Magazines

આશાભર્યાં ને અમે આવિયાં

By GS Team
12 Oct 20192 mins read
This article was originally published on 12 Oct 2019
આશાભર્યાં ને અમે આવિયાં

આશાભર્યાં ને અમે આવિયાં

ને મારે વાલે રમાડયા રાસ રે

આવેલ આશાભર્યા

શરદપૂનમની રાતડી ને કાંઈ

ચાંદો ચડયો આકાશ રે, આવેલ આશાભર્યાં

ઊતારા દેશું તમને ઓરડા ને કાંઈ

દેશું મેડીના મોલ રે, આવેલ આશાભર્યાં

દાંતણ દેશું તમને દાડમી ને કાંઈ

દેશું કણેરી કાંબ રે, આવેલ આશાભર્યાં

નાવણ દેશું તમને કુંડિયું ને કાંઈ

દેશું નદિયુંનાં નીર રે, આવેલ આશાભર્યાં

ભોજન દેશું તમને લાપસી ને કાંઈ

દેશું કઢિયેલાં દૂધ રે, આવેલ આશાભર્યાં

મુખવાસ દેશું તમને એલચી ને કાંઈ

દેશું બીડલાં પાન રે, આવેલ આશાભર્યાં

કોઈ ગુજરાતી ગીત લોકગીત છે કે નહીં તે ખબર કેમ પડે? કઈ પ્રયોગશાળામાં તેની ચકાસણી કરવી પડે? કયા ઘટકતત્વો દ્વારા નક્કી થઈ શકેેે કે આ લોકગીત છે કે નહીં? સૌથી પહેલા તો ગીતમાં પ્રયોજાયેલા શબ્દો પરથી અંદાજ આવી શકે. બીજું, ગીતનો ઢાળ એટલે કમ્પોઝીશન સાંભળતાં ખ્યાલ આવી જવાની સંભાવના વધુ અને ત્રીજું, વધુમાં વધુ લોકગીતો ગાવા-સાંભળવાનો અનુભવ.

આ ત્રણ પરિણામો થકી લોકગીતને પારખી શકાય છતાં અનુભવી પણ ભૂલ કરી બેસે એવી શક્યતા પણ ખરી. આજે તો એટલાં બધાં જોડકણાં રચાય ને ગવાય છે કે એને જ લોકગીતોમાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે પણ એ તો ફટકિયાં મોતી છે, કાલે તૂટી-ફૂટી જશે!

'આશાભર્યાં ને અમે આવિયાં...' મૂલતઃ નરસિંહ મહેતાની રચના છે. નરસિંહકૃત પદ હોય એટલે એના શબ્દો થોડા અઘરા હોય, સાવ લોકબોલીમાં ન હોય એટલે અક્ષરજ્ઞાાન ન લીધું હોય તેવી તત્કાલીન ગ્રામનારીઓને અઘરું ગાવું અને ઝીલવું ન ફાવે માટે સરળ હતું એટલે રાખ્યું ને અઘરું કાઢી નાખ્યું એટલે કે મહેતા નરસિંહની કૃતિનું સરલીકરણ કરી લોકગીત બનાવી નાખ્યું!

મૂળ પદનો એક અંતરો આવો છે - ''અષ્ટકૂળ પર્વત ડોલિયા ને ઓલ્યા નવકૂળ ડોલ્યા નાગ રે, આવેલ આશાભર્યાં...'' અભણ બહેનોને આવું ગાતાં કેમ ફાવે? એટલે મુખડું અને પહેલો અંતરો યથાવત્ રાખી બાકીના અંતરા બદલી નાખ્યા અને લોકગીતની જે અસલ પેટર્ન છે એવા-ઉતારા ઓરડા, ભોજન લાપસી... વગેરે જોડી દીધા! મુખડું તો સાવ સરળ જ છે, પહેલો અંતરો શરદપૂનમની રાતને ચિત્રિત કરે છે, પછીના બધા અંતરા લોકસર્જન છે.

પહેલા નોરતાથી માંડી શરદપૂનમ સુધી ગુજરાતીઓ રાસ-ગરબામાં રમમાણ હોય છે ત્યારે ગામના પાદરમાં કે શહેરના ગરબાગ્રાઉન્ડમાં રાસે રમતા ખેલૈયાઓને આ લોકગીત પાનો ચડાવવા પ્રેરે એવું છે.