Get The App

અમેરિકા : એના વિરાટ મકાનોની કમાન જેવું મુઠ્ઠી ઉંચેરુ સુપરપાવર, સતરંગી સંસ્કૃતિઓનો ફ્રીડમસંગમ!

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

Updated: Feb 23rd, 2020

GS TEAM

Google News
Google News
અમેરિકા : એના વિરાટ મકાનોની કમાન જેવું મુઠ્ઠી ઉંચેરુ સુપરપાવર, સતરંગી સંસ્કૃતિઓનો ફ્રીડમસંગમ! 1 - image


અમેરિકા જેવો છે એવો પારદર્શક છે. ખુદની ખામીઓ વિષે ખુદ વાતો કરે છે. મીડિયા ફ્રી સ્પીચ આપે છે અને કોર્ટ ક્વિક જસ્ટિસ. અને વહેવારમાં એક જ ચાવી છે  : રિસ્પેકટ અધર્સ!

અમેરિકામાં બેકારી દર ઐતિહાસિક નીચો લાવીને ઘોડા જેવા અલમસ્ત અર્થતંત્ર સાથે પ્રેસિડેન્ટ ટ્રમ્પ ગુજરાત આવી રહ્યા છે ત્યારે અમેરિકન ડ્રીમની અને પ્રેસિડેન્ટ સાથે કોઈ પણ ક્ષણે એટોમિક વોર કેમ શરુ કરી શકે એની ધમાકેદાર વાતો

અમેરિકન ડ્રીમ.

આખો દેશ સહિયારા સુખ સમૃદ્ધિના સપનામાંથી જોતજોતામાં ઉભો થયો છે! મૂળ તો સોને કી ચીડિયા એવા ભારતને શોધવાનું સપનું લઈને સ્પેનથી ક્રિસ્ટોફર કોલંબસ નીકળ્યો હતો. અને ભારત શોધવા જતા જગતને એણે અકસ્માત ભેટ આપી 'નવી દુનિયા' કહેવાયેલા અમેરિકાની! 

આખી કહાની જ એક સપનાથી શરૂ થઈ છે. જ્યાં છીએ એ કમ્ફર્ટ ઝોન છોડીને નવું એડવેન્ચર કરવાનું સપનું! હોઈએ એથી વધુ કમાઈને ભોગવવાનું સપનું. યુરોપમાંથી ચડી આવેલા ગોરાઓ અને એમના ગુલામ તરીકે આફ્રિકામાંથી આવેલા કાળાઓએ આ વિરાટ ભૂમિ પર કબજો જમાવ્યો અને મૂળ વસાહતીઓ રેડ ઇન્ડિયન (નવી અમેરિકન ભાષામાં નેટિવ અમેરિકન) મ્યુઝિયમ પીસ થઇ ગયા. કુદરતે ભારતની જેમ જ છુટ્ટે હાથે સોગાદો આપેલી હોય એવો દેશ અમેરિકા. ખનીજો તો ઠીક, હવે પેટ્રોલિયમનો ય ભંડાર. એક સમયે ડાયનોસોર પણ એ ધરતી પર દોડતા અને વિશ્વના સૌથી ઊંચા વૃક્ષો પણ અહીં જ ઉગતા.

અહીં પર્વતો છે,  કોતરો છે, સરોવરો છે અને સમંદરો પણ છે. જંગલો છે અને ખેતી છે. અને અહીં જ ડિઝની જેવા વર્લ્ડ બેસ્ટ એમ્યુઝમેન્ટ પાર્ક્સ છે. બેસ્ટ સાયન્ટીફિક રિસર્ચ ઇન્સ્ટીટયુટસ છે. ડિજીટલ ક્રાંતિની જનેતા સીલીકોન વેલી છે અને અમેરિકાનું અદ્રશ્ય કલ્ચરલ એક્સપોર્ટ  સેન્ટર એવું હોલીવૂડ પણ છે. દેવતાઓની હેરિટેજ નથી તો શું થયું? માર્વેલ અને ડીસીના સુપરહીરોઝે એક સદીમાં સહસ્ત્રાબ્દીઓ જૂના જગતના દેવતાઓ ભૂલાવી દીધા છે અમેરિકન ફ્લેગના રેડ એન્ડ બ્લ્યુ રંગોથી!

