Magazines

ન છેડો, ન છંછેડો - બસ છોડી દો...

By GS Team
27 Jun 20203 mins read
This article was originally published on 27 Jun 2020
ન છેડો, ન છંછેડો - બસ છોડી દો...

નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં,

હું શુદ્ધ આવકાર છું, હું સર્વનો સમાસ છું.

 - રાજેન્દ્ર શુકલ

ગ્ર હણ છે કે ગ્રહોની વક્ર દશા પણ કાંઈ ઠેકાણું પડતું નથી. વિવાદોની એક મહામારી અત્યારે ફાટી નીકળી છે. રાજકારણમાં તો નવાઈ ન લાગે પણ ફિલ્મ અને ધર્મમાં પણ ધાડ પડી છે. ઓનલાઈન છેડછાડ એટલી વધી છે કે હવે એમ થાય છે કે સઘળું છોડછાડ કરીને સન્યાસી બની જઈએ. વાતાવરણમાં નિષેધ છે. નિષેધ પણ આજકાલ કોવિડ-૧૯ જેવો સર્વવ્યાપી છે. નિષેધ એટલે નકાર, મનાઈ, પ્રતિષેધ. એક ફિલ્મ કલાકારે આપઘાત કર્યો. એટલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખાનદાનવાદનાં પ્રણેતા મનાતા મોટા માથા સામે અનેક નકારાત્મક વાતો સોશિયલ મીડિયા ઉપર ફટકારવામાં આવી રહી છે. ચીન સાથે લદ્દાખ સીમા ઉપર લડાઈમાં આપણાં જવાનો વીરગતિ પામ્યા. હવે ચીના આપણી જમીનમાં ઘૂસ્યા હતા કે નહીં ? - એ વિષે પણ  નકારવિવાદ ચાલી રહ્યો છે. એક સંતની કોઈ જૂની ટિપ્પણી એનાં કોઈ અલગ સંદર્ભમાંથી ઊઠાવીને ધર્મઝનૂની લોકો તૂટી પડયા. ઓનલાઇન અને એકાદ કિસ્સામાં ઓફલાઈન પણ. આ બધું શું છે ? વાત જાણે એમ છે કે કોઈ મોટી હસ્તીની ટીકા કરવામાં, એમને ગાળો દેવામાં લોકોને સામૂહિક મઝા આવે છે. આ ઠીક નથી. આ વર્ષ અઘરું છે અને અત્યારે ઓનલાઇન કમ્યુનિટી હેઈટ (નફરત) અને હર્ટ (ઘા) કરી રહી છે, એવાં સમયે કે જ્યારે આપસી સહભાવ અને ટેકાની સૌને તાતી જરૂરિયાત છે. આવું વરિષ્ઠ ઉદ્યોગપતિ શ્રી રતન તાતાએ કહ્યું છે. અને ત્યારે એક રાજકીય સૂત્ર યાદ આવી ગયું. વિવાદ નહીં પણ સંવાદ. આ સત્ય હતું પણ હવે ઓનલાઇન કમ્યુનિટીનાં આવિષ્કાર પછી એ ખાસ ઉપયોગી નથી. સંવાદ કરવાનો જેટલો પ્રયત્ન થાય છે, વિવાદ એટલો વધારે વકરે છે. તમે કોને કોને રોકી શકો ?

મોટી હસ્તી છે એમણે ઓમ ઈગ્નોરાયા નમ: નાં ૧૦૮ જાપ કરવા. જે  સામાન્ય લોકો છે, જેને વિવાદમાં રસ નથી, વિવાદ અટકે એમાં રસ છે, એવાં લોકોએ જલકમલવત્ રહેવું. ગુજરાતી લેક્સિકોન અનુસાર જલકમલવત્ એટલે જેમ પાણીમાં હોવા છતાં કમળ નિર્લેપ રહે છે તેમ સંસારમાં રહી અનાસક્ત રહેવું તે, તટસ્થ, નિર્લેપ, વણસ્પર્શ્યું. ઓહો ! પણ એ જ તો સાલું અઘરું છે. શું આપણે માનીએ, એ કહી ન શકીએ ? અલ્યા ભઈ, તારું તારા પોતાનાં ઘરમાં ય કાંઈ ઉપજતું નથી, હાલી શું નીકળ્યા ?  જે કવિઓ, લેખકો, બુદ્ધિજીવીઓ આવી ઓનલાઈન હેઈટ અને હર્ટ સામે મોટી હસ્તીઓની તરફેણમાં પોતાની દલીલ કરી રહ્યાં છે, તેઓ વિવાદને વકરાવી રહ્યાં છે.

એમને એમ લાગે છે કે ટીકા ટિપ્પણીઓનો વરસાદ થઈ રહ્યો છે અને એમનું કામ છત્રી ખોલીને બચવું અને બચાવવાનું છે. એ મહાન હસ્તીનાં પ્રીતિપાત્ર બનીને ભવિષ્યમાં લાભ ખાટવાની મનીષા પણ મનમાં હોઈ શકે. પણ એ લખી રાખો કે એ બધી રાજકારણ, ધર્મકારણ કે ફિલ્મકારણની મોટી હસ્તીઓને તમારાં બચાવની જરૂર નથી. અને ભાઈઓ તથા બહેનો, છત્રી બંધ કરો તો ખબર પડે કે વરસાદ તો ક્યારનો બંધ થઈ ગયો છે. કહે છે ને કે નેગેટિવ લોકોથી દૂર રહેવું. કારણ કે એમની પાસે દરેક સોલ્યુશનનાં પ્રોબ્લેમ હોય છે ! અને ઔર ભી ગમ હૈ જમાનેમેં વિવાદાસ્પદ કે સિવા... હેં ને ?