Magazines

વાબી સાબી .

By GS TEAM
20 Jun 20269 mins read
વાબી સાબી                                                       .

- ભાવના પટેલ

- 'ધ્યાન રાખવા છતાંયે કંઈક આડુઅવળું થઈ જાય તો પછી એનો શોક કરવાનો ના હોય. એ નિર્મિત જ હતું, પોટની સાથે એ સબંધને પણ એટલું જ લાગે વળગે છે મીઠ્ઠું.'

'ડિ નરમાં શું બનાવું મીઠ્ઠું?' મિષ્ટીની સામે ટેબલ પર લંચબોક્સ અને પાણીની બોટલ મુકતા દુર્ગાએ પુછયું.

સામે લેપટોપ ખુલ્લું હતું અને મિષ્ટી લેપટોપની સ્ક્રીનને તાકી રહી હતી. એ પોતાના વિચારોમાં એટલી ગરકાવ હતી કે દુર્ગાનું ત્યાં આવવું કે એને કંઈ પૂછવું એમાંનું કશું જ એના મગજ સુધી પહોંચ્યું નહિ.

દુર્ગા થોડીક ક્ષણો દીકરીના મોં સામે જોઈ રહી. તાજા ખીલેલા પુષ્પ જેવી દીકરી સાવ કરમાઈ ગઈ હતી. દુર્ગાનો જીવ કપાઈ ગયો. તેણે હળવેથી મિષ્ટીના ખભા પર હાથ મુક્યો.

મિષ્ટી એકદમ ચોંકી ગઈ.'મીઠ્ઠું રાત્રે જમવાનું શું બનાવું?' દુર્ગાએે ફરી પોતાની વાત દોહરાવી.

'કંઈપણ' આમ કહીને તે ખુરશીમાંથી ઊભી થઈને લેપટોપ બંધ કરીને બધું ઓફિસ બેગમાં ભરવા લાગી.

'કાલે શનિવાર છે તો તારે રજા હશેને?' પ્રશાંતભાઈ ડ્રોઈંગરૂમમાં દાખલ થતા બોલ્યા.

'હં.' મિષ્ટીએ એકાક્ષરી જવાબ આપીને પોતાનું કામ ચાલુ રાખ્યું.

'મારા ગાર્ડનના બધા જ ફ્રેન્ડ્સ ધુરંધર જોઈ આવ્યા.' પ્રશાંતભાઈ સોફામાં બેસતા બોલ્યા.

'તો.'

'અરે, બધાએ જોઈ લીધું, આપણે પણ કાલે જોઈ આવીએને બધા કહેતા'તા કે બહુ જોરદાર મુવી છે.'

'તમે અને મમ્મી જઈ આવો, મને નહિ ફાવે. મારે કામ છે.' ખભે લેપટોપ બેગ ભેરવીને ડ્રોઈંગરૂમના પગથિયા ઉતરતા મિષ્ટી બોલી.

'રજાના દિવસે એવું તો શું કામ છે કે તારાથી ચાર કલાકેય ના કાઢી શકાય?' પ્રશાંતભાઈ થોડું અકળાઈને બોલ્યા.

'પપ્પા એકવાર કહ્યુંને મને નહીં ફાવે, તમે લોકો જઈ આવો.' મિષ્ટી પણ અકળાઈને બોલી.

'ટિકિટ પણ બુક થઈ ગઈ છે. પાંચસો રૂપિયા એમનેમ જવા દેવાના?' હવે પ્રશાંતભાઈ થોડા ગુસ્સાથી બોલ્યા.

'તમે મને પૂછીને ટિકિટ બુક કરાવેલી? મિષ્ટીએ પણ ગુસ્સાથી જવાબ આપ્યો. 

'કંઈ જ વાંધો નહિ મીઠ્ઠું, તારે બદલે કમળાબહેનને મૂવી જોવા લઈ જઈશું. તારા પપ્પાને બહુ જ મન થયેલું અને કેટલા બધા વખતથી આપણે સાથે મૂવી જોવા નથી ગયા તો સાથે જઈએ એવું વિચારીને ટિકિટ બુક કરાવવાનું મે જ કહેલું.

