હોવું એટલે .

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- ટેબલ પર મારા નામનું એક પરબીડિયું પડેલું. હસ્તાક્ષર હતા મારા બાપુના, પણ તેમનું તો ચાળીસ વર્ષ પહેલાં અવસાન થયેલું. હું વિચારે ચડયો કે કદાચ- કશું નક્કી ન કહેવાય
'પરેશ જાણે ઠરી ગયો.વારંવાર એણે પોતાનો મોબાઈલ ચેક કર્યો, પણ એણે કરેલાં ફોન કોલની યાદીમાં એની માનો નંબર નહોતો. પણ એમ કેમ બને? હમણાં, હજી અડધા કલાક પહેલાં, ટ્રેઈનમાંથી નીકળી સ્ટેશનની બહાર આવતાં જ તો ફોન જોડી એણે માને પૂછયું હતું કે -શેરડીનો રસ જોઈએ છે કે? અને માએ ખુશ થઇ કહ્યું હતું- 'અરે વાહ! યાદ રાખ્યું તેં! લઇ આવજે .' રાજુ પટેલની વાર્તા 'હોવું એટલે'નો આરંભ આમ થાય છે.
વાર્તાનો સંક્ષેપ
પરેશ ઓફિસેથી આવતાં ક્યારેક માને ફોનથી પૂછી લેતો, 'રસ લેતો આવું?' પણ આજે તે વિમાસણમાં પડયો, મેં ફોન કેમ કર્યો? કારણ કે મા તો... ત્યાં ફોન રણક્યો. ધડકતે હૈયે જુએ તો મામાનો ફોન. તે બોલ્યા, 'માના અવસાનથી તું એકલો પડી ગયો હશે. હિંમત રાખજે.' તે રાતે પરેશને સરખી ઊંઘ ન આવી. સવારે નહાવા ગયો પણ ટુવાલ લીધા વિના. તેણે ટુવાલ આપવા માને સાદ કર્યો. બાથરૂમને બારણે ટકોરા પડયા. વેંતભર બારણું ખોલીને તેણે ટુવાલ લઈ લીધો. માએ ટકોર કરી, 'જાણતી જ હતી - હંમેશા ટુવાલ ભૂલી જાય છે.' ઓફિસે ચા પીતાં પરેશને આ કિસ્સો યાદ આવ્યો. મા નથી, તો ટુવાલ આપવા કોણ આવ્યું? પોતે તો સાવ એકલો રહે છે. એવામાં વચલી બહેનનો ફોન. 'માના ગયા પછી ત્રણ ત્રણ વાર યાદ કરાવ્યું- હવે તો એનો ફોટો આપતો જા!' તો શું માનો આત્મા ભટકે છે? પરેશ આત્મા-બાત્મામાં માનતો નહોતો. ઉત્તરક્રિયાને દિવસે સગાંસંબંધી રાહ જોતાં બેસી રહ્યાં અને પરેશ ગુમ. 'માને બહુ ભાવતાં એટલે અનાથાશ્રમમાં જલેબી-ગાંઠીયા ખવડાવી આવ્યો. થઈ ગઈ માની ઉત્તરક્રિયા.' એક દિવસ સોસાયટીની મીટિંગમાં ગપસપ ચાલતી હતી. પરેશે પેલા શેરડીવાળાના સ્વાદિષ્ટ રસનાં વખાણ કર્યાં. સેક્રેટરી બોલ્યો- 'સારો માણસ હતો. દોઢ મહિના પહેલાં બિચારો ટ્રક નીચે કચડાઈ મૂઓ.' પરેશ ગુમસુમ થઈ ગયો- મેં હમણાં જ તો એની પાસેથી રસ લીધો! શું લોકો અવસાન પામીને પણ મને દેખાયા કરે છે? પહેલાં મા અને હવે આ રસવાળો! ખાતરી કરવા તે સ્ટેશનની બહાર પીપળા હેઠળ આંટો મારી આવ્યો. શેરડીવાળો નહોતો. એને સ્થાને હતી પાણીની પરબ, જેની ઉપર દોઢ મહિના પહેલાંની બાંધકામની તારીખ ચીતરેલી હતી. પરેશે મન મક્કમ કરી લીધું. મરેલાં કદી પાછાં ન આવે.