અમેરિકામાં વ્હાઈટ હાઉસની સવાર પડે ત્યારે એ શ્વેત કે સોનેરી કે નારંગી નહિ, પણ લીલી હોય છે. જી હા, ડોલરના રંગની લીલી એક કુવૈતી દીનારના ૨૩૩ રૂપિયા થાય એટલી ઉંચી એની કિંમત છે. પાઉન્ડ ને યુરો પણ ડોલરથી વધુ મોંઘા છે. છતાં આપણી આંખોમાં ડોલરિયા ડ્રીમ્સ હોય છે. એટલે ગુજરાતીઓ પેઢી દર પેઢી અમેરિકન વિઝા માટે સ્વદેશી રાષ્ટ્રવાદના સપના જોતા જોતા કતારમાં ઉભા રહી જાય છે! આપણને અમેરિકન ઓબ્સેશન છે, એ જગતના કોઈ પણ ખૂણે છે એવું યુએસ ડોલર્સનું છે. એ આછેરી લીલી નોટ પૃથ્વીના કોઈ પણ ભૂભાગના ગામડામાં ય તરત સ્વીકારાઈ જાય છે, એવો રઝળપાટનો જાત અનુભવ છે. અમેરિકાનો આ પ્રચંડ દબદબો જ એટલે છે કે લક્ષ્મીપૂજન આપણે કરીએ છીએ, પણ લક્ષ્મીદેવીની કૃપા ત્યાં વરસે છે.  

વો કૈસે? અમેરિકન અર્થતંત્ર પણ ખાધમાં ચાલતું હોય તો ડોલર કેમ આટલો મજબૂત? એ સિક્રેટનું રિવિઝન કરવા જેવું છે. એક સમયે દુનિયામાં કોઈ પણ ચીજની લેવડદેવડ માટે સોનું સૌથી વધુ સ્વીકાર્ય માઘ્યમ ગણાતું.  આજે એ સ્થાન ડોલરનું છે. દુનિયામાં અનેક દેશો છે. બધાને પોતપોતાના આગવા ચલણ પણ છે. પણ બધા દેશો એકબીજા સાથે નાણાકીય કે વ્યાપારી વ્યવહાર કરે ત્યારે કોમન કરન્સી મોટે ભાગે ડોલર જ હોય છે.

ભારત કોમ્પ્યુટર સોફ્ટવેર ફ્રાન્સમાં એક્સપોર્ટ કરે તો એનું ચૂકવણું ડોલરમાં થાય એમ ઈચ્છે, અને ચીન કોઈ પુસ્તક ભારતમાં વેચવા આપે તો એની રોયલ્ટી ડોલરમાં ટ્રાન્સફર કરીને લઈ જાય, એ એને સરળ પડે! ક્યારેક તો એવું બને કે અમેરિકા કશી જ વસ્તુ વેંચે કે ખરીદે નહિ, તો પણ બે અન્ય દેશો ડોલરમાં વ્યવહાર કરે તેના કમિશન પેટે તેને મફતની આવક થતી રહે! એટલું જ નહી, જગતનો ભરોસો હોઈને ડોલર એક એવી પ્રોમિસરી નોટ (હૂંડી) છે, જે લોકો સાચવે છે, પણ વટાવવા જતા નથી. એટલે એની સામે સરકારે પૈસા તાબડતોબ ચૂકવવા પડતા નથી અને એ એકથી બીજા હાથોમાં ફરતી રહે છે.

આટલું ઓછું હોય એમ વળી જગતનો સૌથી મોટા સોનાનો સત્તાવાર ભંડાર ફોર્ટ નોક્સના અમેરિકન કિલ્લામાં સુરક્ષિત પડયો છે. એટલે વોશિંગ્ટન અને ટેક્સાસમાં લાકડાના માવાના કાગળને બદલે કાપડના કાગળ (કોટન પેપર) પર છપાતી અમેરીકન ડોલરની નોટ અમેરિકન સુપરપાવરનું સાચું સરનામું છે. અમેરિકાએ શ્રીમંત કેલીફોર્નિયા જેવા આખેઆખા રાજ્યો સોદાબાજી કરીને ખરીદી લીધા છે! જોન મેનાર્ડ કેઈન્સ જેવા અમેરિકન અર્થશાસ્ત્રીએ જ આધુનિક કન્ઝયુમરિઝમના પાઠ દુનિયાને ભણાવ્યા.

પણ આ અમેરિકન સકસેસ સ્ટોરી ઇમિગ્રન્ટસે લખેલી છે. આમ તો પેલા મૂળ આદિવાસીઓ અને ડાયનોસોર્સ સિવાય અમેરિકામાં ઓરીજીનલ અમેરિકન જેવું કોઈ નથી. બધા અલગ અલગ સમયે આવી ચડેલા વસાહતીઓ છે. ફરક માત્ર પેઢીઓનો છે. એટલે અમેરિકા બધી ટીકાઓ છતાં આજે ય સૌથી વધુ મોકળાશના શ્વાસવાળું છે. સ્માઈલ ભલે માર્કેટિંગ ટ્રેનિંગથી કૃત્રિમ લાગે, હાઉ કેન આઈ હેલ્પ યુની ભાવના એમાં ડગલે ને પગલે છલકે છે. જેમ બહારથી આવનાર માટે મુંબઈ પરાયું નથી,  લાગતું એમ અમેરિકા ય એને બાથ ભરી લે છે. 