તારી નવી કંપની છે, નવો પ્રોજેક્ટ છે તો રજાના દિવસે પણ કામ હશે એવું મગજમાં ના આવ્યું બેટા. અમે રિટાયર્ડ થઈ ગયા એટલે તારા કામનું ધ્યાન ના રહ્યું મીઠ્ઠું.' રસોડામાંથી ઉતાવળે પગલે આવતા દુર્ગાએ સાવ સાહજિકતાથી ઝઘડાનું નિરાકરણ લાવી દીધું.

મિષ્ટીના ગયા પછી પ્રશાંતભાઈનું બોઇલર ફાટયું, 'તું કાયમ એની હામાં હા કર્યે રાખે છે, એમા જ એ બગડી છે. ક્યાં સુધી એ પરિસ્થિતિથી ભાગશે?

એણે હવે સ્વીકારી લેવું પડે કે એણે સાવ નક્કામા અને મક્કાર છોકરાને પસંદ કરીને પોતાના પગ પર જાતે જ કુહાડો માર્યો છે.

ના પાડેલી મે, ચોખ્ખી ના પાડેલી કે એ મૂફલિસ તારે લાયક નથી. પણ ના, મારું સાંભળે કોણ? દલીલ શું કરેલી આપની લાડકીએ? આરવ, જેનો અર્થ જ શાંત થાય છે. નામથી જ નહિ એ સ્વભાવથી પણ એટલો જ શાંત છે. મારા જેવી તોફાની, ઉડઝુડિયણને આવો જ છોકરો ચાલે.' પ્રશાંતભાઈ મિષ્ટીના ચાળા પાડતા બોલ્યા.

દુર્ગા કંઈ જ બોલ્યા વગર ત્યાંથી રસોડામાં જઈને પોતાનું કામ કરવા લાગી. પ્રશાંતભાઈની વાત હજુ પૂરી નહોતી થઈ એટલે એ પણ દુર્ગાની પાછળ રસોડામાં ગયા અને પોતાની વાત આગળ વધારી. 'કામ શું કરે છે એવું કોઈ પૂછે તો જવાબ આપતા યે આપણને સંકોચ થાય. આડાઅવળા ચિતરડા દોરીને પોતાની જાતને મોડર્ન આર્ટીસ્ટ કહે છે બોલો!

પાંચ આંકડાના પગારવાળી સોફ્ટવેર એન્જિનિયર છોકરી આવો મૂફલિસ છોકરો પસંદ કરે ખરી? એનું તો હજુયે સમજાય કે એ બાળકબુદ્ધિ હતી પણ  દુર્ગાદેવી તમે પોતે પણ મને સપોર્ટ આપવાની જગ્યાએ એના પલ્લામાં જઈને બેસી ગયેલા, યાદ છે કે નહિ?

મારા આખા સર્કલમાં હો-હા થઈ ગયેલી. મને કેટલા બધાએ કહેલું કે પ્રશાંત તુ ગાંડો થઈ ગયો છે? આવા છોકરા જોડે દીકરીના લગ્ન કરાવાય? બધાને કેમ સમજાવું કે હું ગાંડો નથી થયો, મારી બૈરી ને મારી છોકરી ગાંડા થઈ ગયા છે એની ઉપર!

એ ગાંડપણનું ભૂત ઉતરી ગયું ને? મને તો ત્યારે જ ખબર હતી કે આ સંઘ કાશીએ પહોંચવાનો નથી. તારી છોકરી અદ્દલ તારા જેવી જ છે.

આ મૂવીનો આઈડિયા પણ તારો જ હતોને? થયું શું? હવે હું ક્યાંય માથું મારવાનો નથી. એમ પણ તમારે બેયને જે કરવું હોય છે એ જ તો કરતા હો છોને. આ બધી બબાલોમાં મારું બી.પી. હાઈ થઈ ગયું છે.' બધી ભડાસ કાઢીને પ્રશાંતભાઈ પણ ઘરમાંથી બહાર નીકળી ગયાં.

પછી તો આવી ઘટનાઓની હારમાળા ચાલી. નવરાત્રી વખતે અંબાજી દર્શન કરવા જઈએ? ના, મારે કામ છે. દિવાળી પર ફરવા જઇએ? ના, મારે કામ છે. ઉતરાણ પર સીટીમાં ધાબે જઈએ? ના, મારે કામ છે. એના ફેવરિટ ફેસ્ટિવલ ધૂળેટીના દિવસે પણ એ ઘરની બહારના જ નીકળી.

