વારંવાર કરમાતાં ઇન્ડોર પ્લાન્ટ્સ અને મહિલાઓની હતાશા...!

- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- ઊનાળામાં ઘરનો બગીચો સાચવવો એક પડકાર છે. સ્નેક પ્લાન્ટ, એલોવેરા, મની પ્લાન્ટ અને ઝેડ પ્લાન્ટ ગરમી સામે ટકી શકે છે
ઊ નાળાની ગરમીમાં મોટે ભાગે ઘરમાં રહેતી મહિલા પોતાના ઇન્ડોર પ્લાન્ટને જોઈ તનાવમાં આવી જતી હોય છે. અનેક દિવસોથી જેની લગાતાર સંભાળ લેવામાં આવી હોય એ છોડના પાંદડાં પીળા-તપખીરી થઈ ખરવા માડે તો લાગણીઓ તો ઘવાય જ ને !
સૌથી પહેલાં તમે ચેક કરો કે તમારા ઘરના ગાર્ડનમાં ઊનાળાની ગરમી સહન કરી શકે એવા છોડ છે કે નહિ. સ્નેક પ્લાન્ટ, મની પ્લાન્ટ, એરીકા પામ, એલોવેરા અને રબર પ્લાન્ટ ગરમી સહન કરી ઘરને ઠંડક આપી શકે એવા પ્લાન્ટ છે.
છોડને તરોતાજા રાખવા માટે એમાં ક્યારે કેટલું પાણી અને ખાતર નાંખવું તેનું જ્ઞાન હોવું જરૂરી છે. દરેક છોડની પાણી સાચવવાની આદત જુદી જુદી હોય છે.આ પાંચ બેઝિક પ્લાન્ટથી વોટરિંગ ટેકનીક સમજો.
(૧) એરીકા પામ : આ છોડને પરાવર્તિત પ્રકાશ જોઈએ છે. તેનાં કૂંડાની માટી ભીની રહેલી જોઈએ અને પાણી નીકળી જવું જોઈએ. એરીકાના આકર્ષક પર્ણો હવામાં ભેજ છોડી ઘરને ઠંડુ રાખે છે.
(૨) સ્નેક પ્લાન્ટ : આ વનસ્પતિને ખૂબ ઓછું પાણી જોઈએ છે. ૧૦-૧૫ દિવસે તેને પાણી આપવું. સ્નેક પ્લાન્ટ ઊગાડવામાં કોઈ નિષ્ફળ જતું નથી. ગરમી સહન કરતાં અદ્ભુત પ્લાન્ટ એટલે સ્નેક પ્લાન્ટ.
(૩) મની પ્લાન્ટ : સુંદર લીલા પર્ણોવાળો આ પ્લાન્ટ અનેક ઘરોમાં હોય છે. શું આ પ્લાન્ટ ઊગાડવાથી ઘરમાં પૈસો આવે છે ? તમને કોઈ વૈજ્ઞાનિક રિપોર્ટ વાંચવા મળ્યો ? ઉત્તર ગમે તે હોય પણ તેના લીલા પર્ણો ખૂબ પ્રાણવાયુ છોડે છે. તેના કૂંડામાં ઉપરની માટી સુકાય ત્યારે જ પાણી આપવું.
(૪) એલોવેરા : એલોવેરા ઊગાડો ત્યારે તમારા બાળકને અને પાલતું ડૉગને તેનાથી દૂર રાખો. ટેરાકોટાના કૂંડામાં થોડા કેકટસ ઊગાડો. ૧૦-૧૨ દિવસે થોડું પાણી છાંટો. ત્વચાની સંભાળ માટે આ છોડના પર્ણોની બન્ને ધાર છોલી નાંખી થોડા સફેદ ટીપાં જવા દો. પછી છરી કે ચમચીથી જેલને ઊતારી તાત્કાલિક ઉપયોગમાં લો. તે એક સરસ પાચન-રસનું કામ કરે છે.
(૫) રબર પ્લાન્ટ : નામ વાંચતાં જ ખ્યાલ આવશે કે આ પ્લાન્ટના પર્ણો રબર જેવા પોચા હશે. થોડો પ્રકાશ અને આંતર દિવસે થોડું પાણીની ઇચ્છા રાખતો આ છોડ ઘરનું ઈન્ટીરીયર સુધારે છે પણ પર્ણો પર પાણી સ્પ્રે કરતાં રહેજો.
ઊનાળામાં સતત ઘરમાં રહી ચીમળાયેલા છોડ મહિલાઓને તનાવ આપે છે. આમેય ગરમીથી બગડતી ઊંઘ, કસરતનો અભાવ અને નબળી પાચનક્રિયા, મહિલાનો મૂડ બગાડે છે.
ઊનાળામાં બાળકો, મહેમાનો અને વેકેશનમાં ઘરે રહેતાં પતિદેવની સતત અપેક્ષા મહિલાના તનાવમાં વધારો કરે છે. ઊનાળાની ગરમી, વનસ્પતિને અને મહિલાઓને પરેશઆન કરતી રહે છે. થાક, પ્રવૃત્તિવિહીન કલાકો, ગાઢ નિદ્રાનો અભાવ અને લીલાછમ છોડની કરમાતી કાયા મહિલાઓની લાગણીને દુભાવે છે. ઉપાય ?
ખૂબ પાણી પીઓ. ઘરને ઠંડુ રાખો, બપોરે ઘરમાંથી બહાર ના નીકળો. હળવો વ્યાયામ અને ગાર્ડનની કાળજી લો. નર્સરીની મુલાકાત લો. અન્ય ગાર્ડન પ્રેમીનો સપોર્ટ લો. ચર્ચા કરો, એક્શન જરૂરી છે કલ્પનાઓ નહિ.