ફાઉન્ડિંગ ફાધર્સ કહેવાતા સાત મહાપુરુષો- જ્યોર્જ વોશિંગ્ટન, થોમસ જેફરસન, જોન એડમ્સ, એલેક્ઝાન્ડર હેમિલ્ટન, બેન્જામીન ફ્રેન્કલીન, જેમ્સ મેડીસન, જોન જેએ અમેરિકા જે ઘડયું એમાં જગત આખાની પ્રતિભાની કદરની ભાવના હતી. એટલે હજારો વર્ષોનો વારસો ધરાવતા ભારત કરતા માંડ અઢીસો વર્ષનો ઈતિહાસ ધરાવતું અમેરિકા વિશ્વગુરુ બની ગયું. કારણ કે ભારતમાં આજે ય પાયાનો પ્રશ્ન સફળતા માટે છે : હૂમ ડુ યુ નો? તમે કોને ઓળખો છો? અર્થાત કોન્ટેક્ટસ. અને અમેરિકામાં એ છે : વોટ યુ કેન ડુ? તમે શું કરી શકો એમ છો? ટેલન્ટ. 

એટલે વ્હાઈટ હાઉસનો આકટેકટ આઈરિશ હોય અને ડોલર શબ્દ સ્પેનિશ હોય!  જર્મન આઈનસ્ટાઇન કે બ્રિટીશ ચાર્લી ચેપ્લીન અમેરિકા થકી ગ્લોબલ બ્રાન્ડ બને. ઈટાલીયન પિત્ઝા કે મેક્સિકન નાચોઝ અમેરિકાને લીધે જગતની જીભે ચડે. યુરોપ અને અરબસ્તાનની પરીકથાઓ પરથી ડિઝનીની રાજકુમારીઓના રમકડાં આવે. અમેરિકન એડગર એલન પોએ ટૂંકી વાર્તા જગતને આપી અને માર્ક ટ્વેઇને ટીન હાસ્યનવલનું ફોર્મેટ આપ્યું. ફ્રાન્સમાં શોધાયેલા સિનેમાને અમેરિકાને પોતાનું કરી બતાવ્યું. 

ઇન્ટરનેટની આખી ક્રાંતિ સેટેલાઈટ જીપીએસ સહિત જગતને અમેરિકાએ ગિફ્ટ કરેલી છે. હા, ગિફ્ટ. ઓરીજીનલી તો એની શોધ અમેરિકન સંરક્ષણ ખાતા માટે થયેલી હતી, પણ પછી બહુજન હિતાય એને પબ્લિક કરી દેવાઈ. પહેલા કોમ્પ્યુટર અને પછી સ્માર્ટફોન બંને ગેમ ચેન્જર, ટ્રેન્ડ સેટર મોડેલ અમેરિકામાંથી શરુ થયા અને ભારતમાં છવાયા. આપણે જે કોઈ સોશ્યલ નેટવર્ક પર દેશભક્તિના ઉભરા ઠાલવીએ છીએ, એ બધા મૂળ અમેરિકન માલિકીના છે.