એક સાંજે ઓફિસેથી ઘેર જતાં તેણે રસ્તો ઓળંગ્યો, પીપળા નીચે અંધારિયા ખૂણે જુએ તો પેલો જ શેરડી રસવાળો, પેલી જ રેંકડી. તેણે માને ફોન જોડયો, 'રસ લઇ આવું?' 'ઓહો ઘણા દિવસે યાદ આવ્યું!' પરેશે માનો સ્પષ્ટ અવાજ સાંભળ્યો, 'હા લઇ આવ.' કહી માએ ફોન મૂકી દીધો.
વાર્તા વિશે
મા પરેશના જીવનમાંથી ગઈ છતાં ગઈ નથી, લેખકના શબ્દોમાં કહીએ તો અતિથિ કલાકારની જેમ આવ-જા કરે છે. વારંવાર મા માટે શેરડીનો રસ લઈ જવાની આદત હોવાથી તેના ભણકારા વરતાય છે, વારંવાર ટુવાલ ભુલાતો હોવાથી માની ટકોર સંભળાય છે. ઘડીમાં વાસ્તવ, ઘડીમાં પરાવાસ્તવ. લેખકે બેય વિકલ્પો ખુલ્લા રાખ્યા હોવાથી રહસ્યમય કથારસ જળવાય છે. જ્યારે વાચકને ખાતરી થાય કે આ તો પરેશનો ભ્રમ હતો, તે માની લાગણીઓમાં તણાઈ ગયો હતો, તે જ ટાણે મૃત શેરડીવાળો જીવંત થઈને દેખા દે છે. આમ કોયડો વણઉકલ્યો રહી જાય છે. શીર્ષક આપણને પૂછે છે, હોવું એટલે શું? મા ન હોવા છતાં છે જ ને! વાર્તામાં આવા શબ્દો મળે છે : 'સોચમાં ડૂબેલો,' 'આત્મા-બાત્મામાં માનતો નહિ.' આ હિંદી પદાવલિ છે. વચ્ચે એવો પ્રસંગ આલેખાયો છે કે પરેશ ટીવી પર ફિલ્મ જોઈ રહ્યો છે. કોઈ સ્ત્રીનું ભૂત પતિ અને પુત્રીને હેરાન કરી રહ્યું છે. ત્રાસી ગયેલાં બાપ-દીકરી કોઈ વિધિથી ભૂતને હરાવી દે છે. ભૂત નિશ્ચેતન બનીને ઢળી પડે છે. આ જોઈને પરેશને રહસ્યની ચાવી મળી જાય છે. આ પ્રસંગ અનાવશ્યક અને આગંતુક લાગે છે. મા પરેશને કોઈ રીતે સતાવતી નથી : ટુવાલ લાવી દે છે, રસ લાવવાની સ્નેહપૂર્વક સંમતિ આપે છે. એને- ભલે કલ્પનામાં પણ- ભૂત કહી અપમાનિત કરવાની? હરાવીને નિશ્ચેતન કરવાની? આટલી નુકતેચીની બાદ કરતાં આ એક પ્રયોગશીલ મનોવૈજ્ઞાનિક વાર્તા તરીકે યાદ રહેશે.
રાજુ પટેલનું આ મહિનાની પાંચમીએ અવસાન થયું. વાર્તાના સામયિક 'વા રે વા'ના તેઓ સ્થાપક હતા. 'હોવું એટલે' વાર્તાના સંદર્ભે અમેરિકન કવિ માર્ક સ્ટ્રેન્ડની રચના વાંચીએ, જેનું શીર્ષક છે, 'એક અસાધારણ પત્રનું રહસ્યમય રીતે આવવું''
'દફ્તરમાં લાંબો સમય કામ કરીને હું થાક્યોપાક્યો ઘેર આવ્યો. બત્તીની ચાંપ દબાવીને જોઉં તો ટેબલ પર મારા નામનું એક પરબીડિયું પડેલું. હસ્તાક્ષર હતા મારા બાપુના, પણ તેમનું તો ચાળીસ વર્ષ પહેલાં અવસાન થયેલું. હું વિચારે ચડયો કે કદાચ- કશું નક્કી ન કહેવાય, પણ કદાચ- તેઓ જીવતા હશે અને ગુપ્ત રીતે રહેતા હશે, આસપાસમાં ક્યાંક. નહિતર આ પરબીડિયું આવ્યું ક્યાંથી? મારી જાતને સંભાળીને હું બેઠો, પરબીડિયું ખોલ્યું અને પત્ર સેરવ્યો બહાર. 'વહાલા દીકરા,' તેમાં લખેલું, 'વહાલા દીકરા,' બસ, આગળ કશું જ નહિ.'








