2026ના વેકેશનનું ફિલ્મદર્શન : પૂરા 33 નામોનો ભંડાર!

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- 25 વર્ષથી જગતના કોઈ પણ પ્રકાશનમાં ના ચાલતા હોય એવા વેકેશન આર્ટિકલ્સ સિરીઝનો નવોનક્કોર મણકો.
(૧) પ્રોજેક્ટ હેઇલ મેરી : અમેરિકા યુએફઓ ફાઇલ રિલીઝ કરે છે આજકાલ જેમાં ગેબી એલિયન્સની ધરતી પર ચક્કર મારતા હોવાની સંભાવના સબૂત સહિત ધૂંધળી ઝીલાઈ છે. બીજી બાજુ ચંદ્ર અને મંગળ પર વસાહતો બનાવવાના સપને આર્ટિમિસ ઉડે છે. ઇટી, ગ્રેવિટી, ઇન્ટરસસ્ટેલર અને વોલ ઇની યાદ અપાવી દેતી આ ફિલ્મ પણ આ જ થીમ પર છે. સુદૂર બાહ્યઅવકાશમાં સૂરજને બચાવવા નીકળેલો એક વિજ્ઞાની અવકાશયાત્રી અને ટિપિકલ એલિયનથી અલગ એવો એને મળેલો એક પરગ્રહવાસી. મોટા પડદે સપરિવાર જોવામાં જલસો પડે એવી ફિલ્મ છે! હિટ પણ ગઈ યુદ્ધના ઓછાયા છતાં. કારણ કે એમાં અજાણ્યા હોવાને લીધે એકબીજાથી ડરીને દુશ્મન બનવાને બદલે એકમેકની આગવી લાક્ષણિકતા સ્વીકારી લેવાનો ફ્રેન્ડશિપ ફંડા છે. સ્પાઇડરમેનના અદ્ભુત એનિમેટેડ સ્પાઇડરવર્સ મુવીઝ બનાવનાર નિર્દેશકો સાથે રાયન ગોસ્લિંગે કમાલ કરી છે. એવોર્ડ મેળવવાની દોડમાં ટકે એવી સરસ સંવેદનશીલ છતાં થ્રીલર ફિલ્મ.
(૨) ધડક ટુ : ૨૦૧૮ માં બનેલી તમિલ ફિલ્મ પેરિયરમ પેરૂમલની શાઝિયા ઈકબાલે બનાવેલી આ હિન્દી રિમેક પ્રોડયુસ કરવા માટે કરણ જોહરને ધન્યવાદ દેવા જોઈએ. કારણ કે આપણામાં મૂળિયા ઘાલીને બેઠેલા જ્ઞાતિવાદને એ ચેલેન્જ કરે છે. મેઇન્સ્ટ્રીમ હિન્દી ફિલ્મોમાં મોટા બજેટ સાથેની લવ સ્ટોરીમાં આવા પ્લોટ ભાગ્યે જ જોવા મળે. ઈન ફેકટ, નાયક કે નાયિકા દલિત હોય અને એ માત્ર ઓળખ નહીં, પણ મુખ્ય મુદ્દો હોય એવી કેટલી હિન્દી ફિલ્મો જોઈ? સિધ્ધાંત ચતુર્વેદીએ પોતાના બ્રાહ્મણત્વને બાજુએ મૂકી આ રોલ પણ બખૂબી નિભાવ્યો એ પણ ભારતનું ફેબ્રિક છે. થ્રિલર લવ સ્ટોરીના લિબાસમાં પેક થયેલી જોવા જેવી ને સમજવા જેવી સામાજિક જાગૃતિ છે આ ફિલ્મ!