આપણા ઇન્ડિયન ઓરિજીનના લોકો ય અમેરિકામાં એવા છવાયા છે કે એમને નમસ્તે કહેવા ૨૦૧૭માં વોશિંગ્ટન ખાતે સ્મિથસોનિયન (અમેરિકાને વિશ્વનું ભાવિ સમજીને બ્રિટીશ સ્મિથસોનિયને અમેરિકન કોંગ્રેસ અર્થાત સંસદને કરોડોનું દાન આપ્યું ભાવિ પેઢી ઘડવા એ ફંડમાંથી ઉભા થયેલા નિ:શુલ્ક મ્યુઝિયમ્સ)  મ્યુઝિયમમાં 'બિયોન્ડ બોલીવૂડ' પ્રદર્શન હતું. જેની મુલાકાત લેતા ખ્યાલ આવ્યો કે ૧૯૮૫માં પ્રથમ ભારતીય મૂળનો બાલા નટરાજન જીત્યો એ પછી આ ૨૧મી સદીમાં તો ત્યાં જે સ્પેલિંગબી કોન્ટેસ્ટ થાય છે એમાંથી ૭૩% ઇન્ડિયન ઓરિજીનના લોકોએ જીતી છે! ન્યુયોર્કના ૩૦ ટકા ટેક્સી ડ્રાઈવર ભારતીય મૂળના છે, તો મોટેલ ઉદ્યોગમાં ૫૦%થી વધુ ભારતીયો (વાંચો, ગુજરાતીઓ) છવાયેલા છે! સિલિકોન વેલીના ૧૫% સ્ટાર્ટ અપ ભારતીય મૂળના છે. અને દર દસમાંથી એક મેડીકલ પ્રોફેશનલ (ડોક્ટર, ડેન્ટીસ્ટ, નર્સ કે  ફીઝીઓ) ભારતીય મૂળના અમેરિકામાં હોય છે! ૧૯૮૪માં મૂળ ભારતના એલેકસી ગ્રેવાલે અમેરિકા માટે સાયકલિંગમાં ઓલિમ્પિક ગોલ્ડ જીત્યો તો ૨૦૦૪માં ભારતીય મૂળની મોહિની ભારદ્વાજે જીમ્નાસ્ટિકમાં ઓલિમ્પિક ગોલ્ડ અમેરિકા માટે જીતેલો! અમેરિકન બ્યુટી પેજન્ટ ભારતીય મૂળની નીના ૨૦૧૩માં મિસ અમેરિકા થયેલી. 

આમાં બહુ પોરસાવા જેવું એટલે નથી કે કલ્પના કે સુનીતાની જેમ આ બધા પણ અમેરિકન નાગરિકો છે. આપણા મોટા ભાગના નોબેલ વિજેતાઓ રહે છે અમેરિકામાં એમ જ. બધી મલ્ટીનેશનલ કંપનીના સત્ય નાદેલા, ઈન્દ્રા નૂઈ, સુંદર પિચાઈ જેવા સીઈઓઝનું એવું. અમેરિકા એમને તક આપે છે મેરિટ પર જજમેન્ટને બદલે. પાંખો કાપવાને બદલે ઉડવા માટે સમાન આસમાન આપે છે. વસુધૈવ કુટુમ્બકમનો પાઠ કરતા આપણે તો જરાક જુદું કોઈ શેરીમાં દેખાય તો એની પાછળ પડી જઈએ છીએ, સ્વીકારી શકતા નથી. કામ કરનારને કર્મનું ફળ અમેરિકામાં મળી રહે છે. એટલે વતનપ્રેમના ગીતો ગાવા છતાં કોઈ છોડતું નથી. ઉલટું આપણા યોગા અને કરી (કઢી નહી, મસાલેદાર ઇન્ડિયન ફૂડ) અમેરિકામાં સ્વીકૃત છે. અમેરિકામાં ઘેલું લગાડનારા રજનીશ, મહેશ યોગી ભૂતકાળ થયા પણ દીપક ચોપરા અને દલાઈ લામાનો પ્રભાવ ત્યાં સેલિબ્રિટીઝમાં ય ખરો!

આપણને જેમ 'કેઓસ' કોઠે પડી ગયો છે, એમ અમેરિકનોને 'સીસ્ટમ' શ્વાસમાં વણાઈ ગઈ છે. દરેક બાબતને એક પેટર્નમાં ગોઠવવાનું એમને ઓબ્સેશન છે. સિરીયલોના ય જોનર નક્કી હોય. એનો ફાયદો ય છે. કોઈ પણ ચીજવસ્તુઓ યુઝરફ્રેન્ડલી હોય. પેકિંગ પરફેક્ટ હોય. એક્સેસ ઇઝી હોય. વાતે વાતે અમેરિકાની ખિલ્લી ઉડાવનારા આપણા કેટલાય ધર્મગુરુઓ ઉનાળામાં ત્યાં પહોંચી જાય છે. એ એવું કહેતા નથી કે અહીં પાણી નળમાંથી સીધું પી શકાય છે. લાઈટ જાય તો કંપની એટલું બિલમાં બાદ આપે છે. સિનીયર સિટીઝન અને બાળકો માટે અલાયદી વ્યવસ્થા છે.