દરેક બનાવ વખતે ઘરનું વાતાવરણ તંગ થઈ જતું. બાપ અને દીકરી વચ્ચે દુર્ગા કાયમ બફર ઝોન બનીને ઉભી રહેતી કે જેથી બંને વચ્ચે સીધો ટકરાવ ના થાય.

મિષ્ટીનું મગજ માના આવા દરેક પ્રયાસની નોંધ લેતું.

દુર્ગા જાણતી હતી કે, પ્રશાંત મિષ્ટીને પોતાના જેટલો જ પ્રેમ કરતો હતો અને એટલે જ એ ઇચ્છતો હતો કે મિષ્ટી આ દુ:ખમાંથી બહાર નીકળે. સાથે એ મિષ્ટીની વિવશતા પણ સમજતી હતી.

રંગોથી ભરપૂર, આનંદથી ભરપૂર એક પતંગિયા જેવી છોકરીનું દિલ તૂટે ત્યારે શું થાય? એ વાત દુર્ગા સારી રીતે જાણતી હતી.

બંનેની વાત, પરિસ્થિતિ સમજતી હોવા છતાં દુર્ગાને નહોતું સમજાતુ કે એ શું કરે?

એક શનિવારે સવારે મિષ્ટી ડાઇનિંગ ટેબલ પર પોતાનું કામ કરી રહી હતી, પ્રશાંતભાઈ ન્યુઝ પેપર વાંચી રહ્યા હતા અને દુર્ગા ઘરમાં સાફસુફી કરી રહી હતી.

દુર્ગાને એન્ટિક વસ્તુઓ ભેગી કરવાનો અનહદ શોખ હતો. દર વીકએન્ડમાં એ જાતે એ બધાની સાફસૂફ કરતી.

કપડાંથી સાફ કરતા  દુર્ગાએ સિરામિકના પોટને જોઈ રહી. મિષ્ટી અને આરવ હનીમૂન માટે જાપાન ગયેલા ત્યારે ત્યાંથી લાવેલા. બહુ જ સુંદર પોટ હતો. પોટની ચોતરફ બારીક નકશીકામ કરેલું હતું અને તેમાં રંગબેરંગી લાખ ભરેલી હતી. મિષ્ટી અને આરવે આ પોટ ગિફ્ટ આપ્યો ત્યારની ઘટના એને યાદ આવી ગઈ અને અચાનક જ એનું ધ્યાન મિષ્ટી તરફ ગયું, એ સાથે જ એના હાથમાંથી પોટ લસર્યો.

દુર્ગાનું શરીર પ્રતિક્રિયા કરવામાં એક સેકન્ડ મોડું પડયું. તે પોતાનો પગ ખસેડી લે એ પહેલા પોટ એના પગના પંજા પર પડયો પછી જમીન પર પડયો. જમીન પર ગાલીચો પાથરેલો હતો.

પહેલા પંજા પર પછી ગાલીચા પર પડવાને લીધે પોટ આખો તૂટવાને બદલે, જે બાજુ નીચે પછડાયો એ બાજુનો એક ટુકડો જ તૂટયો.

પગ પર વજનદાર પોટ પડતાની સાથે જ દુર્ગા ચીસ પાડીને નીચે બેસી પડી. એના જમણા પગની આંગળીઓ છુંદાઈ ગઈ હતી અને ત્યાંથી લોહી વહી રહ્યું હતું.

દુર્ગાની ચીસ સાથે જ મિષ્ટી અને પ્રશાંતભાઈ દોડતા ત્યાં આવ્યા. મિષ્ટીએ દુર્ગાના પગની આંગળીઓની હાલત જોઈ અને દોડતી બેડરૂમમાંથી ફર્સ્ટએડ કીટ લઈ આવીને એણે રૂના મોટા પેલથી આંગળીઓને લપેટતા બોલી 'પપ્પા જલ્દી ગાડી કાઢો, મમ્મીને ડોક્ટર પાસે લઈ જવી પડશે.'