(૩) મર્સી : યાદ છે 'સર્ચિંગ' અને 'મિસિંગ' જેવી ઉત્તમ સસ્પેન્સ થ્રિલર ફિલ્મો? જેમાં એક પછી એક કડીના આધારે અશક્ય લાગતું કામ કરીને સાવ અંધારામાં માર્ગ કાઢીને ગુનેગારને પકડવાનો હોય. અને થોડી થોડી મિનિટોએ સરપ્રાઈઝ આપતા વળાંકો તમને ચોંટેલા રાખે? મર્સી આ લેવલની જ ફિલ્મ છે. આજકાલ બહુ ચર્ચામાં રહેલી બે બાબતો એઆઈ અને અદાલતનું એમાં કોમ્બિનેશન છે. ફ્યુચરનું ફાસ્ટ ડેટા પ્રોસેસિંગ આંગળીને ટેરવે કેવું હશે એની ઝલક સાથે એમાં કોમ્પ્યુટર સીસ્ટમ વર્સીસ હ્યુમન ગટ ફીલિંગનો ખેલ છે. ક્રાઈમ ડિટેક્શન માટે ટેક્નોેલોજીનો ભરોસો કેવો કે હ્યુમન બ્રેઇનનો? રેબેકા ફરગ્યુસન અને ક્રિસ પેટની આબાદ એક્ટિંગવાળી આ ફિલ્મ જુઓ.
(૪) ધ એપ્રેન્ટિસ : ટોક ઓફ ધ ટાઉન નહીં, પણ ટોક ઓફ ધ અર્થ બનેલા હોય તો એ છે અમેરિકાના બટકબોલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ. દુનિયાભરના દેશો ઉચક જીવે એમનો મૂડ કઈ દિશામાં કેવી ગુલાંટ મારે એ જોયા કરે છે. ત્યારે આ અનઓફિશ્યલ બાયોપિક (જેને નેચરલી ્રટ્રમ્પસાહેબે પોતે નકારી કાઢી છે, પણ આ અમેરિકા છે એટલે એમણે વખોડી હોવા છતાં ફિલ્મ અડીખમ છે, એ કલ્પનાના રંગો ઉમેરેલી કથા છે એમના જીવનના શરૂઆતના વર્ષોની. માઇકલ જેકસનની બાયોપિક જેવી સિંગલ કલર નથી. એમાં યુવાન ડોનાલ્ડ શિખાઉ મહત્વાકાંક્ષી બિઝનેસમેન છે, જેને અનાયાસ મળી જાય છે એક ગુરુ. એક ફિક્સર ટાઈપ વકીલ રૉય કોહેન. જે બધી વાતે પૂરો ખેપાની ઉસ્તાદ છે. જિંદગી ટોચ પર પહોંચવા આદર્શોથી નહિ પણ ખંધાઈથી જીવીને જીતી શકાય છે, એ સમજી ચૂક્યો છે. એના ત્રણ નિયમોથી એ શિષ્યને 'દીક્ષિત' કરે છે ત્રણ નિયમોથી. પહેલું, એટેક એટેક. બેધડક તૂટી જ પડવું. બીજું, કશું કબૂલવું નહીં, બધું નકારી જ કાઢવું. ત્રીજું, કોઈ દિવસ હાર સ્વીકારવી જ નહીં. જીતનો દાવો જ મજબૂત રાખવો. કેવી રીતે એ આજે પણ સ્વભાવમાં વણાઈ જઈને ખુદ ગુરુની પણ સાઇડ કાપી દે એવી અસર કરીને ધીરે ધીરે એક વ્યક્તિત્વ બદલાવે છે, એની ઉત્તમ અભિનયથી ઓપતી ફિલ્મ છે આ.
(૫) હોપર્સ : ઘણા વખતે ડિઝની પિક્સારનું સેડ મિસિંગ સ્ટોરીના પ્લોટ સિવાયનું ધમાકેદાર એનિમેશન મૂવી આવ્યું! અવતાર ફિલ્મને એક મિક્સરમાં નાખીને પીટર રેબિટ અને પેલી તળાવડીના આરે (અનુવાદ મહેન્દ્ર મેઘાણી ) સાથે હલાવીને જ્યુસી જમાવટ પેસ કરવામાં આવી છે. બાળકોને મજા પડી જશે. પર્યાવરણની વાત સાથે એકશન ને ઇમોશન સરસ છે આ ફટાફટ ભાગતી ફિલ્મમાં.