એની વે, અમેરિકન એક્સપર્ટાઈઝનું એક ઉદાહરણ એટલે જ પ્રેસિડેન્ટ સાથે અમદાવાદમાં જોવા મળશે એવી ગમે ત્યારે એટોમિક વોર સ્ટાર્ટ કરી શકતી (કે આડેધડ ન થવા દેતી) સી થ્રી સીસ્ટમ. 'સી-થ્રી' એટલે 'કંટ્રોલ, કોમ્યુનિકેશન, કમાન્ડ!' કોઇ બેદરકારી, માનવીય ભૂલ, ષડયંત્ર કે સૈનિકોના બળવાને લીધે પણ અજાણતાં અણુબોમ્બ ફાટે એ તો બિલકુલ ન પોસાય! નવજાત શિશુને માતા સાચવે તેમ તેને સાચવવો પડે.  કાચની બરણી જેટલો એ નાજુક હોવા છતાં પડે અને કાચની બરણીની જેમ કડાકો બોલાવી દે, એવી રચના તો ખુદ અણુબોમ્બની માલિકી ધરાવતાં દેશને જ ભરખી જાય. માટે આદર્શ સ્થિતિ એ છે કે આ અણુબોમ્બના તાળાની ચાવી દેશના 

સૌથી વધુ જવાબદાર, સર્વાધિક સાવધાન અને પ્રજાનો મહત્તમ વિશ્વાસ પ્રાપ્ત કરી ચૂકેલા માન્ય આગેવાન પાસે જ રહે. નેચરલી, લોકશાહી ઢબે ચૂંટાયેલા સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ (કે વડાપ્રધાન) પાસે જ અણુશસ્ત્ર છોડવાની ફાઇનલ ઓથોરિટી યાને 'ન્યુકલીઅર વેપન 'કંટ્રોલ' હોય. એમના આદેશ યાને 'કમાન્ડ' વિના એટમબોમ્બ રિલીઝ જ ન થાય. આવો બેહદ મહત્વપૂર્ણ હુકમ જયારે થાય, ત્યારે એ તાકીદે લાગતા- વળગતા સ્થાન- યંત્રો- વ્યકિતઓ સુધી યોગ્ય રીતે પહોંચી શકે એ માટે ચુસ્તદુરસ્ત 'કોમ્યુનિકેશન'ની અલાયદી વ્યવસ્થા જોઇએ!

બધી ખ્યાતનામ અણુસત્તાઓ આ માટે આગવી 'સી-થ્રી' સીસ્ટમ વિકસાવે છે. જેમ કે, અણુબોમ્બ પર આધિપત્ય ધરાવતાં સ્પેશ્યલ કોમ્પ્યુટરને ચાલુ કરવાની ચાવી ફ્રાન્સના દરેક વડા રીતસર કોઇ માલધારી માદળિયું પહેરે તેમ ગળામાં લટકાવીને રાખે છે! અને હોદ્દો છોડતી વખતે પોતાના અનુગામીને આ મોંઘેરી 'માળા' પહેરાવે છે. ૧૯૬૧માં મામુલી ગેરસમજ પછી કયુબાના મુદ્દે અમેરિકા સાથે લગભગ અણુયુદ્ધ લડવા તૈયાર થઇ ચૂકેલા રશિયાએ પોતાની 'સી-થ્રી' સીસ્ટમ ગુપ્ત રાખી છે, પણ અમેરિકન પ્રમુખ સાથે ડાયરેકટ 'હોટલાઇન' સ્થાપી છે. જેથી મહાસંહારક અણુહુમલા વિશે એમને આગાહ કરી શકાય. ઈનફેક્ટ, અમેરિકાએ પોતાની સ્વીચ સીસ્ટમ પર્મીસીવ એક્શન લિંક રશિયાને શેર કરેલી છે!

અમેરિકન બંધારણ મુજબ લશ્કરી દળોના સર્વોચ્ચ સરસેનાપતિ રાષ્ટ્ર પ્રમુખ છે. અણુયુદ્ધનો આખરી આદેશ રાષ્ટ્રપતિએ આપવાનો હોય. માટે યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થાય કે તરત જ વ્હાઇટ હાઉસમાંથી પ્રેસિડેન્ટને સ્પેશ્યલ એમના માટેના 'ક્રાઉન હેલો' હેલિકોપ્ટરમાં બેસાડી દેવાય. પછી નજીકના એન્ડ્રુઝ એરબેઝ પરના પેન્ટાગોન જેવા સંરક્ષણ મથક કરતાંય વધુ અભેદ એવા હવાઇ કિલ્લા સમાન વિમાન 'એરફોર્સ વન'માં પ્રમુખ આરૂઢ થાય અને ત્યાંથી અણુયુદ્ધનું સંચાલન કરે! માટે સ્તો ૧૧મી સપ્ટેમ્બરે વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પછી વ્હાઇટ હાઉસ અને એરફોર્સ વન જ ત્રાસવાદીઓના મનભાવન લક્ષ્યાંકો હતાં. થેન્ક ગોડ, એના પર હુમલાનો પ્લાન અસફળ રહ્યો!

