો ભિન્નતા
અમીરી-ગરીબી તો છે
અમ શરીરનો પહેરવેશ
ખાલી હાથે આવ્યા છે
ને ખાલી હાથે જ જવાના છીએ
છોડી અહમ માનવ પ્રેમે
કેળવો સમાજ સમરસ્તા
છે તું સદ વ્યવહારના હિતથી
મહા નથી જન્મ કે ધનથી
સંત શિરોમણીને મન છે
હિંદુ-મુસ્લિમ કનક એકતાનું
છોડી જાતિભાવ થઈ મુક્ત
છોડી મોટાઈને એકતાથી જીવો
થશે સમાજ સમરસ્તા તો
માનવતાનું સ્વર્ગ બનશે
'રાહી'ને મન તો અવતરશે
ખુદ ઈશ્વરનો અવતાર
બિપિન વાઘેલા 'રાહી'
(ટુંડ-અંકલેશ્વર)
'શબ્દો અને મૌન'
શબ્દો સંભવ નથી
અને મૌનની સમજણ નથી
કહેવાનું તો ઘણું છે હૃદયમાં
પણ હોઠોને અનુમતિ નથી
આંખો બધુ કહી જાય છે
પણ નજરની કોઇ ભાષા નથી
દર્દ અંદરથી ચીસો પાડે છે
પણ ચહેરા ઉપર 'આહ' નથી
સંબંધ પાસે નામ તો છે
પણ લાગણીની
કોઇ ઓળખાણ નથી
હું તો મૌનને પણ સમજતો રહ્યો
પણ મારી ખામોશીની
કોઇને સમજણ નથી.
હર્ષદ ઠક્કર 'દુગારી' (તા. તારાપુર)