(૬) ડ્રેક્યુુલા એ લવ ટેલ : ડ્રેકયુલા સ્ટોરી તો જૂની થતી જ નથી. હજુ હમણાં તો નોસ્ફારેટૂ આવેલી. એ વેમ્પાયરકથાને ધરખમ ફ્રેન્ચ ડાયરેક્ટર લુક બેર્સોએ હોરરને બદલે ટ્રેજિક લવ સ્ટોરી તરીકે પ્રસ્તુત કરી છે. હોસ્પિટલમાં પકડાયેલી ડ્રેક્યુલાની સાગરીતનો અભિનય લાજવાબ છે. આમ તો કાપોલાએ આ એન્ગલ જરાક સ્પર્શ્યો હતો. પણ પ્રેમનું હોરર બતાવતી આ ફિલ્મ એ રીતે ન ગમે તો એના વિઝયુઅલ માટે પણ વસુલ છે.
(૭) ડેથ રાઇડસ એ હોર્સ : વર્ષો સુધી સલીમ જાવેદે ઝંઝીર અને યાદોં કી બારાત આ ફિલ્મની કોપી કરી લખી એવું જેણે જેણે ક્યાંકથી કોપી કરીને લખ્યું એમણે આ ફિલ્મ જોઈ નથી. ૧૯૬૭ની આ ફિલ્મમાં માત્ર બાળક માતા પિતાના કાતિલના અમુક ઓળખચિહ્નો જોઈ યાદ રાખીને શોધે એટલું જ ભારતમાં આવ્યું છે. પણ લી વાન ક્લિફનો દબદબો બતાવતી આ ઇટાલિયન મેકર જુલીઓ પેટ્રોનીની વેસ્ટર્ન એક્શન ફિલ્મ ધમાકેદાર છે. જૂની નહીં લાગે. જોજો. એનિયો મોરિકેનના જાદૂઈ અસર કરતા બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે પણ.
(૮) બારામુલ્લા : આદિત્ય ધર સ્ટોરીટેલિંગન ધુરંધર છે એ તો કાશ્મીરી પંડિત માનવ કૌલને ભલા કાશ્મિરી મુસ્લિમ પોલીસ ઓફિસરના મુખ્ય પાત્રમાં ચમકાવતી આ ફિલ્મથી ખબર પડે જાય. આદિત્ય આ ફિલ્મના પ્રોડયુસર ને સહલેખક છે. પણ ફિલ્મના ડાયરેક્ટર આર્ટિકલ ૩૭૦ વાળા બીજા આદિત્ય છે. આદિત્ય સુહાસ જાંબલે. વિવેક અગ્નિહોત્રીમાં જે કળાતત્વમાં અભાવને લીધે કાંટાળો આવે એ આદિત્ય ધરમાં ન આવે, એટલે આ ફિલ્મ કાશ્મીર ફાઇલ્સ જેવી જ વાત કરે છે. પણ એનાથી ક્યાંય વધુ સુંદર, સંવેદનશીલ અને રસપ્રદ રીતે!
(૯) સ્કેચ : આ બાળકોની ગણાઈ ગયેલી ફિલ્મ એટલી જ મોટેરાઓની પણ છે. થવી જોઈએ એટલી જાણીતી ન થઈ, પણ અમેરિકામાં જોઈ ત્યારે જ થયેલું કે આને કહેવાય ઓરિજીનલ ફિલ્મ. જે આજકાલ રેર છે. રાઇટર ડાયરેક્ટર સેથ વોરલીએ જે ચિત્ર બનાવો એ જીવતું થઈ જાય વાળા વિચારને કોઈ સ્વજનની વિદાય બાદ ફીલ થતા શોક, દુ:ખ, અવસાદ યાને ડિપ્રેશન સાથે આબાદ જોડયો છે. વળી ફિલ્મ હેવી ને હેપી એકસાથે છે. બોરિંગ નથી, જકડી રાખે એવી છે. ભાઈ બહેનના સ્નેહબંધન માટે પણ અનોખી.