મૂળ તો 'વ્હાઇટ હાઉસ' અમેરિકાના દરેક દુશ્મનનું પ્રાઇમ ટાર્ગેટ હોઇને જેમાં પ્રેસિડેન્ટ સફર કરે છે એ 'એરફોર્સ - વન'માંથી જ અણુયુઘ્ધનું સંચાલન કરવાનો પ્લાન પેન્ટાગોને ઘડી કાઢયો છે. 'એરફોર્સ વન' ૪૦ કરોડ ડોલર કરતા પણ વધુ ખર્ચે તૈયાર થતું યુ.એસ. પ્રેસિડેન્ટ માટેનું સ્પેશ્યલ બોઇંગ જમ્બો જેટ પ્લેન છે. આવા એક સરખા બે - પ્લેન ગમે ત્યારે ઉડાન માટે તૈયાર રાખવામાં આવે છે. પ્લેનની રોજીંદી જાળવણી જ પ્રતિદિન ૩ લાખ રૂપિયા માંગી લે છે. તેમાં ૧૨૦૦ કિલોવોટ વીજળી ઉત્પાદિત થાય અને હવામાં જ ઈંધણ ભરાતાં નોનસ્ટોપ ૧ દિવસથી પણ વધુ ઉડ્ડયન ચાલુ રહે તેવી સુવિધા છે. ફાઇવ સ્ટાર હોટલની જેમ સેંકડો ટેલિફોન્સ, મિની થિયેટર, ટી.વી. ચેનલ્સ, લકઝરિયસ કમરાઓ, મિની હોસ્પિટલ, દિવસોનો ખોરાક ભરાય તેવા ફ્રીજ ઇત્યાદિ એશો આરામ છે. પણ અણુયુઘ્ધના મુખ્યમથક તરીકે તેને પસંદ કરવાના કારણો ટેકનીકલ છે.

એ કારણો પહેલા એક મહત્વની વાત. ભૂલે ચૂકે પણ અમેરિકાના અણુબોમ્બ જમીન પર પટકાય કે કોઇ અજાણ્યાના હાથમાં આવી જાય, તો જલદી ફુટે તેમ નથી. એ પાછળનું કારણ 'પમસિવ એકશન લિન્ક' (પી.એ.એલ.) નામની દિવાસળીની પેટી સાઇઝની ટચુકડી સ્વીચ છે. દરેક આણવિક હથિયારમાં અમેરિકાએ બેસાડેલી આ સ્વીચને પ્રેસિડેન્ટનો સિક્રેટ કોડમાં અપાયેલો ફુટવાનો 'કમાન્ડ' જયાં સુધી 'કોમ્યુનિકેટ' ન થાય, ત્યાં સુધી બોમ્બ અને બંબામાં કશો ફેર નહીં.

ફ્રાન્સે એવી સીસ્ટમ વિકસાવી છે કે પ્રમુખ પોતાની ચાવી વડે સેન્ટ્રલ કોમ્પ્યુટર ડિજીટલી 'અનલોક' કરે, એ જ સમયે જે મથક, વિમાન કે જહાજમાં અણુશસ્ત્ર હોય તેના ઇન્ચાર્જ અધિકારી અને નાયબ અધિકારીએ જ સમયે પોતપોતાની 'કી' વડે બે અલગ - અલગ કોમ્પ્યુટર્સ 'અનલોક' કરવા પડે. એ બે કોમ્પ્યુટર પાછા એકબીજાથી એટલા દૂર તો હોય જ, કે ધારો તો પણ એક માણસ (માનો કે દુશ્મન ત્રાસવાદી) એ બેઉ 'ચાવી' ગુપચાવીને ન્યુકલીઅર વોર સ્ટાર્ટ ન કરી શકે. એ માટે એક સમયે, બે અલગ - અલગ લોકેશન પર, બે વ્યકિતએ જ એક સાથે કામ કરવું પડે!

