Magazines

કંબોડિયા : પિગ બુચરિંગ સાઈબર સ્કેમનું ગ્લોબલ હબ

By GS TEAM
20 Jun 20266 mins read
કંબોડિયા : પિગ બુચરિંગ સાઈબર સ્કેમનું ગ્લોબલ હબ

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- છેલ્લાં છ-સાત માસમાં જ દક્ષિણ-પૂર્વના દેશોના સ્કેમર્સ ભારતને 7 હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવી ચૂક્યા છે. કંબોડિયાએ તો દેશ-વિદેશમાં તરખાટ મચાવી દીધો છે

પિ ગ બુચરિંગ પ્લેટ. ચીનના શા ઝુ ફાન વાક્યનો આ અંગ્રેજી અનુવાદ છે. પિગ ફાર્મિંગ દુનિયાનો દોઢ અબજ ડોલરનો ધંધો છે અને ચીનનો એમાં મોટો હિસ્સો છે. ડુક્કરને માંસ માટે કતલખાને મોકલવાના મહિનાઓ પહેલાંથી તેની ખૂબ સાર-સંભાળ રખાય છે. તેને જોઈએ એટલું ખવડાવવામાં આવે છે. એવું ચીનના પિગ ફાર્મર્સ ડુક્કર પર દયા ખાઈને નથી કરતા. એટલા માટે કરે છે કે ખાઈ-પીને તગડા થયેલા ડુક્કરના માંસથી તગડો ફાયદો મેળવી શકાય!

ગ્લોબલી પિગ ફાર્મિંગમાં આ જ ટેકનિક વપરાય છે. ડુક્કરને સારી રીતે ખવડાવી-પીવડાવીને ભરાવદાર કરવામાં આવે છે. એ માટે પહેલાં તો રોકાણ કરવું પડે. ડુક્કરને પાંચથી સાત મહિના સાચવીને ભરપેટ ખોરાક ખવડાવવો પડે. જતન કરવું પડે. ડુક્કર વ્યવસ્થિત ખાય તો શરીર તગડું બને ને પછી પાંચ-સાત મહિને સમય જોઈને કતલ કરી દેવામાં આવે છે. ડુક્કરને ભરાવદાર બનાવવા માટે જેટલું ઈન્વેસ્ટમેન્ટ કર્યું હોય એટલું જ તગડું વળતર પણ મળે છે.

બસ, અદ્લ આ જ ટેકનિક સાઈબર ક્રાઈમમાં પણ વપરાય છે. એને કહેવાય છે - પિગ બુચરિંગ સ્કેમ. ઈન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટજી ઓલમોસ્ટ સેમ છે અને રિઝલ્ટ પણ ઓલમોસ્ટ સેમ મળે છે. પિગ બુચરિંગ સ્કેમની બોટલમાં જે 'ડુક્કર'ને ઉતારવાનું નક્કી થાય તેની પાછળ સ્કેમર્સ ખાસ્સો સમય ફાળવે છે. શરૂઆતમાં રોકાણ કરાવીને વળતર પણ આપે છે. જરૂર પડયે ઈમોશનલ ઈન્વેસ્ટમેન્ટ પણ કરવામાં આવે છે. ભરોસો જીત્યા પછી એક દિવસ ઠંડા કલેજે કતલ કરી નાખવામાં આવે છે!

***

દરેકે દરેક શોધના ફાયદા છે એમ ગેરફાયદા પણ અનિવાર્ય રીતે હોય છે. વીજળીની શોધથી માનવજીવન બદલાયું, પણ એનાથી આજે પ્રકાશ પ્રદૂષણ તરખાટ મચાવે છે. મશીનોની શોધથી કામ આસાન બન્યું, પરંતુ આજે મશીનોના કારણે ઈન્ડસ્ટ્રીઅલ નોઈસ પોલ્યુશન બેકાબૂ બન્યું છે. મોબાઈલની શોધથી કોમ્યુનિકેશન બેહદ આસાન બન્યું, પરંતુ સ્માર્ટફોનના વળગણે કેટલીય શારીરિક-માનસિક વ્યાધિઓને નોતરું આપ્યું છે. કમ્પ્યુટર અને ઈન્ટરનેટની શોધથી કોર્પોરેટ ક્રાંતિ થઈ એમ એ જ રસ્તે હેકર્સ પેદા થયા.

