Magazines

ખમ્મા મારા નંદજીના લાલ

By GS Team
19 Oct 20192 mins read
This article was originally published on 19 Oct 2019
ખમ્મા મારા નંદજીના લાલ

ખમ્મા મારા નંદજીના લાલ,

મોરલી કાં રે વગાડી.

હું રે સૂતી'તી મારા શયનભવનમાં

સાંભળ્યો મેં મોરલીનો સાદ

મોરલી કાં રે વગાડી

ખમ્મા મારા...

ભર રે નીંદરમાંથી ઝબકી ને જાગી

ભૂલી ગઈ હું ભાન સાન

મોરલી કાં રે વગાડી

ખમ્મા મારા... 

પાણીડાંની મશે જીવણ જોવાને હાલી,

દીઠા મેં નંદજીના લાલ,

મોરલી કાં રે વગાડી

ખમ્મા મારા...

બેડાં મેલ્યાં મેં તો સરોવર ઝુલતાં

ઈંઢોણી આંબાની ડાળ

મોરલી કાં રે વગાડી

ખમ્મા મારા...

દોણું લઈને ગૌ દોવાને બેઠી

નેતરાં લીધાં હાથ

મોરલી કાં રે વગાડી

ખમ્મા મારા...

વાછરું વરાંહે મેં છોકરાંને બાંધ્યાં

નેતરાં લઈને હાથ

મોરલી કાં રે વગાડી

ખમ્મા મારા...

ફોકસોંગ અને ફોકડાન્સ પરસ્પરનાં અભિન્ન પાસાં છે. લોકનૃત્ય વખતે લોકગીતની હાજરી અનિવાર્ય બની જાય છે. રાસ-ગરબા ગુજરાતનું લોકનૃત્ય છે એટલે રાસ લેતી વખતે ગાવાનાં લોકગીતોનું આપણે ત્યાં બાહુલ્ય છે, છતાં બધાં જ લોકગીતો રાસ રમતી વખતે ગાઈ શકાય એવાં નથી હોતાં. રાસડાનાં લોકગીતો જુદાં, બેસીને ગાવા-સાંભળવાનાં અલગ અને સ્પર્ધાઓમાં ગાવાનાં પણ નોખાં! લોકગીત ગાનાર પાસે એ સૂઝ હોવી જોઈએ કે પોતે ક્યા સ્ટેજ પરથી પ્રસ્તુત થઈ રહ્યા છે.

કોલેજો, યુનિવસટીઓના યુવક મહોત્સવોમાં જે લોકગીતો ગવાય છે એ ખરેખર સ્પર્ધા જીતવા માટેનાં હોય છે? રાસ-ગરબામાં રજૂ થાય છે એનું સ્થાન ત્યાં યોગ્ય છે? લોકડાયરાઓમાં જે પ્રસ્તુત થાય છે એ લોકગીતો મેદની માટેનાં છે કે કેમ? કલાકારની સફળતાનો આધાર ગીત પસંદગી પર રહે છે. કેટલાંક લોકગીતો બધાં જ ફોર્મેટમાં મેદાન મારી જાય એવાં હોય છે.

'ખમ્મા મારા નંદજીના લાલ...' જામેલું, લોકભોગ્ય, લોકકંઠે રમતું લોકગીત છે જે તમે રાસગરબામાં રમતું મુકો, લોકડાયરામાં લલકારો કે પ્રતિસ્પર્ધામાં પ્રસ્તુત કરો, 'વાહવાહી' જ કમાઈ લાવશે! ભગવાન શ્રીકૃષ્ણની બંસરીના નાદે બહાવરી બનેલી ગોપી કહે છે કે હું તો શયનખંડમાં ભરઉંઘ માણી રહી હતી પણ બંસરીની ધૂનથી સફાળી બેઠી થઈ, ભાન ભૂલીને ભાગી.

ઘરની બહાર જવા કંઈક બહાનું જોઈએ એટલે બેડું લીધું, પાણી ભરવા નિમિત્તે નીકળી તો નંદલાલને મોરલી બજાવતા જોયા. મોરલીએ એવાં કામણ કર્યાં કે ઘરનાં કામમાંથી ધ્યાન સંપૂર્ણપણે હટી ગયું ને બધું ઉલટું થવા લાગ્યું, જેમકે પાણી ભરવા ગઈ પણ બેડું સરોવર કાંઠે મુક્યું ને ઈંઢોણી આંબા ડાળે વળગાડી દીધી, નેતરું લઈને વાછરુને બાંધવાને બદલે છોકરાંને બાંધી દીધાં!

લોકગીતો આપણી ધરોહર છે તેમાં બોલીના પ્રયોગો વધુ થયા છે એટલે આજના મોડર્ન યુગમાં યુ ટયુબ પર આધાર રાખનારા ગાયકો ખોટા શબ્દોનું ઉચ્ચારણ કરતા રહે છે. આ લોકગીતમાં લોકકવિએ 'મોરલી કાં રે વગાડી...' એમ રચ્યું છે પણ અનેક ગાયકો-ગાયિકાઓ 'કાં' ને બદલે 'ક્યાં' ગાય છે! 'કાં' એટલે શું કામે? એ અર્થ અહીં અભિપ્રેત છે. વળી, 'વાંસળી' માટે કેવો મજાનો 'મોરલી' શબ્દ પ્રયોજ્યો છે! એ જ તો લોકગીતની લીલ્લેરી લિજ્જત છે!