અમેરિકા પી.એ.એલ.ને 'એકટિવ' કરવા માટેના ગુપ્ત ડિજીટલ કોડ એક પાતળી સિલ્વર બેગમાં રાખે છે, જેને 'ફૂટબોલ' કહેવાય છે. આ 'ફૂટબોલધારી' એવો સંરક્ષણખાતાનો માણસ કોઇ પણ સમયે પડછાયાની જેમ પ્રમુખની આસપાસ રહે છે. નિરીક્ષણ અને નસીબ સતેજ હોય તો તેની ઝલક હાલ રોજ ટી.વી. પર ટપકી પડતા ટ્રમ્પના ફીચર્સમાં અલપ - ઝલપ જોઇ શકો! આવી જ એક બીજી બેગ સંકટ સમયમાં કામ આવે માટે ગુપ્ત સ્થળે સંતાડી દેવાય છે. અમેરિકન બંધારણે જગતના કોઇ પણ દેશ કરતાં એડવાન્સ્ડ પ્લાનિંગ કરીને બંધારણીય રીતે જ ન કરે નારાયણને પ્રમુખને કંઇ થાય, તો તેમના પ્રેસિડેન્ટ પછી વાઇસ પ્રેસિડેન્ટ, પછી સેક્રેટરી ઓફ ડિફેન્સ વગેરે ૧૭ હોદ્દેદારોનો ક્રમ નક્કી કર્યો છે.

આ બધા એક સાથે કદી એક છત નીચે સાથે મળતા કે સફર કરતા નથી. એકને કશું થાય તો તરત જ અણુયુદ્ધ કરવાનો 'કંટ્રોલ' એના પછીના બંધારણીય ઓથોરિટી મુજબના અનુગામી પાસે આપમેળે ચાલ્યો જાય છે!

બેક ટુ 'એરફોર્સ વન'. આ હવાઇ જહાજને અણુયુદ્ધનો સંચાલક અડ્ડો બનાવવાનું એક કારણ એ કે કદાચ કોઇ લાદેન બ્રાન્ડ સરફિરાએ સામો અણુબોંબ ઝીંકયા હોય અને વોશિંગ્ટન ડી.સી. તથા પેન્ટાગોન તબાહ થઇ જાય, તો પણ અણુયુદ્ધનો અમેરિકન મોરચો યથાવત રહે! વળી આવો બ્લાસ્ટ થાય તેના વેવ્ઝને લીધે અમેરિકન જમીન પર આવેલા લશ્કરી મથકો તો કશો સંદેશો દુનિયામાં ફેલાયેલા પોતાના અણુશસ્ત્રો સુધી ટ્રાન્સમીટ કરી શકે નહીં. એરફોર્સ વન તો જમીનથી ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ ફૂટ ઉપર જઇ શકે છે. એ સુરક્ષા કવચથી રક્ષિત ગઢ છે. ૫૦થી ૬૦ જેટલા વાયરલેસ એન્ટેના અને જંગી ઇલેકટ્રોનિક કેબલ નેટવર્ક ધરાવતા આ પ્લેનમાંથી 'મિલસ્ટાર' નામના લશ્કરી અમેરિકન સેટેલાઇટસનો સંપર્ક સાધવો આસાન છે.

સેટેલાઇટના 'કુરિઅર' દ્વારા હુમલાની સાંકેતિક 'ટપાલ' વિવિધ સ્થળોએ અન્ડરગ્રાઉન્ડ ગોઠવેલા કે પ્લેન/ મિસાઇલ પર સજ્જ કરેલા અણુબોમ્બને નિશાન પર લગાવી દે છે! સુપર હાઇ ફ્રીકવન્સીના રેડિયો વેવ્ઝમાં અપાયેલો આ 'મારકણો મેસેજ' ઘોંઘાટને લીધે દુશ્મન માટે 'ટ્રેસ' કરીને ઉકેલવો અસંભવ છે. તો 'એરફોર્સ વન'ના છેડે ગોઠવાયેલ ૫,૦૦૦ ફુટ જેટલી લંબાઇના 'કોપર વાયર'ની કોઇલ (ગૂંચળું)ની મદદથી વેરી લો ફ્રીકવન્સીના રેડિયો વેવ્ઝ દુનિયાભરના સમુદ્રોમાં બિલ્લીપગે આંટાફેરા કરતી અમેરિકાની અણુબોંબથી સજજ સબમરીનને દરિયાના તળિયે 'મૈં તેરા ખૂન પી જાઉંગા'ની હાકલ પહોંચાડે છે.

'આક્રમણ'નો આ આદેશ આપવા માટે પ્રમુખની સાથે અમેરિકન લશ્કરની ત્રણે પાંખમાંથી કોઇનો એક જનરલ અથવા આ માટે જેને સ્પેશ્યલ ડયુટી સોંપાઇ હોય તેવો ટેકનોક્રેટ ઉચ્ચ અધિકારી મોજૂદ રહે છે. 'એરફોર્સ વન'ના કોન્ફરન્સ હોલમાં ગોઠવાયેલા વિડિયો સ્ક્રીન પર પ્રમુખનો નેશનલ સિકયુરિટી એડવાઇઝર યુદ્ધના તમામ વ્યૂહાત્મક પાસાઓની લેટેસ્ટ ખબર રાખે છે. જાસૂસોના અહેવાલો મેળવે છે. આ માટે નિષ્ણાંતોની અલાયદી ટીમ ખડે પગે હોય છે.