(૧૦) એસેસમેન્ટ : દિગ્દર્શક ફ્લેર ફોર્ચ્યુનની પહેલી ફિલ્મમાં ભવિષ્યની પૃથ્વીની ડરામણી (ડિસ્ટોપિયન) દુનિયા બતાવવામાં આવી છે. પર્યાવરણના વિનાશને કારણે પૃથ્વી તબાહ થઈ ચૂકી છે, અને માનવ સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો છે : જૂની દુનિયા એક ભયાનક વેરાન જમીન સમાન છે, જ્યાં લોકો ખરાબ પરિસ્થિતિઓમાં ટૂંકું આયુષ્ય જીવવા માટે સંઘર્ષ કરે છે. બીજી તરફ, નવી દુનિયા નસીબદાર લોકો માટેનું સ્વર્ગ છે, જ્યાં શુદ્ધ હવા, ચોખ્ખું પાણી અને આરામદાયક જીવનશૈલી છે. પરંતુ તેની એક કિંમત ચૂકવવી પડે છ : અહીંના રહેવાસીઓનું અંગત જીવન સહિત દરેક બાબતમાં તેમનું સતત સરકાર ચલાવતી ઓથોરિટી દ્વારા એસેસમેંટ યાને મૂલ્યાંકન થતું રહે છે. બાળકો પેદા કરવા માટે ભાવિ માતા-પિતા લાયક છે કે નહીં, તે નક્કી કરવા માટે સરકારના નિયુક્ત રોબોટ જેવા અધિકારી એમની ચકાસણી કરે છે. ગુજરાતી મૂળનો અભિનેતા હિમેશ પટેલ લાંબી મુખ્ય ભૂમિકામાં છે. ઓન ફિલ્મ એલિસિયા વિકાડેર અને એલિઝાબેથ ઓલ્સનની છે. ઢીલી લાગે એટલી સ્લો છે, પણ બ્લેક મિરરે સિરીઝના જૂના એપિસોડની જેમ વિચારતા કરી મૂકે છે કે દાંપત્ય અંગત બાબત છે કે સામાજિક? પ્રાઇવેટ લાઇફમાં ગવર્નમેન્ટની દખલ કેટલી સ્વીકાર્ય?
(૧૧) બ્રિંંગ હર બેક : ઓસ્ટ્રેલિયન ડાયરેક્ટર બેલડી ડેની અને માઇકલ ફિલિપ્પોની આ હોરર ફિલ્મ શરૂઆતમાં બે અનાથ ભાઈ બહેનને દત્તક લેવાની વાત કરતી ડોક્યુમેન્ટ્રી જેવી લાગે. પણ ધીરે ધીરે ઘેરી બને છે ને ટિપિકલ ભૂતિયા હોરર કરતા અલગ પ્રકારનો ટેરર રજૂ કરીને સ્તબ્ધ બનાવી દે છે! બજેટ નહીં પણ ભેજું જોઈએ ફિલ્મ બનાવવા એનું વધુ એક ઉદાહરણ.
(૧૨) જેકપોટ : આવકવાફિના અને જોન સેનાની આ ફિલ્મ મજેદાર ફન એકશન રાઇડ છે. ડેટ નાઇટ ને ગેમ નાઈટ જેવી. બહુ દિમાગ નહીં લડાવવાનું. પણ વિજેતા લોટરી ટિકિટ જે પહેલા રજૂ કરી એની થાય એમાં એની પાછળ હથિયારો સાથે પડતા જાતભાતના દુશ્મનો વચ્ચેથી બચી નીકળવાની કોમેડી છે.