ને એવું જ ડિજિટલ ક્રાંતિથી થયું છે. આપણે હજારો કિલોમીટર દૂર બેસીને હજારો-લાખોના આર્થિક વહીવટો ચંદ સેકન્ડમાં કરી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગ, સ્ટ્રીમિંગ, ઈ-ગવર્નન્સ, સોશિયલ નેટવર્કિંગ, કન્ટેન્ટ ક્રિએશનથી માંડીને ડિજિટલ ક્રાંતિના કારણે હેલ્થકેર, એજ્યુકેશનમાં સરળતા આવી છે, પણ તેની સામે સાઈબર ક્રાઈમ નામનો મહાવિલન પણ પેદા થયો છે. આ મહાવિલને આખી દુનિયામાં તરખાટ મચાવ્યો છે. એક વર્ષમાં જ ૧૫-૧૬ ટ્રિલિયન ડોલરની સાઈબર છેતરપિંડી થાય છે ને એમાં પિગ બુચરિંગ સાઈબર સ્કેમનો હિસ્સો છે - ૧૦ ટ્રિલિયન ડોલર.

બધા દેશોમાં આ પ્રકારની સાઈબર છેતરપિંડી થાય છે, પરંતુ છેલ્લાં ચાર વર્ષમાં કંબોડિયા પિગ બુચરિંગ સ્કેમ અને સાઈબર ફ્રોડનું એપી સેન્ટર બની ગયું છે. અમેરિકા-ચીન-ભારત સહિત કેટલાય દેશોના નાગરિકોને કંબોડિયા વર્ષે કરોડોનો ચુનો લગાવે છે. અમેરિકા-ચીન-ભારતની તપાસ એન્જસીઓના દબાણ પછી કંબોડિયાની સરકારે કરવા ખાતર કાર્યવાહી કરી, પણ સરકારની મીઠી નજરથી જ સાઈબર સ્કેમનો 'ધંધો' એકધારો તેજીમાં છે.

***

કોરોના મહામારી વખતે કંબોડિયામાં મોટાભાગના સેક્ટર્સને મરણતોલ ફટયો પડયો અને ટૂરિઝમનો ગ્રાફ તો સાવ ગગડી ગયો. ૨૦૧૯માં કંબોડિયાએ ટૂરિઝમમાંથી પાંચ અબજ ડોલરની કમાણી કરી હતી. પોસ્ટ કોવિડ આ આંકડો ૧ અબજ ડોલરે પહોંચી ગયો. સામાન્ય રીતે કંબોડિયામાં ૬૦-૭૦ લાખ વિદેશી પ્રવાસીઓ આવે છે. આ ટૂરિસ્ટના આધારે કંબોડિયાના કેટલાય શહેરોમાં ધંધા-રોજગાર ચાલે છે. હોટેલો-રેસ્ટોરન્ટ્સનો તો આધાર જ ટૂરિસ્ટ પર છે. ૨૦૨૦-૨૦૨૧માં ટૂરિઝમને ફટકો પડયો તેનો ફાયદો લઈને ખાલી પડેલી હોટેલ્સ અને કેસિનોને સ્કેમર્સે ઓનલાઈન ફ્રોડ સેન્ટર્સમાં ફેરવી દીધા. આ સ્કેમર્સ પહેલાં ચીનની સરહદેથી રેકેટ ચલાવતા હતા. તેમને કંબોડિયામાં મોકળું મેદાન મળ્યું. શરૂઆતમાં ચીનના સ્કેમર્સે સેન્ટર્સ બનાવ્યા ને પછી થાઈલેન્ડ, મ્યાંમારના સ્કેમર્સને પણ કંબોડિયા માફક આવી ગયું.

ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને આ સ્કેમર્સે ફંડ આપવાનું શરૂ કર્યું એટલે સરકારની રહેમથી જ દિવસ-રાત સેન્ટર્સ ધમધમવા લાગ્યા. પછી તો કંબોડિયા હ્મુમન ટ્રાફિકિંગનું પણ હબ બન્યું. યુનાઈટેડ નેશન્સે કહ્યું હતું કે કંબોડિયામાં અત્યારે સાઈબર સ્કેમ સેન્ટર્સમાં દોઢ લાખ વિદેશી નાગરિકોને ગોંધી રાખવામાં આવ્યા છે અને તેમની પાસે સાઈબર સ્કેમનું કામ કરાવાય છે. નોકરીની લાલચ આપીને કેટલાય વિદેશી નાગરિકોને કંબોડિયા લાવવામાં આવતા અને પછી પાસપોર્ટ જપ્ત કરીને આ સ્કેમ સેન્ટર્સમાં કામે વળગાડી દેવાતા. એમાં ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. ઘણાં પૈસા કમાવાના ઈરાદે સામે ચાલીને આ સેન્ટર્સમાં જવા લાગ્યા. એ રીતે કંબોડિયા ધીમે ધીમે ઈન્ટરનેશનલ સાઈબર ક્રાઈમનું એપી સેન્ટર બની ગયું.

આ રેકેટ પદ્ધતિસર ચાલે છે. જેને શિકાર બનાવવાના હોય છે એમનો બધો જ ડેટા એકઠો કરવામાં આવે છે. તેની સાથે ઓનલાઈન વાતચીત કરીને ભરોસો જીત્યા બાદ હળવેકથી થોડી રકમનું ઈન્વેસ્ટમેન્ટ કરાવવાનું કહેવામાં આવે છે. આ ઈન્વેસ્ટમેન્ટ મોસ્ટલી ક્રિપ્ટોમાં હોય છે. એકાદ-બે વખતના રોકાણનું ખૂબ સારું વળતર મળે છે એટલે રોકાણકારનો ભરોસો મજબૂત થાય છે. એ વધારે રકમ રોકવા તૈયાર થાય છે અને એની ક્ષમતા પ્રમાણેનું બધું જ રોકાણ કરી નાખે પછી એને ચુનો લગાવી દેવામાં આવે છે.

બધી મરણમૂડી રોક્યા પછી જ્યારે સાઈબર ક્રાઈમ પીડિતને જાણ થાય છે કે આખું નેટવર્ક જ ફેક હતું અને રોકાણની ચેનલ પણ નકલી હતી ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ જાય છે. આ રીતે કંબોડિયાના સ્કેમ સેન્ટર્સ ચીનથી લઈને ચિલી, કેનેડાથી કેમેરોન, અમેરિકાથી યુરોપ, ઈન્ડિયાથીે આયર્લેન્ડ સુધીના નાગરિકો સાથે પિગ બુચરિંગ સ્કેમ કરે છે. તેનો સ્કેલ એટલો મોટો છે કે કંબોડિયાની જીડીપીથી અડધી રકમ આ સ્કેમર્સ દર વર્ષે લૂંટે છે.

***

કંબોડિયાની જીડીપી ૫૦-૫૫ અબજ ડોલર છે. કંબોડિયામાં ચાલતા સ્કેમ સેન્ટર્સ દુનિયાભરના નાગરિકો સાથે વર્ષે ૨૩થી ૨૫ અબજ ડોલરની છેતરપિંડી કરે છે. એમાંથી ૧૯ અબજ ડોલર તો પિગ બુચરિંગ સ્કેમથી ઉચેટી લેવામાં આવે છે. અમેરિકાની સાઈબર સુરક્ષાની થિંક ટેંકે એવો અંદાજ રજૂ કર્યો હતો કે પાંચ વર્ષમાં એકલા અમેરિકાના નાગરિકો સાથે જ કંબોડિયામાંથી ૧૦ અબજ ડોલરથી વધુની છેતરપિંડી થઈ ચૂકી છે. ભારતીયો સાથે પણ છેતરપિંડીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લાં છ જ માસમાં કંબોડિયાના સ્કેમર્સ ભારતીયો સાથે ૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી ચૂક્યા છે. 