પછી સલાહ - મશ્વરાના દૌરને અંતે પ્રમુખ અણુયુદ્ધનું સિગ્નલ આપી શકે. 'એરફોર્સ વન'નો કમાન્ડર ઇન ચીફ અને અણુયુદ્ધ માટે એપોઇન્ટેડ સિનિયર લશ્કરી અફસર 'સી થ્રી સીસ્ટમ'ના મશીનમાં (ટ્રાન્સમીટરમાં) પોતાની 'ડિજીટલ કી' (પાસવર્ડ) તથા રીતસરની ચાવી ઘૂમાવી અને પ્રમુખના આદેશને 'કન્ફર્મ' કરે! જેથી ઉતાવળે કે અંગત ઉશ્કેરાટમાં પ્રમુખ પણ ઇચ્છે ત્યારે મનફાવે તેમ અણુબોમ્બ ન ઝીંકી શકે! પ્રમુખ આ પ્રક્રિયા શરૂ ન કરાવે, ત્યાં સુધી ઇચ્છે તો પણ કોઇ સ્પેસશટલ/ મિસાઇલ મથક/ સબમરીન/ ફાઇટર પ્લેનનો સંચાલક/ વડો/ કેપ્ટન/ પાયલોટ અણુબોમ્બનો એટેક ન કરી શકે!

આવી જગતજમાદારી કરનાર અમેરિકાના પ્રમુખ અમદાવાદ આવે એનો હરખ ગુજરાતીઓને તો હોય જ. પણ આવો દબદબો ભોગવનાર પ્રમુખો જયારે રિટાયર્ડ થાય ત્યારે સહજ સામાન્ય જિંદગી જીવે છે. અફ કોર્સ જૂરી સિક્યુરીટી હોય. પણ રોજીંદા કામ કરે. ચેરિટી વર્ક કરે. કિતાબો વાંચે ને લખે. પ્રવચન કરે. બિઝનેસ સંભાળે. અત્યારે ઓબામા, જ્યોર્જ બુશ, ક્લીન્ટન આ ત્રણે જીવે છે, પણ ખ્યાલ આવે છે? આ સાહજિકતા સત્તા છૂટયા પછીની આપણે ગળથૂથીમાં આપવાની જરૂર છે! અમેરિકા જેવો છે એવો પારદર્શક છે. ખુદની ખામીઓ વિષે ખુદ વાતો કરે છે. મીડિયા ફ્રી સ્પીચ આપે છે અને કોર્ટ ક્વિક જસ્ટિસ. અને વહેવારમાં એક જ ચાવી છે  : રિસ્પેકટ અધર્સ!

પણ સાથોસાથ પરીક્ષાની તૈયારી ચાલુ હશે ત્યારે અમેરિકન પ્રમુખ કેનેડીની હત્યા પછી રિડિઝાઈન થયેલી ખાસ બુલેટપ્રૂફ કાર બીસ્ટમાં અમદાવાદ ઉતરે, ત્યારે એટલું યાદ રાખવું - એમને સત્કારવા જે ગુજરાતી વડાપ્રધાન ઉભા હશે એમના વિઝા વર્ષો સુધી આ ભૂમિ પરથી જ અમેરિકાએ રિજેક્ટ કરેલા! અને આજે / નરેન્દ્ર મોદી એ જ ગુજરાતની ધરતી પર નમસ્તે ટ્રમ્પમાં બોલાવે તો ખરા અર્થમાં મોટેરાં કોણ થયા? માટે કોઈ પણ પડકારથી ડરવાને બદલે એને પગથિયું બનાવી ઉપર ચડતા જાવ એ જ આપણા માટે 'નમો'સ્તે  સુપરપાવર બનવાનો ગુરુમંત્ર! 

ફાસ્ટ ફોરવર્ડ

'કટોકટી તો કોઈ પણ જીરવી જાય, જે અમર્યાદ સત્તા જીરવી શકે એ સાચા. માણસના ચારિત્ર્યની ખરી કસોટી ત્યારે થાય. હું સારું કામ કરું અને મને અંદરથી સારું લાગે, ખરાબ કામ કરું અને અંદરથી ખરાબ લાગે , એ મારો ધર્મ છે.મહાસત્તાઓ બહારથી નહી, અંદરથી જ કાયમ તૂટે છે.' (અમેરિકાના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ પ્રમુખ ગણાતા અબ્રાહમ લિંકન)

Tags :