(૧૪) કોટ સ્ટીલિંગ : આમ તો સિરિયસ ફિલ્મો બનાવતા ડેરેન ઓરનોફસ્કી (મધર) આર્ટ હાઉસ ડાયરેક્ટર છે. પણ આ ક્રાઈમ થ્રીલરની રાઇડમાં પણ બરાબર ખીલ્યા છે. ચોરી, છોકરી ને માફિયાઓથી ભાગાભાગીનો જેમ્સ હેડલી ચેઝનો પ્લોટ જાણે અનુરાગ કશ્યપે બનાવ્યો હોય એવી અવનવા વાર્તાના વળાંકોવાળી ભાગમભાગ ફિલ્મ.
(૧૫) રિલે : ગંભીર એક્ટર રિઝ અહેમદને સ્પાય ટાઈપ હીરો તરીકે ચમકાવતી આ ફિલ્મ સ્ટ્રોંગ સસ્પેન્સ થ્રિલર છે. રોમાન્સનો ટચ પણ ખરો. લિલી જેમ્સ ને સામ વોરિંગ્ટન પણ છે જોડે. શરૂ થયા બાદ જોવાનું પડતું ન મૂકી શકાય એવી ફિલ્મ જેમાં નાયકનું પાત્ર જ મસ્ત લખાયું છે. ચપળ, ચબરાક, ચોક્ક્સ. જોઈ નાખો.
(૧૬) કેનેડી : ફિલ્મો બનાવવા કરતા પોલિટિકલ સ્ટેટમેન્ટ દેવામાં વધુ ધ્યાન આપતા અનુરાગ કશ્યપના બે કામમાં મંદી છે. હવે તીખા અભિપ્રાયો પર કંટ્રોલ છે થોડો ને પહેલા જેવી ફિલ્મો આવતી નથી. એમાં ખોરંભે ચડીને માંડ આવેલી આ ફિલ્મ એમ તો સરસ બની છે. હજુ ઈમારત બુલંદ છે એની ચાડી ખાય છે ને સની લિયોનીનો વળી અલગ અવતાર છે. નામ કેમ આવું છે? જોઈ લો તો સમજાઈ જશે.
(૧૭) ઇમેક્યુલેટ : સિડની સ્વીનીએ 'હાઉસમેઇડ' ફિલ્મમાં રીતસર ઝંડા નાખી દીધા ને ભારતના સેન્સર બોર્ડે એનો કાપી નાખેલો સીન પણ ઓટીટી પર દર્શનીય કમનીય રીતે મોજૂદ છે. પણ સિડની માત્ર કર્વી કાયાની માયા નથી. એ સારી અભિનેત્રી પણ છે. હોરરના પ્લોટમાં સાયન્સનું સસ્પેન્સ ગૂંથેલી આ ફિલ્મ એના ફેવરિટ ડાયરેક્ટર માઇકલ મોહનની છે. ટિપિકલ લાગશે. પણ છે નહીં. છેક સુધી જોવા જેવી. સિડનીનું પરફોર્મન્સ પણ બેસ્ટ છે કામ્પ્લેક્સ રોલમાં.
(૧૮) ઝૂટોપિયા ટુ : ગયા વર્ષે એનિમેશન ફિલ્મમાં રેકોર્ડ સર્જનાર ચાઇનીઝ ફિલ્મ 'ના જા ટુ' સામે હોલીવૂડની લાજ રાખનાર આ ફિલ્મ વન ઓફ ધ બેસ્ટ સિક્વલ છે. કાર્ટૂન ફિલ્મમાં પણ ભેદભાવ ને ઊંચનીચ વાળી પોતાનાથી અલગ હોય એનાથી ડરીને એને જોખમી માનવાની વૃત્તિ સામે ભરોસાની તાકાત છે આ અફલાતૂન ફિલ્મમાં. ના જોઈ હોય તો તાબડતોબ જોજો.