પ્રશાંતભાઈના મોંમાંથી નીકળી ગયું, 'ધ્યાન રખાયને પણ.'

એવું સાંભળતા જ મિષ્ટી ગુસ્સે થતા બોલી 'પપ્પા, કોઈને શોખ ના હોય પોતાની આંગળીઓ તોડવાનો. ધ્યાન રાખવા છતાંયે એવું થાય તો એમાં એનો વાંક ના કઢાય.'

દુર્ગાની આંગળીઓ પર સ્ટીચ લેવા પડયા અને પગના પંજાના હાડકામાં તિરાડ પડવાથી ત્યાં પ્લાસ્ટર કરવું પડયું.

દવાખાનેથી ઘરે આવતા રસ્તામાં દુર્ગાબહેન બોલ્યા 'મારા હાથે ક્યારેય કોઈ વસ્તુ નથી તૂટી, આવું પહેલીવાર થયું.'

એવું સાંભળતા જ મિષ્ટી ગુસ્સે થઈને બોલી 'ખરા છો તમે બંને! એક કહે છે કે ધ્યાન રખાયને અને બીજું કહે છે કે આવું પહેલી વાર થયું!

જિંદગીમાં ઘણુંબધું પહેલી વાર થતું હોય છે. જે નિર્મિત હોય છે તે થઈને જ રહે છે. એનો શોક થોડો કરવાનો હોય?'

પગના પ્લાસ્ટરને લીધે દુર્ગાબહેન વ્હીલચેરમાં ફરતા. તે ડ્રોઈંગરૂમના પગથિયાં આગળ વ્હીલચેરમાં બેસીને ન્યુઝપેપર વાંચી રહ્યા હતા. મિષ્ટી પોતાના રૂમમાંથી બહાર આવીને પહેલા મંદિરમાં જઈને ભગવાનને પગે લાગી પછી મમ્મીને પગે લાગી.

'જન્મદિવસની ખૂબ-ખૂબ-ખૂબ શુભેચ્છાઓ મીઠ્ઠું, ભગવાન તને અઢળક સુખ આપે અને સાથે એ સુખને ઓળખવાની સમજણ આપે.' વાંકી વળેલી મિષ્ટીના કપાળ પર ચુંબન કરતા દુર્ગાબહેન બોલ્યા. પછી મિષ્ટીનો હાથ પકડીને એને પોતાની નજીક ડ્રોઈંગના પગથિયા પર બેસાડી.

'મીઠ્ઠું તારે બર્થ ડે ગિફ્ટમાં શું જોઈએ છે એ તે ના કહ્યું એટલે મેં મારી જાતે જ ગિફ્ટ નક્કી કરી લીધી. જો સામે પડી છે.' આમ કહીને દુર્ગાએ પોતાની આંગળી એ ગિફ્ટની દિશામાં કરી.

મિષ્ટીએ આંગળીની દિશામાં નજર કરી. એને જોતા જ એણે ચોંકીને દુર્ગાબહેનને પૂછયું 'અરે! આ પોટ તો તૂટી ગયેલો ને?'

'હા બેટા એ તૂટી ગયેલો, પણ હવે એ તૂટેલો નથી. આખો છે. એની ખાસ વાત શું છે ખબર છે? એ જ્યાંથી તૂટી ગયેલોને એ જ ભાગ અત્યારે એની ખૂબસુરતી વધારી રહ્યો છે. ધ્યાનથી જો.' 

મિષ્ટી ઊભી થઈને પોટ નજીક ગઈ અને એનું નિરીક્ષણ કરવા લાગી. મમ્મીની વાત એકદમ સાચી હતી! જે ટુકડો તૂટી ગયેલો એ ટુકડાને પોટ સાથે સોનેરી લાખથી લગાવવામાં આવ્યો હતો. તિરાડોની જગ્યાએ સોના મિશ્રિત લાખ ભરી દેવામાં આવી હતી. 

તિરાડની આજુબાજુના નકશીકામમાં લગાવેલી રંગબેરંગી લાખની સાથે આ સોના મિશ્રિત લાખ એકરૂપ થઈને ભળી ગઈ હતી! એટલું જ નહી, એને લીધે પોટ પહેલા કરતા પણ વધારે સુંદર લાગતો હતો. મમ્મીની વાત સાચી હતી, એ તૂટી ગયેલો ભાગ જ અત્યારે એની ખૂબસુરતી વધારી રહ્યો હતો!