વિદેશ મંત્રાલયના એક એનાલિસિસમાં ચોંકાવનારો આંકડો સામે આવ્યો. દક્ષિણ-પૂર્વના દેશોમાં ચાલતા સ્કેમ સેન્ટર્સ દર મહિને ભારતીયો સાથે ૧૦૦૦ કરોડની છેતરપિંડી કરે છે. છેલ્લાં છ-સાત માસમાં જ દક્ષિણ-પૂર્વના દેશોના સ્કેમર્સ ભારતના ૭ હજાર કરોડ રૂપિયા તફડાવી ચૂક્યા છે. દેશમાં સાઈબર ક્રાઈમ અટકે તે માટે અસંખ્ય કેમ્પેઈન ચાલી રહ્યાં છે. દરરોજ આરોપીઓની ધરપકડ થતી રહે છે તે છતાં આ સાઈબર ક્રાઈમ ઘટવાને બદલે વધી રહ્યો છે. ભારત ડિજિટલ પેમેન્ટમાં પહેલા નંબરે છે. એ દેશની ઓળખ બની રહી છે, પણ એની જ ભયાવહ સાઈડઈફેક્ટ પણ જોવા મળી રહી છે. 

વેલ, ગોળ હોય ત્યાં માખીઓ આવે, પણ ગોળને માખીઓથી બચાવવાની જવાબદારી આપણી છે. પિગ બુચરિંગ પ્લેટ તૈયાર થતી હોય ત્યારે જ ચેતી જવું પડશે! 

પોણી દુનિયાને ઓનલાઈન ચુનો લગાડતા આ પાંચ દેશોના સ્કેમર્સ

દક્ષિણ-પૂર્વ એશિયા સાઈબર ક્રાઈમનું કેન્દ્ર છે. જેને મેકોંગ વિસ્તાર કહેવાય છે ત્યાં અત્યારે હજારો સાઈબર સ્કેમ સેન્ટર્સ ચાલી રહ્યાં છે. મેકોંગ રિજન એટલે ચીન, મ્યાંમાર, લાઓસ, થાઈલેન્ડ, કંબોડિયા અને વિએટનામ. આ દેશોમાંથી ચીન, કંબોડિયા, મ્યાંમાર અને થાઈલેન્ડમાંથી વર્ષે ૮થી ૯ ટ્રિલિયન ડોલર્સની સાઈબર છેતરપિંડી થાય છે. લગભગ સાડા ત્રણ લાખ વિદેશી નાગરિકોને એક નહીં તો બીજી રીતે આ વિસ્તારમાં ગોંધી રાખીને તેની પાસે સાઈબર સ્કેમનું કામ કરાવાઈ રહ્યું છે. આ દેશોમાં ચાલતા સાઈબર સ્કેમ સેન્ટર્સનું મુખ્ય ટાર્ગેટ પિગ બુચરિંગ છે. તે સિવાય ડિજિટલ અરેસ્ટ, ઓનલાઈન ગેમિંગ જેવી પદ્ધતિથી પણ કરોડો-અબજોની ઓનલાઈન છેતરપિંડી થાય છે.

ભારતના સિમકાર્ડ કંબોડિયા મોકલવાનું રેકેટ

કોચીના એક ૩૭ વર્ષના ડોક્ટરને મેટ્રીમોનિયલ વેબસાઈટમાંથી ફસાવાયા હતા. ૩૭ લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યા પછી જ્યારે ડોક્ટરને ખબર પડી કે એ પ્લેટફોર્મ જ નકલી હતું. આ ઘટનામાં કેરળના ૨૪ વર્ષના આરોપી અબ્દુલ રહેમાનની દિલ્હીમાંથી ધરપકડ થઈ હતી. એ પછી ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ થયો હતો. ઈડીએ ૨૩ લાખ શંકાસ્પદ સિમકાર્ડનું એનાલિસિસ કર્યું હતું. એમાંથી ૩૬ હજારનો ઉપયોગ કંબોડિયાના સાઈબર ક્રાઈમમાં થાય છે. ૫૩૦૦ સિમકાર્ડ તો ઓળખી કાઢ્યા છે, જે દેશની સાઈબર ક્રાઈમની ઘટનાઓમાં સંડોવાયેલા છે. ઈડીએ પંજાબ અને રાજસ્થાનના સાત સ્થળે દરોડાં પાડયા તો એમાં જણાયું કે ભારતમાંથી સિમકાર્ડ એક્ટિવ કરાવીને કંબોડિયા જેવા દેશોમાં મોકલવાનું કૌભાંડ પકડાયું હતું. તેનો અર્થ એવો થાય કે તમને ભારતીય નંબર્સમાંથી ફોન આવે તો પણ એ ફોન કંબોડિયામાંથી થયો હોઈ શકે છે.