(૧૯) એવરીબડી નોઝ : ઇરાનિયન ડાયરેક્ટર અસગર ફરહાદીની ફિલ્મો આમ પણ જોવા જેવી હોય છે. અને આમાં તો રિયલ લાઇફ પાવર કપલ હેવિયર બાર્ડમ ને પેનેલોપ ક્ઝ. બેઉ સોહામણા. બેઉ ધુરંધર અભિનયમાં કાબેલ. જો કે આમાં અસલી જિંદગીની માફક હસબન્ડ વાઇફ નથી. પણ ફિલ્મ સ્પેનની કથા કહેતી હોવા છતાં આપણી જ લાગે એમ છે. નાયિકા બે સંતાનો જોડે વતનના ગામ નાની બહેનના લગ્નમાં આવે છે. ઉપર ઉપરથી વેડિંગની ધમાલ છે, પણ અંદર સંયુક્ત કુટુંબમાં હોય એવી બબાલ છે. એમાં એની ટીનએજર દીકરીનું અપહરણ થાય છે. હવે સહારો એક જ છે, જેને મૂકી બીજે પરણેલી એ ગામમાં જ રહેતો ભૂતપૂર્વ પ્રેમી. પતિ પાસે ફિરૌતીના પૈસા નથી. ને અપહરણ કોણે કર્યું... પછી શું થયું? જોઈ લેજો ફિલ્મ.
(૨૦) રેન્સમ્ડ : આ ૨૦૨૩નું સાઉથ કોરિયન મૂવી આજના જિયોપોલિટિક્સના સમાચારો વચ્ચે તો ખાસ જોવા જેવું છે. એકદમ મસાલેદાર છતાં રિયાલિસ્ટિક એકશન પેક્ડ થ્રીલર છે.
એ પણ સત્યઘટના પર આધારિત. એક ઉચ્ચ રાજદ્વારી અધિકારીનું લેબનોનના મિલિટન્ટ ગુ્રપ દ્વારા અપહરણ થાય છે. કોઈ સગડ લાંબા સમય સુધી ન મળતા તપાસ પડતી મુકાય છે. પણ અચાનક ખબર પડે છે કે એ હજુ જીવે છે ને પૈસા ચૂકવી દો સલામત પાછા ફરે એમ છે. એક નિષ્ઠાવાન ને પ્રામાણિક જુનિયર ઑફિસર સાહસ કરી એ ટેરીટરીમાં જાય છે. આવી બાબતોમાં ખાનગી ચેનલો કામે લગાડવાની હોય. એમાં એક અમેરિકા જવાની ઘેલછાવાળો મુફલિસ પણ ચલતા પૂરજા ટેક્સીવાળો મળે છે. ફિલ્મ રોમાંચ સાથે રાજકારણના સમીકરણો પણ સમજાવે છે, એક તબક્કે સરકાર હાથ ઊંચા કરી લે છે. પછી? વોચ ઇટ.
(૨૧) સ્કોર્પિયો : જેમ્સ બોન્ડ ફિલ્મોને સિરિયસ લેયર સાથે બનાવો તો આવી ફિલ્મ બને જે છેક ૧૯૭૩માં બનેલી. એ સમયે અમેરિકન સીઆઇએની પોલ ઉઘાડી એક રિટાયર થતો જાસૂસ બહાર પાડશે એ ભયે એજન્સી એને મરાવવાનું કામ એના જ હાથ નીચે તૈયાર થયેલા તેજતર્રાર શિષ્યને સોંપે છે. એ તો ગુરુને આદર આપે છે. એને ચેતવે છે. પણ ગુરુ હોશિયાર છે. બર્ટ લેકેન્સ્ટરે તગડી રીતે ભજવ્યો છે એ રોલ. અને પછી જાણે એકશન પેક્ડ ચેસ ચાલુ થાય છે દુનિયાના વિવિધ લોકેશન પર.