દુર્ગાએ ઇશારાથી મિષ્ટીને પોતાની પાસે બોલાવી અને એનો હાથ પકડીને એને પગથિયા પર પોતાની સામે બેસાડી. મિષ્ટીની નજર હજુયે પેલા પોટ પર જ હતી.

'મને વાગેલું ત્યારે તું બોલેલી, કોઈને શોખ ના હોય પોતાની આંગળીઓ તોડવાનો, ધ્યાન રાખવા છતાંયે એવું થાય તો એમાં એનો વાંક ના કઢાય.

આંગળીઓ તોડવાનો શોખ ના હોય તો જીવનને તોડી નાખવાનો શોખ હોવો જોઈએ ખરો? જીવન તો આંગળીઓ કરતા ક્યાંય વધારે મૂલ્યવાન છે.

ધ્યાન રાખવા છતાંયે કંઈક આડુઅવળું થઈ જાય તો પછી એનો શોક કરવાનો ના હોય. એ નિર્મિત જ હતું, થવાનું જ હતું. પોટની સાથે એ સબંધને પણ એટલું જ લાગે વળગે છે મીઠ્ઠું.' દુર્ગાબહેને મિષ્ટીએ કહેલી વાતને જ સંદર્ભ બનાવીને એની સામે રજૂ કરી દીધી. 

'તૂટયા પછી થોડા પ્રયત્નથી વસ્તુ સુંદર દેખાઈ શકે એવી બની શકતી હોય તો જીવન શું કામ સુંદર ના બની શકે?

જીવન ક્યારેય પૂર્ણ હોતું જ નથી, આપણે વિચાર્યું હોય એવું બનતું નથી. જે પણ બને છે એ પહેલાથી જ નિર્મિત હોય છે તો પછી એનો સ્વીકાર કરવામાં ખચકાટશું કામ? અફસોસ શું કામ?

કોઈ સંપૂર્ણ નથી, અપૂર્ણતામાં જ સૌંદર્ય શોધવું એ એક કળા છે, જીવનદર્શન છે. આ પોટ જ્યાંથી લાવી છે ત્યાં જાપાનમાં એને વાબી-સાબી કહે છે. એ અપૂર્ણતાનો સ્વીકાર કરીને એને આવો સોનેરી સાંધો કરીને એને હાઈલાઈટ કરવી એને કિંત્સુંગી કહે છે. 

વસ્તુઓમાં કિંત્સુંગી કરી શકાય તો સંબંધોમાં કેમ નહિ? તું ખરાબ નથી, તો આરવ પણ ખરાબ નથી જ. તારી અને આરવની અપુર્ણતાને વાબી-સાબી અપનાવીને સમજણનો સોનેરી સાંધો કરી શકાય.

પછી તમારું એ કિંત્સુંગી પણ આ પોટના કિંત્સુંગીની જેમ જ ચમકી ઉઠશે જોજે અને તમારો સંબંધ પણ પહેલા કરતા વધારે સુંદર લાગશે, આ પોટની જેમ જ. એ માટે પ્રયત્ન કરીશને મીઠ્ઠું?'

મિષ્ટીએ માના ખોળામાં માથું નાંખી દીધું, દુર્ગાબહેન એના માથે વહાલથી હાથ પસવારવા માંડયાં.

ઘરના દરવાજે ઉભા રહીને બધું સાંભળી રહેલા પ્રશાંતભાઈના મગજમાં અચાનક જ દુર્ગાબહેને પ્રશાંતભાઈની જિંદગીમાં કરેલું અનેક વાબી-સાબી અને કિંત્સુંગી યાદ આવવા લાગ્યું. હવે મીઠ્ઠુંના જીવનમાં પણ વાબી-સાબી અને કિંત્સુંગી હશે જ, કારણ કે એની છોકરી એના જેવી જ છે!' આમ મનોમન બોલતા એની આંખોમાંથી બે બુંદ બહાર છલકાઈ આવ્યા.