(૨૨) ડ્રીમ લવર : મેડચેન અમિક. ૧૯૯૩ની આ ફિલ્મ એની આ ત્યારે મદમાતી દેખાતી હીરોઈનના સૌંદર્ય માટે જ જોવી જોઈએ. અનંત મહાદેવન રિમેક બનાવે એવો ઇરોટિક સસ્પેન્સ પ્લોટ છે. આજના સમાચારોમાં પણ રિલેવન્ટ લાગે એવો.
(૨૩) પ્રિડેટર બેડલેન્ડ્સ : પહેલા બે ભાગ પછી એવરેજ નીકળેલી આ સિરીઝમાં આવી બેહતરીન ફિલ્મ બને એ માન્યામાં ન આવે. જેમ્સ કેમરૂનથી અવતારની સિક્વલમાં નથી થતું એ લેવલ અહીં છે. હમણાં આ યુનિવર્સનું'પ્રે' (શિકાર) પણ ટકાટક હતું. આ તો નેક્સ્ટ લેવલ છે. જેમાં ઓળખની કશ્મકશ અને એઆઈની લાગણીઓનું દ્વંદ્વ છે! ધૂમધડાકા તો છે જ.
(૨૪) પોપ્સ એકઝોર્સીસ્ટ : વળગાડ કાઢતા પાદરીની ફિલ્મો વરસમાં ડઝન લેખે આવે. પણ રસેલ ક્રોની આ ફિલ્મમાં માહોલ છે. અને ડેવિલ સામેની ટક્કર પણ નકકર છે. જે કોન્જુરિંગ જેની હવે નબળી પડેલી સીરીઝમાં નથી હોતી એવી!
(૨૫) અનટિલ ડોન : પ્રભાતની પ્હો ફૂટે તે પહેલા એવું ટાઇટલ ગુજરાતીમાં આપી શકાય એવી આ ફિલ્મ.મૂળ તો પ્લેસ્ટેશનની ગેમ પર આધારિત લોહીના ફુવારા વાળું હોરર સસ્પેન્સ છે. પણ છે ચકાચક. એક ગામ થયેલી મિત્રની તપાસમાં દોસ્તો એક ગામના એક ભેદી ઘેર પહોંચે છે, જ્યાં રાતના એક વિચિત્ર ખેલ શરૂ થાય છે. બાકી જોઈ જ લેજો.
(૨૬) ધ ડ્રામા : કરંટ હાર્ટથ્રોબ રોબર્ટ પેટિન્સન (સુપર્બ એક્ટર, નેક્સ્ટ લિયોનાર્દો) અને ઝેન્ડયાની જોડી આમાં જમાવટ કરે છે. આમે ઓછા પાત્રોને થોડા લોકેશનની હોઇ ડ્રામા યાને નાટક જેવી ફીલ આવે. અને આમ પણ સંસારનો થનાર પતિ પત્નીનો ડ્રામા છે. જોજો. સ્લો ટોકેટીવ પણ મસ્ત છે. વાર્તા ને માવજત હોય તો વધુ બજેટ ના જોઈએ એની વધુ એક સાબિતી. પછી નિરાંતે વાત માંડીશું કોઈ લેખમાં.
(૨૭) બ્લેક બુક : નેધરલેન્ડ્સની સૌથી મોંઘી ફિલ્મ છે આજ દિન સુધીની. બીજા વિશ્વયુદ્ધના નાઝી અત્યાચારો સામે પ્રેમ ખાતર ઝઝૂમતી એક નારીની કહાની ગ્રાન્ડ સ્કેલ પર રજૂ થઈ છે. અલગ અલગ સત્યઘટનાઓ પરથી એક વાર્તા બનાવાઈ છે. દિલની ધડકન વધારી દે એવા દ્રશ્યોથી ભરપૂર એક એન્ટરટેઇનિંગ હિસ્ટ્રી લેસન.
(૨૮) બેક ટુ સ્કૂલ : એંશીના દાયકાની રોડની ડેન્જરફિલ્ડની આ કૉમેડી ફિલ્મ મસ્ત કટાક્ષ છે. પોતાના ઉઠિયાંણ દીકરાને ભણવાની પ્રેરણા આપવા ખુદ ન ભણેલો પણ કરોડપતિ બાપ ભણવા બેસે છે એની જોડે રોડની ડેન્જરફિલ્ડ હોય એટલે વનલાઈનરન ઢગલા થઈ જાય ને ત્યારે કોઈ ચાંપલાઈ વિના ખુલ્લી ફિલ્મો બનતી. ફ્રેશ કરતી ફિલ્મ.
(૨૯) ચોક લાઇન : આ સ્પેનિશ ટુ ઇંગ્લિશ ફિલ્મનું મૂળ નામ જુઆલા (કેજ) પિંજરું. એક સ્નેહાળ યુગલને એક અનાથ બાળકી મળે છે. જે કશું બોલતી નથી. આઘાતગ્રસ્ત છે. પણ એની આસપાસ રહસ્યનું જાળું છે. ધીરે ધીરે એના પડ એવા ખુલે છે કે તમે ચોંકી જશો. સંવેદન સાથે સસ્પેન્સ.
(૩૦) હોસ્પિટલ : ૧૯૭૧ની બ્લેક સેટાયર જેવી ફિલ્મ છે. પણ હજુ રિલેવેન્ટ લાગે એવી છે. એક મોટી હોસ્પિટલમાં બધું લોલેલોલ ચાલે છે. એક હોશિયાર, તેજસ્વી, નીતિવાન સિનિયર ડોક્ટર પોતે ડિપ્રેશનમાં આવી મરવાના વિચારો કરે છે! એમાં રહસ્યમય રીતે ડોક્ટરો ને નર્સોની લાશો મળવા લાગે છે ને ડોક્ટરને પેશન્ટની એક ફૂટડી જવાન દીકરી થેરેપી તરીકે મળે છે ને પછી... જોઈ લેજો.
(૩૧) રાજા શિવાજી : છત્રપતિ શિવાજી મહારાજ બન્યા એ પહેલાની અફઝલવાળી ફિલ્મ હજુ નથી જોઈ? ઝટ જોઈ લો. રિતેશે મસ્ત બનાવી છે ને સંજય દત્ત, વિદ્યા બાલનના પણ જોરદાર રોલ છે.
(૩૨) ધરપકડ : ફિલ્મ હજુ બેહતર બની શકત. પણ ગુજરાતી ફિલ્મોમાં ચીલો ચાતરતા અને પૂરા ઉપયોગી વિષયને લીધે જોવી જ રહી. તો બીજી પણ આવી અલગ પ્રકારની સારી ફિલ્મો બનશે!
(૩૩) અંડર ધ શેડો : એક માના માધ્યમે સાવ ઓછા બજેટમાં બનેલી આ સાયકોલોજિકલ હોરર એકદમ મૌલિક કહી શકાય એવી ઓરિજિનલ છે. એ પણ ૧૯૮૦ના સિવિલ વોરના જખમ તાજા હોય એવા ઈરાનના તહેરાનમાં આકાર લેતી વાર્તા છે. ઈરાનની એ જિંદગી બાબતે પણ ઘણું કહી જાય એવી ફિલ્મ.
ફાસ્ટ ફોરવર્ડ
'બધું ખતમ થાય પણ એ મારા જીવનમાં રહેશે તો હું રહી શકીશ. પણ એ નહીં હોય તો આખું જગત મારા માટે અજાણ્યું લાગશે!' (નોવેલ કરતા અલગ ને શાનદાર રીતે બનેલી નવી 'વુધરિંગ હાઇટ્સ' ફિલ્મનો સંવાદ)








